- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
તમારી પાસે અઢળક રત્નોનો ભંડાર હોય, પણ તમે કોઈને બતાવો નહીં કે કોઈને આપો નહીં, તો શું થાય ? એનો તમારા કે અન્યના જીવનમાં કોઈ અર્થ રહે નહીં. બરાબર એવી જ પરિસ્થિતિ જૈન ધર્મની જોવા મળે છે કે જ્યાં આ ધર્મનો પ્રત્યેક સિદ્ધાંત એ વ્યક્તિના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણે તેવું છે અને એનું કારણ એ ધર્મ માનવજીવન જીવવાની શૈલી છે અને તેથી જે કોઈને એનો સ્પર્શ થાય એનામાં પરિવર્તન આવતું હોય છે.
આવા કેટલાંય પરિવર્તનો થયેલા મારા દેશ-વિદેશનાં પ્રવાસ દરમિયાન મેં નજરોનજર જોયા છે. સમગ્ર વિશ્વમાં જૈન ધર્મ અંગે વિશિષ્ટ યોગદાન આપવા માટે તાજેતરમાં ચોથી જુલાઈએ ૭૨ જેટલાં અમેરિકા અને જૈન ધર્મનાં સેન્ટરો અને સંઘોની મુખ્ય સંસ્થા 'જૈના'એ મને 'જૈના ગ્લોબલ એવોર્ડ' એનાયત કર્યો. આ પૂર્વે આ જ સંસ્થાએ કેનેડામાં યોજાયેલા એના અધિવેશનમાં 'જૈના પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવોર્ડ' એનાયત કર્યો હતો અને ત્યારબાદ ૨૦૨૪માં 'જૈના એમ્બેસેડર એવોર્ડ' આપ્યો હતો. બે લાખ જેટલાં સભ્યો ધરાવતી ભારતની બહારની જૈનોની આ સૌથી મોટી સંસ્થામાં તમામ સંપ્રદાયો એક સાથે કામ કરે છે. ભારતમાં આવું ક્યારે થશે ? અને એથી જ સવાલ જાગે કે આવો ધર્મ પ્રાપ્ત થવા છતાં આપણે એની ભાવનાઓ જગતમાં તો ઠીક છે, પણ આપણી આસપાસનાં સમાજમાં કે દેશમાં પણ પૂરેપૂરી પ્રવર્તાવી શક્યા નથી. તે કેવી કમનસીબી ! આવી કેટલીક ઘટનાઓની તમને વાત કરું.
૧૯૯૫ની ૧૫મી ફેબ્રુઆરીએ વેટિકન સિટીમાં એ સમયના પોપ જ્હોન પોલ દ્વિતીયને મળવાનું બન્યું. એમણે આદરપૂર્ર્વક જૈન ધર્મનાં પુસ્તકો ગ્રહણ કર્યા. બૂટ બહાર ઉતારીને પ્રારંભે શ્રી નમસ્કાર મહામંત્ર અને અંતે ક્ષમાપનામાં ઉપસ્થિત રહ્યા. અનેકાંતવાદની વાતમાં એમને રસ પડયો અને વિશ્વમાં પર્યાવરણની અને પ્રાણી વિનાશની કટોકટીના સંદર્ભમાં જૈન ધર્મના જીવવિચારને જાણીને પ્રસન્ન થયા. પરિણામ એ આવ્યું કે આજે પ્રત્યેક મહાવીર જયંતિએ જૈન ધર્મના સિદ્ધાંતો આ જગતને કેટલા લાભદાયી છે એવો એમનો સંદેશ પ્રાપ્ત થાય છે અને એથીયે વધુ તો વખતોવખત જૈન સમાજનાં અગ્રણીઓને બોલાવીને વેટિકનમાં એમની સાથે વિચારવિમર્શ કરતા હોય છે.
એ જ રીતે ઇંગ્લેન્ડના બકિંગહામ પેલેસમાં ૧૯૯૦ની ૨૩મી ઓક્ટોબરે પહેલી વાર નમસ્કાર મહામંત્ર બોલવામાં આવ્યો. જ્યાં એક સમયે મહાત્મા ગાંધી ગયા હતા, તે સ્થાનમાં નમસ્કાર મહામંત્રની ભાવના ગૂંજી ઊઠી. એ સમયે વર્લ્ડ વાઈડ ફન્ડ (ડબલ્યુ.ડબલ્યુ.એફ)ના અઘ્યક્ષ ડયુક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપ હતા. એમણે વીસ મિનિટનો સમય આપ્યો હતો અને છતાં સહુની સાથે દોઢેક કલાકનો સમય ગાળ્યો. એમને સૌથી વધારે આશ્ચર્ય તો એ થયું કે અઢી હજાર વર્ષ પહેલાં આ ધર્મે વનસ્પતિમાં જીવ છે એમ કહ્યું હતું, પ્રાણીજીવનનો સમાદર કર્યો હતો, પર્યાવરણની કેવી જાળવણી ! ત્યારે અમે કહ્યું કે, 'ફોર અસ ઈકોલોજી ઈઝ રીલિજીયન એન્ડ રીલિજીયન ઈઝ ઈકોલોજી' અમારે માટે પર્યાવરણ એ ધર્મ છે અને ધર્મ એ પર્યાવરણ છે.
આવો જ એક પ્રસંગ જૈન ધર્મની અપરિગ્રહની ભાવનાનાં સંદર્ભમાં યાદ આવે છે. અમેરિકાની મીસ બેરિલ નામની મહિલાને જૈન ધર્મનો સંપર્ક થયો અને એને લાગ્યું કે જીવનમાં આ અપરિગ્રહનો માર્ગ અપનાવવો જોઈએ. એને માટે પહેલા તો એણે પોતાની ઇચ્છાઓ તરફ નિયંત્રણ કર્યું અને પછી અપરિગ્રહના માર્ગે જવાનો પ્રયત્ન શરૂ કર્યો. એણે શાંતિથી આત્મચિંતન કર્યું, ત્યારે એને લાગ્યું કે એના ઘરના બધાં જ રૂમમાં ટેલિવિઝન છે, પરંતુ એક માત્ર ડ્રોઇંગ રૂમના ટેલિવિઝનનો જ એ ઉપયોગ કરે છે. પરિણામે એણે પોતાની પાસે એક ટેલિવિઝન રાખ્યું અને બાકીના ત્રણ ટેલિવિઝન આજુબાજુ જરૂરિયાતવાળાને આપી આવી.
એની પાસે કેટલાંય આકર્ષક ડ્રેસ હતા. જેમાંના કેટલાક તો પોતાના કબાટમાં છે એ પણ ભૂલી ગઈ હતી, કારણ કે એક-બે વાર ઉપયોગમાં લીધા પછી એ બધાં એમને એમ પડયાં હતાં. એણે કેટલાંક વસ્ત્રો વહેંચી દીધા. પછી ભોજન પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું. પહેલાં માંસભક્ષણનો ત્યાગ કર્યોે અને પછી ધીરે ધીરે માછલી સેવન છોડી દીધું અને એને લાગ્યું કે ફળ, શાકભાજીનું ભોજન વધુ સાત્વિક અને વધુ શાંતિપ્રદ લાગે છે. એણે કહ્યું, 'મારે વસ્તુઓની જરૂર નથી, મારે કર્મબંધન તોડવું છે. આસક્તિ અને મમત્વને કારણે જાગતી ઇચ્છાઓ અને અંતે થતી નિરાશાઓ મારે છોડવી છે.' આપણે જાણીએ છીએ કે પરિગ્રહની ભાવના કેવળ મર્યાદિત સંગ્રહ નથી, પરંતુ એનાથી અધિક એવી સંગ્રહવૃત્તિ કે સંગ્રહ-આસક્તિમાં એ પણ પરિગ્રહ છે.
એવો બીજો પ્રસંગ મને યાદ આવે છે. મારા પિતાશ્રી 'જયભિખ્ખુ' ગ્વાલિયર પાસે આવેલી શિવપુરી સંસ્થામાં અભ્યાસ કરતા હતા, ત્યારે ત્યાં વસતા જર્મન વિદુષી ડો. શેરલોટ ક્રાઉઝેને બધા 'સુભદ્રાદેવી' તરીકે ઓળખતા હતા. જૈન વિદ્યાનું સંશોધન ક૨વા માટે તેઓ લાંબા પ્રવાસો ખેડવા પડે તો એ પ્રવાસો કરતા અને કેટલાય માઈલો દૂર જઈને ગ્રંથો મેળવવા પડે તો પણ એમને લેશમાત્ર પણ કંટાળો નહીં.
આ સંદર્ભમાં ભારતના કેટલાંય સ્થળોનો પ્રવાસ કરનાર ડો. શેરલોટ ક્રાઉઝે ૧૯૩૦ના ઓક્ટોબર મહિનામાં મૈસૂર રાજ્યમાં થતી દશેરાની ભવ્ય ઉજવણી જોવા ગયા, ત્યારે એક વિશાળ મેદાનમાં ઔદ્યોગિક પ્રદર્શન યોજાયું હતું. એમાં રેશમના ઉદ્યોગના વિભાગમાં સુભદ્રાદેવીએ જોયું કે ખદબદતા ગરમ પાણીમાં મોટી ઈયળો જેવા કીડાવાળા હજારો કોશેટાઓને કાચના પારદર્શક પીપમાં નાખીને ફુલાવવામાં આવતા હતા અને એ ફૂલેલાં કોશેટામાંથી રેશમના સાવ ઝીણાં રેસાઓ(દોરાઓ) ઉખેડી લઈને એ કીડાઓનો એક ઠેકાણે મોટો ઢગલો કરવામાં આવતો હતો. સુભદ્રાદેવીએ પૂછયું કે, 'એક રતલ તાર મેળવવા માટે કેટલા કીડાઓનો નાશ કરવો પડે ?'
ત્યારે ઉદ્યોગપતિએ ઠંડા કલેજે કહ્યું કે, 'એને માટે તો હજારો કીડાઓ જોઈએ.'
સુભદ્રાદેવીનું હૃદય કકળી ઊઠયું. અહીં જૈનદર્શનની અહિંસાની ભાવના વિશે ઊંડું અઘ્યયન કર્યું હતું અને તેથી એ જ ક્ષણે એમણે રેશમત્યાગની પ્રતિજ્ઞાાા કરી.
મૂળ નામ હતું કોસ્ટેન, પણ એ 'બલભદ્ર'ને નામે ઓળખાતા હતા. અમેરિકામાં વસતા કોસ્ટેન કહે છે, 'પાશ્ચાત્ય સંસારમાં ભૌતિક પ્રગતિ અને મનોરંજનનાં સાધનોની ભરમાર છે. તમામ ભૌતિક ઇચ્છાઓ પૂરી ક૨વાનાં સાધનો મોજૂદ છે. છતાં પણ લોકો માનસિક શાંતિ, સહિષ્ણુતા અને સુમેળભર્યા વાતાવરણને માટે તરસે છે. પશ્ચિમની દરેક વ્યક્તિને માટે સરેરાશ દૈનિક જીવન તનાવોથી ભરેલું છે. આપણું જીવન ક્ષણભંગુર લાગે છે. આવી પરિસ્થિતિમાં જૈન ધર્મ દ્વારા મને જીવનનું મૂળ રહસ્ય અને હેતુ જાણવા મળ્યાં છે.'
કેનેડાના બ્રશ કહે છે કે, 'જૈનદર્શન અને આચાર-વિચારે મારા હૃદયમાં એવી શીતળતા લાવી દીધી કે આજે આત્મિક સંતુલનનો આનંદ અને આત્મનિર્ભરતાનો વિશ્વાસ મહેસૂસ કરી રહ્યો છું.'
આવી તો અનેક વ્યક્તિઓએ જૈનદર્શન અને આચાર-વિચારના સ્પર્શથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરી છે. ઇંગ્લેન્ડના વિશ્વપ્રસિદ્ધ નાટયકાર જ્યોર્જ બનાર્ડ શોએ કહ્યું, 'જૈન ધર્મનાં સિદ્ધાંતો મને ખૂબ જ ગમે છે. જો પુનર્જન્મ હોય તો મૃત્યુ પછી મારો જન્મ જૈન કુટુંબમાં થાય તેમ ઇચ્છું છું.' આજે પર્વાધિરાજના પાવન પ્રસંગે આપણે સ્વયં આવા મહાન શાસનની સુવાસ કેટલી ફેલાવી શક્યા, એનો આપણા જ અંતરને સવાલ કરીએ.


