પર્વાધિરાજ પર્યુષણ પૂર્વે મેળવીએ પાંચ પશ્નોના ઉત્તર!
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
પર્યુષણ પર્વનો આગામી વીસમી ઓગસ્ટે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પહેલો પ્રશ્ન એ છે કે 'પર્યુષણ એટલે શું ?' આનો પહેલો અર્થ થાય છે 'સમસ્ત પ્રકારે વસવું' એટલે કે સાધુજનોને ઉદ્દેશીને ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિરવાસ કરીને ધર્મની આરાધના કરવી, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે 'આત્માની સમીપ વસવું.' આત્માને જીતવા માટે એ આત્માને જાણવો જરૂરી બને છે. એ આત્મતત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઈએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ. વ્રત-તપ એ ભીતરની ગતિમાં માધ્યમો છે.
આનો અર્થ એ કે પર્યુષણ વ્યક્તિગત પર્વ છે, કિંતુ દુર્ભાગ્યે આપણે એને સામાજિક પર્વ બનાવી દીધું છે. એમાં વ્યવહાર સચવાય છે, પણ વિકાસથાય છે ખરો ? બાહ્ય સબંધો જળવાય છે, પણ પોતાના આત્માની ઉન્નતિ થાય છે ખરી ?
બીજો સવાલ એ છે કે 'આત્માની સમીપ રહેવું એટલે શું ?' અનંતકાળથી આત્મા મોહ, મિથ્યાત્વ, કષાય અને અજ્ઞાનમાં વસતો આવ્યો છે. પોતાના સ્વભાવને ભૂલીને વિભાવને જ નિજસ્વરૂપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુઃખ, કંકાસ અને કલેશમાં ડૂબેલો છે. ભૌતિક લાલસાના મૃગજળ તરફ આંધળી દોડ લગાવી રહ્યો છે. અપરિગ્રહનો આ ધર્મ ઓછાથી જીવવાનો આનંદ ભૂલી ગયો છે. ભપકાદાર વસ્ત્રો અને અલંકાર રૂપી શણગારો ધરાવતા દેહ શું સૂચવે છે ? હિંસાનું કારણ જ પરિગ્રહ છે. આવા પરિગ્રહ વિશે ગંભીર ચિંતન કરવાનું પર્યુષણ કહે છે.
ત્રીજો સવાલ છે કે 'પર્યુષણનો હેતુ શો ?' હકીકતમાં પર્યુષણ એ અત્માની દિવાળી છે. દિવાળીએ વ્યક્તિ પોતાના વ્યવસાયના નફા-તોટાનો વિચાર કરી કેટલી કમાણી થઈ, તેનો વિચાર કરે. આ આધ્યાત્મિક પર્વ સમયે આત્માએ કરેલી કમાણીનો વિચાર કરવાનો છે. માનવી પર્યુષણ પર્વમાં પોતાની જાતને પૂછે કે 'તું કોણ છે ?', 'તેં શું મેળવ્યું છે?' અને 'જીવનમાં શું પામવાનું તારું લક્ષ્ય છે ?' ભૌતિક સમૃદ્ધિની પાછળ દોડતા અને અતિ વ્યસ્તતામાં જીવતા માનવીને મૂર્ચ્છામાંથી જગાડનારું પર્વ તે પર્યુષણ. આમ પર્યુષણ પર્વ એ જીવન પરિવર્તનનું પર્વ છે. વિભાવદશામાંથી સ્વભાવ દશામાં, સ્વહિતને બદલે પરહિત તરફ અને ઘોર અજ્ઞાનમાંથી ઉજ્જવળ સમ્યક્જ્ઞાન પ્રતિ લઈ જતું પર્વ છે અને તેથી જ આ પર્વમાં આત્મિક ઉન્નતિની આડે આવતા અવરોધોને દૂર કરવાનું કહેવામાં આવ્યું છે.
ચોથો પ્રશ્ન એ છે કે પર્યુષણ શા માટે ચોમાસામાં આવે છે ? કારણ કે આ સમયે એ તપ માટે સૌથી અનુકૂળ સમય છે. ચોમાસામાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હોય છે. લાંબા તપને માટે કારમી ઠંડી કે સખત ગરમી અવરોધરૂપ બનતી હોય છે, જ્યારે આ ઋતુ એવી છે કે તે સમયે પ્રકૃતિ હૂંફાળું રૂપ ધારણ કરીને બેઠી હોય છે. વળી, ચાતુર્માસનો સમય હોવાથી માનવીને આરોગ્યની દૃષ્ટિએ વધુ સાવધાની રાખવી પડે છે. વર્ષાઋતુને કારણે એની પ્રવૃત્તિ સીમીત થઈ જાય છે અને એને માટે આમેય ઉપવાસ કે અન્ય તપક્રિયાઓ લાભદાયી બને છે. આ સમયે કફનો પ્રકોપ થવાનું આયુર્વેદ કહે છે ને કફ સામેનું મહત્વનું ઔષધ એ ઉપવાસ આદિ તપશ્ચર્યા છે એટલે કે આ સમયે શરીરની દૃષ્ટિએ પણ લાંઘણ કે અન્ય પ્રકારનો આહાર-સંયમ જરૂરી હોય છે. આમ જુઓ તો ભારતીય સંસ્કૃતિના ઘણાં મહત્વનાં પર્વો વર્ષાકાળમાં આવે છે, કારણ કે વર્ષાકાળ એ આધ્યાત્મિક સાધનાનો ઉત્કૃષ્ટ સમય ગણાય છે. પર્યુષણ સમયે સૂર્ય પૃથ્વી સાથે અને પૃથ્વી ચંદ્ર સાથે એક એવી વિશિષ્ટ ડિગ્રીએ હોય છે કે જેને પરિણામે તપશ્ચર્યા અંકુર બને.
પાંચમો પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે પર્વો એક દિવસના હોય છે. રામનવમી, જન્માષ્ટમી, મહાવીર જયંતિ પરશુરામ જયંતિની ઉજવણી માત્ર એક દિવસની હોય છે. આવે સમયે પ્રશ્ન એ થાય કે પર્યુષણ પર્વ સતત આઠ દિવસ ચાલે તે કેવું કહેવાય, વળી દિગંબર સંપ્રદાયમાં તો એ 'દશલક્ષણા પર્વ' તરીકે ઓળખાય છે અને પૂરા દસ દિવસ સુધી ચાલે છે.
એક દિવસને બદલે સળંગ આટલા બધા દિવસ સુધી કોઈ પર્વની આરાધના થાય, તે જરૂર આશ્ચર્યજનક લાગે, પરંતુ આ આરાધનાના આટલા બધા દિવસોની પાછળ જ પર્યુષણનું રહસ્ય છુપાયેલું છે.
હકીકતમાં પ્રાચીન કાળમાં માત્ર એક જ દિવસનું પર્યુષણ પર્વ હતું, પરંતુ એ પછી આ પર્વ 'અષ્ટાહ્નિકા મહોત્સવ' તરીકે ઓળખાતું હતું. પહેલાં સાત દિવસ ઉજવણી થાય અને આઠમાં મુખ્ય દિવસે પરાકાષ્ઠા આવે. આ આઠ દિવસના મહોત્સવનું આધ્યાત્મિક સાધનામાં રૂપાંતર થઈ ગયું અને સાધક આઠ પ્રવચનમાતાની આરાધનાની સાથોસાથ આઠ કર્મોનો ક્ષય કરે છે અને તેથી પર્યુષણનો પ્રત્યેક દિવસ એ આરાધના અને કર્મક્ષયનો દિવસ હોય છે. આમ આઠ દિવસના (દિગંબર સંપ્રદાયના દસ દિવસના) ઉત્સવને બદલે આઠ દિવસના આત્મજાગરણ માટેના આરાધના પર્વમાં પર્યુષણ પર્વનું રૂપાંતર થયું. અને તેથી પર્યુષણમાં થતાં વ્રત અને તપ આત્માને અનુલક્ષીને છે. આત્મામાં સહિષ્ણુતા અને મૈત્રીભાવ હોય તો જ ક્ષમાનું નિર્માણ થાય. આજે સંપ કે સહિષ્ણુતા ક્યાં છે ? વિખવાદ અને અસૂયા તો ઠેરે ઠેર મળે છે. સંપ્રદાયો અને એક જ સંપ્રદાયમાં ભેદની અભેદ્ય દિવાલો રચાયેલી નજરે પડે છે. આવે સમયે આ ગૌરવવંતા પર્વનું ગૌરવ અને સન્માન જાળવવાનો પ્રયત્ન કરીએ અને આંતરસાધનાના ઉજળા માર્ગે યથાશક્ય ગતિ કરીએ, કારણ કે અતિ પ્રાચીન એવા પર્યુષણ પર્વની આરાધના અંગે સ્વયં ભગવાન મહાવીરે રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિકને આ પર્વના મહિમા અંગે વાત કરી હતી. પૂર્વે ગજસિંહ નામના રાજાએ ઉત્કૃષ્ટ આરાધના કરીને પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર પદ પામી મુક્તિપદ મેળવ્યું હતું. પર્યુષણ એ લોકોત્તર પર્વ એ માટે છે કે સામાન્ય રીતે લૌકિક પર્વમાં ભય (શીતળાસાતમ), સ્પૃહા (ગૌરીપૂજન, લક્ષ્મીપૂજન) કે વિસ્મય (સૂર્યપૂજા, અગ્નિપૂજા) હોય છે, જ્યારે આ લોકોત્તર પર્વ એવું છે કે જ્યાં જગતના સઘળા બાહ્ય વ્યાપારો છોડીને પોતાના આત્માની સમીપ વસવાનું છે. સમવસરણમાં ભગવાન ઉપદેશ આપતા હોય, ત્યારે ત્રણ ગઢની રચના થાય છે. પર્યુષણ સમયે મન, વચન અને કાયાના ત્રણ ગઢ વીંધીને પોતાના આત્મદેવના દર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અનંતકાળથી આત્મા મિથ્યાત્વ, કષાય, મોહ અને અજ્ઞાનમાં વસતો હોય છે. એ આત્માને અજ્ઞાનમાંથી સમ્યગ્જ્ઞાન તરફ, વિભાવમાંથી સ્વભાવ તરફ, વેરમાંથી મૈત્રી તરફ, પીડામાંથી પ્રેમ તરફ, સ્વહિતમાંથી પરહિત તરફ લઈ જવાનો છે, આથી પર્યુષણ પર્વની ઉપાસના મર્ત્ય માનવીને આત્માના અમરત્વની પ્રાપ્તિ માટેની ઉપાસના છે. બીજાં પર્વો શરીરનું પોષણ કરે છે. કેટલાક મનનું પોષણ કરે છે, પરંતુ પર્યુષણ પર્વ એ આત્માનું પોષણ કરે છે.
શરીર એ માનવીનો મર્ત્ય અંશ છે. આત્મા એ અજરામર છે. પર્યુષણ પર્વ એ આત્મપ્રિય, આત્મસંલગ્ન અને આત્મરત બનવાનું પર્વ છે.
જિનાગમમાં ઘણાં પર્વનો ઉલ્લેખ છે, પણ સાથોસાથ એમ પણ કહ્યું છે કે આ બધા પર્વોમાં કર્મના મર્મને ભેદનારું પર્યુષણા પર્વ જેવું બીજું એકે પર્વ નથી. એનો પહેલો પ્રશ્ન છે કે, 'તું કોણ છે ?' એના ઉત્તર રૂપે વ્યક્તિના બાયોડેટાની જરૂર નથી, પરંતુ પોતાના બધા બાહ્ય સાંસારિક સંબંધોનો ત્યાગ કર્યા પછી એવું કશું બચે છે ખરું કે જેને વ્યક્તિ પોતાની ઓળખ તરીકે બતાવી શકે. બીજો પ્રશ્ન છે કે 'તે શું મેળવ્યું છે ?' પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિને તો વ્યક્તિએ મૃત્યુ આવતા મૂકીને ચાલ્યા જવાનું છે. પરંતુ એણે એવું કશું મેળવ્યું છે ખરું કે જેની સુવાસથી એનું અસ્તિત્વ ન હોય ત્યારે પણ વાતાવરણમાં મઘમઘતું રહે. ત્રીજો અને મહત્વનો પ્રશ્ન એ છે કે 'એણે શું મેળવવું છે ?' જેમ શહેરનો અને દેશનો નકશો હોય, તેમ વ્યક્તિની પાસે આત્માના માર્ગે પ્રગતિ કરવાનો કોઈ માર્ગદર્શક રસ્તો છે ખરો ? પર્યુષણનો એક અર્થ છે આત્માની સમીપ વસવું. આજે એ આત્માની સમીપ જઈને આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા પ્રયાસ કરીએ.