mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બહાર ઉપસર્ગોનો દાવાનળ અને ભીતરમાં મૈત્રી-કરુણાનું ઝરણું!

Updated: Jul 10th, 2024

બહાર ઉપસર્ગોનો દાવાનળ અને ભીતરમાં મૈત્રી-કરુણાનું ઝરણું! 1 - image


- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

- સાધનાનો પંથ બાહ્ય આપત્તિઓ અને અપાર મુશ્કેલીઓથી ભરેલો હોય છે. ભગવાન મહાવીરની સાધનામાં સંકટો, ઉપસર્ગો અને પરિષહોનો કોઈ પાર નથી.

ભ ગવાન મહાવીરની દીક્ષાનું તેરમું વર્ષ. જેભિયગ્રામ અને મેઢિયગ્રામમાં થઈને મહાયોગી વિહાર કરતાં છમ્માણિ ગામે આવ્યા. આ છમ્માણિ ગામ મધ્યસ્થ પાવાનગરીની નજીક ચંપાના રસ્તે આવ્યું હતું. ગામની બહાર તેઓ કાયોત્સર્ગ કરી ધ્યાનમાં રહ્યા. સંધ્યાનો સમય હતો. ભગવાનની દીક્ષાના પહેલે દિવસે બનેલા બનાવ જેવો જ બનાવ પુન: બન્યો. ભગવાનને પહેલો ઉપસર્ગ ગોવાળિયાએ કર્યો હતો અને છેલ્લો ઉપસર્ગ પણ ગોવાળિયાએ જ કર્યો. એકાદ ગોવાળિયો પોતાના બળદો તેમને ભળાવીને ગામમાં ગયો. બળદો ચરતાં-ચરતાં આગળ ચાલ્યા ગયા. ગોવાળિયો મોડેથી પાછો આવ્યો એણે જોયું તો ક્યાંય બળદો દેખાયા નહિ. એણે આ અંગે પ્રભુ મહાવીરને પૂછયું,' હે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા ?'

પ્રભુ મહાવીર ધ્યાનમાં હોવાથી મૌન રહ્યા. ગોવાળે બીજીવાર પૂછયું, છતાં મૌન મહાયોગીએ ઉત્તર ન આપ્યો. ગોવાળ જેમ પૂછતો ગયો તેમ તેમ એના મનનો ક્રોધ વધતો ચાલ્યો. એણે કહ્યું,' વારંવાર પૂછું છું તો પણ સાંભળતા કેમ નથી. તમારે તે કાન છે કે કોડિયા ?'

મૌન મહાવીર તો ચૂપ જ રહ્યા. અકળાયેલો ગોવાળ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. એણે કહ્યું,' ખેર ! બોલતો પણ નથી અને દેખાડતો પણ નથી. લાગે છે કે તને કશું સંભળાતું નથી. કાનમાં તેલ નાખીને ઉભો લાગે છે. લાવ, હમણાં જ તારા કાન ખોલી નાખું.'

અકળાયેલો ગોવાળ જાડા દર્ભમૂળ લઈ આવ્યો. એને છોલીને ખીલા જેવા એના છેડા કર્યા અને પછી કાસ નામના આ અતિ કઠણ ઘાસની અણીદાર શૂળ મહાવીરના કાનમાં જોરથી નાખી. શૂળ બરાબર અંદર જાય તે માટે પથ્થરની ઠોકીને એણે કાનમાં બરાબર ખોસી દીધી. વળી એ શૂળ કોઈ કાઢી શકે નહીં. એ માટે એના બહારના છેડા કાપી દીધા.

ક્રોધ એ તો આગ જેવો ઉતાવળો અને સમુદ્ર જેવો બહેરો હોય છે. ક્રોધી ગોવાળના વિચારનો વિવેકદીપ ઓલવાઈ ગયો હતો. એણે માન્યું કે, હાશ ! આને ઠીક, બરાબર સજા કરી.' એમ વિચારતો ગોવાળ ત્યાંથી ચાલ્યો ગયો.

કાનમાં ભોંકાયેલી શૂળની વેદના તો અસહ્ય હતી. પરંતુ પ્રભુ મહાવીર સાગર સમા શાંત અને ગંભીર હતા. એમના ચહેરા પર એ જ પ્રસન્નતા અને ગંભીરતા હતી. મનમાં ખિન્નતાનો એક અંશ પણ નહોતો. અપાર વેદનાની બાહ્ય સપાટી ભેદીને પ્રભુ ઘટનાનો મર્મ જોવા લાગ્યા. વિચારવા લાગ્યા કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકની ક્ષતિ થતાં એમણે એના કાનમાં ગરમ સીસું રેડાવ્યું હતું. એ નિકાચિત કર્મનો છેક આ ભવમાં અને આ ક્ષણે ઉદય થયો. કરેલા ઘોર કર્મનો બદલો તો ભોગવવો જ પડે !

છમ્માણિથી વિહાર કરીને ભગવાન મધ્યમ પાવામાં આવ્યા. અહીં સિદ્ધાર્થ નામના શ્રેષ્ઠીને ત્યાં પ્રભુ વહોરવા પધાર્યા. એ સમયે સિદ્ધાર્થને ઘેર ખરક નામના કુશળ વૈદ આવ્યા હતા. એણે યોગી મહાવીરનો સુંદર અને સુડોળ દેહ જોયો. પરંતુ વૈદ્યરાજ ખરક તરત પારખી ગયા કે મહાવીરના દેહમાં કંઈક શલ્ય લાગે છે. ખરકે શ્રેષ્ઠી સિદ્ધાર્થને વાત કરી. ભાવનાશીલ સિદ્ધાર્થે વૈદ્યરાજને વિનંતી કરી કે શરીરના કયા ભાગમાં શલ્ય છે તે ખોળી કાઢો. મહાવીરના કાનમાં જોતાં ખ્યાલ આવ્યો કે એમાં દર્ભમૂળ ખીલાની માફક ખોસેલાં છે. પરમ ભાવિક સિદ્ધાર્થે વૈદ્ય ખરકને કહ્યું કે મારી પાસેથી જે જોઈએ તે લઈ લો. પરંતુ આ યોગીના શલ્યને દૂર કરો. વૈદ્ય ખરકે પણ કહ્યું કે આવા યોગી પુરુષનું શલ્ય દૂર કરવું તે તો અમારું કર્તવ્ય ગણાય. એ બંને વિચારતા રહ્યા. ત્યાં તો ભગવાન મહાવીર આગળ વધી ગયા. ખરક વૈદ્ય અને શ્રેષ્ઠી સિદ્ધાર્થ તો શલ્ય કાઢવાની સામગ્રી લઈને ગામની બહાર આવી પહોંચ્યા.

એ સમયે ઉદ્યાનમાં પ્રભુ ધ્યાનમાં લીન હતા. ખરકે તે કાઢવા માટેની વિધિ શરૂ કરી. એમના અંગેઅંગ પર તેલમર્દન કરી શરીરના સાંધા ઢીલા કર્યા પછી બે મજબૂત માણસોએ સાણસી લઈને કાષ્ઠશલાકાના બંને છેડા ખેંચી કાઢયા. ઢીલી થયેલી શલાકાઓ લોહીના ફુવારા સાથે બહાર નીકળી. એ સમયે એવી ભયંકર વેદના થઈ કે જીવનમાં ગમે તેવી યાતનામાં પણ ઓયકારો નહીં કરનાર મહાવીરના મુખમાંથી ભયંકર ચીસ નીકળી ગઈ. એ ચીસથી આખું ઉદ્યાન થરથરી ગયું. એ ચીસનો અવાજ આસપાસના પહાડ સાથે અથડાયો અને પહાડમાં પડધા પડયા. નિ:સ્પંદ આકાશ એ ચીસથી ધ્રૂજી ગયું. કરુણાના અવતાર પ્રત્યે કેવો નિષ્ઠુર વર્તાવ ! ખરક વૈદ્યે ઔષધિ લગાવીને લોહી બંધ કર્યું એ પછી ઘા પર ઔષધ લગાવ્યું. ખરક વૈદ્ય અને સિદ્ધાર્થ શ્રેષ્ઠી એમની ક્ષમાયાચના કરીને છમ્માણિ પાછા ગયા.

ભગવાનના આ ઉપસર્ગોનો પ્રારંભ એમના સાધનાકાળના પ્રથમ વર્ષે કર્મારગ્રામમાં ગોવાળિયા દ્વારા થયો અને એનો અંત પણ તેમના સાધનાકાળના તેરમા વર્ષ દરમ્યાન છમ્માણિ ગામમાં ગોવાળ દ્વારા કાનમાં કાષ્ઠના ખીલા ઠોકવાથી થયો. આમ એમને પ્રથમ ઉપસર્ગ એક ગોવાળ દ્વારા થયો અને અંતિમ ઉપસર્ગ પણ એક ગોવાળ દ્વારા થયો. વળી, યોગાનુયોગ આ બંને ઉપસર્ગનાં સ્થળ, સમય અને કારણ સમાન હતાં.

ભગવાન મહાવીરના સાધનાકાળમાં ઉપસર્ગોની પરંપરા ચાલી. માનવ અને પશુપક્ષી, દેવ અને દાનવ સૌએ ઉપસર્ગો કર્યા. પણ મહાવીરે પ્રસન્નચિત્તે એનો સ્વીકાર કર્યો. આ ઉપસર્ગો સવાર કે મધ્યાહ્નને બદલે સૂર્યાસ્ત પછી થયા છે. ભગવાન મહાવીરના જીવનમાં ગોશાલકે એમના ઉપર મૂકેલી તેજોલેશ્યાને ઉપસર્ગ ગણી શકાય. પરંતુ એ સમયે તેઓ કેવળી અવસ્થામાં હોવાથી એને ઉપસર્ગને બદલે આશ્ચર્ય (અચ્છેરું) તરીકે ઓળખાય છે.

આ બધા જ ઉપસર્ગોના સમયે તેઓ પ્રાય: નિર્વસ્ત્રી હતા. મુશળધાર વરસાદ વરસતો હોય. ઉનાળાનો બળબળતો બપોર હોય કે પછી શરીર થિજાવી નાખે એવો શિયાળો હોય છતાં એમણે સતત વિહાર કર્યો. આ વિહાર પણ ઘોર જંગલમાં કે અનાર્ય પ્રદેશમાં કર્યો. નગરનાં આવાસોને બદલે એની બહાર આવેલા ઉદ્યાનમાં. અગોચર જગામાં કે અવાવરું મકાનોમાં રહ્યા.

પ્રતિકૂળ ઉપસર્ગનો તો ખ્યાલ આવે, પણ અનુકૂળ ઉપસર્ગ એવા હોય છે કે જેનો ઉપસર્ગરૂપે આત્મામાં ઉદય પામ્યાનો ખ્યાલ સાધકને આવતો નથી. ભગવાન મહાવીર આત્મજાગૃત હોવાથી બંને પ્રકારના ઉપસર્ગો સહન કરીને સમભાવમાં સ્થિર રહ્યા.

સાધનાનો પંથ બાહ્ય આપત્તિઓ અને અપાર મુશ્કેલીઓથી ભરેલો હોય છે. ભગવાન મહાવીરની સાધનામાં સંકટો, ઉપસર્ગો અને પરિષહોનો કોઈ પાર નથી. આ ઉપસર્ગો સામે આત્મબળને સહારે એકલા અડગ ઉભા રહ્યા. પોલાદને પિગળાવી નાખે એવાં દુ:ખો એમનું એક રૃંવાડું પણ ફરકાવી શક્યાં નહીં. પારાવાર વેદનાઓ એમનામાં ધીમે પણ આર્તનાદ જગાવી શકી નહીં. ભયાનક તોફાનો વચ્ચે પણ એમનામાં અભય અને સમતાનો ઉજાસ દેખાયો. ક્રોધ સામે પ્રેમ અને દ્વેષ સામે વાત્સલ્ય પ્રગટ થયું. વિના કારણે પારાવાર વ્યથા પહોંચાડનારા વિરોધીઓ તરફ પણ એમના અંતરનું મૈત્રી અને કરુણાનું ઝરણું સતત વહેતું રહ્યું, ભયાનક જંગલ કે અવાવરું મંદિર, ગામનો સીમાડો કે લુહારની કોઢ- બધે જ એમનું ધ્યાન અડગ રહ્યું. દાનવ, માનવ અને પશુ એમને પરાસ્ત કરવા આવ્યા. શૂલપાણિ યક્ષ હોય, સંગમદેવ હોય કે પછી શિષ્ય ગોશાલક હોય- એ બધાના વિરોધ વચ્ચે તેઓ સદાય શાંત-પ્રસન્ન રહ્યા. સ્નેહી તરફ રાગ કે વિરોધી તરફ દ્વેષ લેશ પણ ન મળે!

Gujarat