- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
અતિ પ્રાચીનકાળમાં આ પૃથ્વી એ માત્ર ભોગભૂમિ હતી, એને રાજા ઋષભદેવે કર્મભૂમિ બનાવી. અસિ, મસિ અને કૃષિ દ્વારા નવા સંદેશ આપ્યો. રાજ્યવ્યવસ્થાનું આયોજન કર્યું અને પછી એમણે જગતને કર્મથી યે ઊંચા એવા ત્યાગની સમજ આપવા માટે એને ત્યાગભૂમિ બનાવવાનો નિર્ધાર કર્યો. એ સર્વસ્વ ત્યાગીને નીકળ્યા અને જગતે પહેલી જ વાર આવો અપ્રતિમ અને સંપૂર્ણ ત્યાગ જોયો.
એમની સાથે કેટલાક રાજાઓ પણ ત્યાગી બન્યા, પણ પૃથ્વીરાજ એવા ત્યાગી ઋષભદેવ કોઈની સેવા લેતા નથી અને સતત તપ કરે છે, વિહાર કરે છે અને મૌનવ્રતનું પાલન કરે છે. એમની સાથે આવેલા રાજાઓને આ સઘળું અતિ મુશ્કેલ લાગતા એમણે વિચાર કર્યો કે આપણે સાચો ત્યાગ કર્યો છે, માટે હવે સ્વજનોની પાસે પાછા જઈશું નહીં, કદી કશી યાચના કરીશું નહીં, જરૂર હોય તેનાથી વધુ કશું લઈશું નહીં. એ સાચું કે ત્યાગી ઋષભદેવ ભોજન લેતા નથી તો આપણે અલ્પ ખાઈશું, નિદ્રા લેતા નથી તો આપણે અલ્પ નિદ્રા કરીશું, પણ હવે તપ અને મૌન સાથે આ લાંબો વિહાર રાજાઓને કઠિન લાગવા માંડયો અને તેથી એમણે ગંગાના કિનારે સ્થિર વસવાટ કરવાનું નક્કી કર્યું.
રાજા ઋષભદેવે ત્યાગ કર્યો અને ત્યાગી ઋષભદેવ બન્યા એ દિવસથી જ માતા મરુદેવા અસ્વસ્થ બની ગયાં હતાં. કોઈ એમની પાસે એમના પુત્ર ઋષભદેવની વાત કરતું, તો એમની આંખમાંથી બોર બોર જેવડાં આંસુ ઢળી પડતાં. લાંબા રુદનને કારણે હવે આંસુ પણ ખૂટયાં હતાં અને લોચન પણ ઝંખવાયા હતા. દેહ તો હાડપિંજર જેવો બની ગયો હતો. પ્રાતઃકાળે રાજા ભરતદેવ નમસ્કાર કરવા જતા, ત્યારે મરુદેવા વિલાપ કરતાં કહેતાં ઃ
'ભરત ! મારો પુત્ર મને, સુમંગલાને, પ્રજાને, રાજલક્ષ્મીને - સર્વસ્વને છોડીને ચાલ્યો ગયો અને વનવાસી બની ગયો. આવું થયું તોય મને મૃત્યુ ન આવ્યું. ભરત, તું પુરુષ છે, માતા નથી. પુત્ર માટેનો માતાનો વલવલાટ તું શું જાણે ? અરે, મારો વૃષભ, ઐરાવતનો અવતાર, આજ પગપાળા ક્યાં ક્યાં ઘૂમતો હશે ? અરે, એક ડાંસ (મચ્છર) માત્રથી જેની નિદ્રા તૂટી જતી હતી, એ ડાંસને માખીઓના ઝુંડ વચ્ચે કઈ રીતે સૂતો હશે. અરે ! પદ્મખંડ જેવો કોમળ એ વર્ષાનાં વાવાઝોડાં કઈ રીતે સહતો હશે ? અરે, માલતીની ગુચ્છ જેવો એ હેમંતના હિમપાત કેમ વેઠતો હશે ? વનવાસી હસ્તીના જેવો એ ઉનાળામાં જળ વિના કેમ જીવતો હશે ? ભરત, મારો પુત્ર આશ્રયહીન બની, અન્નહીન બની, સામાન્ય જનની જેમ વનજંગલોમાં ભટકે છે, ને તું અહી ંરાજપ્રસાદોમાં મજા કરે છે ! તેં કોઈ દિવસ એની ખબર જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?'
ત્રણ સંતાનની માતાને એક પુત્રએ કહ્યું ઃ 'માતા ! અમે ત્રણ ભાઈઓએ તને જાળવીને રાખવાનું વિચાર્યું છે. અઠવાડિયાના છ દિવસની ગોઠવણ થઈ ગઈ છે. દરેકને ભાગે બે દિવસ આવશે. પણ રવિવારના દિવસનો સવાલ ઊભો છે !' રવિવારે તારે માટે શું કરવું અને તને ક્યાં રાખવી એ અમને સમજાતું નથી ?
માતાએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, 'એક માતા એના નાના ઘરમાં ત્રણ સંતાનોને જાળવી શકે છે. પણ ત્રણ સંતાનો એમના બંગલામાં એક માતાને રાખી શકતા નથી. ખરું ને !'
માતાના આ શબ્દોએ આ સમસ્યાથી સ્ટ્રેસ ઉદ્ભવતા દીકરાને ગુસ્સે કરી મૂક્યો. એણે કહ્યું, 'તેં અમને મોટાં કરીને ઘણો મોટો ઉપકાર કર્યો છે, તેમ માને છે ને ? આઈ વિલ પે યૂ બેક, મારી પાછળ તેં જેટલો ખર્ચો કર્યો હશે, તેની પાઈએ પાઈ વ્યાજ સાથે તને ચૂકતે કરી દઈશ. કહે, મારા શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કર્યો ? મારા ભોજનના કેટલા થયા ? કેટલા મારી હેલ્થ પાછળ વાપર્યાં. બોલ ?'
'બેટા ! માતાની મમતાનું ગણિત ન હોય. એની લાગણીના સરવાળા-બાદબાકી ન થાય, છતાં તું કહે તો લખાવું કહે, ક્યાંથી લખાવું ?'
પુત્રએ કહ્યું, 'ક્યાંથી એટલે ? મારા જન્મથી માંડીને અત્યાર સુધીનું બધું લખાવી દે ! એટલે વાત હંમેશને માટે પૂરી થાય.'
માતાએ કહ્યું, 'બેટા, હું પ્રેગનન્ટ હતી ત્યારે ખૂબ જાળવીને જીવતી, હરવા-ફરવામાં પગલે પગલે ધ્યાન રાખતી, ખાવાનું સાવ સાદું. કહે, એ 'હેલ્થ કેર'ના કેટલા લખું ? એ પછી મારા દૂધની પ્રાઈઝ શું લખીશું ? એ હરખનાં આંસુએ મારો દેહ પ્રફુલ્લિત થયો. એ આંસુની ધારાને તું તારા કેલ્ક્યુલેટર પર ગણી શકીશ ? માના એ એક આંસુની કિંમત કેટલી ગણીશ, બેટા !'
'તને એકવાર ટાઈફોઈડ થયો ! રાતોની રાત તારી પાસે જાગતી બેસી રહી, આ હાથથી પોતાં મૂકતી અને હૃદયથી પ્રભુને પ્રાર્થના કરતી કે હે ઇશ્વર ! મારા દીકરીને જલદી સાજો કરજે ! કહે, એ રાતોનાં ઉજાગરા અને ઇશ્વરને કરેલી આજીજીની કિંમત કેટલી ગણીશ તું ?'
દીકરો સહી ન શક્યો. કહ્યું, 'મા, બસ, રહેવા દે !'
'બેટા હજી સાંભળ, તારી લાત ખાધી, તો ય હસતી રહી. તેં ગુસ્સો કર્યો, તો ય શાંત રહી. તારી પળેપળ સુખી થાય તે માટે મારી જિંદગી અર્પી દીધી. તારા આનંદને માટે દુઃખોનાં ડુંગરા વિસારે પાડયા, તારી ફરિયાદ સામે સજા કરવા ઊભા થયેલા તારા પિતાનો ક્રોધ સહન કરીને તને નિર્દોષ ઠેરવ્યો. બેટા ! મેં જમી લીધું છે, એમ કહી હું ભૂખી રહી અને તને ભરપેટ જમાડીને આનંદ પામી. કહે, એ ભૂખ્યા રહેવાની કિંમત તારા કમ્પ્યૂટર પર કેટલી આંકીશ ?'
પુત્રનો રોષ ઓગળી ગયો. માતાના ખભે માથું નાખી દીધું અને ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડવા લાગ્યો. બોલ્યો, 'માતા, મને માફ કર. મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું. માતા, મને મારી ભૂલ બદલ તમાચો માર !'
માતાનો વહાલસોયો હાથ દીકરાના ગાલ અને માથા પર ફરી રહ્યો.
માતા મરુદેવા ત્યાગી ઋષભની વિદાયથી અત્યંત અકળાયેલાં હતાં. એ જોઈને રાજા ભરત મરુદેવાને કહે છે, 'માતા ! સાગરનો તરનાર જેમ કંઠે વળગેલ શિલાનો ત્યાગ કરે, એમ એમણેઆપણો ત્યાગ કર્યો છે. વ્રજના સારરૂપ મારા પિતા ઋષભદેવના આપ જનની છો; ધૈર્યના ડુંગર મારા પિતાજીનાં આપ માતા છો. આવાં આક્રંદ આપને ન શોભે ! પિતાજી યોગ્ય કાળે અહીં આવશે, એવી મને શ્રદ્ધા છે.'
ભરતના આ શબ્દોથી માતા મરુદેવા ક્ષણિક આશ્વાસન પામતાં.
એવામાં આનંદનો એક સંદેશો આવ્યો, 'જય હો મહારાજ ભરતદેવનો ! હર્ષનો આ સંદેશો છે ઃ પૃથ્વીનાથ ઋષભદેવ વનવન ફરતા શાખાનગર પુરિમતાલના શકટાનન નામના ઉદ્યાનમાં પધાર્યા છે. જંગલને મંગલ બનાવનાર પ્રભુ વટવૃક્ષ નીચે બિરાજ્યા છે. કહેવાય છે કે જ્ઞાન માટે તેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો, એ એમને પ્રાપ્ત થયું છે. ને અયોધ્યાના ત્યાગ વખતે સ્વીકારેલું મૌન તોડીને આજે સ્વામી ઋષભદેવ સ્વમુખે ઉપદેશ આપવાના છે. શું દિવ્ય જ્યોતિ છે ?'
'ધન્ય, ધન્ય ! માતાજી, પૃથ્વીનાથ પધાર્યા છે, ચાલો દર્શને !'
'પુત્ર, તૈયાર છું. પણ મારી આંખો, આ પડળ !' મરુદેવાએ જોરથી આંખોને ખેંચતાં કહ્યું.
ભરતરાજે કહ્યું, 'અદ્ભુત જ્યોતિને નીરખવા માટે આ આંખો વ્યર્થ છે; ત્યાં તો અંતરની જ્યોતિની જરૂર છે.'
(ક્રમશઃ)


