Get The App

મૈત્રી અને મોક્ષના સાધક તે સાધુ .

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
મૈત્રી અને મોક્ષના સાધક તે સાધુ                            . 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- શ્રી નમસ્કાર મહામંત્ર રહસ્ય-6

- વર્તમાન સમયનો આપણો યક્ષ પ્રશ્ન એ છે કે સાચા સાધુ કોને કહેવાય? એમનું વૈરાગી જીવન કેવું હોય ? એમની પાસેથી શ્રાવકને કે સામાન્ય માનવીને શું પ્રાપ્ત થાય ?

ઉર્ધ્વગામી ભાવના અને જીવંત આચાર એ જૈનદર્શનના રથનાં બે પૈડાં છે. એમાં ઉન્નત ભાવનાઓનું માત્ર આકાશી આલેખન નથી, પરંતુ એ ઉચ્ચ ભાવનાઓ સ્વ-જીવનમાં કેવી રીતે સાકાર થાય, તેનું ઝીણવટભર્યું ચિંતન અને તેની પ્રક્રિયા પણ છે.

જ્ઞાન અને ક્રિયા, આદર્શ અને અમલ, ભાવના અને સિદ્ધિ એ બંને બાબતને એકસાથે લક્ષમાં રાખીને આ ધર્મદર્શન ધર્મજીવનનો સંવાદ સાધે છે.

વર્તમાન સમયનો આપણો યક્ષ પ્રશ્ન એ છે કે સાચા સાધુ કોને કહેવાય? એમનું વૈરાગી જીવન કેવું હોય? એમની પાસેથી શ્રાવકને કે સામાન્ય માનવીને શું પ્રાપ્ત થાય?

આનંદભરી ઘટના એ છે કે આ પ્રશ્નનો જવાબ આપવા શાસ્ત્રગ્રંથોમાં નિહિત છે, માત્ર એ જ્ઞાનસાગરમાં ડૂબકી મારીને મોતી લઈ આવવાનો છે.

આ કોઈ અતિશયોક્તિ કે અહોભાવભરી વાત નથી, બલ્કે નક્કર હકીકત છે. આનું કારણ એ છે કે ધર્મગ્રંથો સાચા અને ખોટાનો ભેદ સતત જુદો તારવતા રહ્યા છે, જેમ હંસ નીર અને ક્ષીર જુદું પાડે તે રીતે દરેક વિચારણામાં અને આચરણમાં દ્રવ્ય અને ભાવથી આ ભેદ પ્રગટ કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં ચાર પ્રકારના સાધુનું આલેખન મળે છે. પહેલો પ્રકાર છે તે નામ-સાધુનો. જે સાધુના નામમાં જ માત્ર તે સાધુ છે તેવું પ્રગટ થતું હોય.

બીજો પ્રકાર છે સ્થાપના-સાધુનો, જેમાં કોઈ વસ્તુમાં સાધુની સ્થાપના કરી હોય.

ત્રીજા અને ચોથા પ્રકારમાં એ જ દ્રવ્ય અને ભાવની વાત આવે છે. એટલે જે માત્ર સાધુનો વેશ ધારણ કરતો હોય, પરંતુ સાધુને યોગ્ય એવા સંયમ વગેરે ગુણોનું પાલન ન કરતો હોય. મહાયોગી અને આનંદઘનજીએ આ ભેદને દર્શાવતાં માર્મિક રીતે કહ્યું છે.

'આત્મજ્ઞાની શ્રમણ કહાવે,

બીજા તે દ્રવ્યલિંગી રે'.

સાધુનો ચોથો પ્રકાર તે ભાવ-સાધુનો છે. સાધુના વેશની સાથે તેના અંતરમાં પણ સાધુતા હોય.

આવી ભાવ-સાધુતાની પારાશીશી કઈ ? એક તો એ સાધુ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર વડે મોક્ષની સાધના કરતા હોય. બીજું એ કે જે તમામ પ્રાણીઓ તરફ સમાન ભાવ રાખતા હોય. આમ મોક્ષ અને મૈત્રીના સાધક તે સાધુ. વ્યક્તિ દીક્ષા લઈને સાધુ બનતી હોય છે. આથી પ્રથમ  તો દીક્ષાનો મર્મ જાણી લઈએ. આ દીક્ષા શબ્દમાં 'દા' અને 'ક્ષિ' ધાતુ છે, પરંતુ બન્યું એવું કે બંને ધાતુના સ્વરો બદલાઈ ગયા અને એમાંથી 'દીક્ષા' શબ્દ બન્યો.

'દા' શબ્દનો અર્થ છે દાન આપવું. માનવી પાસે પોતાની સંપત્તિ હોય, ઘર અને અલંકાર હોય, વસ્ત્ર અને વાસણ હોય. તે બધાં દ્વારા એ સંસારમાં રહેતો હોય છે અને એને પોતાનાં ભોગ-સુખનાં સાધનો માનતો હોય છે. દીક્ષા લેનારે સૌપ્રથમ શારીરિક આનંદપ્રમોદનાં સાધનોનો ત્યાગ કરવો જોઈએ. સંસારના રાગ છોડે તો જ વિરાગ જાગે. સાધુતાની આ પહેલી શરત.

દીક્ષા શબ્દમાં જે 'ક્ષિ' ધાતુ છે તેનો અર્થ 'ક્ષય કરવો' એમ થાય છે. આત્માની સાથે એકમેક બની ગયેલા શરીર અને કર્મ એ બંનેને બાળીને-ઓગાળીને ક્ષય કરવો. શરીરની ક્ષણભંગુરતા અને કર્મની લીલા પારખવી એ તો ખરું જ, પણ એથીય વિશેષ તો આત્માના અસ્તિત્વની ઓળખ પામવી.

સાધુતાની બાબતમાં જૈન ધર્મની મહત્તા જગતમાં જોવા મળે છે. મહત્તાના બે આધારસ્તંભો છે દાન અને ક્ષય. આ બંને ક્રિયા જેમાં હોય એ દીક્ષા કહેવાય. આવી દીક્ષા ધારણ કરનાર સાધુ-સાધ્વી સંસારનાં તમામ શારીરિક ભોગ-સાધનોથી દૂર રહેનારાં છે અને તેથી તેઓ નિર્લેપ અને કશીય અપેક્ષા વિનાના છે, માત્ર શરીરને જાળવવા માટે જરૂરી હોય તેટલાં જ વસ્ત્ર, પાત્ર લે છે અને એટલો જ આહાર ગ્રહણ કરે છે. જોકે આહાર, વસ્ત્ર કે પાત્ર પણ નિર્મળતાભાવે લેતા હોય છે, આથી જ તેઓ સાચા વૈરાગી અને આત્મસાધક બની રહે છે.

આત્માની સાચી સાધના કરે અને મોક્ષના અનુષ્ઠાન સાધે એ સાધુ કહેવાય. આ સાધુ કઠોર આત્મસાધનાનું પ્રતીક છે. તપસ્યા અને તિતિક્ષાનું જીવંતરૂપ છે. સમતા અને સમભાવનો વહેતો પ્રવાહ છે.

લોભ-વૃક્ષોને જડમૂળથી ઉખેડીને ફેંકી દેનાર, નદીના ધસમસતા પૂર સમાન લોકમાં (જેટલા ભાગમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલું છે તેટલા ભાગને જૈન શાસ્ત્રકારો 'લોક' કહે છે) ઉત્તમ ચારિત્ર્યવાન અને લોકમાં સર્વોત્તમ એવા સાધુઓ અમારા પાપનો પરિહાર કરો તેવી ભાવના આપણા ધર્મગ્રંથોમાં વ્યક્ત કરવામાં આવી છે.

આ સાધુમાં સામાન્ય રીતે સત્યાવીશ ગુણો હોવા જોઈએ, જે આ પ્રમાણે છે:

પાંચ મહાવ્રતો (૫), રાત્રિભોજનત્યાગ (૧), છકાયના જીવોની રક્ષા (૬), પાંચ ઇન્દ્રિયો પર સંયમ (૫), ત્રણ ગુપ્તિ (૩), લોભ રાખે નહીં (૧), ક્ષમા ધારણ કરે (૧), ચિત્ત નિર્મલ રાખે (૧), વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણા કરે (૧), સંયમમાં રહે (અવિવેકનો ત્યાગ-પ્રેક્ષા-ઉપેક્ષાદિ સંયમ) (૧), પરીષહો સહન કરે (૧), ઉપસર્ગો સહન કરે (૧).

શ્રી નમસ્કાર મહામંત્રના પાંચમા પદમાં 'સવ્વ' એટલે કે 'સર્વ' શબ્દ પ્રયોજાયેલો છે. એનો અર્થ એ કે અમે લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર કરીએ છીએ. આ 'સર્વ સાધુઓ' શબ્દનો અર્થ એ કે વિવિધ પ્રકારનાં સાધનો વડે મોક્ષ માર્ગની સાધના કરનાર સઘળા સાધુઓને નમસ્કાર હજો. વળી આ પદની વિશાળતા અને વ્યાપકતા નોંધવા જેવી છે અને પાંચ મહાવ્રતધારી તેમજ પરમ વિનયમાં આગળ વધેલા હોય તેવા સાધુઓને વંદન કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વિનય  એ સાધુનો સૌથી મોટો ગુણ છે. આવા સાધુ જીવનને અપ્રમાદ દ્વારા એટલે કે સતત જાગૃતિ દ્વારા વ્યતિત કરતા હોય છે. એ પણ નોંધવું જોઈએ કે અહીં સાધુ શબ્દનો ઉપયોગ થવાથી કોઈને એમ લાગે કે આ તો માત્ર સાધુઓની પુરુષજાતિનો જ  ઉલ્લેખ છે, પરંતુ 'સાહૂ' પદથી પુરુષસાધક અને સ્ત્રીસાધક બંનેનો સમાવેશ થાય છે.

આમ નવકારનાં આ પાંચ પદ એ પાંચ પ્રભાવક ભાવનાઓનું પ્રાગટય છે. અરિહંત પદ દ્વારા પરોપકાર, સિદ્ધપદ દ્વારા પૂર્ણતા, આચાર્યપદ દ્વારા પ્રવર્તન, ઉપાધ્યાય પદ દ્વારા અધ્યાપન અને સાધુપદ દ્વારા સાધના-એમ પાંચ પદોમાં એક વિશાળ કલ્પના સમાયેલી છે.

(ક્રમશ:)