આત્માને સત્યનો રંગ ચડાવે તે સત્સંગ .
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ભારતીય તત્ત્વ-વિચારધારામાં પ્રત્યેક સંતોએ સત્સંગનો મહિમા કર્યો છે. પરંતુ શ્રીમદ્ રાજચંદ્રએ એ સત્સંગ-વિચારમાં નવીન દર્શન આપ્યું છે. આ વિચારધારામાં સૌપ્રથમ તો એમણે કુસંગ અને સત્સંગ વચ્ચેની ભેદરેખા દર્શાવી. આપણું મન જાતજાતના સંગ કરતું હોય છે. ક્યારેક એને રાગમાં આનંદ આવે છે. ક્યારેક એને ગાનમાં આનંદ આવે છે, તો ક્યારેક એ મન તાનમાં આનંદિત થતું હોય છે. ક્યારેક સ્વાદિષ્ટ ભોજન, વૈભવશાળી મકાન, અમર્યાદ સત્તા એના મનનો કબજો લે છે અને પછી મન એમાં રાચી-રાજી રહે છે. પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર સ્પષ્ટ કહે છે કે આવા સ્થૂળ આનંદો એ સત્સંગ નથી, બલ્કે કુસંગ છે. સત્સંગ માટે સાધકમાં મુમુક્ષા હોવી જોઇએ. ધર્મ વિશેની આતુરતા કે જિજ્ઞાાસા નહીં. બલ્કે મુમુક્ષા. આત્મસિદ્ધિ મેળવવાની તડપન હોય, દુન્યવી ભાવોમાં ડૂબેલી વ્યક્તિને સ્થૂળ સત્સંગો પ્રિય, મનભાવન અને આકર્ષક લાગશે. પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી, પણ કુસંગ છે. આવો કુસંગ જીવનને વિકૃતિ અને કષાયમાં ડુબાડી દે છે, કદાગ્રહમાં ફસાવી દે છે અને કુસંગી કર્મો માનવીને દુ:ખી દુ:ખી કરી દે છે. આ સત્સંગમાં મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયો અવરોધરૂપ બને છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ વર્તમાન સમયમાં જોવા મળતી તર્કછલના અને આડંબર જોયાં. એની પાછળનું અજ્ઞાાન અને દંભ પણ જોયાં અને તેથી જ એમણે સાધકને માટે સત્સંગને ઘણું મહત્ત્વ આપ્યું. આ સત્સંગ દ્વારા કોઇ સામાન્ય આનંદની પ્રાપ્તિ નહીં, બલ્કે આત્માનંદની પ્રાપ્તિની વાત કરી. એમની દૃષ્ટિએ સત્સંગ એટલે જીવનમાં અસંગતા અને આત્મામાં સત્યનિષ્ઠા.
સત્સંગના સંદર્ભમાં એમણે આત્મરોગ, આત્મહિત અને આત્મયોગની વાત કરી. આત્મરોગ એટલે સત્સંગનો અભાવ. આત્મહિત એટલે સત્સંગપ્રાપ્તિથી સધાતું આત્માનું હિત. આત્મયોગ એટલે સત્સંગથી પ્રાપ્ત થતી સિદ્ધિ. આમ સત્સંગ દ્વારા આત્મરોગમાંથી મુક્તિ મળે છે અને આત્મયોગ તરફ ગતિ થતાં મોક્ષનું પરમ માધ્યમ પ્રાપ્ત તાય છે.
મુમુક્ષુના એકાંતમાં જ આ અધ્યાત્મનું પુષ્પ ખીલે છે. શ્રીમદ્ રાજચંદ્ર સ્વયં કેવી રીતે જીવન વ્યતીત કરતા હતા તે જોવા જેવું છે. તેઓ નિવૃત્તક્ષેત્રમાં હોય ત્યારે પ્રથમ પહોરે વનમાં ધ્યાન, બીજા પ્રહરે સ્વાધ્યાય, ત્રીજા પ્રહરે આહાર વગેરે અને વળી ચોથા પ્રહરે વનમાં ધ્યાન કરતા હતા. રાત્રિના શેષ પ્રહરમાં સ્વાધ્યાય અને સતત ધૂન ચાલતી. એ રીતે દિવસરાત અપ્રમત્તપણે ગાળતા હતા. આથી તેઓએ 'મોક્ષમાળા'ના ચોવીસમાં શિક્ષાપાઠમાં નોંધ્યું છે કે, ''તત્ત્વજ્ઞાાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે, સર્વ સંગપરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે.''
સત્સંગનો એક વિશિષ્ટ અર્થ શ્રીમદે આપ્યો છે. કેટલાક સત્સંગ એટલે જ્યાં સમૂહમાં ભજન અને ભક્તિ ચાલે તેને સત્સંગ કહે છે. કેટલાક કથાશ્રવણને સત્સંગ કહે છે. ક્યાંક સારા વિચાર ધરાવતી વ્યક્તિઓનાં આદાન-પ્રદાનને સત્સંગ કહેવામાં આવે છે, પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર આ પ્રચલિત ભાવનાને તદ્દન જુદા સ્વરૂપે દર્શાવીને એક આગવું દર્શન આપે છે. સત્સંગની નવીન વ્યાખ્યા આપતાં તેઓ કહે છે કે 'આત્માને સત્યનો રંગ ચઢાવે તે સત્સંગ'.
સત્સંગની પ્રાપ્તિ દુર્લભ છે. કેવો સત્સંગ મહાદુર્લભ ગણાય તે વિશે શ્રીમદ્ રાજચંદ્રે માર્મિક આલેખન કર્યું છે. તેઓ કહે છે. ''જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં સ્તપુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે.''
શ્રીમદ્ રાજચંદ્રજી સત્સંગને 'આત્માનું પરમ હિતૈષી ઔષધ' કહે છે. એટલે કે આવા સત્સંગથી આત્માનું પરમ હિત સધાય છે. આ હિત કઈ રીતે સધાય ? સત્ સમાગમથી, નિરંતર સત્સંગથી સાચી મુમુક્ષુતા પ્રાપ્ત કરતાં આત્માને મહાપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. આવો સત્સંગ પામવો એ જીવનમાં અતિ દુર્લભ છે. જો એ અતિ દુર્લભ જીવમાં મળી જાય તો જીવન તરી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર એક સ્થળે કહે છે, ''ક્ષણભરનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ છે, એ વાક્ય મહાત્મા શંકરાચાર્યનું છે અને તે યથાર્થ જ લાગે છે.''
'સત્' તત્ત્વ વિશેની તેઓની વિચારણા જોઇએ. મતાંધતા, મતભેદ અને મતાગ્રહના ત્યાગ પછી વ્યક્તિ સાધનાસોપાનનું પ્રથમ પગથિયું ચડે છે અને તેના ઊર્ધ્વ આરોહણ માટે એણે સૌપ્રથમ પોતાની અતિ સંકુચિત સાંપ્રદાયિકતાનો ત્યાગ કરવો પડે છે. સંપ્રદાયો સતત પોતાના મતને સાચો ઠેરવે છે. પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત દર્શાવે છે અને પોતાના મતાગ્રહને આંખ મીંચીને વળગી રહે છે.
શ્રીમદ્ રાજચંદ્રે સમાજમાં આવી જડ સાંપ્રદાયિક દીવાલો જોઇ હતી અને એ દીવાલો દૂર કરવા માટે એમણે ઉપદેશ આપ્યો. સંપ્રદાયવાદીઓ પોતાના અનુયાયીઓને એક નાનકડા કૂંડાળામાં બાંધી રાખવા કોશિશ કરે છે. પોતાના અનુયાયીઓના ચિત્તને વધુને વધુ સંકુચિત બનાવે છે અને પછી પોતાના સંપ્રદાય સૌથી મહાન અને અન્ય સંપ્રદાય તુચ્છ કે હીન એવા ખ્યાલો ફેલાવે છે. વળી આવી સાંપ્રદાયિકતાને કારણે સાધક સત્ સુધી પહોંચી શકતો નથી. એ મતાંધતા કે મતાગ્રહમાં જકડાઈ જાય છે. આ પકડને કારણે સાધક સત્યથી વેગળો ચાલ્યો જાય છે. એ અજ્ઞાાનમાં રાચે છે અને રાગ-દ્વેષમાં ડૂબી જાય છે. આવી વ્યક્તિઓ સતત એવો બોધ આપે છે કે એમના માર્ગે ચાલવાથી જ વ્યક્તિનું કલ્યાણ થશે. બીજા માર્ગે અકલ્યાણ સાધશે તો નરકની યાતના આપશે.
આ સંદર્ભમાં જ શ્રીમદ્ રાજચંદ્રે દર્શાવ્યું કે વ્યક્તિએ સંપ્રદાયની પકડમાંથી મુક્ત થવું જોઇએ અને જો એ સંપ્રદાયની પકડમાંથી મુક્ત થાય તો જ એને સત્ તત્ત્વની પ્રાપ્તિ થઇ શકે.
સાધકનો હેતુ તો એ ધર્મમાં રહેલા 'સત્' તત્ત્વની ખોજનો હોવો જોઇએ, નિજપદની પ્રાપ્તિ કરાવવાનો હોવો જોઇએ. આવા નિજપદની પ્રાપ્તિ કરવા માટે કોઇ સંકુચિતતામાં ડૂબી જવાની જરૂર નથી. આથી જ શ્રીમદે કહ્યું છે, 'વાડામાં કલ્યાણ નથી, અજ્ઞાાનીના વાડા હોય. જેમ લોઢું પોતે તરે નહીં અને બીજાને તારે નહીં તેમ.'
અજ્ઞાાની વ્યક્તિઓ આવા વાડાઓમાં ખૂંપી જાય છે, જ્યારે જ્ઞાાની વ્યક્તિ સત્ તત્ત્વની ખોજ કરે છે. એક અર્થમાં કહીએ તો એ જુદા જુદા ઉપદેશોમાં રહેલા મૂળભૂત તત્ત્વને શોધે છે અને તેથી જ વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદનના ઉપદેશનું રહસ્ય શું છે, તે અંગે તેઓ કહે છે કે આ બધા લોકો આપણને એટલું જ કહે છે, 'અહો લોકો ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો.'
શ્રીમદ્ કયા ગ્રંથોનો પરિચય રાખવો તે દર્શાવતાં કહે છે, 'સત્પુરુષોનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખો, કબીર આદિ) જીવોનાં વચનો, અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથોનો પરિચય રાખવો અને એ સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો.'
આ રીતે તેઓ સર્વદર્શનોને સમાદર આપીને એમાંથી સાર કાઢવાનું કહે છે અને આ બધા જ દર્શનકારો એમના ઉદ્દેશથી સમાન હોય તેવું લાગે છે. આમ, શ્રીમદ્ રાજચંદ્રે એક દર્શન કે એક ધર્મ સત્ય, બાકીનાં અસત્ય એમ કહેવાને બદલે એ દર્શનોમાં નિહિત તત્ત્વોનો મહિમા કરે છે. એ તત્ત્વો આપણા જીવનમાં આવે એટલે ધર્મ આવે. દયા, સત્ય આદિનું પાલન થાય, નિજસ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ જાગે, મતાગ્રહોએ જન્માવેલી ગ્રંથિઓમાંથી મુક્તિ થાય, તો જ વ્યક્તિ ધર્મ પામી શકે.
શ્રીમદ્ રાજચંદ્રે દર્શાવ્યું કે અમુક ધર્મનું શાસ્ત્ર વાંચવું એનો અર્થ એ નથી કે તમે અમુક ધર્મના અનુયાયીઓ બનો. એનો અર્થ તો એ છે કે, એમાંનો ઉપદેશ ગ્રહણ કરો. જ્ઞાાની પુરુષની વાણીને એકાંત દૃષ્ટિએ ગ્રહણ કરીને એનો અહિતકારી અર્થ લેવો નહીં, કારણ કે એ જ્ઞાાની પુરુષની વાણી તો સર્વજીવને માટે હિતકારી હોય છે. આમ મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી. માત્ર આપણી દૃષ્ટિમાં ભેદ છે તેમ સમજવું જોઇએ. એમના તત્ત્વવિચારના ચારેક મુદ્દાનું સમાપન તેઓનાં વચનોથી જ કરીએ. તેઓ કહે છે:
'તું ગમે તે ધર્મમાં માનતો હોય, તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એ કે, જે રાહથી સંસારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.'