- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
મોતીશા શેઠનો લાખોનો માલ લઈને એક વહાણ ચીનની સફરે ગયું હતું. મોતીશા શેઠને એ ફિકર હતી કે જો વહાણના માલને કંઈ થશે તો મોટી આપત્તિ આવશે, પરંતુ એમણે પોતાની ચિંતા પરમાત્માને સોંપી દીધી, વહાણ પાછું આવે તો તેમાંથી મળનારા નફાની રકમથી શત્રુંજ્ય મહાતીર્થ પર દેવવિમાન જેવું ભવ્ય પ્રાસાદ રચવાનું મનોમન સંકલ્પ કર્યો હતો. સદ્દભાગ્યે એ વહાણ પાછું આવ્યું.
મોતીશા શેઠ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ આવ્યા અને ત્યારે અમદાવાદથી શેઠ હેમાભાઈ મોતીશાની મહેમાનગતિ સાચવવા માટે પાલિતાણા આવ્યા હતા અને શેઠ હેમાભાઈ આણંદજી કલ્યાણજી પેઢી વતી એ સમયે કારભાર સંભાળતા હતા.
સહુ તીર્થમહિમાની વાતો કરતાં સૌ આગળ ચાલ્યા. મોતીશા પણ મૌન ચાલ્યા જતા હતા, છતાં કાર્યસિદ્ધિ માટે કુંતાસરની ગાળી પસાર કરતાં મનમાં જ 'ભાગ્યશાળીને પગલે' એ શબ્દ ઉપર સૃષ્ટિ ખડી કરવાનો સંકલ્પ કરી દીધો, દાદાના દર્શન-પૂજન કરીને સૌ ઉતારે આવ્યા. થઈ વાત હસી ટાળવાને હેમાભાઈ શેઠે પોતાના કારભારી મલુકચંદ ધરમચંદને સૂચના કરવાથી સામેના મેદાનની જમીનની માપણી કરાવી. શેઠનો હક, રાજનો ચોથ ને બાવાની કોરી ચુકાવી દીધી ને મોતીશાની મેડીના પાયા નંખાયા.
મોતીશા શેઠે શ્રી શત્રુંજય તીર્થ પર જિનાલયો રચવા માટે મહુવાનાં કુશળ સ્થપતિ રામજી સુત્રધારને બોલાવ્યો. એણે શત્રુંજય પર્વતની બે પાંખ વચ્ચેની ખીણનો બસો ફૂટ જેટલો ઊંડો ખાડો પસંદ કર્યો. એમાં કુંતાસર તળાવ પણ હતું. આવી જગાએ જિનાલયોનું નિર્માણ કઈ રીતે કરવું ? પરંતુ મોતીશાને તો કુંતાસરનો ગાળો પુરવાની લગની લાગી હતી. મુંબઈનું જિનાલય બાંધી ગયેલા સોમપુરા સલાટોને ઉતારે બોલાવ્યા ને ઘડિયાં લગન જોવરાવ્યાં. મુહૂર્તની ચોખાઈ કે સાધનસાગ્રીની જોગવાઈની તેમને દરકાર નહોતી. શુભસ્ય શીઘ્રમના હિસાબે બીજી સવારે કુંતાસરનો ગાળો પૂરવાને પંચરત્નથી ખાતમુહૂર્ત કર્યું. પાતાળમાં બેઠેલ પાંડવમાતા-કુંતાની મૂર્તિને બહાર પધરાવીને કમાનોની બાંધણીથી કામ શરૂ થઈ ગયું.
ગામમાં તાકીદે મોતીશાની મેડી તૈયાર થઈ ગઈ અને 'અમીચંદ સાકરચંદની ધર્મશાળાલ્લના નામથી ખુલ્લી મૂકીને ને કાયમી રસોડું ઉઘાડયું. પાતાળમાંથી પહાડ નિપજાવવાનું અસાધ્ય કામ મોતીશાના દ્રઢ મનોબળથી હેલ્લે ચડી ગયું. એક પછી એક સ્થંભ અને તીરકસ (બાણના ભાથા જેવો ખભાની પાછળનો કોથળો)ની કાટખૂણે લંગાર(હાર) લાગી ગઈ. ને આંતરે ભોબંધ થવા લાગ્યા. બે પહાડોની વચ્ચે પાતાળમાંથી જાણે હજારો ગજનો લાંબો પહોળો નવો પહાડ ઊપસ્યે જતો હતો.
મોતીશાનો એક પગ મુંબઈને એક પગ પાલિતાણા રહેતો. ગમે તે ભોગે ને ગમે તે ખર્ચે આદરેલ કામ તાકીદે પૂરું કરવાની તેમને તાલાવેલી હતી, 'કર્યું તે કામ ને ખર્ચાં તે દામ'- એ તેમને મુદ્રાલેખ હતો. શેત્રુંજી નદીમાંથી ચાર આને હાંડો પાણી મગાવીને અને મુંબઈથી સેંકડો ઘાટી મોકલીને કામ તડામાર શરૂ કર્યું. બીજી તરફ મકરાણાથી આરસ મંગાવી પોતાની જાત-દેખરેખ નીચે કુશળ કારીગરોના હાથથી નવાં બિંબો ભરાવવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષમાં તો પાતાળપાયા પુરાઈને વિશાળ મેદાન તૈયાર થઈ ગયું. ને મૂળનાયકની ટૂક બંધાવવી શરૂ કરી. તેના મુનીમો ને મિત્રોને પણ આ પુણ્યક્ષેત્રમાં ફૂલપાંખડીનો લાભ લેવાની ભાવના થતાં શેઠની સંમતિથી નભોમંડળના ગ્રહ-ઉપગ્રહની જેમ આ નવસર્જિત મેદાન ઉપર પ્રાસાદો રચાવા માંડયા.
મોતીશાની તબિયત હવે નબળી પડવા લાગી હતી. શત્રુંજય ઉપર ટૂકનું શરૂ થયેલ કામ પોતાના હાથથી જ પૂરું થાય તે તેમના જીવનનું મુખ્ય ધ્યેય હતું.
તેમણે સં. ૧૮૯૨ના મહા માસમાં પાલિતાણા આવીને જ્યોતિષીઓને એકઠા કરી અંજનશલાકા અને પ્રતિષ્ઠાનાં વહેલામાં વહેલાં આવતાં મુહૂર્તો જોવરાવ્યાં. ૧૮૯૩ના મહા માસનાં આવેલાં મુહૂર્ત પોતે જ નક્કી કર્યાં. કારીગરોને બોલાવીને તે પહેલાં કામ પૂરું કરી લેવા તાકીદ કરી. મૂળનાયક મંદિરની પાછળ કોઠલો બાંધવાનો રવૈયો ચાલતો હતો તે બંધ રાખીને વખત બચાવી લેવાનો માર્ગ કાઢયો. ટૂકને કિલ્લો, દેરીઓ, ટાંકા અને બાજુમાં તળાવ વગેરેની સજાવટ કરવાની ભલામણ કરી ગયા.
મોતીશાની તબિયત વધુને વધુ ગંભીર થવા લાગી હતી. અનેક ઉપચારો કરવા છતાં સ્ફુરણા ને જોમ નહોતાં જામતાં. પોતાના હાથથી પ્રતિષ્ઠા કરવાની ઉમેદ હતી. મુહૂર્ત પણ નજીકનું લીધું, છતાં ક્ષણભંગુર દેહનો ભરોસો ન રાખતાં દરેક કામ પોતાના હાથથી જ આટોપવું શરૂ કર્યું. પોતાના બહોળા વેપારવહીવટના ચોપડા મંગાવી નબળા પડી ગયેલા ઘરાકો-સંબંધીઓ પાસે ખેંચાતું લાખેક રૂપિયાનું લેણું માંડી વળાવ્યું. શ્રી સિદ્ધાચલજીની ટૂક બંધાવવામાં હજી અઢી લાખનો ખર્ચ કરવાનો બાકી છે, તે દૈવયોગે પોતાના શરીરની કજા-રજાએ વારસદારોએ કરવો તેમ વિલમાં જણાવ્યું.
જન્મ-મરણની અદ્રશ્ય ઘટનાને કોઈ મિથ્યા કરી શકતું નથી. પૂરતી સારવાર ને શુશ્રુષા છતાં હજારોના પાલનહાર, સખાવતે મશહૂર મોતીશાનો જીવનદીપક ઓલવાઈ ગયો. પુણ્યક્ષેત્રોમાં કીર્તિસ્તંભો રોપીને તથા યાદગાર કાર્યોથી અમર નામના મૂકીને ૫૪ વર્ષની ઉંમરે તેઓ ભાદરવા સુદ ૧ના રોજ દેહમુક્ત થયા.
મોતીશાનો એકનો એક પુત્ર ખીમચંદ લાખોનો માલિક થયો. મોતીશાને અંતિમ કાળ સુધી પ્રતિષ્ઠાની તાલાવેલી હતી. તેમણે નિશ્ચય કરેલ મુહૂર્તે જ પ્રતિષ્ઠા થઈ જાય અને મરનારની વિશાળ ભાવના સફળ થાય તે માટે તેમનાં પત્ની દિવાળીબાઈ, તેમના મિત્રો અને મુનીમોએ ખીમચંદ શેઠને પ્રેરણા કરી, ને સારા કામમાં શોકને આડો ન લાવતાં સદ્દગતની ભાવના સફળ કરીને તેમના આત્માને શાંતિ અર્પવાની ફરજ સમજાવી.
ત્રણ મહિના પસાર થયા બાદ પ્રતિષ્ઠા માટે સંઘસહ વર્તમાન પોષ માસમાં પ્રયાણ કરવાનું ઠર્યું. કંકોતરીઓ લખાઈ. મહારાષ્ટ્ર અને ઘાટમાંથી સંઘ-સંબંધીઓને તેડાવ્યા. સૂરત, ભરૂચ, અમદાવાદ અને ગુજરાત, માળવા, મારવાડ, સુધી મોતીશાનો સંબંધ-વહેવાર જામેલો હતો. કચ્છીભાઈઓમાં પણ તેમનો નેમ-નાતો હતો ને કાઠિયાવાડમાં આડત-ઓફિસોનો પથારો બહોળો હતો.
મોતીશા દ્રવ્યથી દેહમુક્ત થવા છતાં ભાવથી હયાત હતા. તેમની યશ-કીર્તિ ઉજ્જવળ હતી. મોતીશાનો સંઘ એટલે તેમના સંબંધી-સ્નેહીઓનો જ સંઘ હોય તેમ ગામોગામથી સંઘ પ્રયાણ થયાં. અમદાવાદથી હઠીભાઈએ સંઘ કાઢયો. ખીમચંદ શેઠે પોતાના વતન ખંભાતથી સંઘ સહ પ્રયાણ કર્યું. જેમ મહાનદમાં ખળભળાટ કરતી ત્રિવેણી ગંગાના નીર ભળતાં જાય તેમ ચોતરફનો સંઘ-સમુદાય ભળતો ગયો. પાટણને ઔરંગાબાદના સંઘ પણ આવી પહોંચ્યા. જામનગર-કચ્છ ને માંગરોળ તરફના સંઘો બે દિવસ અગાઉ આવી ગયા હતા. પાલિતાણામાં તળેટીના મેદાનમાં તંબુને કનાતોથી સંઘનગર વસી ગયું.
દોઢ લાખ જેટલી માનવમેદની, ગચ્છના ભેદભાવ વિનાના આચાર્યોને સાધુ-સાધ્વીના સમુદાયની હાજરીમાં અઢાર દિવસનો મહોત્સવ શરૂ થયો. કહે છે કે ધુમાડાબંધ ભોજન-સમારંભનો હંમેશનો ચાલીશ હજારનો ખર્ચ થતો હતો. મોટી ધામધૂમથી લાખોનો ખર્ચ કરીને ખીમચંદ શેઠે પોતાના પિતાને નિશ્ચિત કરેલા મુહૂર્તે અંજનશલાકાને પ્રભુપ્રતિષ્ઠા કરી ને સંઘ સાથે ગિરનારજી થઈ ખંભાત ગયા.
શેઠાણી દિવાળીબાઈ જાણે પોતાના પતિની ભાવના પૂરી થયેલ જોવા રાહ જોઈ રહ્યા હોય તેમ પ્રતિષ્ઠા પછી તેમણે સ્વર્ગગમન કર્યું.
ખીમચંદ શેઠનું ભોળપણ ને બુદ્ધિ-સંસ્કારની ઊણપથી મોતીશાનો રજવાડી પથારો સંભાળવો અશક્ય થઈ પડયો. ખુશામતખોરીની સ્વાર્થજાળમાં ફસાઈ ગયા. પુત્રના અભાવે તેમનો વારસો ભાણેજે ઊતર્યો, છતાં મોતીશાનાં પુણ્યકાર્યોની કીર્તિકથા આજે સૈકો વીતવા પછી પણ ગવાઈ રહી છે કે - 'મોતી શેઠ મુંબઈવાળો, બંધાવ્યો કુંતાસરનો ગાળો.'
મોતીશા શેઠ ઉપરાંત શ્રી ડુંગરશી ધરમશી સંપટે 'પ્રતાપી પૂર્વજો'માં પોતાની છટાદાર શૈલીથી જૈન ઈતિહાસમાં આગવી પ્રતિભા ધરાવનારી વ્યક્તિઓનાં રસપ્રદ ચરિત્રો આલેખ્યાં છે. વાચકને કથાપ્રવાહમાં ખેંચી જઈને આ ચરિત્રો એમના ચિત્તને રસતરબોળ કરે તેવા છે, જે ચરિત્રોનું પુસ્તક આઠ દાયકા વીતી ગયા પછી 'પ્રતાપી પૂર્વજો' પુસ્તકનું વિશ્વકોશ દ્વારા તાજેતરમાં પ્રકાશન થયું.


