Get The App

ન યાચનાની અપેક્ષા છે, ન માગવાની જરૂર છે!

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
ન યાચનાની અપેક્ષા છે, ન માગવાની જરૂર છે! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- શ્રી ઋષભદેવ ચરિત્ર-9

જૈનદર્શને ત્યાગનો એક સર્વોચ્ચ આદર્શ આપ્યો. પૃથ્વીનાથ રાજા ઋષભદેવે માણસને માણસ બનાવવા માટે જીવનની કળા શીખવી. ભોગભૂમિને કર્મભૂમિ બનાવી અને હવે કર્મભૂમિને ત્યાગભૂમિ બનાવવા ચાહતા હતા. ત્યાગભૂમિ બનાવવા માટે સર્વસ્વ ત્યાગ કરીને નીકળ્યા હતા.

ત્યાગી ઋષભદેવ કોઈ વસ્તુ તરફ દૃષ્ટિ સુદ્ધા કરતા નથી, સ્વાગતની કોઈ ખેવના નથી, સગવડની કોઈ ઇચ્છા નથી અને અનુકૂળતાને બદલે પ્રતિકૂળતા પર જાણે પ્રેમ પ્રગટયો છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે રચેલી એક પ્રાર્થનામાં એમણે ઇશ્વરને કહ્યું છે,' જેટલી આપત્તિ આપવી હોય એટલી આપજે. જેટલી મુશ્કેલી આપવી હોય એટલી આપજે. તોફાનો અને ઝંઝાવાતો જરૂર મોકલજે. પણ પ્રતિકૂળતાને અનુકૂળતા ગણવાની શ્રદ્ધા આપજે.'

ગુજરાતના પ્રથમ પંક્તિના કવિ રાજેન્દ્ર શાહની કાવ્યપંક્તિ અહીં યાદ આવે. 'આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.'

બીજી બાજુ કુળવાસીઓ આંખોમાં આંસુ ભરીને કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ પ્રભુને સત્વરે આવીને સત્વરે ચાલ્યા જતા જુએ છે.

પાછળ પાછળ ચાલતા રાજાઓ ઉચ્ચારે છે : ' અરે, જેણે સર્વસ્વનું દાન કર્યું, એ તમારું આ સ્વલ્પ સ્વીકારશે. ભલા ?'

ન યાચનાની અપેક્ષા છે, ન માગવાની જરૂર છે ! જોઈએ તેટલું મળ્યું છે : ગમે તેટલું લો ! મા વસુંધરા તો વહાલભરી છે, પ્રકૃતિ પણ આવા પૂર્ણ પુરુષની પૂજામાં રાચે છે.

પ્રવાસ આગળ વધતો જાય છે. નિદ્રાવિહીનતા, વચનવિહીનતા અને આરામવિહીનતા તો સદાનાં સંગી બન્યાં છે. એમની સાથે આવેલા ચાર હજાર રાજાઓનાં તો આ સ્થિતિમાં હાડચામ તૂટવા લાગ્યાં છે. ક્ષુધા એમને સતાવવા લાગી છે. શ્રમ એમને ખાળવા લાગ્યો છે. પિયાસા એમને બાળવા લાગી છે.

પગ કહ્યું કરતા નથી, ને મન વાંદરાની જેમ ભમી રહ્યાં છે. બધા રાજાઓ એકત્ર થઈ એમના આગેવાન રાજા કચ્છ તથા મહાકચ્છને કહેવા લાગ્યા :

'અરે, પૃથ્વીનાથના પગલે અનુસરવામાં અમે જય કલ્પ્યા હતા, વિજય કલ્પ્યા હતા, નવા પ્રવાસ અને નવા પ્રદેશ જોવાના ધાર્યા હતા. એ બધા વચ્ચે એમની સેવાની મહદ્ આકાંક્ષા સેવી હતી. વિજય અને મહાવિજય તો ગયા તે ગયા, પણ જીવનની એકમાત્ર હોંશ પૃથ્વીનાથની સેવા- તે પણ ચાલી ગઈ ! સ્વામી કોઈની સેવા લેતા જ નથી. એ તો કાચબાની જેમ પોતાની સર્વ ઇંદ્રિયોને ગોપવીને બેઠા છે. હવે રહ્યાં આ તપ, આ પરિતાપ ! આ બધું શા માટે ? ક્યાં સુધી !'

'અરે, હિમાલયમાં આવેલા અતિ ઊંચા અષ્ટાપદ પર્વત જેવડા રાક્ષસથી લડવું સહેલું. પણ આ ભૂખ-તૃષાનાં દુ:ખ દુષ્કર ! અમે તો પ્રભુની ચરણરજ લઈ અમારા રાજ્યમાં પાછા જઈશું.'

'અરે, શું તમે એટલા વ્યાકુળ છો કે વમન કરેલું અન્ન ખાશો ? તજી દીધેલાં રાજને ફરીથી ગ્રહણ કરશો ? અને એક સ્વામીને બદલે બીજો સ્વામી ધારશો ? શું એવા ભ્રષ્ટ જીવન કરતાં મૃત્યુ તમને વધુ પ્રિય લાગતું નથી ? રાજા ભરતના શબ્દો યાદ છે ને ? શું રાજ્યનો એટલો મોહ છે, કે એ ભરતનાં વ્યંગ બાણોથી વીંધવામાં, એની કૃપાથી રાજસુખ પ્રાપ્ત કરવામાં શરમાશો નહીં ?'

'નહીં, નહીં. અમે જે તજ્યું તે હવે કદી સ્વીકારશું નહીં. મૃત્યુ ભલે આવે, પણ સ્વામી સિવાય અન્યનો કૃપાપ્રસાદ અમે યાચવાના નથી.'

ખાવાનું ઘણું છે, પીવાનું ઘણું છે. વાસ કરવા જેવી આમ્રકુંજો પણ

ઘણી છે.

'અરે, પૃથ્વીનાથ તો મૌન છે.'

થોડી મૌન વિશે વાત કરી લઈએ. આજે માણસ શબ્દોનો સોદાગર બનેલો છે. વળી માત્ર વાણીનું મૌન નહીં, પણ વિચારનું મૌન છે. વિખ્યાત ચિંતક જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે,

'મૌન એ મુક્તિ છે અને સંપૂર્ણ શાંતિના આખરી તબક્કે મૌન આવે છે.મૌન એ સર્વોત્તમ વાણી છે. એમાં અગાધ શક્તિ છે. ભગવાન બુદ્ધે કહ્યું, મૌન એ તો છે શ્રેષ્ઠ પ્રવચન.

મહાન વૈજ્ઞાાનિક આઇન્સ્ટાઈન મૌનની શક્તિનો ખ્યાલ આપતાં કહે છે,' દિવસમાં એક કલાક મૌન પાળીને, ઊંઘ લીધા વગર હું ચોવીસ કલાક કામ કરી શકું છું. જ્યારે ઘણું કામ હોય ત્યારે આ પ્રયોગ કરી મેં સફળતા મેળવી છે. ગણિતની ભાષામાં કહું તો એક કલાકનું એકાંતવાસી મૌન બરાબર સાત કલાકની ગાઢ નિંદ્રા છે.'

આ મૌન એ જીવનનાં સમરાંગણને સમતાંગણમાં ફેરવી નાખે છે. મહાશતાવધાની મુનિશ્રી અજીતચંદ્ર વિજયજીએ પણ શતાવધાન પૂર્વે સાડા સાત વર્ષનું મૌન રાખ્યું હતું. સોક્રેટિસની પાસે એક મહત્ત્વાકાંક્ષી યુવાન વકતૃત્વકલા શીખવા માટે આવ્યો. સોક્રેટિસે એને વક્તૃત્વકલા શીખવવાની તૈયારી બતાવી. ત્યાં તો એ યુવાને પોતાની જીભ પરથી વાણીનો ઘોઘ વરસાવ્યો. કહેવા યોગ્ય અને ન કહેવા યોગ્ય એવી સઘળી વાતો બોલવા લાગ્યો. બોલતા થાકે જ શાનો ? સોક્રેટિસે એને માંડ માંડ શાંત પાડયો અને કહ્યું, 'તને વકતૃત્વ કલા શીખવીશ, પણ તારે બમણી ફી આપવી પડશે.'

'યુવકને આશ્ચર્ય થયું. પોતે આટલું બધું છટાદાર રીતે બોલી શકે છે અને તો પણ બમણી ફી શા માટે ?

સોક્રેટિસે કહ્યું,' તને બોલવાની કલા સાથે વધુ મહત્ત્વની મૌનની કલા શીખવવી પડશે માટે.'

પૃથ્વીનાથ રાજા ઋષભદેવ ત્યાગી બન્યા, ત્યારે એમની સાથે ઘણા રાજાઓ ત્યાગી બન્યા હતા. પૃથ્વીરાજ કોઈની સેવા લેતા નહીં અને સામે પક્ષે આ રાજાઓને તપ કરવું પડતું. તેઓ વિહાર કરી કરીને થાક્યા હતા, પરંતુ પોતાના રાજ્યમાં જવાની ઇચ્છા નહોતી અને સ્વામીને અનુસરવાની શક્તિ નહોતી.

આથી એમણે વિચાર્યુ કે,' આવા વિહાર અને તપશ્ચર્યાને બદલે એક સ્થળે નિરાંતે રહીએ.

એમણે ત્યાગી ઋષભદેવને વાત કરી. એમણે ન તો હા કહી અને ન તો ના કહી, પણ રાજાઓએ માન્યું કે મૌન હંમેશાં સંમતિસૂચક મનાય છે. રાજા ઋષભદેવે આજ્ઞાા આપી એમ જ માનવું રહ્યું. વસાવો ગંગાના તટે આપણાં ગૃહ ! રાજા ઋષભદેવનું વ્રત તે આપણું વ્રત ! મોટા મોંએ મોટો કોળિયો શોભે. નાના મોંએ નાનો. સ્વામી આચરે છે, એમાંનું અલ્પ આપણે આચરીશું. ગ્રામ-નગરમાં જઈશું નહીં, સ્વજનો વચ્ચે વસીશું નહીં. કોઈ પાસે કદી પાચીશું નહીં. જોઈએ તેથી વધુ લેશું નહીં ! સ્વામી ખાતા નથી. આપણે અલ્પ ખાઈશું. સ્વામી નિદ્રા લેતા નથી. આપણે અલ્પ નિદ્રા કરીશું. મહાન સ્વામીનાં વ્રત મહાન, અલ્પ સેવકોનાં વ્રત અલ્પ !'

પ્રભાતકાળના તારાઓની જેમ રાજાઓ એક પછી એક ગંગાના કિનારે વસવા લાગ્યા. પૃથ્વીનાથ સૂર્યદેવની જેમ પોતાના પ્રવાસમાં એકાકી આગળ વધ્યા.

(ક્રમશ:)