Get The App

શ્રેયાંસકુમારને નવ નવ ભવનું સગપણ યાદ આવે છે !

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
શ્રેયાંસકુમારને નવ નવ ભવનું સગપણ યાદ આવે છે ! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- શ્રી ઋષભદેવ ચરિત્ર-12

ત્રિલોકના નાથ પૃથ્વીપતિ ઋષભદેવ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા અને એમને આહારની જરૂર હતી, પરંતુ સાથોસાથ એ પ્રતિજ્ઞા હતી કે આહાર નિર્દોષ મળે તો જ સ્વીકારવો. ત્યાગીને યોગ્ય, નિરવેદ્ય અને એષણીય ખોરાકની આવશ્યકતા હતી, પરંતુ એમની ઇચ્છા જેવો આહાર એમને મળ્યો નહીં અને એમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો.

એક વર્ષ વીતી ગયું અને આખરે હસ્તિનાપુર નગરીના મહાભાગ્ય જાગતાં હતાં. ધરતી પર વિહાર કરતા આદિનાથ ઋષભદેવ નગરીમાં પધારતા હતા. જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા, ત્યાં ત્યાંથી નગરજનો દોડી આવ્યા. કામ કરતા કારીગરો દર્શન કરવા ઘસી આવ્યા. ખાતાં ને રમતાં બાળકો પણ રમત છોડી પ્રભુમુખદર્શને દોડી ગયાં. વેપારીઓએ વેપાર મૂક્યો. ખેડૂતોએ ખેતર સૂનાં મૂક્યાં. ગાયોનાં ઘણનાં ઘણ ચરતાં મૂકીને ગોવાળો પ્રભુદર્શને આવી પહોંચ્યા. જેણે સમાચાર સાંભળ્યા, તે ઘડીના ય વિલંબ વિના ત્યાં આવી પહોંચ્યું. પોતાના તારણહારની પધરામણી થતી હતી. ભલા, પરમ પુણ્યે પ્રાપ્ત થતી પ્રભુમુખદર્શનની એ સુભગ ઘડી કોણ ગુમાવે ?

પણ આ શું જોઈએ છીએ ? પૃથ્વીનો પતિ ઉઘાડે મસ્તકે, અડવાણે પગે, છત્ર-ચામર વગેરે કશાંય રાજચિહ્નો વિના રાજમાર્ગ પર એકાકી ચાલ્યા આવે છે. ઓહ ! કેવું હૃદયવિદારક દૃશ્ય ! દૃશ્ય જોઈ અનેકની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. અહો ! પૃથ્વિપતિને ઘેર તો શી ખોટ પડી ? એવું તે શું મનડું રિસાયું કે ભરી ભરી ધરતી પર સ્વામી ખાલીખમ ?

આંખમાં આંસું, હૃદયમાં વેદના અને મનમાં કુતૂહલ લઈને બધાં નગરજનો જોતજોતામાં પ્રભુને વિંટળાઈ વળ્યા. બધેથી મણિમુકતાના વરસાદ વરસ્યા. કેસર-ચંદન-કર્પૂરના કીચ રચાયા. બધે જેમ બનતું આવ્યું હતું તેમ અહીં પણ બન્યું. આ સંસારમાં ભોગોપભોગનો સંગ્રહ તો જાણીતો હતો. એને ત્યાગ અને એનો ત્યાગી અજાણ્યો હતો.

કોઈ કહે અરે, પૃથ્વીનાથ પગે ચાલે છે, માટે હાથી આપો. કોઈ કહે, ત્રિલોકીનાથને દેહવિલેપન માટે અંગરાગ આપો. રત્ન, મોતી ને પરવાળાં ધરો, મૃગ, મયૂર ને ધેનુ અર્પણ કરો. અરે, ત્રિલોકના નાથને ઘેર કોઈ વાતની કમીના છે ! આજે એ તો આપણું પારખું કરવા નીકળ્યા છે ! રખે આપણે પાછા પડીએ ! દેહ માગે તો દેહ આપો, જીવ માગે તો જીવ આપો ! આપણે માટે પ્રભુથી વિશેષ કશુંય આ વિશ્વમાં નથી.

પણ બધી સંપત્તિ વચ્ચેથી, શરદના વાદળની જેમ ખાલીખમ ભગવાન આગળ વધ્યા. લોકોએ પ્રચંડ પોકાર પાડયો : 'આપણા ભર્યા નગરને શું કરુણાના અવતાર પ્રભુ આમ ને આમ છોડીને ચાલ્યા જશે ? તો પછી આપણું આ જીવતર જીવવા જેવું રહેશે ખરું ? આપણો જન્મ ધિક્ નહીં લાગે ? આપણાં ઐશ્ચર્ય અંગારા જેવાં નહિ ભાસે ? અરે, શું આપણે ત્યાં ડાહ્યાઓનો દુકાળ પડયો છે ? તપાસ કરો કે શા માટે પાણીમેં મીન પિયાસી !'

દ્વારપાળે આગળ કહ્યું,'સ્વામિ, પણ એમના દેહની શી વાત કહું ? જાણે એ પ્રબળ પ્રતાપી પૃથ્વીનાથ જ નહીં ! હજારો શત્રુથી ઘેરાયેલા મહા યોદ્ધાના જેવી એમની ઝાંખી મુખમુદ્રા છે. પહેલાં તો એમનાં મુખની આસપાસ સહસ્ત્રરશ્મિ સૂર્યના જેવું તેજમંડળ રચાયેલું જોવાતું. આજે તો જાણે સર્વકિરણ એમાંથી ઝરી ગયાં હોય એવું નિસ્તેજ લાગે છે. વધુ શું કહું, સોનાનો મેરુ પર્વત જાણે શ્યામ પડી ગયો હોય એમ એમની કાંચનવરણી કાયા શ્યામ થઈ ગઈ છે. ડોલતો ડુંગર જાણે ચાલ્યો આવતો હોય એમ એ ચાલ્યા આવે છે. પ્રજાજનોએ અનેક પ્રકારની ભેટ ધરી પણ એ લેતા નથી. દિવસોથી મૌન સેવે છે, એટલે શું જોઈએ છે, તે પણ સમજાતું નથી. પ્રજાજનો ઇચ્છે છે કે આપ જલદીથી પધારો ને તેમને ખપતી વસ્તુ જાણો, નહીં તો પ્રભુ આગળ ચાલ્યા જશે અને દરિદ્રના ભિક્ષાપાત્રની જેમ આપણે આવેલા સદ્ભાગ્યથી વંચિત રહીશું. અરે ! જુઓ, આપણા રાજદ્વાર પર આવીને એ ઉભા રહ્યા.'ળ

પોતાના પ્રતાપી પ્રપિતામહનું નામ સાંભળી યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડયા : ન પહેર્યા ઉપાનહ કે ન ઓઢયું છત્ર ! ઉઘાડે માથે ને અડવાણે પગે એ દોડયા ! આજની ઘડી રળિયામણી કરવાની એને હૈયે તાલાવેલી જાગી હતી.

પ્રભુ મંદગતિએ ચાલતા શ્રેયાંસકુમારનાં ગૃહાંગણમાં આવી પહોંચ્યા. શ્રેયાંસકુમાર દોડીને પ્રભુના પગમાં આળોટી પડયો. રંકના પાત્રમાં ચક્રવર્તીની ખીર ન સમાય, એમ એના હૈયામાં હર્ષ સમાતો નહોતો. પોતાના સુગંધી કેશથી તેણે પ્રભુના પગ લૂછયા, પ્રદક્ષિણા કરીને પુન: નમસ્કાર કર્યા. નમસ્કાર કરી પૂર્ણિમાના ચંદ્ર સમા પ્રભુમુખનું એ નીરખી નીરખીને દર્શન કરવા લાગ્યો.

પૂર્ણિમાના ચંદ્રનાં દર્શન કરતાં જેમ પોયણી ખીલી ઉઠે એમ પ્રભુમુખચંદ્રના દર્શન કરતાં કરતાં કુમાર શ્રેયાંસનું હૃદયકમળ ખીલી ઊઠયું. સંસારમાં ઘડીની કિંમત છે, યુગની નહીં. એ લાખેણી ઘડી શ્રેયાંસને લાધી. એના હૃદયમાં અપૂર્વ પ્રકાશ પથરાયો. એને કંઈક જૂનું સ્મરણ થવા લાગ્યું.

' અરે ! પૂર્વે મેં પ્રભુને ક્યાંક જોયા છે !' ને આમ વિચારતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું.

'હું કોણ ? પ્રભુનો પૂર્વભવનો સારથિ ! સ્વયંપ્રભાદિક અવતારમાં પણ હું એમનો સાથી હતો. આજે એ મારા પ્રપિતામહ છે. અરે ! મારે અને એમને તો નવ નવ ભવનાં સગપણ છે. એ સગપણ સાચું કરવા આજે એ પધાર્યા લાગે છે. અહાહા ! એ તીર્થકર થશે એવી વાણી મેં વજ્રસેન અરિહંતના મુખે પૂર્વભવમાં સાંભળી હતી, એ જ આ પોતે ત્રણ લોકના નાથ !'

આદિમં પૃથ્વિનાથમાદિમં નિષ્પરિગ્રહમ્ ।

આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામિનં સ્તુભ: ।।

શ્રેયાંસકુમાર એક વખત આનંદથી નાચી ઊઠયો, પણ તરત જ એની નજર પ્રભુના દેહ પર ગઈ. રાજા સોમયશ અને નગરશેઠ સુબુધ્ધિ પણ આવીને પ્રભુચરણમાં પડયા હતા. એમણે પણ અન્યની જેમ મણિ, મુક્તા ને ગજ-રથની ભેટ ધરવા માંડી, પણ કુમાર શ્રેયાંસ તરત બોલી ઊઠયા :

'અરે, આપણે કેવા મૂર્ખ છીએ ! ભગવાને જેને અસાર સમજીને છાંડયું, તે જ અખાજ આપણે તેમને ભેટ ધરીએ છીએ  ! જો એમને એ જ જોઈતું હતું, તો આવા વેશે શા માટે નીકળી પડત ? એમને ખજાને શી ખોટ હતી ? અહા ! પ્રભુએ વર્ષથી ભોજન કર્યું નથી ! પ્રભુને અન્નનો ખપ છે. અન્ન વિના એમનો દેહ આવો શિથિલ બન્યો છે. ચાલો, હું પ્રભુને પારણું કરાવું ! '

(ક્રમશ:)