Get The App

સન્માન આપવા આવ્યા, ત્યારે એમનો નશ્વર દેહ આ જગતની વિદાય લઈ ચૂક્યો હતો !

Updated: Jun 14th, 2023

GS TEAM

Google News
Google News
સન્માન આપવા આવ્યા, ત્યારે એમનો નશ્વર દેહ આ જગતની વિદાય લઈ ચૂક્યો હતો ! 1 - image

- અનન્ય સંશોધક શ્રી મોહનલાલ દેસાઈ 

- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

ગુ જરાતી સાહિત્યમાં જેની ઉપેક્ષા થઈ અને જૈન સમાજ દ્વારા જેના કાર્યનો મહિમા સમજવામાં આવ્યો નહીં એવા પ્રખર સંશોધક, સાહિત્યકાર, સમલોચક અને સંપાદક મોહનલાલ દલીચંદ દેસાઈએ અજોડ ધગશથી સંશોધનકાર્ય કર્યું. હસમુખા સ્વભાવના મોહનલાલ દેસાઈની સંશોધક તરીકેની આશા, ઉત્સાહ અને ધગશની ઇમારત એટલી મજબૂત હતી કે એમના મનના આંગણામાં નિરાશા કે નિષ્ફળતા ફરકી શકતી નહીં. મુક્ત હાસ્ય અને વિનોદી સ્વભાવથીએ સામી વ્યક્તિઓને રીઝવી શકતા હતા. એમણે કરેલી સાહિત્ય સેવાની વાત વાચક મિત્રો તમે બરાબર સાંભળો અને સમજો, તેમ ઇચ્છું છું.

એમણે સાહિત્યપ્રેમના બળે અથાગ પરિશ્રમ કરીને મધ્યકાલીન જૈન સાહિત્યના ઇતિહાસનો અને એની અત્યંત વિશાળ એવી સાહિત્ય-સમૃદ્ધિનો પરિચય આપ્યો. જો મોહનલાલ દલીચંદ દેસાઈએ સાહિત્યસેવાનો આવો ભેખ ધારણ કર્યો ન હોત તો આજે ઉપલબ્ધ છે તે આપણી પાસે મધ્યકાલીન જૈન સાહિત્યની માહિતી અલ્પ પ્રમાણમાં હોત અને એ સમયની કેટલીયે ઉત્તમ કૃતિઓ સંશોધકોની નજર બહાર રહી ગઈ હોત. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણા ઘણા વિદ્વાનોએ લખ્યો છે, પરંતુ એમાં થયેલી જૈન સાહિત્યની ઉપેક્ષા આજે પણ એ જ રીતે ઉપેક્ષિત રહી હોત. જૈન સાહિત્યના મહારથી મોહનલાલ દેસાઈએ કરેલા કાર્ય વિશે શ્રી હરિવલ્લભ ભાયાણીના એ વિધાનોનું સ્મરણ કરીએ,

'મો.દ.દેસાઈ એટલે ચાળીસેક વરસનો અણથક કઠોર પુરુષાર્થ. મોહનદાસ દેસાઈના બન્ને આકરગ્રંથોના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઉઠાવતો આવ્યો છું.. તેમાં એવી વિપુલ માહિતી સંચિત કરેલી છે, જેને લીધે તે મધ્યકાલનાં સાતસો વરસના સાહિત્યને સંસ્કૃતિનો વૃત્તાંત તૈયાર કરવા માટેનો એક સામગ્રી-ભંડાર બની ગયો છે.'

૧૯૨૬માં 'જૈન ગૂર્જર કવિઓ' નો પ્રથમ ભાગ પ્રગટ થયો, ત્યારે મોહનલાલ દેસાઈનું દીર્ઘકાળથી સેવેલું સ્વપ્ન સાકાર થયું.' જૈન ગૂર્જર કવિઓ'માં ૧૧૫૦ જૈન કવિઓ, ૧૦૦ જેટલા જૈનેતર કવિઓ અને એમની ૩૦૦૦ કૃતિઓનો સમાવેશ થાય છે. આ સિવાય સ્તવન-સમજાય જેવી લઘુકૃતિઓની સંખ્યા તો જુદી, પરંતુ આ ૩૦૦૦ જેટલી કૃતિઓમાંથી બહુ ઓછી પ્રકાશિત છે. 'જૈન ગૂર્જર કવિઓ'ની સાહિત્યસમૃદ્ધિ અને એના મહત્વનો ખ્યાલ તો શ્રી જયંત કોઠારીના સંપાદન હેઠળ 'જૈન ગૂર્જર કવિઓ'ના દસ ભાગ પ્રગટ થયા, ત્યારે આવ્યો અને સહુએ અનુભવ્યું કે ગુજરાતના મધ્યકાલીન યુગના કવિઓમાં ૭૫ થી ૮૦ ટકા કવિઓ જૈન કવિઓ છે.

મારી દૃષ્ટિએ 'જૈન ગૂર્જર કવિઓ' એ આપણા સાહિત્ય વારસાનો રોમાંચક પરિચય કરાવે છે. એ સાહિત્યવારસામાં કવિઓનું પાંડિત્ય છે, ધર્મપ્રીતિ છે, રસજ્ઞાતા છે, છંદકૌશલ છે ને ભાષાપ્રભુત્વ છે, વાર્તાનો અદ્ભુત ખજાનો છે, પૌરાણિક ચરિત્રો, ઇતિહાસ, સમાજદર્શન, તત્ત્વજ્ઞાાનને ધર્મબોધ છે. મોહનભાઈએ અનેક પૂરક સામગ્રીથી પોતાની આ ગ્રંથશ્રેણીને વધારે સમૃદ્ધ કરી છે. જૈન સાહિત્ય અને ઇતિહાસનો એટલે જાણે એક જ્ઞાાનકોશ. 'જૈન ગૂર્જર કવિઓ'નો પ્રથમ ભાગ ૧૯૨૬માં પ્રગટ થયો અને એનો ત્રીજો ભાગ ઇ.સ.૧૯૪૪માં પ્રગટ થયો. જરા એ સમયની કલ્પના કરો, એ સમયે કેવો વિશ્વાસ જગાવીને મોહનભાઈએ જ્ઞાાનમંદિરોનાં વર્ષોથી લાગેલાં કાટ ખાઈ ગયેલાં જરી-પુરાણા તાળાં ખોલાવ્યાં હશે. આજે પણ જે બાબત મુશ્કેલ લાગે છે, તે કઈ રીતે એમણે સિદ્ધ કરી હશે ? એમની સંશોધનની અગમ્ય ધગશે જ ગ્રંથભંડારોનાં તાળાં ખોલી દીધાં હશે ! એમાં કેવી ધૂણી ધખાવીને બેઠા હશે ! અને અસંખ્ય પોથીઓમાંથી પોતાના ગ્રંથોમાં ઉતારેલી પ્રચૂર માહિતી નોંધી હશે.

હસ્તલિખિત પોથીઓ વાંચવી, એની નકલ કરવી, પછી એને સુધારવી, એનાં પ્રૂફો વાંચવાં- એ બધું કામ તેઓ એકલે હાથે કરતા. કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થને બદલે આ એકલ વીરે ગાંઠનું ગોપીચંદન ખર્ચીને સરસ્વતી ઉપાસના કરી. આ માટે એમણે કેટલી શક્તિ, કેટલો સમય અને કેટલો અંગત ખર્ચ કર્યો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ' જૈન ગૂર્જર કવિઓ' પછીનો શ્રી મોહનલાલ દેસાઈનો બીજો ગ્રંથ તે 'જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ.' જેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલાં જૈન સાહિત્ય, ઇતિહાસ, કલા, સંઘવ્યવસ્થા, જ્ઞાાનભંડારો વગેરેનો સમયાનુક્રમે પરિચય પ્રાપ્ત થાય છે. આ ઇતિહાસને એમણે 'સંક્ષિપ્ત' કહ્યો છે, પણ એના પ્રારંભે ૫૫ પાનાનું વિસ્તૃત નિવેદન છે અને આખોય ગ્રંથ ૧૨૫૦ પૃષ્ઠોનો છે. લોયમન, વેબર, યાકોબી જેવા જર્મન વિદ્વાનોએ જૈનપરંપરા અને તેના સાહિત્યને લગતો ઇતિહાસ લખવાની પહેલ કરી હતી. ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં પણ આ પ્રકારનું અધ્યયન થતું હતું, પરંતુ ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધન વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઇતિહાસનો પાયો મોહનભાઈએ નાખ્યો.

કોઈ સંસ્થા કે યુનિવર્સિટી ઘણાં વર્ષો સુધી જેવું સંશોધનકાર્ય કરે તેવું કાર્ય શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ એકલે હાથે, અત્યંત પરિશ્રમપૂર્વક તથા સંશોધનની ચોક્કસ વ્યવસ્થા પ્રમાણે તેમજ વૈજ્ઞાાનિક અભિગમ સાથે કર્યું. એક બાજુ વકીલાતનો વ્યવસાય ચાલતો હોય અને બીજી બાજુ એમની અખંડ સાહિત્યયાત્રા પણ ચાલતી રહેતી.

વિશેષ તો કોર્ટમાં દિવાળીની, નાતાલની કે પછી ઉનાળાની રજાઓ પડતી, કે તેઓ તરત જ પ્રવાસે નીકળી પડતા અને કોઈ ગામ કે શહેરમાં જઈને હસ્તપ્રતભંડારોમાં પલાંઠી લગાવીને બેસી જતા. આ રીતે મોહનલાલ દેસાઈએ અનેક સદીઓના આપણા સાહિત્યની અંધારી ગુફામાં મશાલ પ્રગટાવવાનું કાર્ય કર્યું. સેંકડો કવિરત્નોને અને એમની અસંખ્ય કાવ્યકૃતિઓને પ્રકાશમાં આણ્યાં. પોતે ઘસાઈને ઉપયોગી થવા પ્રયત્ન કરતા. કોઈને મદદની જરૂર હોય ત્યારે એવો સંકલ્પ કરતા કે આજે સાંજે ૪ થી ૮ કે ૫ થી ૭ દરમિયાન વકીલાતમાં જે રોકડ આવક થશે, તે હું આ જરૂરિયાતમંદને આપી દઇશ.

જરા એમની સાહિત્ય માટેની ફકીરી જાણીએ. મુંબઈની સ્મોલ કોઝ કોર્ટમાં વકીલાત કરનારા મોહનભાઈને શ્રીમંતાઈનું કદી આકર્ષણ નહોતું. આ વિરલ વિદ્વત્ત પ્રતિભાએ પ્રિન્સેસ સ્ટ્રીટ પર લુહાર ચાલમાં તવાવાળા બિલ્ડિંગમાં બે રૂમ ને રસોડાના બ્લોકમાં પોતાનો ઘરસંસાર શરૂ કર્યો. તે જીવનભર અહીં જ રહ્યા. જરા આ વિદ્વાન સંશોધકના સંશોધન-ખંડ વિશે વિચાર કરીએ. બે રૂમ અને રસોડાના આ બ્લોકમાં એક રૂમ એ એમનો દીવાનખંડ. એ જ એમનો બેઠકખંડ, અભ્યાસખંડ અને લાઈબ્રેરી અને બીજું જે કંઈ ગણો તે. આ ખંડમાં રહેલી ગાદી પર બેઠેલા મોહનભાઈ પલાંઠીવાળી, ખોળામાં કાગળ રાખી નીચે પૂંઠું કે પાટિયું રાખી સતત લખતા હોય કે હસ્તપ્રતની નકલ કરતા હોય. એમના આ દીવાનખંડમાં એકેય ખુરશી કે ઢાળિયું-ટેબલ મળે નહીં. ઇસ્કોતરો કે કબાટ પણ નહીં. કોઈ મુલાકાતી આવે તો એ સામે શેતરંજી અથવા તો ચટાઈ પર બેસે. આ ખંડના પ્રવેશદ્વાર અને એની બારીઓને બાદ કરતા વિશાળ ખંડની ચારેય દીવાલો ફ્લોરથી 

માંડીને છત સુધી પુસ્તકો અને હસ્તપ્રતોથી ખીચોખીચ ભરેલી હોય. દિવસે વિક્ષેપ પડે અને રાત્રે નિરાકૂળતા હોય તેમ માનતા મોહનલાલ દલીચંદ દેસાઈ મોડી રાત સુધી, લગભગ બે વાગ્યા સુધી વિદ્યાકાર્ય કરતા હતા.

આ દીવાનખંડમાં અથવા કહો કે એમના સંશોધન-કેન્દ્રમાં બેસીને તેઓ કોઈ દેશીની નોંધ કરે, કોઈ સંદર્ભ મેળવવા માટે ગ્રંથો કે સામયિકો જુએ, કર્તાઓને કે કૃતિઓને ક્રમાંક આપે, ક્યારેક પરિશિષ્ટ તૈયાર કરે. સવાલ એ થાય કે પોતાને જરૂરી સંદર્ભો એમણે કઈ રીતે હાથવગા કર્યા હશે ? એમની સ્મૃતિશક્તિને કારણે તેઓ પુસ્તકોના ઢગલામાંથી જરૂરી પુસ્તક કે લેખ શોધી કાઢતા. મુંબઈની ખોલીમાં એકલે હાથે આવા આકર ગ્રંથોના નિર્માણનું કાર્ય કેવી રીતે થયું હશે તે કૌતુકનો વિષય છે. આવાં કામ કરતા વિદ્વાનોની ફોજ ધરાવતી યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પણ હાંફી જતી હોય છે. અસાધારણ સ્મૃતિશક્તિ વિના, મગજ કમ્પ્યૂટર જેવું બનાવ્યા વગર આવાં કામ એકલે હાથે ન બને અને મોહનભાઈએ પોતાના મગજને આવું બનાવ્યું હતું. એની સાક્ષી એમનો એકેએક લેખ પૂરે છે. દેવચંદ્રજી વિશે એ લખવા બેસે, ત્યારે એને અનુષંગે જે જે વ્યક્તિઓને કૃતિનો નિર્દેશ કરવાનો આવે એના વિશે પૂરતી માહિતી ઠાલવ્યા વિના એમને ચેન પડે નહીં.

એમના આ ખંડને જોઈને શ્રી ભોગીલાલ સાંડેસરાને એમ લાગ્યું કે, ' આ ખંડમાં પ્રવેશતાં પહેલાં જ કોઈ પણ અસીલ ભડકીને નાસી જાય.' જોકે મોહનલાલ દેસાઈ એમનું વકીલાતનું કામ પિકેટ ક્રોસ લેઈન પાસે એમની ઓફિસમાં કરતા હતા. સાંજે બે-ચાર કલાકમાં મોહનભાઈ પોતાના યોગક્ષેપ પૂરતું કમાઈ લેતા. શરૂઆતમાં તેઓની માસિક આવક ૫૦૦ રૂ. હતી અને છેવટે લગભગ ૩૦૦૦ રૂ. થઈ હતી. આવી અખંડ સાહિત્યસેવા કરનાર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈની હયાતીમાં એમનું બહુમાન કરવામાં મોળો સમાજ મોડો પડયો. નાદુરસ્ત તબિયતને કારણે મુંબઈનો ઘરબાર સંકેલીને રાજકોટમાં રહેતા મોહનભાઈનું એમની અનેકવિધ સેવાઓની કદર રૂપે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સે સન્માન કરવાનું આયોજન કર્યું. એમાં છ હજાર રૂપિયા ઉપરાંતની રકમ ભેગી થઈ. રાજકોટથી સમાચાર આવ્યા કે મોહનભાઈ સાનભાન ગુમાવતા જાય છે. એમનો દેહ લાંબો સમય ટકે તેમ નથી. કોઈને સાંભળે, સમજે કે કોઈને જવાબ આપે તેવી સ્થિતિ નથી. આથી મુંબઈથી માનપત્ર, ચાંદીનું કાસકેટ અને છ હજાર રૂપિયાની રોકડ રકમ લઈને સન્માનસમિતિના પ્રતિનિધિ તરીકે બીજી ડિસેમ્બરને રવિવારે શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી રાજકોટ જવા માટે નીકળે, તે પહેલાં તો મોહનભાઈનો ક્ષરદેહ આ જગતની વિદાય લઈ ચૂક્યો હતો, ફારસીના મહાન કવિ ફિરદૌસીનો જીવનપ્રસંગ યાદ આવે. મહાન કવિને નવાજના માટે સાઠ હજાર સોનામહેરો લઈને સુલતાન મોહમ્મદ શાહનો રસાલો એમના શહેરમાં દાખલ થતો હતો, એ જ વખતે ફિરદૌશીનો જનાજો બીજે દરવાજેથી બહાર નીકળતો હતો. મોહનલાલ દેસાઈના અવસાન બાદ એમના વારસોએ થેલી લેવાને બદલે એમાં રકમ ઉમેરીને પરત કરી.

આપણે માટે સવાલ એટલો છે કે પોતાના સંશોધન દ્વારા સમાજને માટે જાનફેસાની કરનારા સરસ્વતીના ઉપાસકની ઉપેક્ષા સેવીને કયો ધર્મ અને કયો સમાજ પ્રગતિ કરી શકે ?