Get The App

ઋષભાયન : શાશ્વત મૂલ્યોની પુન: પ્રતિષ્ઠાનો અવસર !

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઋષભાયન : શાશ્વત મૂલ્યોની પુન: પ્રતિષ્ઠાનો અવસર ! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

વિરાટ વૃક્ષની ભવ્યતા પર સદાય આપણી નજર નોંધાયેલી રહેતી હોય છે, પરંતુ એ વિશાળ વૃક્ષનાં આધારરૂપ ધરતીમાં ખૂંપેલા મૂળિયાં તરફ ભાગ્યે જ કોઈની નજર જતી હોય છે. સુંદર કોમળ પાંદડા ધરાવતા ગુલાબના સુંદર છોડ પર આપણી દૃષ્ટિ પડે અને ખીલેલાં, મહેકતાં ગુલાબનાં પુષ્પ જોઈને આપણું ચિત્ત બાગ બાગ થઈ જાય, પરંતુ એ ગુલાબનાં છોડના સર્જક મૂળને જોવાની ભાગ્યે જ કોઈ તકલીફ લેતું હોય છે. ગગનચુંબી ઇમારતની ભવ્યતા અને ઊંચાઈ નિરખીએ છીએ, પણ એના પાયામાં રહેલા પથ્થરોનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? જો એ મૂળ જ ન હોત તો આ વિરાટ વૃક્ષ ક્યાંથી સર્જાયું હોત ? જો પાયાનાં પથ્થરો જ ન હોત, તો ઇમારતની સજાવટભરી ભવ્ય દિવાલો ક્યાંથી શક્ય બની હોત ?

જ્યારે બીજી બાજુ પરિસ્થિતિ એવી છે કે આજે મૂળને બદલે સહુ પાંદડાને પાણી પાય છે. આવે સમયે ૧૯મીથી ૨૧મી ડિસેમ્બર, મુંબઈની બોરીવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-૪માં યોજાનારા ઋષભાયનનો કાર્યક્રમ એ વિરાટ વૃક્ષ નહીં, પણ મૂળનું સિંચન કરનારો ઉપક્રમ બની રહેશે. કદાચ કોઈને એમ લાગે કે આ પ્રાચીનતાની વાત છે. વીતી ગયેલા આરંભિક યુગની વાત છે, પરંતુ હકીકતમાં એ પ્રાચીન કે અર્વાચીન નથી, બલ્કે આપણા મૂળભૂત શાશ્વત મૂલ્યોની પુન:પ્રતિષ્ઠા બની રહેશે.

આદિમાનવને સર્વપ્રથમ સંસ્કૃતિ અને સભ્યતા દર્શાવનાર આદિ સંસ્થાપક એવા ભગવાન ઋષભદેવના સમયની સંસ્કૃતિ ઉજાગર થશે. સર્વપ્રથમ રાજ્યશાસનની વ્યવસ્થા બતાવનાર પ્રથમ નરેશ્વર રાજા ઋષભદેવની વાત થશે. સંસારનાં તમામ બંધનોનો ત્યાગ કરનાર પ્રથમ સાધુપુરુષ અને જગતના જીવમાત્રને સદાકાળ સુખપ્રાપ્તિનો ધર્મ બતાવનાર પ્રથમ ધર્મનાયક એવા ભગવાન ઋષભદેવના પ્રદાન વિશે પ્રસ્તુતિ થશે.

આજે જે સંસ્કૃતિનું વિરાટ વૃક્ષ જોઈએ છીએ, એના પાયાનાં મૂલ્યો ઋષભાયનમાં વિશેષ રૂપે પ્રગટ થશે. રાજા ઋષભદેવે જગતને ભોગભૂમિમાંથી કર્મભૂમિ અને કર્મભૂમિમાંથી યોગભૂમિ બનાવવાનો સંદેશ આપ્યો અને આજની આપણા દેશની અને સંસ્કૃતિની પરિસ્થિતિ તમે વિચારો. આજે આ દેશમાં થતી હિંસા, બળાત્કાર, દમન શોષણ એ સઘળાની પાછળ માણસનો અદમ્ય આવેગ, નિરંકુશ ઇચ્છા અને પ્રબળ આસક્તિ જોવા મળે છે. આવે સમયે 'ઋષભાયન' બે દ્વારા આજે ભોગભૂમિ સમાન બની રહેલ દેશને ધર્મભૂમિ સમાન બનાવાનો આધ્યાત્મિક સંદેશ પ્રાપ્ત થશે.

આજે ભારતીય જ્ઞાાનસંપદા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો મહિમા કરવામાં આવે છે. ભવ્ય સંસ્કૃતિ ધરાવતા આ દેશની પ્રાચીન ધરોહરને ઉજાગર કરવાનો પ્રયત્ન થાય છે. આવો જ એક આશય મુંબઈમાં યોજાયેલા ભારતીય સંસ્કૃતિનાં પુરોધા ઋષભાયનનાં ત્રણ દિવસનાં આંતરરાષ્ટ્રીય પરિષદ અને કલામંચમાં રાખવામાં આવ્યો છે. આપણા ભુલાયેલા સાંસ્કૃતિક મૂલ્યોના પુન:સ્મરણની જરૂર છે. રાજા ઋષભદેવે સ્થાપિત કરેલી રાજકીય અને સામાજિક વ્યવસ્થાનાં મૂળ તત્ત્વોને આત્મસાત્ કરવાની ઘડી આવી ચૂકી છે. એ પ્રાચીન કલાઓની કલાત્મકતા પામવાનો આ પ્રસંગ છે. એમણે આપેલા ભવ્ય વારસાની વાત તો આપણે આ અગાઉ આ જ કોલમ 'ઋષભાયન : મહાભિનિષ્ક્રમણોની મહાગાથા'માં જોઈ ગયા હતા અને એમના તેર-તેર મહાભિનિષ્ક્રમણ આપણે જોયા હતા.

એ મહાભિનિષ્ક્રમણોમાં પ્રગટતા અધ્યાત્મવારસાને આજે પુન: વર્તમાનયુગના માનવીનાં જીવનમાં સ્થાપિત કરવાની આવશ્યકતા છે અને આથી 'ઋષભાયન-૨' દ્વારા ભારતીય સભ્યતાનાં મૂળતત્ત્વો સાથે એની સામાજિક, રાજકીય, વ્યવહારિક અને આધ્યાત્મિક ભાવનાઓ સાથે પુન: અનુસંધાન સાધવાનો આ એક પ્રયત્ન છે. ભગવાન ઋષભદેવના સમગ્ર જીવનમાંથી ડગલેને પગલે મળતાં આદર્શોની ઓળખ પામીને આજના માનવીના જીવનને એની ભેટ ધરવી જરૂરી છે. એમાં માતૃત્વનું મહિમાગાન સાંભળવા મળે. માનવીના જીવનધારણ માટે નિર્ભયતા અને અભય પ્રાપ્ત કરી. આજે પણ દેશનો આધાર છે એવા કૃષિક્ષેત્રને માટે આ કૃષિદેવતાનું પુન:સ્મરણ થાય. રાજધર્મ એ પ્રજાધર્મ છે, સત્તાધર્મ નથી એની સમજ એમના રાજકાર્યમાંથી પ્રગટે. વિવાહનાં બંધનોમાં પાવનત્વ પ્રગટે, જગતને સઘળી સમૃદ્ધિ છતાં ત્યાગનાં મહિમાગાનનો ખ્યાલ આવે.

આજે જ્યારે માનવી ગળચટ્ટા કિંતુ સ્વાસ્થ્યને અતિ હાનિકારક ભોજનશૈલી વધુને વધુ અપનાવતો જાય છે, ત્યારે એને નિર્દોષ આહારનાં પાઠ શીખવા મળે. સ્વાસ્થ્યપૂર્ણ જીવનની આમાંથી કુંચી પ્રાપ્ત થાય. આ રીતે ભારતીય સભ્યતા અને એની સંસ્કૃતિ સાથે અનુસંધાન સાધી શકાય કે જેથી એ પ્રાચીન ગરિમાનો વ્યક્તિના વર્તમાન જીવનમાં અનુવાદ થઈ શકે. આ જૈન ધર્મ કે કોઈ એકાદ ધર્મની વાત નથી. પરંતુ ભગવાન ઋષભદેવ તો જૈન, શૈવ, યોગિક અને જનજાતિય પરંપરાઓ સહિત વિવિધ ધર્મોમાં પૂજનીય છે અને એ રીતે આયોજન દ્વારા ભારતની કલાક્ષેત્રની કુશળતા અને સાંસ્કૃતિક ગરિમા પ્રગટ થશે. સુશાસન કોને કહેવાય એની સમજ વિકસશે અને આધ્યાત્મિક ઊંડાણનો અનુભવ થશે.

આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં જ્ઞાાન-કૌશલ્યનો ઉત્સવ, કૌશલ્ય કલાઓનું પ્રદર્શન, સાંસ્કૃતિક સ્ટોલ તથા આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિ જેવા અનેક આયામો જોવા મળશે. લબ્ધિ વિક્રમ જન-સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં શિક્ષા, શોધ અને સંસ્કૃતિનો સંયુક્ત કલામંચ દૃષ્ટિગોચર થશે. જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડયું છે તે ઋષભરાજના જ્યેષ્ઠપુત્ર ભરતનું સ્મરણ થશે. આમાં ૧,૧૧૧ ગ્રંથોનું લોકાર્પણ થશે તો સાથોસાથ 'ઋષભાયન' ગ્રંથ-૨નું વિમોચન થશે. સંતો, ઇતિહાસકારો, વિચારકો, શિક્ષકો અને યુવાનો ભારતીય જ્ઞાાનપ્રણાલી અને સંસ્કૃતિ વિશે શૈક્ષણિક સંશોધનપત્રો રજૂ કરશે, તો યુવાનોને ધાર્મિક વિધિઓની પાછળ રહેલી ભાવનાઓ અને આદર્શોની ઓળખ આપવામાં આવશે.

આ જગતની આદિ સંસ્કૃતિને ઋષભ સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. રાજા ઋષભદેવ સંસ્કારિતાના સૂત્રધાર હતા. પ્રાણીઓ તરફ પારાવાર સ્નેહ ધરાવતા હતા, અગ્નિ દ્વારા એમણે ક્રાંતિકારી શોધ કરી, યજ્ઞાો દ્વારા કલાનાં શિલ્પી બન્યા, સુકર્મ દ્વારા કર્મમુક્તિનો માર્ગ આપ્યો, માણસમાં નીતિની ભાવના જાગૃત કરી, સમાજનીતિ અને રાજ્યનીતિ આપી, વિવાહ પરંપરાની સ્થાપના કરી અને સૌથી વધુ તો એ યુગમૂર્તિ કે યુગદૃષ્ટા જ નહીં બલ્કે યુગસ્ત્રષ્ટા બની રહ્યા.

ચાલો, જરા તમને એ સમયની વાત કરું. એ સમય કે જ્યારે અગોચર જંગલો, અગમ્ય જળરાશિ, વિરાટકાય પશુઓથી ભરેલી પૃથ્વી પર ક્યાંક છૂટું છવાયું માનવજીવન એના શ્વાસે ધબકતું હતું. કોઈ વગડામાં ઊગેલા ફૂલ જેવી એની દશા હતી. એ જન્મે, ખીલે અને ત્યાં જ કરમાઈ જાય.

ભયાનક જંગલો, વિશાળ મહાસાગરો, ઊંચા ઊંચા પર્વતો અને એમાં વસતી વિરાટ પ્રાણીસૃષ્ટિ વચ્ચે જીવતું માનવપ્રાણી વાઘની ગુફા પાસે, સર્પના રાફડા પાસે, કોઈ નદીના કિનારા પર તો કોઈ પર્વતની તળેટીમાં વસતું હતું. આ માનવપ્રાણી લાંબા નખ, તીક્ષ્ણ દાંત, ઘેરાયેલી આંખો, વિખરાયેળા વાળ, ભટકતું ભયભીત જીવન અને નગ્ન દેહ સાથે કોઈ અંધારી ગુફામાં જિંદગી બસર કરતું હતું.

આ પૃથ્વી પર એક જ ન્યાય પ્રગટતો હતો અને તે મત્સ્યગલાગલનો. મોટો જીવ નાના જીવને ખાય. જેમ મોટું માછલું નાનાં માછલાંને ખાય અને એ મોટા માછલાંને વળી પાછું એનાથી મોટું માછલું ગળી જાય.

દિવસો સુધી અંધકાર છવાઈ રહેતો અને કેટલાય દિવસો સુધી એ તાપ અને તડકાથી આ પ્રદેશ ધગધગી રહેતો. અંધકાર હોય કે પ્રકાશ હોય, પશુ, પ્રાણી કે માનવને એની સાથે કોઈ સબંધ નહોતો. ક્યાંક વાવાઝોડું આવશે અને વહાલો જીવ હણી  લેશે એ દહેશતથી એ જીવતો, ક્યાંક ઊંચા આકાશમાંથી પાણીનો ધોધ વરસશે અને પોતે તણાઈ જશે, અને વાનર, સાપ અને અજગરની જેમ માનવી જીવતો હતો. આળસ મરડીને ઊભો થતો. મોટા કદના પ્રાણીઓ- ઝાડના ઝાડ અને માનવના માનવને હજમ કરી જનારા રાક્ષસી દાંતવાળા પ્રાણીઓ, ભેખડો અને નદીના કિનારે ભટકતાં મગરમચ્છો, ઊંચા ધસમસતા પહાડ જેવા ભયાનક હાથી, સાક્ષાત્ મૃત્યુ સમા ક્રૂર અને લોહિયાળ વાઘથી લાંબા વાળવાળો ભયભીત માનવી નજીકમાંથી  જે કંઈ મળે તે ચાવીને જીવતો હતો.

એક આંખમાં કુદરતી આપત્તિનો ભય અને બીજી આંખમાં કઈ ક્ષણે મૃત્યુ આવશે એનો ભય. રાજા ઋષભદેવના આગમન પૂર્વેની આવી પરિસ્થિતિ વિશે હજી વધુ વિચારીશું જે જેથી આ પૃથ્વી પરનાં પૃથ્વીનાથ એવા એમના પરિવર્તનનો યોગ્ય રીતે પામી શકીએ.