- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
- આંખમાં આંસું, હૃદયમાં વેદના અને મનમાં કુતૂહલ લઈને બધાં નગરજનો જોતજોતામાં ત્યાગી ઋષભદેવને વિંટળાઈ વળ્યા.
ભગવાન ઋષભદેવનું અગિયારમુ મહાભિનિષ્ક્રમણ એટલે મનશુદ્ધિ, હૃદયશુદ્ધિ આત્મશુદ્ધિનો જગતને આપેલો સંદેશ. એ સંદેશ એમણે નિર્વધ આહારનો મહિમા કરીને આપ્યો. વર્તમાનયુગમાં આહાર એ માનવીના સ્વાસ્થ્યની મોટી સમસ્યા બન્યો છે. એમ કહેવાય છે કે માણસ દાંતથી પોતાની કબર ખોદે છે, સ્વાદથી પોતાના મૃત્યુને સાદ પડીને વહેલું બોલાવે છે અને જંક ફૂડથી આરોગ્ય બગાડે છે.
ભારતીય પરંપરામાં તો 'અન્ન તેવા ઓડકાર' ની વાત છે. જેવો ભોજન, તેવા ભાવ, જેવી વાનગી તેવી વૃત્તિ- આથી તો જીવલેણ બીમારીને બદલે ખાવાની આદતે વધુ માણસોને સ્મશાનમાં સુવાડયા છે અને સમુદ્ર કરતાં ય વધુ માણસોને દારૂના વ્યસને ડૂબાડયા છે. આવે સમયે જગતને નિર્વધ આહારનો મહિમા ભગવાન ઋષભદેવના જીવનથી પ્રાપ્ત થાય છે.
હસ્તિનાપુર નગરીમાં આદિનાથ ઋષભદેવ વિહાર કરતા કરતા પધાર્યા હતા. આખરે હસ્તિનાપુર નગરીના મહાભાગ્ય જાગી ઊઠયાં. જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા ત્યાં ત્યાંથી નગરજનો દોડી આવ્યા. કામ કરતા કારીગરો દર્શન કરવા ધસી આવ્યા. ખાતાં ને રમતાં બાળકો પણ રમત છોડી પ્રભુમુખદર્શને દોડી ગયા. વેપારીઓએ વેપાર મૂક્યો, ખેડૂતોએ ખેતર સૂનાં મૂક્યાં. ગાયોનાં ધણનાં ધણ ચરતા મૂકીને ગોવાળો પ્રભુદર્શને આવી પહોંચ્યા. જેણે સમાચાર સાંભળ્યા, તે ઘડીના ય વિલંબ વિના ત્યાં આવી પહોંચ્યા. પોતાના તારણહારની પધરામણી- ભલા, પરમ પુણ્યે પ્રાપ્ત થતી પ્રભુમુખદર્શનની એ સુભગ ધડી કોણ ગુમાવે ?
પણ આ શું જોઈએ છીએ ? પૃથ્વીનો પતિ ખુલ્લા મસ્તકે, કશાય પગરખાં વિના અડવાણે પગે, છત્ર-ચામર વગેરે કશાંય રાજચિહ્નો વિના રાજમાર્ગ પર એકાકી ચાલ્યા આવે છે. ઓહ ! કેવું હૃદયવિદારક દૃશ્ય ! દૃશ્ય જોઈ અનેકની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. અહો ! પૃથ્વીપતિને ઘેર તો શી ખોટ પડી ? એવું તે શું બન્યું કે ભરી ભરી ધરતી પર સ્વામી ખાલીખમ?
આંખમાં આંસું, હૃદયમાં વેદના અને મનમાં કુતૂહલ લઈને બધાં નગરજનો જોતજોતામાં ત્યાગી ઋષભદેવને વિંટળાઈ વળ્યા. બધેથી મણિમુક્તાના વરસાદ વરસ્યા. કેસર-ચંદન-કપૂરના કીચ રચાયા. બધે જેમ બનતું આવ્યું હતું તેમ અહીં પણ બન્યું. આ સંસારમાં ભોગોપભોગનો સંગ્રહ તો જાણીતો હતો. એને ત્યાગ અને એનો ત્યાગી અજાણ્યો હતો.
દ્વારપાળે આવીને રાજા ઋષભદેવના પુત્ર બાહુબલિના પુત્ર અને હસ્તિનાપુરના રાજા સોમયશને કહ્યું,' સ્વામી, ત્રણો લોકને પૂજ્ય પૃથ્વીનાથ ભગવાન ઋષભદેવ વન-જંગલોમાં વિચરતા આજે આપણા પુણ્યયોગે આપણા નગરમાં પધાર્યા છે.'
દ્વારપાળે આગળ કહ્યું,' સ્વામી, પણ એમના દેહની શી વાત કહું ? જાણે એ પ્રબળ પ્રતાપી પૃથ્વીનાથ જ નહીં ! હજારો શત્રુથી ઘેરાયેલા મહા યોદ્ધાના જેવી એમની ઝાંખી મુખમુદ્રા છે. પહેલાં તો એમનાં મુખની આસપાસ સહસ્ત્રરશ્મિ સૂર્યના જેવું તેજમંડળ રચાયેલું જોવા મળતું. આજે તો જાણે સર્વકિરણ એમાંથી ઝરી ગયાં હોય એવું નિસ્તેજ લાગે છે. વધુ શું કહું, સોનાનો મેરુ પર્વત જાણે શ્યામ પડી ગયો હોય એમ એમની કાંચનવરણી કાયા શ્યામ થઈ ગઈ છે. ડોલતો ડુંગર જાણે ચાલ્યો આવતો હોય એમ એ ચાલ્યા આવે છે. પ્રજાજનોએ અનેક પ્રકારની ભેટ ધરી પણ એ લેતા નથી. દિવસોથી મૌન સેવે છે, એટલે શું જોઈએ છે, તે પણ સમજાતું નથી. પ્રજાજનો ઇચ્છે છે કે આપ જલદીથી પધારો ને તેમને ખપતી વસ્તુ જાણો, નહીં તો પ્રભુ આગળ ચાલ્યા જશે અને દરિદ્રના ભિક્ષાપાત્રની જેમ આપણે આવેલા સદ્ભાગ્યથી વંચિત રહીશું. અરે ! જુઓ, આપણા રાજદ્વાર પર આવીને એ ઉભા રહ્યા.'
પોતાના પ્રતાપી પ્રપિતામહનું નામ સાંભળતા જ યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડયા : ન પહેર્યા ઉપાનહ (પગરખાં) કે ન ઓઢયું છત્ર ! ઉઘાડે માથે ને અડવાણે પગે એ દોડયા ! આજની ઘડી રળિયામણી કરવાની એને હૈયે તાલવેલી જાગી હતી.
પ્રભુ મંદગતિએ ચાલતા શ્રેયાંસકુમારનાં ગૃહાંગણમાં આવી પહોંચ્યા. શ્રેયાંસકુમાર દોડીને પ્રભુના પગમાં આળોટી પડયો. રંકના પાત્રમાં ચક્રવર્તીની ખીર ન સમાય, એમ એના હૈયામાં હર્ષ સમાતો નહોતો. પ્રણામ કર્યા. પ્રદક્ષિણા કરીને પુન: નમસ્કાર કર્યા. નમસ્કાર કરી પૂર્ણિમાના ચંદ્ર સમા પ્રભુમુખનું એ નીરખી નીરખીને દર્શન કરવા લાગ્યો.
પૂર્ણિમાના ચંદ્રનાં દર્શન કરતાં જેમ પોયણી ખીલી ઊઠે એમ પ્રભુમુખચંદ્રના દર્શન કરતાં કરતાં કુમાર શ્રેયાંસનું હૃદયકમળ ખીલી ઊઠયું. સંસારમાં ઘડીની કિંમત છે, યુગની નહીં. એ લાખેણી ઘડી શ્રેયાંસકુમારને લાધી. એના હૃદયમાં અપૂર્વ પ્રકાશ પથરાયો. એને કંઈક જૂનું સ્મરણ થવા લાગ્યું.
'અરે ! પૂર્વે મેં પ્રભુને ક્યાંક જોયા છે !' ને આમ વિચારતાં એને જાતિસ્મરણ જ્ઞાાન થયું.
'હું કોણ ? પ્રભુનો પૂર્વભવનો સારથિ ! સ્વયંપ્રભાદિક અવતારમાં પણ હું એમનો સાથી હતો. આજે એ મારો પ્રપિતામહ છે. અરે ! મારે અને એમને તો નવ નવ ભવનાં સગપણ છે. એ સગપણ સાચું કરવા આજે એ પધાર્યા લાગે છે. અહાહા ! એ તીર્થકર થશે એવી વાણી મેં વજ્રસેન અરિહંતના મુખે પૂર્વભવમાં સાંભળી હતી, એ જ આ પોતે ત્રણ લોકના નાથ !'
આદિમં પૃથિવીનાથમાદિમં નિષ્પરિગ્રહમ્ ।
આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામિનં સ્તુભ: ।।
શ્રેયાંસકુમાર એક વખત આનંદથી નાચી ઊઠયો, પણ તરત જ એની નજર પ્રભુના દેહ પર ગઈ. રાજા સોમયશ અને નગરશેઠ સુબુદ્ધિ પણ આવીને પ્રભુચરણમાં પડયા હતા. એમણે પણ અન્યની જેમ મણિ, મુક્તાને ગજ-રથની ભેટ ધરવા માંડી. પણ કુમાર શ્રેયાંસ તરત બોલી ઊઠયા :
'અરે, આપણે કેવા મૂર્ખ છીએ ! ભગવાને જેને અસાર સમજીને છાંડયુ, તે જ અખાજ આપણે તેમને ભેટ ધરીએ છીએ ! જો એમને એ જ જોઈતું હતું તો આવા વેશે શા માટે નીકળી પડત ? એમને ખજાને શી ખોટ હતી ? અહા ! પ્રભુએ વર્ષથી ભોજન કર્યું નથી ! પ્રભુને અન્નનો ખપ છે. અન્ન વિના એમનો દેહ આવો શિથિલ બન્યો છે. ચાલો, હું પ્રભુને પારણું કરાવું !'
શુભ કાર્યને સદા શુભ યોગ અનુસરે છે, પુણ્ય જાગતા હોય ત્યારે પુણ્યસાધનાની તક આપમેળે આવી મળે છે. બરાબર આ જ વેળા ખેતરોના કોલમાં પીલીને કાઢવામાં આવેલ શેરડીના રસના ઘડા લઈ કોઈ નગરજન આવી પહોંચ્યો.
શ્રેયાંસકુમારે જોયું કે નિર્દોષ, નિર્વધ આહારને યોગ્ય, બેંતાલીસ દોષથી મુક્ત આ ઇક્ષુરસ પ્રભુને યોગ્ય છે. નિષ્પાપ નિરવદ્ય જીવનને યોગ્ય આ ખરેખર નિરવદ્ય પાપમુક્ત આહાર છે. શ્રેયાંસે શેરડીના રસનું પાન કરવા પ્રભુને વિનંતી કરી. પ્રભુએ કરપાત્ર લંબાવ્યું. ચારે તરફ જયજયકાર થઈ રહ્યો. કંઈ ન સ્વીકારતા પ્રભુએ સ્વીકાર માટે હસ્ત લંબાવ્યા. અનન્ત એ કરપાત્ર જાણે અફાટ મહાસાગર બની ગયું. એકસો આઠ ઘડા એમાં સમાઈ ગયા. એટએટલા ઘડા પ્રભુના કરપાત્રમાં સમાઈ શક્યા, પણ આશ્ચર્ય છે કે શ્રેયાંસના ચિત્ત-પાત્રમાં એટલો હર્ષ ન સમાઈ શક્યો. એણે ઘડો લઈ હર્ષનૃત્ય આરભ્યું.ળ
દીક્ષા પછી વર્ષાન્તે પ્રભુએ ઇક્ષુરસથી પારણું કર્યું. પ્રભુની સુદીર્ધકાલીન ક્ષુધાનું એ પાવનકારી દિવસે શમન થયું. વૈશાખ શુક્લા તૃતીયાનો એ દિવસ ઇક્ષુરસના દાનથી અમર થઈ ગયો. પ્રભુએ વર્ષે દિવસે પારણું કર્યું.
આને ઇક્ષુતીજ, અખાત્રિજ અથવા અક્ષયતૃતિયાના નામથી ઓળખાય છે. ઋષભના વર્ષી તપના પારણાનો ઇતિહાસ આ દિવસ સાથે જોડાઈ જવાથી વર્ષનો તે મહત્ત્વનો દિવસ ગણાયો. એ પછી તો આ પર્વ સાથે અનેક ઘટનાઓ અને પરંપરાઓ જોડાઈ.
નિર્વદ્ય આહારની ઘટનાએ અગિયારમું મહાભિનિષ્ક્રમણ. વાત કરી હતી. અગિયાર મહાભિનિષ્ક્રમણની, પણ હજી જગતપ્રકાશક બે મહાભિનિષ્ક્રમણની વાત તો બાકી છે. એ વિશે હવે પછી.


