- આકાશની ઓળખ- કુમારપાળ દેસાઈ
જૈન ધર્મના આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની અપ્રતિમ વિશેષતા એ છે કે એમણે આ વ્યવહાર જગતમાં વ્યવસ્થા સ્થાપી અને અધ્યાત્મજગતમાં માનવીને ઊંચાઈ બતાવી. અહીં આપણે ઋષભદેવના જન્મથી રાજાઋષભ સુધીની ઘટનાઓને જોઈ રહ્યા છીએ અને આવતીકાલે જ્યારે મુંબઈમાં 'ઋષભાયન'નું આયોજન થાય છે, ત્યારે તેમાં આચાર્યશ્રીઓનાં આશીર્વાદ, સંશોધકોની જ્ઞાાનવાણી તેમજ ભિન્ન ભિન્ન આયોજનો થશે અને એની પાછળ 'પ્રબુદ્ધજીવન'નાં તંત્રી સેજલ શાહ અને બીજાઓએ આને જ્ઞાાનયજ્ઞાનું રૂપ આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે, ત્યારે મારું મન એ રાજા ઋષભના જન્મની ઘટનાઓનું સ્મરણ કરે છે.
ઋષભદેવના માતા મરુદેવાએ જોયેલાં ચૌદ સ્વપ્નોમાં પ્રથમ સ્વપ્ન વૃષભનું આવે છે. તેઓ પોતાના મુખમાં વૃષભને પ્રવેશતો જુએ છે. બધા જ તીર્થંકરોની માતાઓને પ્રથમ સ્વપ્ન 'ગજરાજ' એટલે કે 'હાથી' માતાના મુખમાં પ્રવેશતો હોય એવો આવે છે, પરંતુ પ્રથમ તીર્થંકરની માતાને ઋષભનું સ્વપ્ન કેમ આવ્યું હશે ? આની પાછળ એક ગહન પ્રતીકાત્મકતા છુપાયેલી છે.'ઋષ' એટલે શ્રેષ્ઠ અને 'ભ' એટલે ભરનાર. એનો અર્થ એ કે આ જગતમાં આવનારો એ પુત્ર વિશ્વને શ્રેષ્ઠતા અર્પનાર બનશે. એના દ્વારા આ જગતની અને અધ્યાત્મજગતની શ્રેષ્ઠતાનું પ્રાગટય કરશે અને એક અર્થમાં 'ઋષભ' એ સૌજન્યનું સૂચક છે.
આ ઋષભના અણિયાણા શીંગડા શેનું પ્રતીક છે ? તો એ પ્રતીક છે મનુષ્ય શક્તિ અને કીર્તિનું. એ સૂચવે છે કે જીવનમાં શક્તિ અને કીર્તિ હોય, તો જ તમારા જીવનની મંગલમયતા જળવાઈ રહે. વળી આ ઋષભ (બળદ) એ ખેતીનું પ્રતિનિધિ છે. ઋષભ બળવાન હોય તો જ સારી ખેતી થઈ શકે. ધન-ધાન્ય ઉગાડી શકાય અને ખેતીને ફળદ્રુપ કરવા માટે ઋષભની આવશ્યકતા છે.
ધર્મનું સત્ય એના બાહ્ય આવરણ કરતા એના ભીતરી અર્થઘટનમાં સમાયેલું હોય છે. એ સંદર્ભમાં એક માનવી કરતા ઋષભ પ્રજાને માટે વધુ ઉપયોગી હોય છે અને એની સવિશેષ ઉપયોગીતા તો એ કે ઋષભ પર ખેતી અને અન્ન ઉત્પાદનનો આધાર છે અને કોઈ પણ પ્રજા માટે અન્ન એ અતિ આવશ્યક બાબત છે.
એક બીજા સંદર્ભમાં જોઈએ તો તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષા અને વૃષભ એ બંને શબ્દોનું મૂળ એક જ છે. આમ જે રાજ્યમાં જમીન ફળદ્રુપ હોય, જે ભૂમિને વર્ષા અને વૃષભના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય, ત્યાં એના ખેડૂતની સાથોસાથ રાજા અને પ્રજા બંને સમૃદ્ધિ પામે છે.
એક ત્રીજી બાબત એ છે કે ઋષભ એ બળની સાથે પૌરુષત્વનું પ્રતીક છે અને આ રીતે માતા મરુદેવાને આવેલું ઋષભનું સ્વપ્ન એ કૃષિ અને ઉત્પાદનને બતાવે છે અને એક અર્થમાં એ કોઈ પણ રાજ્ય માટે એ મહત્ત્વની શક્તિ અને સંપત્તિ છે.
હવે જરા આ અર્થઘટનને આપણે એના સંદર્ભ સાથે જોઈએ. રાજા ઋષભે અસિ, મસિ અને કૃષિ દ્વારા જનસમુદાયને શક્તિવાન બનાવ્યો અને પૃથ્વી પર સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ પણ આપી. આમ માતા મરુદેવાને આવેલા વૃષભના સ્વપ્નનો મર્મ જાણવો જરૂરી છે.
જૈનદર્શનમાં સમ્યક્દર્શનનો મહિમા છે, એના વિના સઘળું વ્યર્થ છે. સમ્યક્દર્શન પામતા આત્માનાં ભાવોમાં પ્રકાશ પથરાય છે અને ત્યારથી ભવની ગણતરી થાય છે. જ્યાં સુધી આત્મા સમ્યક્દર્શન પામતો નથી, ત્યાં સુધી તેનો ભવ અંધકારમય હોય છે. આવા ભવની ગણતરી કરાતી નથી, કારણકે એનો કશો અર્થ હોતો નથી.
એ અર્થમાં વિચારીએ તો જીવન એ જાગરણ છે, સુષુપ્તિ નહીં. જીવન એ ઉત્થાન છે, પતન નહીં. જીવન એ પ્રકાશ છે, અંધકાર નહીં. જીવન એ ચેતના છે, ચિંતા નહીં અને એ અર્થમાં સમ્યક્દર્શન પામ્યા પછીનો તેરમો ભવ તે ઋષભદેવનો ભવ. બાર ભવોની યાત્રા પછી ઋષભનો જન્મ થાય છે અને જ્યારે એમનો જન્મ થાય છે, ત્યારે માતા મરુદેવીએ જોયેલા સ્વપ્નોનો ઇંદ્ર મહારાજ અર્થ બતાવે છે અને કહે છે કે, 'બળવાન ઋષભ એ એવો પરાક્રમી પુત્ર જન્મશે કે જે મોહ-કીચડમાં ફસાયેલાઓનો ઉદ્વાર કરશે.'
એ જાણવું જરૂરી છે કે તમામ તીર્થંકર જન્મે ત્યારે એમના સાથળ પર કોઈ ચિહ્ન હોય છે. આ ચિહ્નને લંછન કહેવામાં આવે છે. આ લંછનથી આપણે ક્યા તીર્થંકરની પ્રતિમા છે, એ જાણી શકીએ છીએ. ઋષભના સાથળ પર વૃષભ (બળદ)નું ચિહ્ન હતું. માતા મરુદેવાને આવેલું પ્રથમ સ્વપ્ન પણ વૃષભનું હતું અને તેથી આ ગુણસંપન્ન શિશુનું નામ ઋષભ રાખવામાં આવ્યું.
વિવિધ ગ્રંથો અને શાસ્ત્રો પર જરા નજર ઠેરવીએ અને જાણીએ કે આ ઋષભનાં કેટલાં નામ છે ? જરા જુદા જુદા ગ્રંથો પર દૃષ્ટિપાત કરીએ. શ્રી ભગવતી સૂત્ર, શ્રી જંબુદ્વિપ પ્રજ્ઞાપ્તિ, શ્રી સમવાયાંગસૂત્ર, શ્રી ચતુર્વિશિતિસ્તવ, શ્રી કલ્પસૂત્ર, શ્રી નન્દીસૂત્ર, શ્રી નિશીથચૂર્ણિ જેવાં આગમ સાહિત્યોમાં પણ 'ઋષભ' નામ મળે છે. દિગંબર પરંપરામાં 'ઋષભદેવ'ને બદલે 'વૃષભદેવ' અને 'શ્રીમદ્ ભાગવતત્ના પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે એના સુંદર શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્ચર્ય, યશ અને પરાક્રમ જેવા સદ્ગુણો ધરાવતા શિશુનું મહારાજા નાભિએ નામ 'ઋષભ' રાખ્યું. તેઓ કર્મ અને ધર્મના આદ્ય નિર્માતા હોવાથી લેખકોએ એમનું એક નામ 'આદિનાથ' લખ્યું અને નામ વધુ લોકોમાં વ્યાપક બન્યું. કોશલ દેશમાં જન્મ્યા હોવાને કારણે તેમને 'કૌશલિક' પણ કહેવામાં આવે છે.
હજી નામોની યાદીમાં આગળ જઈએ તો શ્રી દશવૈકાલિકચૂર્ણિમાં તેમને 'કાશ્યપ' પણ કહ્યા છે. ઇક્ષુના વિકાર રૂપ રસ અર્થાત્ પરિવર્તિત સ્વરૂપને 'કાસ્ય' કહેવામાં આવે છે. તેનું પાન કરવાને કારણે તેઓ 'કાશ્યપ' નામથી પણ પ્રસિદ્ધ થયા.
પ્રજાપાલક હોવાથી મહાપુરાણમાં આચાર્ય જિનસેને અને બૃહત્ સ્વયંભૂ સ્તોત્રમાં આચાર્ય સમંતભદ્રએ એમને 'પ્રજાપતિ' પણ કહ્યા છે. ઋષભદેવ ગર્ભમાં આવ્યા ત્યારે કુબેરે હિરણ્યની વૃષ્ટિ કરી હતી, તેથી એમને હિરણ્યગર્ભ પણ કહ્યા છે. મહાપુરાણમાં તેમને સ્ત્રષ્ટા, વિશ્વકર્મા, વિધાતા કહ્યા છે.
અને જુઓ, આવા બાળ ઋષભની સેવામાં ઇન્દ્ર મહારાજા આવ્યા. તેઓ શેરડીનો સાંઠો લઈને ગયા હતા અને બાળ વૃષભે શેરડી લેવા માટે હાથ લંબાવ્યો. શેરડી એટલે ઇક્ષુને ગ્રહણ કરી એથી એમનો વંશ 'ઇક્ષ્વાકુ' તરીકે ઓળખાયો અને આમ યૌગલિક માનવસમાજમાં સર્વપ્રથમ આ વંશની સ્થાપના થઈ.
કુમાર વૃષભદેવ ઘણીવાર સંચિત દેખાતા. રાતોની રાતો, દિવસોના દિવસો એ બધું નિરીક્ષણ કરતા ફર્યા કરતા. દુ:ખના કુંડ જેવી ધરતી દેખીને એ સંતપ્ત થતા. માનવીને માનવતાનું ભાન નહોતું. માનવ જંગલી પ્રાણીઓનો એક મિષ્ટ ખોરાક હતો. ભય અને કલેશના સામ્રાજ્યમાં સહુ જીવતાં હતાં.
એક દિવસ કુમાર વૃષભદેવે જાહેર કર્યું : 'પિતાજી, માનવ સર્વોપરી બનશે. યુગલિકો સ્નેહની અને સંસ્કૃતિની એક સાંકળે જોડાઈ અભેદ્ય માનવજીવન રચશે. આ નિરાધારતા. આ અજ્ઞાાનદશા, વેરની સદા જાગતી રહેતી આ તૃષા. તિમિરમય જીવનના આ તરફડાટ. બધું જવું ઘટે ! માનવ મુક્તિની પળ આવી પહોંચી છે.
આ પૃથ્વી પર આવેલી માનવમુક્તિની એ ભવ્ય પળ હવે પછી જોઈશું.


