જગતને રાજા ઋષભે સંસારત્યાગનો વિરલ આદર્શ આપ્યો !
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ધાર્મિક પ્રસંગોનું ભવ્યાતિભવ્ય આયોજન કરીએ છીએ, પણ આપણી ભવ્યાતિભવ્ય સંસ્કૃતિની ઘોર ઉપેક્ષા કરીએ છીએ. ભૂતકાળમાં જૈન ધર્મ એ જગતને આપેલા પ્રકાશની ઉપેક્ષા કરીને આપણે ઘણું ગુમાવ્યું છે. આ ધર્મની સંસ્કૃતિ આપણે જગતને આપી શક્યા નથી અને એથીયે વિશેષ તો આપણો સમાજ એના જ્ઞાન અને સમજને અભાવે ક્યાંક અંધકારમાં અથડાઈ રહ્યો છે. રાજા ઋષભદેવે કહ્યું, 'રાજમાંથી વિદાય લેવાનો મારો સમય આવી ચૂક્યો છે. હવે આ આકાશ માંરું આશ્રયસ્થાન બનશે, એની ગિરિકંદરાઓ મારી શેરી બનશે, એની ગુફાઓ મારું નિવાસસ્થાન બનશે. ભયાવહ જંગલો મારા વિહારનાં સ્થાનો બનશે, વાણી કરતાં મૌન હવે મને વધુ પ્રિય થશે, સ્વજન કે સ્નેહી બંનેનો હવે ત્યાગ કરીશ. જીવનમાં આવતા હર્ષ અને શોકને હવે વિદાય આપીશ. મારો જવાનો સમય થઈ ચૂક્યો છે. જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. મેં જે કંઈ રાજપદથી પ્રાપ્ત કર્યું છે, તે માનવસમાજ માટે પર્યાપ્ત છે, પરંતુ મારે જે પ્રાપ્ત કરવું છે, તેને માટે હવે હું સંપત્તિ કે સાધનનો ત્યાગ કરી રહ્યો છું.'
રાજા ઋષભદેવના ત્યાગની વાત સાંભળીને એમના માતા મરુદેવા દોડી આવ્યા અને કહ્યું, 'વત્સ ! આ શું વિચારે છે તું ? આજ સુધી જેની પ્રાપ્તિ માટે તેં અથાગ પુરુષાર્થ કર્યો, તેને છોડવાની વાત કરે છે ? અરે ! મારી આંખો પર અંધારાનાં પડદા ઘેરાય છે. જગતને પરિવારની ઓળખ આપી. કુટુંબનો સ્નેહ આપ્યો, માનવીને માણસાઈ આપી, એવી માનવતાની પ્રેરણા આપનાર તું માતાનાં પ્રેમને કેમ ભૂલી ગયો ?'
રાજા ઋષભદેવે કહ્યું, 'માતા ! ગગનનાં આંગણમાં મુક્ત પ્રયાસે જતા પંખીને હવે માળાનો મોહ અટકાવી શકે એમ નથી.' અને રાજા ઋષભદેવ માતા, પત્ની, પુત્રો અને પુત્રીઓની વિદાય લઈને મહાશોધ માટે ચાલી નીકળ્યા. માત્ર એટલું કે સંસારનાં સંબંધોને ઠોકર મારીને આ મહાભિનિષ્ક્રમણ કર્યું નહોતું, એ તો રાજા ઋષભદેવે પોતાના એક મહાસ્વપ્નને સાકાર કરવા, સંસારને એક વળી નવું શાસન આપવા અને જગતને નવો પ્રકાશ આપવા માટે મહાભિનિષ્ક્રમણ કર્યું હતું.
રાજા ઋષભે જગતને દુ:ખમુક્ત કરવા માટે કરેલા સાત મહાભિનિષ્ક્રમણોની વાત જાણ્યા પછી હવે આઠમા મહાભિનિષ્ક્રમણની વાત કરીએ. વર્ષો સુધી રાજપદ ધરાવનાર રાજા ઋષભદેવ સઘળાનો ત્યાગ કરીને સંસારમાંથી નીકળે છે, પણ એ ભુલવું ન જોઈએ કે એમણે પરિવારજનોને પોતાના મહાભિનિષ્ક્રમણની જાણ કરી છે અને પરિવારની સુવાસની સાથોસાથ બાહ્ય જગતમાંથી વિદાય લીધી છે.
ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે રાજા ઋષભ રોજ સવારે એક વર્ષ સુધી રોજ એક કરોડને આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દાનમાં આપતા હતા. આ રીતે એક વર્ષ કુલ ૩ અબજ ૮૮ કરોડ અને એંસી લાખ સુવર્ણમુદ્રાઓનું એમણે દાન આપ્યું. દાન આપીને જનજનમાં એમણે દાનની ભવ્ય ભાવના જગાડી. પૃથ્વીનાથના અયોધ્યા ત્યાગના સમાચાર બધેય પ્રસરી ગયા અને રાજા ઋષભે એકત્ર થયેલા માનવસમુદાય પર નજર નાખી.
ફાગણ વદ આઠમનો એ દિવસ સદાય સ્મરણીય રહેશે. જ્યારે રાજા ઋષભદેવે રાજ્યવૈભવને ત્યજીને અને પરમતત્વને પ્રાપ્ત કરવા માટે 'સવ્વં સાવજ્જં જોગં પચ્ચક્ખામિ' અર્થાત્ 'બધી જ પાપ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરું છું.' એ ભવ્ય ભાવના સાથે વિનિતા નગરીથી નીકળીને સિદ્ધાર્થ ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચોથા પ્રહરે છઠના તપથી યુક્ત એવા સર્વપ્રથમ પરિવ્રાજક બન્યા.
મસ્તક પરના વાળની માફક પાપનો જડમૂળથી પરિત્યાગ કર્યો હોય તેથી એમણે એમના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, 'આજથી મારે કઠોર આરાધના શરૂ કરવી છે. મારા દેહરૂપી ધનુષ્યની પણછ મારે એ રીતે ખેંચવું પડશે કે જેથી મારું તીર સરળતાથી મોક્ષલક્ષ્યને મેળવી શકે.'
આટલું બોલતાં પૃથ્વીનાથે પોતાની એક મુઠ્ઠીની દાઢી અને મૂછનાં વાળના ગુચ્છાને તોડી કાઢયો. બીજી મુષ્ટિ બિડાઈ ને મસ્તકના વાળનો એક ગુચ્છો ચૂંટાયો. આમ ચાર મુષ્ટિથી વાળનાં ગુચ્છા ખેંચ્યા એ સાથે અત્યાર સુધી ધૈર્ય ધારણ કરી રહેલા દેવી સુમંગલા અને માતા મરુદેવા દોડી આવ્યા. અડધે આવતાં મૂર્છા પામી ભૂમિ પર પડી ગયાં. મૂર્છાં વળતાં કરુણ સ્વરે આક્રંદ કરવા લાગ્યા.
પૃથ્વીનાથે પાંચમી સૃષ્ટિ પાછી ફેરવી. એમની આંખોમાં એની એ જ શાંત જ્યોત પ્રકાશિત હતી. સૌંદર્યના મહાન ભૂષણ સમી એક માત્ર કેશવલ્લરી પવનની સાથે ગેલ કરવા લાગી. રાજા ઋષભે સમગ્ર ભૂમંડલને એકસો વિભાગમાં વિભક્ત કરીને ભરતને વિનિતા તથા નવ્વાણુ પુત્રોને અન્ય ક્ષેત્રોની જવાબદારી સોંપી હતી. મહાભિનિષ્ક્રમણના આ ફાગણ વદ આઠમના દિવસે એક-બે નહીં, પણ કચ્છ-મહાકચ્છ જેવા ચાર હજાર રાજાઓ રાજા ઋષભ પાસે એકત્રિત થયા હતા.
આ વિરલ દ્રશ્ય જોવા માટે દૂર દૂરથી લોકો આવ્યા હતા. આ સાધના માર્ગ વિશે ચોતરફ વિસ્મય હતો. ચોસઠ ઇન્દ્રોની સાથે હજારો દેવો પણ આ ઉત્સવમાં સામેલ થયા હતા. રાજા ઋષભની દીક્ષાની સાથોસાથ ચાર હજાર વ્યક્તિઓ દિક્ષિત થઈ પરંતુ ઋષભની છદ્મસ્થ અવસ્થાના મૌનથી સહુ નિરાશ થયા હતા. સ્વયં ઋષભે દીક્ષા સમયે કહ્યું હતું કે હવે હું મૌન ધારણ કરું છું, મને શાંતિથી જવા દેજો. મારી પાછળ કોઈ આવશો નહીં. હકીકતમાં તીર્થંકર સ્વયં સંબુદ્ધ હોય છે. એ કોઈના ઉપદેશથી જાગતા નથી. તેઓ સ્વયં જાગૃત જ હોય છે.
ચાર હજાર દિક્ષિત વ્યક્તિઓ વિમાસણમાં પડી ગયા. અત્યાર સુધી આહાર અને શબ્દથી જીવતા. આહાર એ જ મુખ્ય પ્રયોજન અને વાણીએ જ મુખ્ય કાર્ય. ત્યારે આ કચ્છ-મહાકચ્છ જેવા ચાર હજાર સાધુઓએ વિચાર્યું કે જીવનભર આમ જ નિરાહાર અને મૌન રહેવું પડશે તો !
ને પ્રભુએ કદમ ઉપાડયા. દીક્ષા પૂરી થઈ ત્યારે ઇન્દ્રના આગ્રહથી ચોથું મન:પર્યવજ્ઞાન થયું. માતા મરુદેવા ને સુમંગલા મૂર્છા પામ્યાં. બીજાં ચોધાર આંસુએ રડવા લાગ્યા. વાતાવરણ કરુણાભારથી મર્મવેધક બન્યું. પણ પ્રભુ સ્વસ્થ હતા. મંદ પણ સ્થિર ડગે આગળ વધતાં હતા.
'દઈ દાન સંવત્સર લગી દારિદ્ર્ય જગનું સંહર્યું.
ને જગતગુરુએ વિશ્વનું સામ્રાજ્ય પળમાં પરહર્યું.
સંસારથી નિષ્ક્રમણ કરો પ્રથમ ભવ્ય પ્રસંગ તે.
ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.'
શ્રી ચિરંતનાચાર્યનું આદિનાથ વંદનાની પદ્મ અનુવાદ કરતાં મુનિરાજશ્રી ધુરંધરવિજયજી મહારાજ આમ દર્શાવે છે. જગતમાં માણસને માણસ બનાવે, જીવવાની કળા શીખવી, ભોગ ભૂમિને કર્મભૂમિ બનાવી અને કર્મભૂમિમાંથી ત્યાગભૂમિ બનાવી. કોઈ પર્વતની તળેટીથી માંડીને છેક શિખર સુધીનો મનુષ્યજાતિનો સમગ્ર માર્ગ ઉજાગર કરી આપ્યો. આદિમ અવસ્થામાં જીવતા માનવીને માનવ બનાવ્યો. માનવતા આપી અને પછી દિવ્યતાના શિખર ભણી લઈ ગયા.
જંગલી અવસ્થામાં જીવતા માનવીને જીવન જીવવાની જડીબુટ્ટી આપી. તો હવે અધ્યાત્મજગતમાં પ્રવેશીને જગતને જીવનનો અમૃતકુંભ આપવા નીકળ્યા હતા. રાજા ઋષભદેવનું નવમું મહાભિનિષ્ક્રમણ તે જગતને આપેલો ત્યાગનો એક વિશિષ્ટ આદર્શ. પૃથ્વીપતિ એવા રાજા ઋષભદેવ ખુલ્લા માથે, અડવાણે પગે, મસ્તક પર છત્ર કે ચામર સિવાય એકલા ચાલી નીકળે છે. કેવી રીતનો આ ત્યાગ, જેણે જગતને નવો માર્ગ સૂચવ્યો. એ વિશે વધુ હવે પછી જોઈશું.