- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
મોતીશા શેઠનો વેપાર વધતો ગયો. મોતીશાની ગણતરી લખપતિમાંથી કોટયાધિપતિમાં થવા લાગી હતી. તેઓ એક હાથે અઢળક ધન રળતા થયા, તે જ રીતે તેમ બીજા હાથે છૂટથી ધનને પુણ્યમાર્ગે વાપરતા જતા હતા. તેમની છૂપી સખાવત વધારે થતી ને પ્રાય : તે તેમના પિતાના નામથી સખાવત કરતા હતા.
એક વખત તેમને એમનું બાળજીવન યાદ આવ્યું. પિતાની ઝવેરાતની પેઢીની જાહોજલાલી, માતાની હૂંફ અને પોતાનો નિશ્ચિંત બાળવૈભવ યાદ આવ્યો. પછી તો પૂર્વજીવનની પરંપરાના વિચારના રમણે ચડયા. સટ્ટાના છંદમાં અમીચંદ ઝવેરીને લાગેલ ધકકાના આછા સ્મરણમાત્રથી તેમનું હૃદય દ્રવવા લાગ્યું. એક વખતના લક્ષાધિપતિ અમીચંદ ઝવેરી નિરુપાયે દેવું મૂકી ગયેલા તેનો ખ્યાલ આવ્યો.
આ વાતને વીસ-વીસ વર્ષ વીતી ગયાં હતાં. બે દાયકામાં તો અનેક આસમાની સુલતાની અને કાળ પલટાના થર બાઝી ગયા હતા. આ બધું છતાં મોતીચંદ શેઠને એ દેવાની વાત ખટકવા લાગી. જૂના માણસોને બોલાવીને અને બારીક તપાસથી લેણદારોને શોધી કાઢયા ને તેમને ઘેર જઈ આના-પાઈ ચૂકવી પાવન થયા ત્યારે તેમને શાંતિ થઈ.
મોતીશાના કુટુંબનો મૂળ વસવાટ કોટ-બજારગેટના મકાનમાં હતો. ઉપરાંત વ્યવસાયથી નિવૃત્તિ મેળવવાને ભાયખલામાં પોતાના વસવાટ માટે હજારો ગજ જમીન (ગુજરાતનાં વીશેક ખેતરો જેટલો વિસ્તાર ) લઈ આગળના ભાગમાં બંગલો અને આસપાસ બગીચો કરાવેલો, પરંતુ દેવદર્શનની સગવડને અભાવે ત્યાં કાયમી વસવાટ કરેલો નહોતો.
દરેક કામમાં મોતીશા શેઠની મનોભાવના અને લાંબી ગણતરી રહેતી. તેઓ શત્રુંજયની યાત્રા કરવા ગયેલા ત્યારે તેમને મુંબઇમાં શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ કરવાની ઇચ્છા જાગી હતી, તેથી તક મળતાં ભાયખલાની પોતાની જમીનમાં વિશાળ જિનાલય બંધાવવું શરૂ કર્યું. આગળ પુંડરીક ગણધર, પાછળ સૂરજકુંડ, રાયણવૃક્ષ, ચરણપાદુકા વગેરે સિદ્ધાચળની ટૂકની પવિત્ર ભૂમિકાઓ સાથે આ ભવ્ય ટૂક તૈયાર થતાં ધામધૂમથી સં.૧૮૮૫માં પ્રભુપ્રતિષ્ઠા કરી. એના દર્શને આવનારના આરામ-વિશ્રામ માટે બાજુમાં ધર્મશાળા પણ બંધાવી. મહોત્સવ સમારંભ ને સંઘજમણમાં છૂટા હાથે ખર્ચ કરી મુંબઈને દર સોમવાર અને પર્વતિથિએ તીર્થયાત્રાનો લાભ લેવાને ભાયખલામાં યાદગાર તીર્થ વસાવી દીધું.
***
મુંબઈ શહેર જેમ જેમ વેપાર-ઉદ્યોગમાં ખીલતું જતું હતું, તેમ તેમ દેશ પરદેશની પેઢીઓનો કારોબાર વધવા લાગ્યો હતો. અમદાવાદના સંઘપતિ શેઠ વખતચંદ ખુશાલચંદ, શેઠ હઠીસંગ કેસરીસિંગ, શેઠ સૂરજમલ વખતચંદ, મારવાડી અમરચંદ બગરીચંદ, કચ્છી કેશવજી નાયક, નરશી નાથા, વેલુજી માલુ, સૂરતી ઉદયચંદ ઝવેરી એવી એવી જૈન પેઢીઓની એક પછી એક જમાવટ થઈ રહી હતી. આ સમકાલીન શ્રીમંતો સાથે ધંધાને અંગે તેમજ સંઘ કાર્યમાં મોતીશાનો સંબંધ-સહકાર રહેતો.
વખતચંદ શેઠ મુંબઈમાં પેઢી ખોલવા છતાં તેઓ જાતે ત્યાં આવ્યા ન હતા. તેમના પુત્ર હેમાભાઈ અમદાવાદના નગરશેઠ અને સંઘપતિની ગાદીએ આવ્યા હતા. તેમના કુટુંબની મુઘલસત્તાના સમયથી રાજદરબારમાં લાગવગ હતી. પેશ્ચાઈમાં પણ તેમનો પગ હતો ને બ્રિટિશ અમલમાં પણ તેમનો મરતબો જેવો ને તેવો જળવાઈ રહેલો. તેમણે દેશી રજવાડામાં ધીરધાર શરૂ કરી હતી. નાણાંની સલામતી માટે તેઓ ગામ-ગરાસ (ગામ-જમીન) મંડાવી લેતા ને જરૂર લાગે ત્યાંય પોલિટિકલ ખાતાનો સાક્ષી-સિક્કો પણ કરાવતા.
હેમાભાઈ મુંબઈની પેઢી સંભાળવા આવ્યા ત્યારે મોતીશા શેઠે તેમનું સ્વાગત સન્માન કર્યું. ભાયખલાને બંગલે જમવા આવતાં મોતીશાએ બંધાવેલ જિનાલયનાં દર્શન કરીને મોતીશા શેઠની ધર્મભાવના અને શત્રુંજય તીર્થનાં સ્મરણસ્થળો જોઈ સંતોષ બતાવ્યો.
પાલિતાણાનો વહીવટ તે સમયે હેમાભાઈના કબજામાં હતો. મોતીશાને તેમણે શત્રુંજયની યાત્રાએ આપવાને આગ્રહ કર્યો.
મોતીશા શેઠ સહકુટુંબ (સં.૧૮૮૭) શ્રી સિધ્ધાચલજીની યાત્રાએ આવવા નીકળ્યા ત્યારે મુંબઈની પેઢીના મુનીમ દીવાન અમરચંદ દમણી, ચીનની પેઢીના મુનીમ બાલાભાઈ, સહગામી શેઠ ફૂલચંદ કસ્તુરચંદ વગેરે બહોળા આપ્ત-પરિવાર સાથે પોતાનાં વહાણોમાં મુસાફરી શરૂ કરી. ઘોઘા બંદરે શેઠ કીકાભાઈ ફૂલચંદે સ્વાગત કર્યું.
મોતીશા શેઠનો સંઘ આવે છે તે ખબર ભાવનગરના દરબારશ્રી વખતસિંહજીને મળતાં તેમને રાજના મહેમાન તરીકે માન આપ્યું. અમદાવાદથી શેઠ હેમાભાઈ મોતીશાની મહેમાની સાચવવા પાલિતાણા આવી ગયા હતા. ગામમાં દેરાસર પાસે એક તરફ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને બીજી તરફ હેમાભાઈની હવેલી પથરાયેલી હતી. રાજવહીવટ સંભાળવા મેતા-મુસદ્દી, કોર્ટ-કચેરી ને તહોમતદારોને પૂરવાને હેડ-જેલ પણ ત્યાં જ રાખેલી.મોતીશા શેઠના સંઘને હેમાભાઈએ બહુમાનપૂર્વક હવેલીએ ઉતારો આપ્યો.
સવારના સૌ યાત્રા કરવા ચાલ્યા. ચોમુખજી અને હેમાભાઈની ટૂંકમાં થઈને દાદાનાં દર્શને જવાનું હતું. ચોમુખજીની ટેકરી અને દાદાના દેવાલયની ટેકરી વચ્ચે ઊંડી ખાઈ હતી. જે કુંતાસરના ગાળાને નામે ઓળખાતી. આ રસ્તે દાદાની ટૂંકમાં જવાને ખાઈની કઢણ (ભેખડ) ઉપર એક પગદંડી-કેડી હતી. કુંતાસરના ગાળાની ઊંચાઈ એટલી હતી કે તેમાં નજર નાખતાં તમ્મર આવી જાય, અને પગદંડીએ ચાલતાં ચૂકે તો પાવળું પાણી પણ ન માગે.
હઠીભાઈની ટૂકમાં દર્શન કરી કુંતાસરની ખાઈને કાંઠે આવતાં મોતીશા શેઠ અને હેમાભાઈ વચ્ચે નીચેની વાતચીત શરૂ થઈ.
'હેમાભાઈ, તમે તો રજવાડું રહ્યા. તમે બંધાવેલ ટૂક-ગઢ-કુંડ ને કામગીરીમાં કહેવાનું શું હોય ?'
'મોતીશા, અમે રજવાડું કહેવાઈએ તો તમે સરકાર ખરા ને ? મુંબઈ ગવર્નરના તમે કાઉન્સિલર છો. મુંબઈમાં તમે સુંદર ટૂક બંધાવી તેમ અહીં નામલેણું રાખો તો તીર્થભક્તિ પણ થશે.'
'શેઠસાહેબ, તમારી સોના જેવી સલાહ માટે ઉપકાર થયો, પણ તમે તો મોટું મેદાન વાળીને અમારા જેવા ગરીબને ઉભા રહેવાને જગા પણ ક્યાં રાખી છે ?
'અરે મોતીચંદ શેઠ, તમારા જેવા ભાગ્યશાળીનાં પગલાં થતાં હોય તો જગાનો ક્યાં કાળ છે ? એમ ગરીબ થઈને તમારાથી છૂટી નહિ જવાય, સમજ્યા કે?'
'હા, હેમાભાઈ હા, હું છૂટી જવાનું ક્યાં કહું છું ? રાજ તમારું, પેઢી તમારી ને ગિરિરાજનો વહીવટ તમારા હાથમાં રહ્યો. પાલિતાણામાં તમારી હકૂમત છતાં અમને ઊભા રહેવાને ગામમાં આશરો બાંધવા દેવાનું ઠેકાણું નથી ને આભમાં ઇમારત બાંધવાની વાતો કરો છો. મોટા માણસ ગમે તેમ બોલે, તેના મોઢા આડે કંઈ થોડો હાથ દેવાય છે ?'
'મોતીશા, હું તમારી મશ્કરી કરું છું તેમ કેમ માનો છો ? તમારા જેવા પુણ્યશાળી અમારા પાડોશી થાય તેમાં તો હું અહોભાગ્ય સમજું છું. અમારા મકાન સામેનો મોટો ચોક છે તે જમીનનો નીચે જતાં વેંત જ તમારા નામ ઉપર અઘાટ (કુલ હક સાથે દસ્તાવેજ સહિત) લેખ થઈ જશે. આજે જ ત્યાં મોતીશાની મેડીના પાયા નાખ્યે છૂટકો છે, ને ઉપર પણ જુઓને. આ ઊજમફઈની ટૂક બંધાય છે, તેમાંથી કહો તો તમને ખાલી જગા અપાવી દઉ.'
'ઉપકાર, શેઠ સાહેબ, ફઈબાની સાથે મને પણ ઠીક ખાડો બતાવ્યો. તમારા જેવા રજવાડાનો હુકમ અમારે તો માથે ચડાવવો રહ્યો.'
(ક્રમશ:)


