કર્મના મુખ્ય આઠ પ્રકાર અને કર્મવિપાક
- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
કર્મબંધ સમયે જ જીવના કષાયના ભાવો અનુસાર કર્મનો વિપાક અર્થાત્ કર્મની ફલપ્રદાન શક્તિનું નિર્માણ થઈ ગયું હોય છે. તેથી પ્રત્યેક કર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે બંધ પ્રમાણે વિપાક પ્રગટ કરે છે.
શાસ્ત્રોમાં આઠે કર્મ પોતાનો વિપાક-ફળ કઈ રીતે બતાવે છે, તેનું વિસ્તૃત વર્ણન છે. (૧) જ્ઞાાનવરણીય કર્મનો વિપાક : પાંચે ઇન્દ્રિયની જ્ઞાાનપ્રાપ્તિની શક્તિ મળે જ નહીં અથવા મંદ શક્તિ મળે, જેમકે અંધાપો, બહેરાશ, મૂકપણું વગેરે. કોઈપણ વસ્તુનો વિશેષ બોધ ન થાય, પાંચે જ્ઞાાનની પ્રાપ્તિ ન થાય. ૨) દર્શનાવરણીય કર્મનો વિપાક : ઇંદ્રિયો દ્વારા કોઈ પણ વસ્તુનો સામાન્ય બોધ ન થાય. જ્ઞાાનવરણીય અને દર્શનાવરણીય બંને કર્મોનું ફળ સાથે મળતું હોય છે. તેમ જ નિદ્રા તે પણ દર્શનાવરણીય કર્મનો વિપાક છે. ૩) વેદનીય કર્મનો વિપાક : શારીરિક, માનસિક પારિવારિક કે સાંયોગિક અનુકૂળતા પ્રાપ્ત થવી તે શાતાવેદનીય કર્મનું ફળ છે. ૪) મોહનીય કર્મનો વિપાક : સુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મ ઉપર શ્રધ્ધા ન થવી તે દર્શનમોહનીય કર્મનું ફળ છે અને ક્રોધાદિ વૈભાવિક ભાવો તે ચારિત્રમોહનીય કર્મનું ફળ છે. ૫) આયુષ્ય કર્મનો વિપાક : બંધ પ્રમાણે નરક, નિર્યચ, મનુષ્ય અને દેવભવમાં મર્યાદિત સમય માટે રહેવા રૂપ ફળ પ્રદાન કરવું તે આયુષ્ય કર્મનો વિપાક છે. ૬) નામ કર્મનો વિપાક : પોતાના શરીરની રચના તેના રૂપ, રંગ, દેખાવ, સ્વર, લાવણ્ય, રીત-ભાત વગેરે શ્રેષ્ઠ મળવો તે શુભ નામ કર્મનું ફળ છે અને ઉપરોક્ત વસ્તુઓ નિમ્નકક્ષાની મળવી તે અશુભ નામ કર્મનું ફળ છે . ૭) ગોત્ર કર્મનો વિપાક : શ્રેષ્ઠ જાતિ, કુળ, બળ, લાભ, સત્તા, સંપત્તિ પ્રાપ્ત થવાં તે ઉચ્ચગોત્રનું ફળ છે. અને નિમ્ન જાતિ આદિમાં જન્મ થવો તે નીચગોત્રનું ફળ છે. ૮) અંતરાય કર્મનો વિપાક : પોતાની દાન, લાભ, ભોગ, ઉપભોગ કે પરાક્રમની શક્તિમાં વિઘ્ન કે બાધા આવવી તે અંતરાય કર્મનું ફળ છે.
આ રીતે આઠે કર્મનો વિપાક હોય છે.
જીવે સંચિત કરેલાં સર્વ કર્મો સફળ અર્થાત્ ફળ આપે જ છે. કરેલાં કર્મો ભોગવ્યા વિના મોક્ષ થતો નથી. આ શાસ્ત્રવચનો કર્મવિપાકની, અનિવાર્યતાને સ્પષ્ટ કરે છે.
જૈનદર્શનને સમજવા માટે કર્મની સમજણ અનિવાર્ય છે. હવે આપણે કર્મબંધની પ્રક્રિયા જોઈએ. કષાય પરિણત જીવ મન, વચન કે કાયા દ્વારા પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે જ ક્ષેત્રમાં રહેલા કર્મપરમાણુઓને જીવ આકર્ષિત કરે છે, ખેંચે છે અને પોતાની સાથે એકમેક કરે છે. ત્યારે કર્મપરમાણુઓ કર્મનું રૂપ ધારણ કરે છે. ત્યારે તેમાં ચાર અંશનું નિર્માણ થાય છે. જેમ ગાય ઘાસ ખાય અને તેમાંથી દૂધનું નિર્માણ થાય છે, ત્યારે તે દૂધની પ્રકૃતિ-સ્વભાવ નિશ્ચિત થાય અર્થાત્ ગાયનું દૂધ પાચનમાં હળવું છે. તેમાં અમુક પ્રકારનાં તત્ત્વો છે. જે શરીરને લાભદાયી છે વગેરે. દૂધની દૂધ રૂપે રહેવાની સ્થિતિ નિશ્ચિત થાય, દૂધની મધુરતામાં તીવ્રતા-મંદતા નિશ્ચિત થાય અને દૂધનું પરિમાણ- પ્રમાણ નિશ્ચિત થાય છે.
તે જ રીતે જીવ દ્વારા ગ્રહણ કરાયેલા કર્મપુદ્ગલો કર્મનું રૂપ ધારણ કરે ત્યારે ચાર અંશનું નિર્માણ થાય છે. તેને ચાર પ્રકારનો બંધ કહે છે.
૧) પ્રકૃતિબંધ : તે કર્મદલિકોમાં ભિન્ન શક્તિઓનું નિર્માણ થવું, તે પ્રકૃતિબંધ છે જેમ કે આ કર્મ જ્ઞાાન ઉપર આવરણ કરશે, સુખ-દુ:ખાત્મક પરિસ્થિતિનું સર્જન કરશે, જન્મ-મરણ કરાવશે વગેરે વિભિન્ન શક્તિ કે સ્વભાવનું નિર્માણ થાય છે.
૨) સ્થિતિબંધ : કર્મની આત્મા સાથે રહેવાની કાલમર્યાદા નિશ્ચિત થવી, તે સ્થિતિબંધ છે.
૩) અનુભાગબંધ : કર્મના ફળ કે વિપાકની તીવ્રતા-મંદતા નિશ્ચિત થવી તે અનુભાગબંધ કે રસબંધ છે.
૪) પ્રદેશબંધ: કર્મદલિકોના જથ્થાનું પ્રમાણ તે પ્રદેશબંધ છે.
આ ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ જીવના યોગની પ્રવૃત્તિ આધારિત હોય છે અર્થાત્ યોગની શુભ પ્રવૃત્તિમાં શુભ કર્મબંધ કે પુણ્યબંધ થાય છે અને યોગની અશુભ પ્રવૃત્તિમાં અશુભ કર્મબંધ કે પાપબંધ થાય છે.
સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાય આધારિત હોય છે. અર્થાત્ તીવ્ર કષાયમાં કર્મ બંધાય ત્યારે તેની સ્થિતિ દીર્ઘકાળની અને તેનો અનુભાગ તીવ્ર બંધાય છે અને મંદ કષાયમાં અલ્પસ્થિતિ અને મંદ અનુભાગવાળાં કર્મો બંધાય છે.
આ ચારે પ્રકારના બંધમાં કષાયજન્મ બંધ જ જીવને દીર્ઘકાળ પર્યંત પરિભ્રમણ કરાવે છે.
કર્મબંધના બે પ્રકાર : (૧) સાંપરાયિક બંધ અને (૨) ઇર્યાપથિક બંધ.
કષાયયુક્ત અર્થાત્ સકષાયી જીવોના બંધને સાંપરાયિક બંધ કહે છે અને અકષાયી અર્થાત્ વીતરાગી જીવોને કેવળ યોગજન્ય પ્રવૃત્તિથી થતાં બંધને ઇર્યાપથિક બંધ કહે છે. તે બંધમાં કષાય ન હોવાથી સ્થિતિબંધ કે અનુભાગબંધ થતો નથી. જેમ કોરા કપડા પર લાગેલી રજ ખંખેરવા માત્રથી ખરી જાય છે. તે લાંબો સમય ટકતી નથી તેમ વીતરાગી જીવોમાં કષાયરૂપ સ્નિગ્ધતાનો અભાવ હોવાથી બંધાયેલું કર્મ તુરત જ ઉદયમાં આવે છે અને એક જ સમયમાં તે ખરી જાય છે.
સાંપરાયિક બંધ જ જીવનાં સંસાર પરિભ્રમણનું કારણ છે.
કર્મના મુખ્ય આઠ પ્રકાર :
૧) જ્ઞાાનવરણીય કર્મ : આત્માના જ્ઞાાનગુણ પર આવરણ કરે, જ્ઞાાનગુણને ઢાંકે તે જ્ઞાાનવરણીય કર્મ છે. તે આંખના પાટા સમાન છે. આંખમાં જોવાની શક્તિ હોવા છતાં પાટાનું આવરણ વસ્તુના બોધમાં બાધક બને છે. તેમ આત્મામાં અનંત જ્ઞાાનગુણ હોવા છતાં જ્ઞાાનવરણીય કર્મજ્ઞાાનમાં બાધક બને છે. જેમ જેમ આવરણ દૂર થાય છે, તેમ તેમ જ્ઞાાનગુણ પ્રગટ થાય છે.
૨) દર્શનાવરણીય કર્મ : આત્માના દર્શનગુણ ઉપર આવરણ કરે, દર્શનગુણને ઢાંકે તે દર્શાનવરણીય કર્મ છે. તે રાજાના દ્વારપાળ સમાન છે. જેમ દ્વારપાળ રાજાના દર્શનમાં બાધક બને છે. તેમ દર્શાનાવરણીય કર્મ પદાર્થના દર્શનમાં કે સામાન્યબોધમાં બાધક બને છે.
૩) વેદનીય કર્મ : ઇન્દ્રિયજન્ય કે મનોજન્ય ભૌતિક સુખ-દુ:ખનું વેદન કરાવે તે વેદનીય કર્મ છે. તે મધુલિપ્ત તલવારની ધાર સમાન છે. તેમાં મધને ચાટવા સમાન અનુકૂળતાની અનુભૂતિ કરાવનાર શાતાવેદનીય કર્મ છે અને મધ ચાટતાં તલવારની ધારથી જીભ કપાય તેની સમાન પ્રતિકૂળતાની અનુભૂતિ કરાવનાર અશાતાવેદનીય કર્મ છે.
૪) મોહનીય કર્મ : જીવને મૂઢ બનાવી હિતાહિતનો વિવેક ન થવા દે, તે મોહનીય કર્મ છે. તે મદિરાપાન સમાન છે. મદિરાના નશામાં વ્યક્તિ ભાન ભૂલી જાય છે. તેમ મોહનીય કર્મ જીવને હિતાહિતના વિવેકમાં ભાન ભુલાવે છે.
૫) આયુષ્ય કર્મ : જીવને નિશ્ચિત કાલ સુધી એક ભવમાં જકડી રાખે તે આયુષ્ય કર્મ છે. તે બેડી સમાન છે. જેમ બેડીમાં બંધાયેલો ગુનેગાર પોતાના દંડની સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં છૂટી શક્તો નથી, તેમ આયુષ્યકર્મથી બંધાયેલો જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ થયા પહેલાં છૂટી શક્તો નથી.
૬) નામ કર્મ : જીવને વિવિધ ગતિ, જાતિ, શરીર આદિપ્રાપ્ત કરાવે. 'આ નારકી છે.' આ દેવ છે', આ પ્રમાણે ચોક્કસ નામ ધારણ કરાવે, તે નામ કર્મ છે. તે ચિત્રકાર સમાન છે. ચિત્રકાર વિવિધ રંગોથી વિવિધ ચિત્રો તૈયાર કરે છે. તેમ નામકર્મના ઉદયથી જીવ વિવિધ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે.
૭) ગોત્ર કર્મ : જીવને ઊંચ કે નીચ ગોત્રમાં જન્મ ધારણ કરાવી ઉચ્ચતા કે નિમ્નતા પ્રાપ્ત કરાવે, તે ગોત્ર કર્મ છે. તે કુંભારના ચાકડા સમાન છે. જેમ કુંભાર એક જ ચાકડા પર અનેક પ્રકારના ઘટ બનાવે છે. કેટલાક ઘટ અક્ષત કંકુ વગેરે શ્રેષ્ઠ સામગ્રી ભરાઈને પૂજનીય બને છે અને કેટલાક ઘટ મદિરા વગેરે નિમ્ન સામગ્રી ભરાઈને નિંદનીય બને છે. તેમ ગોત્રકર્મ જીવને જાતિ, કુળ, બળ, આદિની ઉચ્ચતા કે નિમ્નતા પ્રાપ્ત કરાવીને જીવને પૂજનીય કે નિંદનીય બનાવે છે.
૮) અંતરાય કર્મ : જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ કે વીર્ય-પરાક્રમ ફોરવવામાં બાધક બને તે અંતરાય કર્મ છે. તે રાજાના ભંડારી સમાન છે. જેમ રાજા કોઈ યાચકને દાન દેવાની ઇચ્છા કરે, પરંતુ ભંડારી તેમાં વિઘ્ન કરે તો રાજાની ઇચ્છા સફળ થતી નથી તેમ અંતરાય કર્મ દાન આદિ પરિમાણોમાં વિઘ્ન કરે છે.
આ રીતે કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેના પેટાભેદ ૧૪૮ કે ૧૫૮ થાય છે.
શ્રી પ્રજ્ઞાાપનાસૂત્ર પદ ૨૩, કર્મગ્રંથ-૧
કર્મોની સ્થિતિ અને અબાધાકાળ : કર્મબંધ થયા પછી પોતાનું ફળ પ્રગટ કરીને ત્યાર પછી તે આત્માથી છૂટા પડી જાય છે. કર્મોની જીવ સાથે રહેવાની કાલમર્યાદાને સ્થિતિબંધ કહે છે. કર્મબંધ સમયે જીવના કષાયનાં પરિણામો પ્રમાણે સ્થિતિ નિશ્ચિત થાય છે. આઠે કર્મોની જઘન્ય- ઓછામાં ઓછી અને ઉત્કૃષ્ટ-વધુમાં વધુ, તેમ બે પ્રકારની સ્થિતિ હોય છે.
કર્મો બંધાયા પછી તુરત જ પોતાનું ફળ પ્રગટ કરતાં નથી. અમુક સમય માટે કર્મો જીવને બાધા પહોંચાડયા વિના જ રહે છે. જેટલો સમય કર્મો જીવને કોઈ પણ પ્રકારે બાધા-પીડા ન પહોંચાડે, તેવા કાળને અબાધાકાળ કહે છે. અબાધાકાળનો સંબંધ કર્મોની સ્થિતિ સાથે છે. જે કર્મોની જેટલી ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ હોય તેટલા હજાર વર્ષનો તેનો અબાધાકાળ હોય છે. અબાધાકાળ સિવાયની સ્થિતિને કર્મોનો ભોગકાળ કહે છે. ભોગકાળ અનુસાર જીવને કર્મનું ફળ ભોગવવું પડે છે.