Get The App

સિદ્ધ પરમાત્માને બદલે અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર શા માટે ?

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
સિદ્ધ પરમાત્માને બદલે અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર શા માટે ? 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- શ્રી નમસ્કાર મહામંત્ર રહસ્ય

- જિનશાસનનો સાર છે શ્રી નમસ્કાર મહામંત્રમાં. નમસ્કાર મહામંત્રમાં ગાગરમાં સાગર છુપાયેલો છે. એના પ્રત્યેક પદની ગહનતામાં જેમ જઈએ તેમ તેમ સમગ્ર જૈનદર્શનનો સાર પ્રગટ થાય છે.

સામાન્ય રીતે ઘણી વ્યક્તિઓને થતા જુદા જુદા પ્રશ્નનો વિચાર કરીએ. એ પ્રશ્ન એ છે કે જેમ એક આત્મા મોક્ષે જાય છે ત્યારે તેના મોક્ષની આદિ (આરંભ) થાય છે, તો પછી જે જીવ સૌથી પહેલો મોક્ષે ગયો હશે, ત્યારે મોક્ષની આદિ થઈ, તેમ કહેવાય કે નહીં ? અર્થાત્ મોક્ષ ક્યારેક તો ચાલુ થયો હશે ને?

આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે મોક્ષ અનાદિ છે. તેની આદિ નથી. જેમ એક વ્યક્તિ જન્મે છે, ત્યારે તેની આદિ છે. તેના જન્મદાતા પિતાની પણ આદિ છે અને તેના દાદાની પણ આદિ છે. તેના જન્મદાતા પિતાની પણ આદિ છે અને તેના દાદાની પણ આદિ છે. દાદાના પિતાની આદિ છે. પરંતુ તે પેઢીના પ્રથમ પિતાની આદિ નથી. કારણકે જેને પ્રથમ પિતા કહીએ તે પણ કોઈનાથી તો જન્મ પામેલા હશે જ, તેવી રીતે મોક્ષ પણ અનાદિ છે. જે અનાદિ હોય તેને અનાદિ રીતે જ સમજવું જોઈએ. આવા અનંત સિદ્ધ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું.

આમ જ્ઞાાનાવરણીય આદિ આઠ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો વિશુધ્ધ આત્મા એટલે સિદ્ધ. તેના ગુણો આ પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાાન (૨) અનંત દર્શન (૩) અનંત અવ્યાબાધ સુખ (૪) અનંત ચારિત્ર (૫) અક્ષય સ્થિતિ (૬) અરૂપીપણું (૭) અ-ગુરુલઘુત્વ અને (૮) અનંત વીર્ય.

પ્રથમ બે પદનો વિચાર કરતાં કેટલાક સવાલો મનમાં જાગે છે જેનો ઉત્તર મેળવવા જતાં જૈનદર્શનની વિશેષતા પ્રગટ થાય છે.

એક પ્રશ્ન મનમાં એ થયો હતો કે અરિહંત ભગવંતો ચાર કર્મવાળા અને શરીરધારી છે. બીજી બાજુ સિદ્ધ પરમાત્માઓ આઠે કર્મોથી સંપૂર્ણ મુક્ત અને અશરીરી છે. તો મનમાં સ્વાભાવિક રીતે એવો સવાલ જાગે છે કે નમસ્કાર મંત્રમાં અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર શા માટે કર્યા હશે ?

આનો ઉત્તર છે સિદ્ધ પરમાત્માઓને પણ સંસાર તરવાનો માર્ગ બતાવનાર ઉપદેશ આપનાર તો અરિહંત ભગવંતો જ છે, માટે મૂળ ઉપકારી હોવાથી અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર કર્યા છે. જેમ પહેલી ચોપડી ભણનાર બાળકને ભણાવનાર શિક્ષક-શિક્ષિકાનો અભ્યાસ માત્ર સાત ચોપડીનો જ હોય છે. પછી પહેલી ચોપડી ભણતો તે બાળક આગળ વધુ ભણીને કોલેજમાં ગયા બાદ ગ્રેજ્યુએટ બને છે, આમ છતાં સાત-આઠ ચોપડી ભણેલાં અને પોતાને ભણાવનારાં તે પ્રાથમિક શાળાનાં શિક્ષક-શિક્ષિકાને નમસ્કાર કરે છે, માન આપે છે. તેમ અરિહંત ભગવંતો ઉપકારી હોવાથી પ્રથમ વંદનીય છે.

આ અરિહંત અને સિદ્ધ થનારા પરમાત્માઓ આપણી જેમ પહેલાં તો સંસારમાં ભ્રમણ કરતા હતા, તેઓ પણ જન્મ, જરા અને મરણમાં બંધાયેલા જ હતા, અનેક ભવોમાં ભ્રમણ કરતા હતા, પરંતુ પોતાની ભવિતવ્યતા પાકવાથી તેવા પ્રકારનાં શુભનિમિત્તો મળવાથી અને સારો પુરુષાર્થ કરવાથી આત્માભિમુખ- ધર્માભિમુખ બન્યા અને સુંદર ધર્મઆરાધના કરી મનુષ્યભવ પામીને સર્વકર્મોનો ક્ષય કરી પછી મોક્ષે ગયા છે. આ પરમાત્માઓ જ્યારે કેવળજ્ઞાાન પામે છે, ત્યારે સંસારી જીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. આ પરમાત્માઓ સંસારનું સ્વરૂપ બતાવનારા છે, પરંતુ સંસારને બનાવનારા નથી. આ સંસાર અનાદિકાળથી સ્વયં છે જ, તેનો કોઈ કર્તા નથી. જે કાંઈ રૂપાંતરો થાય છે તે તેમાં ઉત્પન્ન થનારા જીવોએ કરેલાં છે.

આ ઉદાહરણથી આનો વિચાર કરીએ. તમે એક સુંદર વૃક્ષ ઉગેલું જુઓ છો. આ વૃક્ષ કઈ રીતે બન્યું, તેનો વિચાર કરીએ. આ વૃક્ષમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિકાય જીવોએ આવું સુંદર વૃક્ષાત્મક શરીર બનાવ્યું છે. વરસાદ પડયો તો તે અપકાયના જીવોએ પાણીમય શરીર બનાવ્યું છે. પ્રકાશ થયો તો તે અગ્નિકાય જીવોએ પોતાનું શરીર બનાવ્યું છે. એમ સર્વત્ર સંસારી જીવોએ પોતાનું સર્જેલું છે. આમાં કશું ઇશ્વરે સર્જેલું નથી. ઇશ્વર (પરમાત્મા) અશરીરી હોવાથી અને મોહરહિત હોવાથી અકર્તા છે.

વળી જો પરમાત્મા આ સંસાર સર્જનાર હોય, તો તે પરમાત્મા હોવાથી દયાળુ છે અને સ્વતંત્ર છે. આવા દયાળુ અને સ્વતંત્ર એવા કર્તા કોઈ જીવને અત્યંત સુખી અને કોઈ જીવને ખૂબ દુ:ખી બનાવે ખરા ? કોઈને રાજા અને કોઈને રંક કેમ બનાવે ? કોઈને રૂપવાન અને કોઈને વિકલાંગ શા માટે બનાવે ? માટે આ જગત ઇશ્વરકર્તૃક નથી.

અરિહંત અને સિદ્ધ આ બે પ્રકારના થયેલા અનંતા પરમાત્માઓને હું ભાવથી નમસ્કાર કરું છું. તેઓ ધર્મોપદેશ આપીને જ્યારે મોક્ષે જાય છે, ત્યારે તેઓની ગેરહાજરીમાં તેઓનો ધર્મોપદેશ ગુરુભગવંતો જગતના જીવોને પહોંચાડે છે, માટે તે અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી ત્રીજા, ચોથા અને પાચમા પદમાં બિરાજમાન ગુરુભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે.

અરિહંત ભગવંતો કેળવજ્ઞાાન પ્રાપ્ત કરીને પ્રથમ ધર્મદેશના (ધર્મઉપદેશ) આપે છે ત્યારે તેમની ભવ્ય વાણી સાંભળીને તે જ સભામાં અનેક આત્માઓ આ સંસાર છોડીને સાધુ-સાધ્વી બને છે. તેઓમાં સૌથી શ્રેષ્ઠ અને વધુ જ્ઞાાની આત્માઓ હોય છે, તેઓને ગણધર કહેવાય છે.

આવા ગણધરો ભગવાનની ધર્મદેશનાને શાસ્ત્રરૂપે સંકલિત કરે છે. જેમ ભૂમિ પર છૂટાં છૂટાં વેરાયેલાં પુષ્પોને વાણીને માળી સુંદર હાર રચે છે. તેમ ગણધર ભગવંતો ભગવાનની વાણીને શાસ્ત્રસ્વરૂપે રચે છે. આને દ્વાદશાંગી કહેવાય છે. તેમાં આચારાંગ વગેરે બાર અંગો હોય છે. માટે તેને દ્વાદશાંગી કહેવાય છે. તેમાંથી બારમું અંગ જેનું નામ દૃષ્ટિવાદસૂત્ર છે તે હાલ વિચ્છેદ ગયેલું છે. બાકીનાં ૧૧ અંગો મળે છે.

આ દ્વાદશાંગી તથા તેના ઉપર રચાયેલાં બીજાં વિવિધ શાસ્ત્રો જેઓ ભણે છે તેઓ આ સંસારના સંપૂર્ણ ત્યાગી અને વૈરાગી છે, તેમજ બીજાને ભણાવે છે. વળી શાસ્ત્રાનુસાર જે ધર્મદેશના આપે છે તેઓ ગુરુ કહેવાય. 'ગુરુ' શબ્દનો અર્થ એવો છે કે ગૃણાતિ હિતમ્ એટલે કે જે શિષ્યોને હિત સમજાવે તે ગુરુ.

આ ગુરુપદમાં આવનારા આત્માઓ પહેલાં પોતે બીજા ગુરુઓ પાસે ધર્મોપદેશ સાંભળીને સંસારનો રાગ ત્યજનારા બને છે, વૈરાગી બને છે. પછી સંજોગો સાનુકૂળ થતા ઘરસંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી સાધુ બને છે. પછી શાસ્ત્રોના અભ્યાસમાં લીન બનીને પોતાના આત્માને વધુ વૈરાગી-અધ્યાત્મી બનાવીને પોતાને સાચા સાધક બનાવે છે.           

(ક્રમશ:)