Get The App

ત્યાગી ઋષભદેવનો સંદેશ અનુકૂળતાની શોધને બદલે પ્રતિકૂળતાને પ્રેમ કરો !

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
ત્યાગી ઋષભદેવનો સંદેશ અનુકૂળતાની શોધને બદલે પ્રતિકૂળતાને પ્રેમ કરો ! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

ઇતિહાસનાં પૃષ્ઠો કહે છે કે આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચંપારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક નગરી હતી. એ નગરીમાં રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થયો. પિતાનાં એકનો એક ખોટનો દીકરો હોવાથી સિદ્ધાર્થનું લાડપૂર્વક લાલન-પાલન થયું. રાજકુમારને છાજે એવી કેળવણી આપી, પણ સાથે સંસારનાં વિલાસો પૂરા પાડવામાં ય મણા ન રાખી. યશોધરા નામની ગુણવાન કન્યા સાથે એના લગ્ન થયા અને રાહુલ નામે એને એક પુત્ર હતો.

અત્યંત એશઆરામમાં યુવાની વિતાવનાર રાજકુમાર સિદ્ધાર્થ બાળપણથી જ વિચારશીલ અને એકાગ્ર ચિત્તવાળો હતો,  આથી યુવાની ભોગવવાના બદલે યુવાનીનાં આરંભ અને અંતનો વિચાર કરતો હતો, એશઆરામનું સુખ ક્ષણિક છે કે શાશ્વત એનું વિશ્લેષણ કરતો. એણે રસ્તામાં એક અત્યંત વૃદ્ધ માનવીને જોયો અને આવનારા વૃદ્ધત્વનો અંદાજ મેળવ્યો. વ્યાધિગ્રસ્ત મનુષ્યને જોયો અને એનો આરોગ્યમદ સમૂળગો ચાલ્યો ગયો. મૃતદેહને જોતા એનો જીવિતમદ ગળી ગયો અને એને વિચાર્યું કે, 'પોતે જરાધર્મી, વ્યાધિધર્મી અને શોકધર્મી હોવા છતાં વ્યાધિ, મરણ અને શોકને સુખનો આધાર માની બેઠો છે અને આથી ૨૯ વર્ષના સિદ્ધાર્થના કરુણાયુક્ત હૃદયે મહાભિનિષ્ક્રમણ કર્યું. શિરોમુંડન કરી, ભગવા પહેરી, ઘરમાંથી બહાર નીકળી ગયા. જગતનાં દુઃખનિવારણનો ઉપાય શોધવા માટે એમણે સંન્યસ્ત ધર્મ સ્વીકારી લીધો.

ભગવાન બુદ્ધના આવા ત્યાગની સાથે રાજા ઋષભદેવના ત્યાગનો વિચાર કરવો જોઈએ. બંનેએ જગતના દુઃખનિવારણનો ઉપાય શોધવા માટે મહાપ્રયત્ન કર્યા. આ સંદર્ભમાં રાજા ઋષભદેવે કરેલું દસમુ મહાભિનિષ્ક્રમણ તે એમણે જગતને આપેલો ત્યાગનો એક નવીન આદર્શ છે. આજ સુધી સામાન્ય રીતે જગતે આવો ત્યાગ દીઠો નહોતો.

સામાન્ય રીતે ત્યાગી ઋષિ પોતે આશ્રમમાં વસતા હોય, કવચિત્, ઋષિ પત્ની પણ એમની સાથે હોય, શીતળ જળ અને મંદ મંદ સમીર ધરાવતો નદીનો કાંઠો હોય, આસપાસનાં જંગલોમાંથી જરૂરી સામગ્રી પ્રાપ્ત થતી હોય, શિષ્યસમૂહ સેવાસુશ્રુષા કરતો હોય, જે સમયે આ પ્રકારનું ત્યાગીજીવન પ્રચલિત હતું, ત્યારે રાજા ઋષભદેવનો ત્યાગ એ અનોખું મહાભિનિષ્ક્રમણ બની રહ્યો, કારણકે એમાં સાથે કોઈ સાથી-સંગાથી ન હોય, સાધના માટે કોઈ નિશ્ચિત સ્થાન ન હોય, ભોજનની કોઈ નિશ્ચિત વ્યવસ્થા ન હોય. જેમાં પારાવાર પ્રતિકૂળતામાં જ પૂર્ણ અનુકૂળતાનો અનુભવ કરવાનો હોય. લોકો જંગલી જીવન જીવનારા માનવને નવજીવન આપનારા રાજપાટ ત્યજીને ત્યાગી બનેલા યોગી ઋષભનું સહુ કોઈ હરખભેર સ્વાગત કરવા ઇચ્છતા હતા. વિચારે કે એમના ચરણે કોઈ અપૂર્વ ભેટ ધરવી જોઈએ. કોઈ રત્નોનો રાશિ લઇને ઉપસ્થિત થતા, તો કોઈ સુંદર આભરણથી યુક્ત હાથી લઈને આવતા, કોઈ પોતાનો પ્રિય અશ્વ લઈને આવતા, તો વળી કોઈ પોતાની સુંદર રૂપગુણવાળી કન્યાઓને લઈને ઉપસ્થિત થતા અને વિચારતા કે આ કન્યાઓને આનાથી વિશેષ સુંદર પતિ ક્યાં સાપડવાનો હતો ?

ત્યાગી ઋષભનું સ્વાગત કરતા પ્રજાજનો વિનંતી કરતા,' અરે યોગી, અમારી આ ક્ષુદ્ર ભેટ સ્વીકારો અને અમને ઉપકૃત કરો.' પણ ત્યાગી ઋષભ તો કશું સાંભળતા નથી. કોઈ પણ વસ્તુ તરફ દૃષ્ટિ સુદ્ધાં ફેંકતા નથી. સ્વાગતની જાણે કોઈ ખેવના નથી, સગવડની કોઈ ઇચ્છા નથી, અનુકૂળતાને બદલે પ્રતિકૂળતા પર જાણે પ્રેમ પ્રગટયો છે.

નોબેલ પારિતોષિક વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પ્રાર્થનાનું અહીં આપણને સ્મરણ થાય. તેઓ કહે છે કે, જેટલી આપત્તિ આપવી હોય એટલી આપજે જેટલી મુશ્કેલી આપવી હોય એટલી આપજે તોફાનો અને ઝંઝાવાતો જરૂર મોકલજે. પણ એક પ્રતિકૂળતાને અનુકૂળતા ગણવાની શ્રદ્ધા આપજે.'ળ

પાછળ ચાલી રહેલા રાજાઓ કહે છે,' અરે ! જેણે સર્વસ્વનું દાન કર્યું, એ તમારું આ સ્વલ્પ સ્વીકારશે. ભલા ?' અહીં તો ન યાચનાની અપેક્ષા છે, ન માગવાની જરૂર છે. જોઈએ તેટલું પાસે છે. તમે ગમે તેટલું લો, મા વસુંધરા તો વહાલભરી છે અને પ્રકૃતિ પણ આવા પૂર્ણ પુરુષની પૂજામાં રાચે છે.

આ રીતે દસમા મહાભિનિષ્ક્રમણમાં આપણે જોઈએ છીએ કે ત્યાગી ઋષભનો પ્રવાસ આગળ વધતો જાય છે. નિદ્રાવિહિનતા, વચનવિહિનતા અને આરામવિહિનતા એ એમના સદાનાં સાથી બન્યાં હતાં. ચાર હજાર રાજાઓ પણ એમની સાથે ત્યાગ કરીને નીકળ્યા, પણ એમને વળી ક્યાંથી આ ત્યાગનો પરિચય હોય ?

રાજાઓને ક્ષુધા સતાવવા લાગી, જળની પિપાસા એમને બાળવા લાગી, એમની સાથે ચાલતા રાજાઓ થાકથી ઘેરાઈ ગયા. એથીયે વધુ ત્યાગી ઋષભ બસ ચાલ્યા જ જાય છે. વળી રાજાઓની પૃથ્વીનાથ ઋષભદેવની સેવા કરવાની ભાવના સહેજે સિદ્ધ થતી નથી. બધા રાજાઓ એકત્ર થઈ આગેવાન રાજા કચ્છ અને મહાકચ્છને કહેવા લાગ્યા,' ઓહ ! પૃથ્વીનાથ ઋષભદેવનાં પગલાંને અનુસરવામાં અમે જયનો વિચાર કર્યો હતો. વિજયની કલ્પના રાખી હતી, નવો પ્રદેશ અને નવી ભૂમિ ખેડવાની ધારણા હતી અને સૌથી વિશેષ તો આ સઘળાની વચ્ચે એમની સેવા કરવાની મહદ્ આકાંક્ષા રાખતા હતા. પરંતુ આમાં ક્યાંય જય નથી, ક્યાંક વિજય નથી અને એથીયે વધુ પૃથ્વીનાથ ઋષભદેવની સેવા કરવાની અમારા જીવનની હોંશ પણ સિદ્ધ થતી નથી. ત્યાગી ઋષભ તો કાચબાની પેઠે પોતાની સર્વ ઇંદ્રિયો ગોપવીને બેઠા છે. ઓહ ! આટલું બધું તપ શા માટે ? આટલો પરિતાપ વેઠવો શા માટે ? અને ક્યાં સુધી ?'

કોઈએ કહ્યું, મોટા દુશ્મન સાથે લડી શકાય, કપટી રાક્ષસનો ય મુકાબલો કરી શકાય, પરંતુ આ ભૂખ અને તરસનું દુઃખ અમે સહન કરી શકતા નથી. બસ, હવે તો અમારી એટલી જ ઇચ્છા છે કે ત્યાગી ઋષભદેવની ચરણરજ લઈને અમે અમારા રાજ્યમાં પાછા જઈએ.'

કોઈએ સમજાવ્યું,'અરે ! હજી તો આ ત્યાગની પહેલી પૂણી છે. રાજ છોડીને નીકળ્યા છો અને હવે ફરી પાછા રાજને ગ્રહણ કરશો ? એક સ્વામીને બદલે બીજો સ્વામી ધારશો?'

રાજાઓએ કહ્યું,' નહીં નહીં અમે જે તજ્યું છે, એને ફરી સ્વીકારીશું નહીં. ભલે મૃત્યુ થઈ જાય, પરંતુ ત્યાગી ઋષભદેવ સિવાય અન્ય કોઈનીય કૃપાપ્રસાદ અમે યાચવાના નથી, પણ હવે અમે થાક્યા છીએ, રાજ્યમાં પાછા જવાની ઇચ્છા નથી અને ત્યાગી ઋષભદેવને અનુસરવાની શક્તિ નથી, માટે હવે આ ભૂમિ પર જ રહીશું.'

રાજાઓએ ગંગાતટને પોતાનું ગૃહ બનાવ્યું. ત્યાગી ઋષભદેવનું વ્રત એ જ એમનું વ્રત, મોટા મુખમાં મોટો કોળિયો શોભે અને નાનાં મુખમાં નાનો. રાજાઓએ વિચાર્યું કે, 'ત્યાગી ઋષભદેવ જે પ્રમાણે આચરણ કરે છે, એમાંનું અલ્પ પણ આપણે આચરીશું. તો ધન્ય થઈ જઇશું, હવે અમે ગ્રામનગરમાં જઈશું નહીં, સ્વજનોની વચ્ચે વસશું નહીં, કદી કોઈની પાસે યાચના કરીશું નહીં, જોઈએ તેથી વધુ લઈશું નહીં, ત્યાગી ઋષભદેવ કશું ભોજન લેતા નથી હવે અમે અલ્પ પ્રમાણમાં ખાઈશું, તેઓ નિંદ્રા લેતા નથી અમે અલ્પ નિંદ્રા કરીશું, મહાન ત્યાગીના વ્રત મહાન હોય અને આપણા જેવા અલ્પ સેવકોનાં વ્રત નાનાં હોય.'

અને આમ આ રાજાઓ એક પછી એક નદીનાં કિનારે વસવા લાગ્યા અને ત્યાગી ઋષભદેવ સૂર્યદેવની જેમ પોતાના પ્રવાસમાં એકાંકી આગળ વધ્યા. ત્યાગનો એક નવો આયામ રચાયો, તે વિશે હવે પછી.