- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
એકાએક ચોતરફ હવાનો પ્રચંડ ઝંઝાવાત ફૂંકાય અને સઘળું તહસ-નહસ કરી નાખે, એ રીતે કોરાના મહામારીના આ ઝંઝાવાતે માનવીના જીવનમાં આંધી ફેલાવી છે. એક એવી આંધી કે જે જવાનું નામ નથી લેતી. થોડી શાંત પડે ને ફરી સુસવાટાભેર ચોતરફ આતંક ફેલાવે. જે વ્યક્તિની પાસે એ આવે, તે એકાએક ભયભીત બની જાય અને જેની પાસે એ ન આવી હોય, તેને પણ સતત એનો ભય સતાવે. ક્યાંક અકાળ મૃત્યુ થાય, ક્યાંક કોઇ વૃદ્ધ ઘેરથી વિદાય લે અને પછી માત્ર એમના અવસાનના આઘાતજનક સમાચાર જ પ્રાપ્ત થાય. ક્યાંક કોઇ કુટુંબનો આધાર છીનવાઈ જાય. માતા-પિતા જીવંત હોય અને એનો સઘળો આધાર ચાલ્યો જાય.
આવી અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વ્યક્તિ ઇચ્છે કે ન ઇચ્છે, સભાનપણે કે અભાનપણે એ મૃત્યુચિંતન કરતો હોય છે અને ત્યારે 'શ્રીમદ્ ભગવદગીતા'ના આઠમા અધ્યાયના અંતે ભગવાન શ્રીકૃષ્ણે વર્ણવેલી અંતકાળની મનઃસ્થિતિનું સ્મરણ થાય છે. એ મનઃસ્થિતિ કેવી હોય ? વ્યક્તિએ પોતાા અંતકાળ માટે કેવી સજ્જતા કેળવવી પડે ? અથવા તો અંત સમયે એની કઇ કઇ ઇચ્છા હોય ? આ ઇચ્છાઓની ખોજ કરીએ અને ઉત્તમ મૃત્યુની શોધ કરીએ. ભગવાન શ્રીકૃષ્ણે રૂપક રૂપે ગીતામાં જે વાત કરી છે. તેનો મર્મ આ જીવનમાં પામવા અને અનુસરવા જેવો છે.
ભગવાન શ્રીકૃષ્ણે માર્મિક રૂપક દ્વારા વાત કરી છે. તેઓ કહે છે. 'જેના મરણ વખતે 'અગ્નિ' સળગેલો છે; 'સૂર્ય' પ્રકાશે છે ; શુક્લપક્ષના 'ચંદ્ર'ની કળા વધતી જાય છે; ઉત્તરાયણનું વાદળાં વિનાનું નિરભ્ર, સુંદર 'આકાશ' માથે ફેલાયેલું છે, તે વ્યક્તિ 'બ્રહ્મ'માં વિલીન થાય છે; અને બીજી બાજુ, જેના મરણ વખતે 'ધુમાડો' ઘુમાયા કરે છે; આંતરબાહ્ય 'અંધારું છે; શુક્લપક્ષનો 'ચંદ્ર' ક્ષીણ થતો જાય છે; દક્ષિણાયનનું અભ્રાચ્છાદિત મલિન 'આકાશ' માથે ફેલાયેલું છે, તે મનુષ્ય વળી પાછો જન્મમરણના ચોર્યાસીના ફેરામાં પડી જાય છે.'
શ્રીમદ્ ભગવદ્ગીતાનું આ રૂપક ઊંડા આશ્ચર્યમાં ડૂબાડી દે છે, પરંતુ આ રૂપકમાં ખરેખર તો મૃત્યુ સમયની ઉત્તમ સ્થિતિની કલ્પના કરી છે. વ્યક્તિના જીવનનો અંત સુખદ અને પ્રેરક બને તેવો ભાવ રાખ્યો છે અને એટલે જ આ રૂપકમાં મરણ વખતે અગ્નિ, સૂર્ય, ચંદ્ર, આકાશ અને એની સામે ધુમાડો, અંધકાર એ બધાં તત્ત્વોની વાત કરી છે, એના દ્વારા કેવું મરણ ઇચ્છનીય છે અને કેવું મૃત્યુ અનિચ્છનીય છે એનો અપૂર્વ સંદેશો 'શ્રીમદ્ ભગવદ્ગીતા'માંથી અહીં પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્યે આ શ્લોકનો અર્થ મળે છે, પણ એ શ્લોકમાં રહેલી ગહનતાનો વિચાર થયો નથી.
આવો, શ્રીમદ્ ભગવદગીતાના એ ભવ્ય મૃત્યુ-દર્શનને જોઇએ અને એમાં પહેલી વાત કરી છે કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને આકાશ એ બધાં દૈવી તત્ત્વોની અનુકૂળતા અને કૃપા હોવી જરૂરી છે. ભારતીય જીવન નિસર્ગની વચ્ચે ધબકતું જીવન છે. કુદરત સાથે એનો અનોખો તાલમેલ છે. અરે ! માનવીય ભાવોને પ્રગટ કરવા માટે આ પ્રકૃતિનાં તત્ત્વોની ઉપમા આપવામાં આવે છે. જાણે માનવના હૃદયનું પ્રતિબિંબ પ્રકૃતિ ઝિલતી ન હોય ! અથવા તો ચોતરફ ફેલાયેલી રમણીય પ્રકૃતિનો અરિસો માનવઆત્મા ન હોય.
હવે, ગીતાના આઠમા અધ્યાયને અંતે આપેલા રૂપકનું ભીતર રહસ્ય પામીએ એમાં કહ્યું છે કે, 'એના મૃત્યુ વખતે અગ્નિ સળગેલો હોય' અને આ અગ્નિ કેવો છે? આપણા સર્વપ્રથમ વેદ ઋગ્વેદમાં આપેલું અગ્નિનું વર્ણન જરા જોઇએ.
अग्निमिणे पुरोहिंत यज्ञस्य देवमूत्विजम् ।
होतारं रत्नधातमम् ।।
આ શ્લોક કહે છે કે, 'હું અગ્નિની સ્તુતિ કરું છું, જે પુરોહિત છે. અગ્નિનો દેવતા છે. ઋત્વિજ એટલે કે યજ્ઞા અથવા તો સત્કર્મનું અનુષ્ઠાન કરનારો છે. એ યજ્ઞાનો હોતા છે અથવા તો ઉચ્ચ મહિમાવાન કર્મને આપનારો અને ગ્રહણ કરનારો છે, તેમજ સહયોગીઓને આહ્વાન કરનારો છે. રત્નો અર્થાત્ સર્વોત્તમ પદાર્થો કે શ્રેષ્ઠ વૈભવનો સર્વોત્તમ પ્રદાતા એટલે કે ધારક છે.'
આવો અગ્નિ જેને 'મહાભારત'માં સર્વ પાપોનો નાશક કહ્યો છે અને સાથોસાથ એને બધાં પ્રાણીઓમાં નિત્ય સ્થિત કહ્યો છે. આ અગ્નિ એ કર્મનું પ્રતીક છે અને જીવનમાં સતત કર્મયોગની જ્વાળા જલતી રહેવી જોઇએ.
જો આવો કર્મયોગ હોય તો 'ઋગ્વેદ' (૧-૯૦-૬) કહે છે કે, 'સત્કર્મશીલ વ્યક્તિને માટે હવાઓ મધુ વહેવડાવે છે, નદીઓ મધુ વહેવડાવે છે અને ઔષધિઓ મધુમય બની જાય છે.' આવી રીતે અહીં કર્મયોગનો મહિમા કર્યો છે અને સળગતો અગ્નિ એ અવિરત કર્મયોગનું પ્રતીક છે.
સવાલ એ જાગે કે અતઃકાળની મનઃસ્થિતિમાં વળી અગ્નિની વાત શા માટે? અને ત્યારે સંત તુકારામનું સ્મરણ થાય. એ કહે છે કે 'કર્મે રામ, મન મેં રામ.' એટલે કે મારે ઇશ્વરસ્મરણ ચાલુ રાખીને સતત કર્મયોગ કરવાનો છે. અંતિમ સમયે ઇશ્વર-સ્મરણની સાથે કર્મની વાત જોડાયેલી છે. કેવી છે આ અંતિમ સમયની કલ્પના ! તો અહીં કહેવામાં આવ્યું છે કે અંતિમ સમયે પલંગમાં ઊંડા નિસાસા નાખીને કપાળ કૂટતા આ માનવીની વાત નથી, કિંતુ છેક અંતિમ સમય સુધી કર્મ કરનારા માનવીનાં મૃત્યુની આ વાત છે.
કર્મયોગ એ જીવન યજ્ઞાની પ્રતિકૃતિ છે અને તેથી જીવનમાં જે યજ્ઞાનો પ્રારંભ કર્યો છે, જે જીવનમાં કર્તવ્યનું આચરણ કર્યું છે, તે યજ્ઞા જીવનનાં અંતે પણ અખંડ ચાલતો હોવો જોઇએ. કોઇ સેવાકાર્ય કરનાર વિચારે કે હું સેવા કરતો હોઉં અને મારો અંતિમ શ્વાસ ચાલ્યો જાય. કોઇ સર્જક વિચારે કે હાથમાં કલમ પકડી હોય અને બસ વિદાય લઇ લઉં. આ વિદાય એ જીવનના કર્તવ્ય અને કર્મ સાથેની વિદાય છે, આથી શ્રીમદ્ ભગવદ્ગીતામાં જે ઇશ્વર પાસે કૃપા માંગી છે, એ કૃપા એ છે કે મૃત્યુ આવે, ત્યારે પણ હું હસતે મુખે મારું કર્તવ્ય બજાવતો હોઉં અને એવી ક્ષણોનું મૃત્યુ મારા જીવનને ધન્ય બનાવી દે. આનાથી વધુ ઇશ્વર પાસે શું માંગવું ?'
આ સળગતા અગ્નિનો અર્થ એ છે કે અંતઃકાળે પણ કર્મ કરતા રહેવાય. હે અગ્નિ ! તારી એક કૃપા મળે કે મારા અંતઃકાળે પણ હું સતત કર્મયોગ કરતો હોઉં. પછી વાત કરી છે 'સૂર્યના પ્રકાશની', આ સૂર્યનો પ્રકાશ એટલે શું ? સૂર્યની વાત તો સઘળાં ધર્મમાં મળે, સઘળાં ઉપદેશકો એનો મર્મ કહે છે. આ સૂર્ય વિશે 'સૂર્યશતક'માં મયૂર કહે છે કે 'સૂર્યએ અંધકારનો વિનાશક નથી, પણ પાપનો વિનાશક છે. એ માત્ર કમળને વિકસિત કરનારો નથી, પરંતુ એનાં ચરણો અર્થાત્ કિરણોની સમીપ રહેનારાઓને પરમ પ્રબોધ કરનારો છે અને આવો સૂર્ય એ માત્ર દિવસનો કર્તા નથી, પરંતુ મોક્ષનો કર્તા છે.
આમાં સૂર્યની કૃપા 'શ્રીમદ્ ભગવદ્ગીતા'માં વાંછના કરવામાં આવી છે. સૂર્ય એટલે 'બુદ્ધિની પ્રભા.' અર્થાત્ મૃત્યુ વેળાએ મને સૂર્યની કૃપા પ્રાપ્ત થાઓ એટલે કે મારું ચિત્ત છેક સુધી સભાન રહીને ઝગમગતું અને સતેજ રહે. જીવનના અંતે વિક્ષુબ્ધ ચિત્ત હોય, તો એનો પુનર્જન્મ દુઃખદ થતો હોય છે. જીવનનાં અંતે ચિત્ત મંદ કે પ્રમાદી બની ગયું હોય તો તે પણ ન ચાલે. અહીં તો છેલ્લી ઘડી સુધીની બુદ્ધિની સભાનતાની વાત કરવામાં આવી છે અને એને માટે સૂર્યની કૃપાની યાચના કરવામાં આવી છે. એક બાજુ કર્મયોગ ચાલતો હોય અને બીજી બાજુ ચિત્તની જાગૃતિ હોય, તેવા મૃત્યુની અહીં ઇચ્છા રાખી છે.


