- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
- શ્રી ઋષભદેવ ચરિત્ર
ચોતરફ જયઘોષ જાગી ગયો,'બોલો રાજા ઋષભદેવનો જય ! રાણી સુમંગલાનો જય !'
અને ઋષભદેવ એ પૃથ્વી પરનાં પ્રથમ રાજા બન્યા. આદિ પૃથ્વીનાથ કહેવાયા અને એમણે લોકોને રહેવા માટે આવાસ, ભોજન માટે આહાર અને જીવન જીવવા માટે અભય આપ્યા. રાજા બન્યા પછી ઋષભદેવે પોતાના પ્રજાજનોને કહ્યું,' પૃથ્વીનો પહેલો નિયમ એ યાદ રાખજો કે, તમે જેટલા ઉદાર થશો, પ્રેમાળ થશો અને હેતાળ થશો તો પ્રકૃતિ પણ તમારી સાથે તેટલી જ ઉદાર પ્રેમાળ અને હેતાળ રહેશે. તમારાં ક્રૂર કાર્યનો પડઘો કુદરતની ક્રૂરતામાં પડશે. બીજાને આનંદ ઊપજે એમ વર્તશો. તો બીજા તમારા આનંદ માટે સદા ચિંતા કરશે. બીજાનું પેટ ભરવાની ચિંતા તમે કરશો, તો તમારી ચિંતા તમારે કરવાની નહીં રહે. આ અટલ નિયમ કદી ભૂલશો નહીં.
'જીવન મેળવવા માત્રથી શું ? જીવનનો જો કંઈ અર્થ ન હોય, તો મૃત્યુ અને જીવન વચ્ચે શો તફાવત ? તો પછી મૃત્યુના મેદાન જેવી પેલી અંધારી ખીણો ને ગુફાઓ જ શી ખોટી ? ખાણમાંથી ખોદી લાવેલો હીરો જો કંઈ ઉપયોગમાં ન હોય તો એ ખાણના બીજા પથરા કરતાં એનું કંઈ પણ વધુ મૂલ્ય નથી. તમે જીવન મેળવ્યું તો એના અર્થનો સદાકાળ વિચાર કરજો. એક ગૃહઅગ્નિથી જેમ હજાર ગૃહઅગ્નિ પેટાવી શકાય એમ તમે તમારા જીવનથી હજારને બક્ષજો.
'માનવમાત્ર મહાન,
માનવમાત્ર સમાન,
માનવમાત્ર મિત્ર.'
જગત પર એક નવો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. એક નવી વ્યવસ્થા સર્જાઈ રહી હતી. જેથી માનવજીવન શુભકાર્યમાં પ્રવૃત્ત બને અને અશુભ કાર્યથી અળગું રહે.
રાજા ઋષભના સમયમાં કુળકર વ્યવસ્થા નષ્ટ થઈ રહી હતી. વ્યક્તિ સમષ્ટિમાં પરિવર્તિત થતી હતી અને અનેક પ્રકારના સામાજિક વ્યવહારો બદલાઈ ગયા હતા. એમણે એક નિશ્ચિત શાસનવ્યવસ્થા પણ સ્થાપી. બધા અનીતિ રૂપી તમામ સર્પોને વશ કરનારી વિષવિધા સમાન દંડનીતિની જરૂર હતી. એમણે ચાર પ્રકારની દંડવ્યવસ્થા કરી. (૧) પરિભાષા : એટલે કે અપરાધી વ્યક્તિને આક્રોષપૂર્ણ શબ્દોમાં નજરબંધ રાખવાનો દંડ કરવો. ને કઠોર શબ્દો દ્વારા પ્રતાંડિત કરવો. (૨) મંડલબંધ : સીમીત ક્ષેત્રમાં રહેવાનો દંડ કરવો. (૩) ચારકબંધ એટલે કારાવાસમાં રહેવાનો દંડ કરવો. (૪) અંગવિચ્છેદ એટલે કર વગેરે અંગઉપાંગોનું છેદન કરવાનો દંડ દેવો.
આમાં 'સ્થાનાંગવૃત્તિ' ગ્રંથના સાતમાં અધ્યાયમાં લખ્યું છે કે પ્રથમ બે દંડનીતિ ઋષભદેવના સમયમાં હતી અને બાકીની બે ભરતદેવના સમયમાં હતી. કલ્પવૃક્ષ નષ્ટ થવાને કારણે અને જનસંખ્યાની અભિવૃદ્ધિ થતી હોવાથી મૂળ ફળ પર્યાપ્ત માત્રમાં મળતા નહોતા, તેથી ઘઉં, ચોખા, મગ, ચણા વગેરેનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો.
ઋષભદેવના સમયમાં આજીવિકા માટે છ સાધનો પ્રચલિત હતા. અસિ એટલે સૈનિકવૃત્તિ, મસિ એટલે લિપિ વિદ્યા. કૃષિ એટલે ખેતીનું કામ, ચોથું વિદ્યા એટલે અધ્યાપન કે શાસ્ત્રોપદેશનું કામ. પાંચમું વાણિજય એટલે વેપાર અથવા તો વ્યવસાય અને છઠ્ઠું શિલ્પ એટલે કલા અને કૌશલ. આ છ પ્રકારના આજીવિકાના સાધનો રાજા ઋષભધ્વજે પ્રજાને આપ્યા અને એથી જ એ સમયના માનવીઓને 'ષટ્કર્મજીવિનામ' કહેવામાં આવ્યા.
રાજા ઋષભે કહ્યું કે કલા કામધેનું અને ચિંતામણિ રત્ન છે. કલા જ આત્મકલ્યાણ કરનારી છે. એ જ ધર્મ, અર્થ અને કામરૂપ ફળસહિત સંપત્તિઓને ઉત્પન્ન કરનારી છે.
વ્યવહાર સાધન માટે માન એટલે કે માપ, ઉન્માન એટલે તુલા આદિ વજન, અવમાન એટલે ગજ, ફૂટ, ઇંટ, આદિ અને પ્રતિમાન એટલે પાશેર, શેર, મણ આદિ વગેરે શીખવ્યું. મણિ વગેરે પરોવવાની કળાથી પણ અવગત કરાવ્યા. આદિ પુરાણકાર તો કહે છે, 'આદિ તીર્થકર સ્વયં પોતાની પુત્રીઓને લિપિસંસ્કાર આપતી વખતે અ,આ,ઈ,ઇ,ઉ,ઊ વગેરે વર્ણમાળા એટલે કે બારાક્ષરી લખીને અક્ષરજ્ઞાાન આપ્યું હતું.'
રાજા ઋષભદેવ માતા મરુદેવામાં અધ્યાત્મ, બ્રાહ્મીમાં વિદ્યા અને સુંદરીમાં કલાઓ અને ગણિતશાસ્ત્રની નિપુણતા જોવા મળે છે. બ્રાહ્મી વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિમાં પારંગત હતી અને એણે સર્જેલી લિપિ એ બ્રાહ્મીલિપિ કહેવાય છે જે આજની મોટાભાગની લિપિઓનો મુખ્ય આધાર છે. આ બધી લિપિઓમાં પ્રાય : સમાનતા જોવા મળે છે અને એનું કારણ બધી લિપિ બ્રાહ્મીલિપિમાંથી નીકળી છે.
બ્રાહ્મીલિપિ અને એ પછી ખરોષ્ટી લિપિ મળે છે. બ્રાહ્મી લિપિ જમણી બાજુથી ડાબી બાજુ લખાય છે અને ખરોષ્ટિ ડાબી બાજુથી જમણી બાજુ લખવામાં આવે છે. ઇ.સ.ત્રીજી શતાબ્દીમાં પંજાબમાં ખરોષ્ટિ લિપિ પ્રચલિત હતી, પરંતુ એ પછી ધીરે ધીરે ભારતમાંથી અદૃશ્ય થઈ ગઈ. જોકે એ પછી ચીન અને તુર્કસ્તાનમાં એ મળે છે. બ્રાહ્મીએ જમણા હાથે આ લિપિની શિક્ષા આપી અને જૈન આગમગ્રંથોમાં આદરપૂર્વક આ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવે છે. શ્રી ભગવતી સૂત્રમાં પણ બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવ્યા છે અને આ લિપિમાં ૪૫ મૂળાક્ષરો હોય છે.
બીજી પુત્રી સુંદરી ગણિત વિદ્યામાં પારંગત અને એમ કહેવાય છે કે આજે જેટલા મેથેમેટિક્સ છે કે સુંદરીના ગણિતશાસ્ત્રનું વિકસિત રૂપ છે. પુરુષોને ૭૨ કલાઓ, સ્ત્રીઓને ૬૪ કલાઓ અને ૧૦૦ પ્રકારના શિલ્પનું જ્ઞાાન આપ્યું.
ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી ખેતી પર એના લોકોની આજીવિકાનો મદાર રહે છે. રાજા ઋષભદેવે કૃષિ અંગે સઘળી તાલીમ આપી. ખેતીનો યોગ્ય ભૂમિ કઈ રીતે તૈયાર કરી શકાય, હળ કઇ રીતે ચલાવી શકાય બીજ કઈ રીતે વાવી શકાય અને અને અનાજ ઊગે એ પહેલાં અને પછી કઈ કઈ ક્રિયા કરવી પડે તે બધી વાતો ઋષભદેવે બતાવી. કદાચ આ જ કારણે તેઓ કૃષિના દેવતા કે કૃષિરાજના રૂપે પૂજિત થયા. ખેડૂતો ન્યાયપૂર્વક ખેતરો ખેડે ને યોગ્ય ભાગ લઈ નિર્વાહ ચલાવે. શેરડીની ખેતી માટે પણ ક્ષત્રિયો ન્યાયપૂર્વક વર્તે. ગોવાળો પોતાનાં જનાવરો પ્રત્યે સદ્ભાવ રાખે ને કોઈ એકબીજાનું લૂટી લેવાની કલ્પના પણ કરે નહીં.
સુરક્ષા, વ્યાપાર અને ઉત્પાદનની વ્યવસ્થા કરી. અશ્વ, હાથી, ગાય આદિ પશુઓનો ઉપયોગ કરતાં શીખવ્યું અને જીવનોપયોગી પ્રવૃત્તિઓનો વિકાસ કરીને જીવનને શિષ્ટ, રસપ્રદ અને વ્યવહારુ બનાવ્યું. આમ ઋષભદેવે માણસમાં માણસાઈ જગાડી, નીતિ ભાવનાનું શિલારોપણ કર્યું, સમાજ રચ્યો અને સમાજરીતિ ઘડી, રાજ્યવ્યવસ્થા સ્થાપી અને રાજનીતિ ઘડી.
લગ્નવિધિ દ્વારા પશુતામાં પ્રભુતા આણી. એમણે પ્રજાજીવનમાં પરિવર્તન આણ્યું. માતાઓ પુત્રોનું પાલન યથેષ્ટ રીતે કરે. પિતાઓ પિતૃધર્મમાં પણ બરાબર સમજ્યા. પતિ-પત્નીનાં યુગલો પણ એકબીજા સાથે હેતથી વર્તે છે. સંસાર આખો વ્યવસ્થિત બંધારણપૂર્વક ચાલવા લાગ્યો. માનવ સમાજમાં પરિવર્તન, અવ્યવસ્થામાં વ્યવસ્થા. અજ્ઞાાનયુક્ત કાર્યો કરનાર માનવી હવે જ્ઞાાનપરાયણ બન્યો અને હવે એને સમજાયું કે અજ્ઞાાનથી ખોટું કામ કરવાની તક તો દિવસમાં દોઢસો વાર મળે છે જ્યારે સારું કામ કરવાની તક તો માંડ મહિને એકાદ વખત પ્રાપ્ત થાય છે. જિંદગીની મોટામાં મોટી કળા એ જીવન જીવવાની કળા છે, જે અવ્યક્ત એને વ્યક્ત કરવું એ જિંદગીનો સૌથી મોટો પડકાર છે અને અપૂર્ણતામાંથી સંપૂર્ણતામાં પ્રયત્ન કરવો એ સૌથી મોટો પુરુષાર્થ છે. આને માટે રાજા ઋષભદેવે જોયું કે પ્રજાને શીખવવું એ કળા છે અને એને માટેની પદ્ધતિ એ કળાનું હથિયાર છે અને એને માટેનું પ્રાગટય એ કળાનો પુરુષાર્થ છે, પરંતુ રાજા ઋષભના હૃદયમાં સતત એક અજંપો રહેતો. અવિરતપણે મનોમંથન ચાલતું, જેની વાત હવે પછી કરીશું.
(ક્રમશ:)


