- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
વિશ્વનાં પ્રારંભકાળની પરિસ્થિતિનો આલેખ બને છે ભગવાન ઋષભદેવનું જીવન. ભગવાન ઋષભદેવે જગતને રાજા, ત્યાગી અને તીર્થકર એમ ત્રણ સ્વરૂપોની પહેચાન આપી અને અંધકારમાં અથડાઈ રહેલી માનવજાતને નવો પ્રકાશ આપ્યો. અનેક ધર્મોમાં ભગવાન ઋષભદેવનાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે અને આવે સમયે રાજા ઋષભદેવના સમયે કેવી પરિસ્થિતિ હતી એનો આછો ખ્યાલ આપણે આ અગાઉ મેળવ્યો. મુંબઈમાં ત્રિ-દિવસીય ૧૯, ૨૦ અને ૨૧ ડિસેમ્બરે ઋષભાયન-૨નું આયોજન લબ્ધિ-વિક્રમ જનસેવા ટ્રસ્ટ દ્વારા થયું છે. રાજા ઋષભના કાર્યોની ઓળખ મેળવવા માટે એ સમયની પરિસ્થિતિ પર દૃષ્ટિપાત કરીએ.
એ સમયે કોઈ જંગલમાં ઉગેલા ફૂલ જેવી પૃથ્વી પર છૂટું છવાયું માનવજીવન ભય, અજ્ઞાાન અને જંગલી અવસ્થામાં હતું. ઊંચા પર્વતો, વિશાળ મહાસાગરો, ભયાનક જંગલો વચ્ચે માનવી જીવતો હતો અને આવે સમયે કાળનું ચક્ર સતત ફરતું હતું અને યુગલિકકાળ પૂરો થવાની તૈયારી હતી. સમાજવ્યવસ્થા બદલવાનો સમય પાકી ચૂક્યો હતો, પૃથ્વી ભોગભૂમિ હતી તેમાંથી એક કર્મભૂમિ બનવાની હતી. અર્થ, કામ, ધર્મ, મોક્ષ એ ચારેય પુરુષાર્થનો પ્રારંભ થવાનો હતો. એ યાદ રાખવું જોઈએ કે તીર્થકરનું પ્રાગટય જીવનની આહમાંથી, પૃથ્વીની માગમાંથી અને સમયનાં તકાજામાંથી થતું હોય છે.
એ સમયનો તકાજો અજબ હતો. માનવની સ્થિતિ ગજબ હતી. હવા એની એ હતી પણ રૂખ બદલાયું હતું. પ્રકાશ એનો એ હતો, પરંતુ એનો પ્રભાવ બદલાયો હતો. અવાજ એનો એ હતો, પરંતુ એની બુલંદી બદલાઈ હતી. પરિસ્થિતિ તો એવી હતી કે અણઘડ જીવનને કોઈ શૈલી નહોતી. વ્યવસ્થા કે કોઈ પદ્ધતિ નહોતી. એકસાથે માતાની કૂખેથી યુગલ જન્મતું. એ યુવાનીમાં પતિ-પત્નીનો વ્યવહાર નિભાવતું અને સાથે જ મૃત્યુ પામતું.
લગ્ન જેવી કોઈ વિધિ નહીં, સબંધ જેવી કોઈ વ્યવસ્થા નહીં. આવી વ્યવસ્થા નક્કી ન થાય તો પૃથ્વી પર અંધાધૂંધી, અવ્યવસ્થા અને અરાજકતા અસીમ રીતે ફેલાય. પશુ અને માનવ વચ્ચે કામાવેગ અને કામભોગમાં સામ્ય હતું. માણસ પશુ જેવો, જ્યાં કોઈ સંબંધો જ નહોતાં ત્યાં માતા, બહેન, પુત્રી કે પત્ની જેવી મર્યાદા ક્યાંથી પળાય ?
હજી માનવ-સંસ્કૃતિનો ઉદય થયો નહોતો, પરંતુ એ ઉદયની વેળા આવી પહોંચી. એક યુગપુરુષની વાટ જોવાતી હતી. એવો યુગપુરુષ કે જે ભલી, ભોળી અને નિર્દોષ જીવન જીવતી પ્રજાને જીવનવિકાસની કેડી બતાવે. એક એવો યુગપુરુષ કે જે ભોગમાર્ગમાં જીવતી પ્રજાને કર્મમાર્ગની ગરિમા, પ્રવૃત્તિ માર્ગની શક્તિ અને યોગમાર્ગનું અધ્યાત્મ બતાવે.
વર્તમાન અવસર્પિણી કાળચક્રના આ સમયે ધીરે ધીરે કષાયમાં વૃદ્ધિ થતી હતી. છળ-પ્રપંચ અને સ્વાર્થ માનવીના હૃદયમાં સ્થાન પામતા હતા. માનવ પશુપ્રવૃત્તિ તરફ વધુ ધસતો હતો અને આથી જ યુગની આહ કોઈ યુગપુરુષ માટે હતી.
પ્રથમ કુલકર વિમલવાહને આવી અપરાધી મનોવૃત્તિ જોઈને દંડવ્યવસ્થા કરી હતી. પહેલાં માત્ર હાકાર નીતિ હતી, જ્યાં અપરાધીને ખેદપૂર્વક કહેવામાં આવે કે તમે આવું કેમ કર્યું ? અને નિર્દોષ જીવન જીવતી પ્રજાને જીવનવિકાસની કેડી બતાવે. એક એવો યુગપુરુષ કે જે ભોગમાર્ગમાં જીવતી પ્રજાને કર્મમાર્ગની ગરિમા, પ્રવૃત્તિ માર્ગની શક્તિ અને યોગમાર્ગનું અધ્યાત્મ બતાવે.
વર્તમાન અવસર્પિણી કાળચક્રના આ સમયે ધીરે ધીરે કષાયમાં વૃધ્ધિ થતી હતી. છળ-પ્રપંચ અને સ્વાર્થ માનવીના હૃદયમાં સ્થાન પામતા હતા. માનવ પશુપ્રવૃત્તિ તરફ વધુ ધસતો હતો અને આથી જ યુગની આહ કોઈ યુગપુરુષ માટે હતી.
પ્રથમ કુલકર વિમલવાહને આવી અપરાધી મનોવૃત્તિ જોઈને દંડવ્યવસ્થા કરી હતી. પહેલાં માત્ર હાકાર નીતિ હતી, જ્યાં અપરાધીને ખેદપૂર્વક કહેવામાં આવે કે તમે આવું કેમ કર્યું ? અને એ શબ્દનો ઉપાલંભ જ મહાન દંડ હતો. પણ હાકાર નીતિ ધીરે ધીરે નિષ્ફળ જતાં માકાર નીતિનો પ્રયોગ શરૂ થયો. જેમાં સામાન્ય અપરાધ માટે હાકાર નીતિ અને મોટા અપરાધ માટે માકાર નીતિ એટલે કે આ કરો નહીં ? એવી નિષેધની આજ્ઞાા એ જ મહાન દંડ સમજવામાં આવતી હતી. પરંતુ એ પછી પાંચમા પ્રસેનજીત્, છઠ્ઠા મરુદેવ અને સાતમા કુલકર નાભિના સમયમાં આ ધિક્કાર નીતિનું અનુસરણ થતું હતું. આવું કાર્ય કર્યુ તે માટે તને ધિક્કાર છે એટલો તિરસ્કાર જ વ્યક્તિને માટે મૃત્યુદંડ વધુ ગણાતો હતો.
પ્રતિભાસંપન્ન નાભિકુલકરના સમયમાં યોગલિક સભ્યતા ક્ષીણ થઈ ગઈ હતી અને નવા યુગનું પરોઢ આવવાના એંધાણ મળતા હતા. સાતમા કુલકર નાભિરાજના સમયમાં ઘણે સ્થળે અશાંતિ અને ઉચ્છખલતા હતી પરંતુ સુવ્યવસ્થાનું ગુલાબી પ્રભાત આવવા માટે ડોકિયું કરતું હતું. રોજરોજ નિશાચરો, વનેચરો ને રાની જીવોના ભોગ થઈ પડતાં માનવી ધીરે ધીરે સહીસલામતી શોધી ચૂક્યાં હતાં. હવે એમની સંખ્યા વધતી ચાલી હતી. સાથે સાથે જીવન, આજીવિકા હવે વિકટ બનતાં ચાલ્યાં હતાં. દુર્ગમ વન ઓછાં થતાં હતાં. રોજ ફળ આપનાર વૃક્ષ ઓછાં પડતાં હતાં. યુગલિકો કુળકર પાસે ફરિયાદ કરવા જતાં ત્યારે તેઓ હસીને કહેતા :
'મહાનુભાવો, આ પૃથ્વી હવે ભોગભૂમિ મટી ગઈ. પડયા પડયા આજીવિકા પ્રાપ્ત કરવાના દિવસો પૂરા થયા. હવે તો કર્મભૂમિમાં તમે આવ્યા છો. કર્મણ્યતા તમારે સ્વીકારવી જોઇશે.'
'કર્મણ્યતા ? કર્મણ્યતા કેવી ? અમે કંઈ જાણતા નથી. અમને કોણ માર્ગ બતાવશે ?'
'માર્ગ દર્શાવનાર આવી મળશે. શાંતિ રાખો ! રાહ જુઓ !''
આશ્વાસન પામેલાં યુગલિકો પાછાં ફરતાં. અરે, કર્મણ્યતા તે કોનું નામ ! વૃક્ષ સુપક્વ ફળ આપે. ગાય વત્સોચ્છિષ્ઠ દૂધ આપે. નદી કૃષિપૂત પાણી આપે. આમાં કર્મણ્યતા ક્યાં વાપરવી ? એકનું નકામું એ બીજાને કામનું !
નાભિદેવે જે માર્ગદર્શકના આગમની રાહ ભાખી હતી. એ માર્ગદર્શકની રાહ જોવાતી હતી.
અનેક આચાર્યએ નાભિરાયને ઉદયાદ્રિ અને એમના મહારાણી મરુદેવીને પ્રાચીદિશા કહ્યા છે. આનો મર્મ એ છે કે પૂર્વ દિશામાં આવેલા ઉદયાદ્રિ પરથી સૂર્ય પ્રગટ થાય છે એ રીતે નાભિરાય સૌથી વધુ પુણ્યવાન અને મરુદેવી પુણ્યવતી હોવાથી જ ઋષભદેવ જેવા મહાન પુત્રને જન્મ આપી શક્યા. પ્રાચી દિશા એટલે કે પૂર્વ દિશા જ સૂર્યને જન્મ આપે છે બીજી કોઈ નહીં. એ સમયે ઉત્તરાષાઢા નક્ષત્ર હતું, કૃષ્ણ પક્ષની ચતુર્થી હતી. વાદળોના સમૂહને ભેદીને ચંદ્ર પૃથ્વી પર કૌમુદી રેલાવી રહ્યો હતો ત્યારે નાભિદેવના પત્ની મરુદેવાને રાત્રીએ પ્રભાવશાળી ચૌદ સ્વપ્નો દેખાયા.
શરદઋતુના ચંચળ મેઘ જેવી કાંતિના ધારક મનોહર શૃંગ અને સુંદર ખરી વાળા વૈતાઢય પર્વત, જેવી કાયાના ધારક વૃષભને એમને નીરખ્યો. ધેનુઓ-ગાયો એ તો એમના જીવનનો પ્રાણ હતી અને વૃષભ તો એમણે કેટલાંય નીરખ્યાં હતાં પણ આવો વૃષભ કદી નીરખ્યો નહોતો અને પછી તો સ્વપ્નની આખી દુનિયા ચાલી. જગતપાલક તીર્થકર પરમાત્માના જન્મ પૂર્વે એમની માતાને ૧૪ સ્વપ્ન આવે છે. મરુદેવા માતાએ પ્રથમ ઋષભનું સ્વપ્ન જુએ છે.
આજે જગતમાં ડ્રીમ સાઈક્લોલોજીની વાત ચાલે છે. વાચકો તમને વાંચીને આશ્ચર્ય થશે કે સ્થાનાંગસૂત્ર અને ભગવતીસૂત્ર તેમજ મહાપુરાણમાં આ સ્વપ્નની વાત મળે છે અને એથીયે મજાની વાત એ છે કે બે પ્રકારનાં સ્વપ્ન દર્શાવવામાં આવ્યાં છે. પહેલું સ્વપ્ન એ દોષસમુદ્રભવ હોય છે. એનો અર્થ એ કે વાત, પિત, કફ જેવાં શરીરનાં વિકારોને કારણે આવેલું સ્વપ્ન એ શારીરિક દોષોનું પરિણામ છે. જ્યારે સ્વપ્નનો બીજો પ્રકાર તે દેવસમુદ્ભવ છે. પોતાના ઇષ્ટદેવ કે માનસિક સમાધિની સ્થિતિમાં આ સ્વપ્ન આવતું હોય છે. વળી આ ગ્રંથોમાં માત્ર સ્વપ્નની જ વાત નથી, બલ્કે એનાં બીજા પ્રકારોની પણ વાત છે. સ્વપ્નનો એક અર્થ તો એ છે કે ગર્ભમાં રહેલું બાળક એનાં જન્મ પછી કેવાં ગુણો ધરાવતો હશે કે અવગુણો ધરાવતો હશે એનું ભવિષ્યદર્શન હોય છે, પરંતુ મારે તમને એક બીજી વાત કહેવી છે અને તે એ કે ગર્ભમાં રહેલા શિશુનો માતાનાં પર પણ પ્રભાવ પડતો હોય છે. શ્રીરામ ગર્ભમાં આવ્યા, ત્યારે કૌશલ્યા ચાર સ્વપ્ન જુએ છે. શ્રીકૃષ્ણ ગર્ભમાં આવ્યા, ત્યારે દેવકીએ સાત સ્વપ્નો જોયાં હતાં. ભગવાન બુદ્ધ ગર્ભમાં આવ્યા ત્યારે એમની માતા માયેદેવીએ છ દાંતવાળા હાથીનું સ્વપ્ન જોયું હતું. દિગંબરાચાર્ય જિનસેન મરુદેવાનાં સોળ સ્વપ્નોનો ઉલ્લેખ કરે છે અને પ્રથમ સ્વપ્ન તરીકે હાથીને બતાવે છે કલ્પસૂત્ર પણ ચૌદ મંગલમય સ્વપ્નોમાં પ્રથમ હાથીનું સ્વપ્ન કહે છે. માત્ર એ યાદ રાખવું જોઈએ કે બધા તીર્થકરોની માતાઓ પ્રથમ સ્વપ્નમાં ગજરાજને મુખમાં પ્રવેશતો જુએ છે પરંતુ ઋષભદેવની માતા મરુદેવા પ્રથમ સ્વપ્નમાં વૃષભને પોતાના મુખમાં પ્રવેશતો જુએ છે.


