Get The App

આપની આજ્ઞાનું પાલન, એ જ મારી આચાર્ય પદવી !

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
આપની આજ્ઞાનું પાલન, એ જ મારી આચાર્ય પદવી ! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

કોઈ સંત એવા વિરલ હોય છે કે જે સહુનાં પ્રિય બની જતા હોય છે.  એવા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજના કાળધર્મને પરિણામે એક પ્રકારનો ખાલીપો સર્જાયો છે. એનું કારણ એ છે કે કેટલાંક સંત માત્ર પોતાના મતને જોતા હોય છે, કેટલાંક સાધુ પોતાના સંપ્રદાયનો અહર્નિશ વિચાર કરતા હોય છે, કેટલાક મહાત્માની દ્રષ્ટિ માત્ર પોતાના ધર્મ સુધી સીમિત હોય છે, જ્યારે ગચ્છાધિપતિ પૂજ્ય રાજયશસૂરિશ્વરજી મહારાજ એક એવા વિરલ દ્રષ્ટા અને વિચારક હતા કે જેઓ સ્વયં સુધી સીમિત રહેવાને બદલે સતત વિશ્વકલ્યાણનો વિચાર કરતા હતા અને એમની દ્રષ્ટિએ વિશ્વકલ્યાણ એટલે આજના જગતનાં અત્યંત કપરા પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો અવિરત પ્રયાસ.

આપણે જાણીએ છીએ કે આજની સમસ્યા એ આવતીકાલનો મહાપ્રશ્ન બની જાય છે. જે આજની સમસ્યાની ઉપેક્ષા કરે છે, એને સમય આવ્યે એ સમસ્યાનો શિકાર બનવું પડે છે અને એ પછીના સમયને ઘણું સહન કરવું પડે છે. આથી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીએ ગર્ભપાત જેવા અનેક વિષયો પર જનસામાન્યની ચેતનાને જાગૃત કરી. ગર્ભપાતની પરિસ્થિતિ અને એનાથી સર્જાનારા દૂષણો વિશે તેઓ સહુને સતત જાગૃત કરતા રહ્યા. આવી સમસ્યા વિશે ભાગ્યે જ કોઈ સાધુ-મહાત્મા સમાજની ચેતનાને ઢંઢોળતા હોય છે.

એવી જ રીતે અહિંસા વિશેની એમની વ્યાપક ભાવના એવી કે સતત અહિંસા વિશેનાં પરિસંવાદોનું આયોજન કરે, અહિંસા વિશે જનજાગૃતિ ફેલાય તેવા પ્રયાસો કરે અને જેઓ અહિંસા માટે કાર્ય કરે છે, તેઓને ગચ્છાધિપતિશ્રી સદૈવ સહયોગ અને ઉત્સાહ અર્પતા હતા. વળી એમની અહિંસાની ભાવના માત્ર પ્રાણીહત્યા સુધી જ સીમિત નહોતી, બલ્કે પરિવારમાં થતી હિંસાથી લઈને છેક અણુબોંબ દ્વારા થતી હિંસા સુધીનું એનું વૈચારિક જગત અત્યંત વિશાળ હતું. એનો ખ્યાલ તો જ્યારે 'પરિવારમાં શાંતિ અને શાંતિનો પરિવાર' જેવા એમના પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે આવે છે. જ્યારે 'ચિંતનનો ચિરાગ' એ પુસ્તકમાં એમણે એવું ચિંતન આપ્યું છે કે  જે આજના માનવીનાં જીવનને ઉર્ધ્વતા તરફ પ્રેરતું હોય.

એમના જીવન વિશે વિચાર કરીએ તો એમનો સાંસારિક પરિવાર ઘણો વિશાળ હતો. એમણે ૧૯મા વર્ષે દીક્ષા લીધી, ત્યા સુધી એ પરિવારના અભ્યુદય અને પ્રગતિની, સેવા અને સુશ્રુષાની ચિંતામાં સદાય ડૂબેલા રહેતા હતા. તે સમયે કોઈએ એમને કોઈ જવાબદારી સોંપી નહોતી, પરંતુ 'સમજદારી એ જ જવાબદારી છે' એમ માનીને સંયમ ગ્રહણ કરતાં પૂર્વે એમણે પોતાના લબ્ધિસૂરિ સમુદાયનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક આગવી શૈલીથી કર્યો હતો.

એ પછી વિ.સં. ૨૦૨૦માં તેઓની દીક્ષા થઈ અને એ દીક્ષા પછી પોતાના સમુદાયને વહન કરવાની સાથોસાથ એમનું અધ્યયન ચાલતું હતું. વિ.સં. ૨૦૩૭ સુધી પોતાની જવાબદારી બરાબર બજાવતા હતા અને એ પછી વિ.સં. ૨૦૩૮ મહા સુદ ચૌદસના રોજ પૂજ્ય રાજયશવિજયજી પંન્યાસ પદવી પર આરૂઢ થયા. એ સમયે શાસનનાં પ્રત્યેક કાર્યોમાં તેઓ એમના ગુરૂદેવ વિક્રમસૂરિશ્વરજી મહારાજ સાથે છાયાની માફક રહ્યા અને જ્યારે પૂજ્ય ગુરૂદેવ વિક્રમસૂરિજીએ એમને આચાર્યપદવી લેવાનું કહ્યું, ત્યારે પંન્યાસ રાજયશવિજયજીએ કહ્યું, 'મારે શી સેવા કરવાની છે તે આજ્ઞા કરો, આપની આજ્ઞા પાળવી એ જ આચાર્યપદવી છે.'

પરંતુ એ પછી ગુરૂદેવની બિમારીને કારણે અંતે એમણે આચાર્યપદવીનો સ્વીકાર કર્યો અને એ પછી તેઓએ મહાસુદ ચોથને ૧૫ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકિર્તીસાગરસૂરિશ્વરજી દ્વારા એમને ગચ્છાધિપતિ પદ પ્રદાન કરવામાં આવ્યું, પરંતુ એમના જીવનકાળ દરમ્યાન એમણે સતત શાસન, સંયમ અને સાહિત્યના કાર્યો કર્યા. સાત-સાત ભાષા પર એમનું પ્રભુત્વ હતુ અને એમા ગ્રંથો અગિયાર ભાષામાં પ્રકાશિત થયાં.

એમના સમગ્ર સાધુજીવનને જોઈએ તો એમ લાગે કે એક જન્મમાં એમણે અનેક જન્મોનું કાર્ય સિદ્ધ કર્યું છે. એથીયે વિશેષ એમની પાસે વિચારોનું તેજ હતું અને એ વિચારોમાં આપણને રાષ્ટ્રીય ચેતનાથી માંડીને નારીસશક્તિકરણ તથા તપથી માંડીને તીર્થંકર સુધીની બધી વાતો જાણવા મળે. એવી જ રીતે તેઓ કહેતા કે સરકારના સહકાર વિના સુરાજ્યની સ્થાપના શક્ય નથી અને સમજાવતા કે, 'દેશકાળ બદલાતા કાયદા પણ બદલાય છે.'

એમનાં પ્રવચનો અને શિબિરોએ હજારો યુવકોમા પ્રાણ પુર્યા હતા. સાધર્મિક ભક્તિ માટે એમણે અનેક આયોજનો કર્યા અને વિશેષ તો એમને પ્રભુભક્તિ કરતા જોવા એ એક અનન્ય દ્રશ્ય હતું. પ્રભુ પાસે યાચના કરતા કલાકો સુધી એ પ્રભુભક્તિ કરતા હતા. એમનામાં શાસ્ત્રીયતા, તત્વચિંતન અને ગુણાનુરાગ સતત જોવા મળતા. શિલ્પકળા સાથે અનેક જૈન-જૈનેતરોનાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને પ્રવિણતા કેળવી હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે તેઓ તત્વથી લઈને વિજ્ઞાનની ટેકનોલોજી સુધી સમજી શકતા અને સમજાવી શકતા હતા. મોટા મોટા ચિકિત્સકો હોય કે જિનાલયો કે અન્ય કાર્યક્ષેત્રના વહીવટદારો હોય, એ બધાંને જ્યારે મુશ્કેલી આવતી ત્યારે એમની પાસે દોડી જતા.

સહુ ધર્મનાં સંતો એક મંચ પર ભેગા થાય એવી એમની ભાવના હતી. વળી શાસન પ્રત્યેની એમની લાગણી, ઉમળકો અને ભાવના અતિ તીવ્ર હતી. સમાજનો કોઈ પ્રશ્ન હોય કે શાસનનો કોઈ સવાલ હોય તો એ તત્કાળ એને હાથ પર લેતા અને એ અંગે માર્ગદર્શન આપતા. ચેન્નાઈમાં એમણે ઇ.સ. ૧૯૯૧ના ચાતુર્માસના પ્રવેશ સમયે એલાન કર્યું હતું કે, '૧૦૮ માસક્ષમણ થવા જોઈએ' અને ૨૨૩ માસક્ષમણ એમની નિશ્રામાં થયા. ચેન્નાઈમાં જૈન ફેરનું આયોજન કર્યું, જે દસ દિવસમાં દસ લાખથી વધુ જનસમૂહે નિહાળ્યું.

એની અનેક વિશેષતાઓનું હજી પણ લોકો સ્મરણ કરે છે. એમની વિશાળતા તો એવી કે તપાગચ્છાધિપતિ શ્રી મનોહરકીર્તિસૂરિશ્વરજી મહારાજ સાહેબ સાથે એમણે આંબાવાડી અને સાબરમતીમાં ચાતુર્માસ કર્યું અને બે જુદા સમૂદાયનું સાથે ચાતુર્માસ થવાની એક અવર્ણનીય ઘટના બની. તો બીજી બાજુ મહેન્દ્રપુરમ્ તીર્થમાં એક સાથે ૮૦૦ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી અને એ સાધર્મિકોને આજીવિકા પ્રાપ્ત થાય તે માટે ખંભાતમાં સર્વપ્રથમ લબ્ધિ-વિક્રમ-સાહિત્ય ઉત્કર્ષ કેન્દ્રની પ્રેરણા આપી હતી.

શ્રી આંબાવાડી જૈન સંઘમાં પર્વાધિરાજ પર્યુષણ પછી ૫૧ જેટલાં સંઘોની રથયાત્રા એક સાથે નીકળી હતી અને એની ફલશ્રુતિમાં પછીના વર્ષે આચાર્યદેવ મનોહરકીર્તિસાગર સૂરિશ્વરજીની નિશ્રામાં ૧૦૮ સંઘોની સંમેલિત રથયાત્રા નીકળી હતી. ગચ્છાધિપતિ પૂજ્ય રાજયશસૂરિજી છેલ્લાં ૫૯ વર્ષથી પોષ દસમીનાં એકાસણાં નિયમિતપણે કરતાં હતાં. છેલ્લાં સમયે તેઓને વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડયું અને ડોક્ટરની ના હોવા છતાં એમણે આ વ્રત ચાલ્યું રાખ્યું. અરે ! તેઓના કાળધર્મના આગળના દિવસે શ્રાવણ વદ દસમ હતી અને એમણે એકાસણું કર્યું હતું.

આ રીતે પોતાની વિશાળ દ્રષ્ટિથી સામાજિક સમસ્યાઓ, ધાર્મિક પ્રશ્નો અને વર્તમાન પરિસ્થિતિનો આગવો ઉકેલ એમની પાસેથી મળતો હતો અને સહુથી વધુ તો વ્યાપક વિચારધારા અને સર્વ ધર્મ પ્રતિ સ્નેહ અનુભવાતો હતો. આવા ગચ્છાધિપતિશ્રીના કાળધર્મથી એક વિશાળતાનું આકાશ સહુનાં માથા પરથી ખસી ગયું છે. જે આકાશ આપણા જીવનની પ્રેરક આશા સમાન હતું.