- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ
- શ્રીમદે આ તાત્ત્વિક ભાવનાને કાવ્યરૂપ આપ્યું છે. સંવત ૧૯૪૭ના ભાદરવા મહિનામાં શ્રીમદ્ રાળજમાં હતા, ત્યારે એક જ દિવસે ચાર અનુપમ પદરચના થઈ. આમાંની એક રચનામાં એમણે જડ અને ચેતન વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. એ બાવીસ પંક્તિનું, દોહરા છંદમાં રચાયેલું 'જડભાવે જડ પરિણમે' કાવ્ય લખ્યું.
જી વનની અંતિમ વેળાનાં વચનો એ એક અર્થમાં સમગ્ર જીવનનો અર્ક હોય છે, તો અન્ય અર્થમાં એ જગતને માટે ભવિષ્યનો સંદેશ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ સમાધિમરણ પૂર્વે પોતાના નાના ભાઈ મન:સુખને કહ્યું,' મન:સુખ ! દુ:ખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.'
આમાંથી આપણે પ્રથમ એ જોયું કે દુ:ખ ન પામતો એટલે કે એમણે સુખ અને દુ:ખને પારની ભૂમિકાની વાત કરી છે. એમનું બીજું સૂત્ર છે કે માતાને બરાબર જાળવજે અને એ હકીકત છે કે શ્રીમદ્ રાજચંદ્રજીએ જીવનભર પોતાના માતા દેવબાના વાત્સલ્યનો અનુભવ કર્યો હતો. એમના મનમાં ધર્મોન્નતિની અનેક યોજનાઓ હતી અને એમના જીવનનો આદર્શ ભગવાન મહાવીર હતા અને લઘુવયથી જ તેઓ એમનાં વચનામૃતોમાં વારંવાર ભગવાન મહાવીરનું સ્મરણ કરે છે. ભગવાન મહાવીરના શુદ્ધ પરમાર્થમાર્ગ પ્રત્યેની અનન્ય પરમાર્થ ભક્તિને લીધે તેઓ આ માર્ગ ઉદ્ધારની અર્થાત્ મૂળ માર્ગ પ્રગટ કરવાની ઇચ્છા રાખતા હતા.
જૈન દર્શનની નવ તત્ત્વની વિચારણામાં જીવ (ચેતન) અને અજીવ (જડ) એ બે વિરોધી ગુણોવાળાં તત્ત્વો મહત્ત્વનાં છે. એ બંને ગમે તેટલું કરે, તો પણ એકબીજાનું સ્વરૂપ પામી શકતા નથી. શ્રીમદે આ તાત્ત્વિક ભાવનાને કાવ્યરૂપ આપ્યું છે. સંવત ૧૯૪૭ના ભાદરવા મહિનામાં શ્રીમદ્ રાળજમાં હતા, ત્યારે એક જ દિવસે ચાર અનુપમ પદરચના થઈ. આમાંની એક રચનામાં એમણે જડ અને ચેતન વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. એ બાવીસ પંક્તિનું, દોહરા છંદમાં રચાયેલું 'જડભાવે જડ પરિણમે' કાવ્ય લખ્યું.
સં.૧૯૫૬ના કારતક મહિનામાં શ્રીમદે 'જડ અને ચૈતન્ય બંને દ્રવ્યોનો સ્વભાવ ભિન્ન' નામના તત્ત્વસભર પદની રચના કરી અને પદની એક પંક્તિમાં મોક્ષમાર્ગ પામવાનું ઉત્તમ સાધન દર્શાવતાં તેમણે લખ્યું,
'કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.'
આ રચનામાં નિગ્રંથ માર્ગ પ્રત્યેની શ્રીમદ્ની નિ:શંકતા પ્રગટ થાય છે.
શ્રીમદ્ની ભાવભક્તિ ઉત્કૃષ્ટ પ્રકારની હતી અને તે અનન્ય ભાવભક્તિથી સહજ ઉદ્ગારરૂપે સ્ફુરિત થયેલા શ્રીમદ્ના ભાવનમસ્કારો અદ્ભુત હતા.
'હે સર્વોત્કૃષ્ટ સુખના હેતભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે.'
'આ અનાદિ અનંત સંસારમાં અનંત-અનંત જીવો તારા આશ્રય વિના અનંત-અનંત દુ:ખને અનુભવે છે.'
'તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.'
' હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.'
'હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.''હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો !'
વીતરાગના મૂળ સનાતન ધર્મને જગતની સામે પુન:પ્રસ્થાપિત કરવાની ઉદાત્ત ભાવનામાંથી જન્મેલું નીચેનું કાવ્ય સંવત ૧૯૫૨ના આસો સુદ એકમના દિવસે આણંદ ખાતે રચાયું છે. આમાં મૂળ માર્ગ અર્થાત્ મોક્ષ માર્ગનું સંક્ષેપમાં નિરૂપણ છે.
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ.
નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુ:ખ.
આવી ભૂમિકાને વરેલા તથા સ્ત્રી અને લક્ષ્મીના ત્યાગી શ્રીમદ્ રાજચંદ્રજી સર્વ સંઘ પરિત્યાગ માટે માતા દેવબાની અનુજ્ઞાા માંગે છે, પરંતુ શ્રીમદ્ રાજચંદ્રજીની નાદુરસ્ત તબિયતને કારણે માતૃસહજ વાતસલ્યથી હજી થોડો સમય થોભી જવા કહે છે અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વ સંગ પરિત્યાગ કરીને જગત કલ્યાણે નીકળી પડવાની તૈયારીમાં હતા, ત્યાં જ ૧૯૫૬ના પોષ મહિનામાં તેઓને અસાધ્ય રોગ લાગુ પડયો અને એ વ્યાધિ વધતો ગયો. આમ છતાં તેઓ લખે છે કે 'બાહ્ય અને આંતર સમાધિયોગ વર્તે છે.' (ક્રમાંક ૯૧૨) શ્રીમદ્ રાજચંદ્રએ પોતાના અંતિમ સમયે કહેલું ત્રીજું વચન તે 'હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.'
એક અર્થમાં કહીએ તો સમાધિમરણ સમયનો આ એક વિરલ ભાવ છે. સમગ્ર જીવન આત્મસ્વરૂપમાં રમમાણ થઈને વિતાવ્યું હતું. હવે એ આત્મસ્વરૂપમાં લીન થાય છે. જિંદગીભર બોધિપૂર્વકની સમાધિ ધારણ કરી અને હવે પરમ સમાધિમાં જાય છે. આજ સુધી પરમાત્માનું શરણ મળ્યું હતું. આથી જીવનમાં કોઈ જિજિવિષા નહોતી કે મૃત્યુનો લેશ ભય પણ નહોતો અને હવે વિચારે છે કે આજ સુધી પવિત્ર સ્મરણ કરતો હતો, હવે પરમાત્મા તમારું સ્વયં શરણ પામીશ. આમ દેહ છતાં દેહાતિ જીવન જીવીને એમણે આ પરમ અવસ્થા પ્રાપ્ત કરી હતી.
મહત્ત્વની બાબત એ છે કે એમના અંતિમ વચનમાં ક્યાંય મૃત્યુની વાત નથી. આપણી પ્રાણથી પ્રયાણ સુધીની યાત્રા એટલે જીવન. એ જીવનને- દુ:ખથી ભરેલા સંસારને પાર પામવા જ્ઞાાનીઓ ઇચ્છતા હોય છે અને ત્યારે માનવદેહની મહત્તાએ મોક્ષપ્રાપ્તિ પ્રત્યેની ઝડપી ગતિમાં સમાયેલી છે. શ્રીમદ્ રાજચંદ્રજીના શબ્દોમાં કહીએ તો,' દેહધારી માનવીએ 'આત્મસાર્થક' કરી લેવું. વ્યક્તિને એના મૃત્યુની ક્ષણની જાણ નથી, પણ એણે બને એટલી ત્વરાથી ધર્મમાં રત રહેવું જોઈએ. ભગવાન મહાવીરે આથી જ પળનો પણ પ્રમાદ નહીં કરવા કહ્યું છે. જૈન ધર્મના પ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્રમાં 'ઉઠ્ઠિએ, નવો પમાયએ,' ઊઠો, પ્રમાદ કરો નહીં.'
એનો અર્થ જ એ કે જે માનવી માત્ર દેહાર્થમાં જ એનું જીવન વ્યતિત કરે છે એનું મનુષ્યપણું શ્રીમદ્ના શબ્દોમાં કહીએ તો,' એક ફૂટી બદામની કિંમતનું નથી.' આથી જ વચનામૃત ૧૧૩માં કહે છે, 'ખચિત દેહ ત્યાગ કરીશ પણ અસમાધિથી નહીં પ્રવર્તુ એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞાા કાયમ ચાલી આવી છે.' સમાધિ એટલે શું ? 'આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.' (૫૬૮ વચનામૃત)
એટલે શું ?
'આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ આ આત્મપરિણામની સ્વસ્થતા રહે છે. એટલે કે આ સમાધિ એ પહેલાં તો યથાર્થ બોધની પ્રાપ્તિ છે અને એટલે આ બોધિપૂર્વક સમાધિ છે. આ સમાધિમાં પરિપૂર્ણ લોકાલોક જ્ઞાાન ઉત્પન્ન થાય છે. જેટલું આત્મજ્ઞાાન થાય, એટલી આત્મસમાધિ પ્રગટે. ચોતરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વળતી હોય ત્યારે સમાધિ એ પરમ દુષ્કર છે. 'આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.'
આ અંતિમ વચનોમાં ક્યાંય મૃત્યુ વિશેનો કશો ઉલ્લેખ નથી અને એ ઘણી વિશિષ્ટ બાબત છે. જંગ એની સામે ખેલવાનો હોય કે જેની સામે ભય હોય, યુદ્ધ એની સામે આદરવાનું હોય કે જે શત્રુ હોય, તલવાર એની સામે કાઢવાની હોય કે જેને પરાસ્ત કરવાનો હોય, વિજય એના પર પામવાનો જેને કોઈને પરાજિત કરવાનો હોય, વિજય એના પર પામવાનો જેને કોઈને પરાજિત કરવાનો હોય.
અહીં નથી જંગ, નથી યુદ્ધ, નથી તલવાર કે નથી વિજય. મૃત્યુ સામે જંગ એ માટે નથી કે મૃત્યુનો કોઈ ભય નથી. મૃત્યુ સામે યુદ્ધ કરવું નથી, કારણકે મૃત્યુ તો ક્યારનું ય મરી ગયું છે. મૃત્યુને તલવારથી પરાસ્ત કરવું નથી, કારણકે અભયની ધાર પર ચાલીને આરાધના કરેલી છે. મૃત્યુ પર વિજયની ખેવના નથી, કારણકે મૃત્યુનું જ મૃત્યુ થઈ ચૂક્યું છે. જે વિજય પામવાનો હતો, તે સ્વરૂપ પર વિજય પામ્યો છું, હવે તો તારા શરણમાં પહોંચવું છે અને આ રીતે પોતાના અંતિમ સંદેશાને ચરિતાર્થ કરતા શ્રીમદ્ રાજચંદ્રજી વિ.સં.૧૯૫૭ના ચૈત્ર વદી પંચમીના દિવસે મંગળવારે બપોરે બરાબર બે વાગ્યે એમનો દેહ પર્યાય છૂટી ગયો અને એમની શાશ્વત આત્મજ્યોતિ ઉર્ધ્વગમન કરી ગઈ. આજે પણ એમણે આપેલી દૃષ્ટિ અનેક મુમુક્ષુઓને જીવનદૃષ્ટિ આપે છે અને સાથોસાથ મૂળ માર્ગની ઓળખ કરાવે છે.


