Get The App

ધ્યાનસાધના વિના નમસ્કાર મહામંત્ર સિદ્ધદાયી બનતો નથી

Updated: Feb 12th, 2020

GS TEAM

Google News
Google News
ધ્યાનસાધના વિના નમસ્કાર મહામંત્ર સિદ્ધદાયી બનતો નથી 1 - image

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે કર્મો અતિ ચીકણાં હોય અને દીર્ઘકાલથી સંચિત થયેલાં હોય, તે ધ્યાનરૂપી અગ્નિથી ક્ષણમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે. ધ્યાનની આ બલિહારી છે અને તેથી જ તીર્થકર ભગવંતો તથા મહામુનિઓ તેનો આશ્રય અવશ્ય લે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સાધનાકાળમાં એકાંત, મૌન અને ઉપવાસનો આશ્રય લઈ મોટા ભાગે ધ્યાનમાં જ રહેતા અને એ રીતે પોતાનાં કર્મો ખપાવતા. અન્ય રીતે કહીએ તો શ્રમણ ભગવાન મહાવીર જેમ દીર્ઘ તપસ્વી હતા. તેમ દીર્ઘધ્યાની પણ હતા અને તેથી જ તેઓ ટૂંકા સમયમાં ભારે કર્મોની નિર્જશ કરી શક્યા હતા

નમસ્કાર મહામંત્રની પ્રથમ મહત્તા એ છે કે એ સાધકના જીવન પર અત્યંત ઉપકાર કરનારો હોવાથી આ મહાઉપકારી મંત્ર દ્વારા એ સમ્યગ્જ્ઞાાન અને સદ્બોધની પ્રાપ્તિ કરી શકે છે. એ માનવીની ગતિ સુધારે છે. એને નરક અથવા તિર્યચ ગતિમાં જવા દેતો નથી. એવી જ રીતે નમસ્કાર મહામંત્ર પાસે મિથ્યાત્વનાશક શક્તિ હોય છે.

નમસ્કારમંત્રનો બીજો એક મોટો ઉપકાર તે એની મિથ્યાત્વનાશક શક્તિનો, જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે- ' જેમાં શ્રદ્ધા રૂપી દીવેટ છે, બહુમાન રૂપી તેલ છે અને જે મિથ્યારૂપી તિમિરને હરનાર છે, એવો આ નવકારરૂપી શ્રેષ્ઠ દીપક ધન્ય પુરુષોના મનરૂપી ભવનને વિશેષ શોભે છે.' તાત્પર્ય કે નમસ્કારમંત્ર મિથ્યાત્વનો નાશ કરનારો છે અને સમ્યકત્વની સ્પર્શના કરાવનારો છે. આત્મવિકાસની દ્રષ્ટિએ આ બે ક્રિયાઓ એટલી મહત્વની છે કે તેને અપૂર્વ કે અજોડ જ કહી શકાય.

ઉવસ્સગહંર સ્તોત્રમાં કહ્યું છે કે-' હે ભગવાન ! તમારું સમ્યક્ત્વ ચિંતામણિરત્ન તથા કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી છે કે જેને પ્રાપ્ત કરવાથી જીવો કંઈ પણ વિઘ્ન વિના અજરામર સ્થાને પહોંચી જાય છે.' અજરામર સ્થાનથી મોક્ષ, મુક્તિ કે સિદ્ધોના નિવાસસ્થાનરૂપ સિધ્ધશિલા સમજવી. જે વસ્તુ મહાશત્રુ સમાન મિથ્યાત્વનો નાશ કરે, અતુલ ગુણના નિધાન સમાન સમ્યકત્વરત્નની પ્રાપ્તિ કરાવે અને અજરામર સ્થાનમાં લઈ જાય, તેનો કેવો અને કેટલો ઉપકાર માનવો ? તાત્પર્ય કે નમસ્કારમંત્ર આપણા પર મહાન ઉપકાર કરનારો છે, તેથી તેના પ્રત્યે સદા આદર રાખવો અને તેનું ભક્તિભાવથી સ્મરણ કરવું, એ પરમ હિતાવહ છે.

આપણને મનુષ્યભવ મળ્યો, સંપત્તિ મળી, સુખનાં સાધનો મળ્યાં એ પૂર્વભવની સાધનાનો પ્રતાપ છે. પૂર્વભવની એ સાધનામાં નમસ્કારમંત્રની સાધના પણ કેટલાક પ્રમાણમાં થઈ હશે, કારણકે નરભવના સુખનું કારણ પણ નમસ્કારમંત્ર જ છે, એમ શાસ્ત્રકારોનું કથન છે. હવે એ સાધના આગળ વધારવી કે નહિ એ આપણે વિચારવાનું છે.

જો સાધના વિના સિદ્ધિ મળતી હોત તો સહુ કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી સિદ્ધ બની ગયા હોત અને અક્ષય, અવિચલ સુખ ભોગવતા હોત, પછી સંસારમાં નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ નામની ચાર ગતિ પણ ન રહેત અને ભવભ્રમણ જેવી કોઈ ક્રિયા પણ ન રહેત, પરંતુ આપણે જાણીએ છીએ કે આજે ચારે ગતિઓ વિદ્યમાન છે અને આપણું તેમજ બીજા અનંત જીવોનું ભવભ્રમણ ચાલુ છે. એટલે સાધના કરે તેને જ સિદ્ધિ મળે, એ કુદરતનો કાનૂન અટલપણે અમલમાં છે.

નમસ્કારમંત્ર શ્રેષ્ઠ છે, પવિત્ર છે, મહાન છે, અદ્ભુત છે, અલૌકિક છે, ત્રિકાલ મહિમાવંત છે, અચિંત્ય પ્રભાવશાલી છે, જિનશાસનનો સાર છે તથા અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવે છે, એવું પ્રતિપાદન કરવાનો મુખ્ય આશય તો એ જ છે કે જ્યારે આવો એક ઉત્તમ મંત્ર આપણને અનાયાસે પ્રાપ્ત થઈ ગયો છે, ત્યારે તેની સાધના- આરાધના ઉપાસના કરવી જોઈએ અને તેનાથી આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ.

સાધના વિના સિદ્ધિ નહીં

એક વસ્તુ અત્યંત લાભકારી છે, એમ જાણ્યા પછી તેનો આપણા જીવન સાથે કંઈ સંબંધ ન જોડીએ તો આપણા જેવા મૂર્ખ કોણ ? ડાહ્યા અથવા પંડિત તો તે જ ગણાય કે જે ક્રિયાશીલ છે. જાણેલું અમલમાં મૂકે છે. તે અંગે શાસ્ત્રકાર મહર્ષિઓનાં વચનો સાંભળવા જેવાં છે.

'મનુષ્યો વિવિધ શાસ્ત્રો ભણવા છતાં મૂર્ખ રહે છે, કારણકે તેઓ જાણેલું અમલમાં મૂકતા નથી. જે પુરુષ ક્રિયાવાન- ક્રિયાશીલ હોય, તેને જ વિદ્વાન કહેવાય. ઔષધનું સારી રીતે ચિંતન કરનાર રોગીને ઔષધના જ્ઞાન-માત્રથી આરોગ્યની પ્રાપ્તિ થતી નથી.' તાત્પર્ય કે તેને તેવું ઔષધ પ્રાપ્ત કરવું પડે છે તથા તેનું યથાવિધિ સેવન કરવું પડે છે, તો જ તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

માથું મોટું થાય અને હાથ-પગ દૂબળા પડે તો શરીર કઢંગુ બને છે, તેમ જ્ઞાન વધે અને ક્રિયામાં શિથિલતા આવે તો આત્માની સ્થિતિ કઢંગી થાય છે. એટલે કે તે પોતાનો વિકાસ સાધી શક્તો નથી અને પરિણામે ઉચ્ચ કોટિનો આનંદ કે ઉચ્ચ કોટિનું સુખ મેળવી શક્તો નથી. જ્ઞાન પુરુષોએ 'નાણકિરિયાહિં મોકખો' એવું સૂત્ર ઉચ્ચાર્યું, તેનો આશય એ છે કે મનુષ્યો જાણેલું અમલમાં મૂકે અને એ રીતે તેઓ ક્રિયાશીલ બનીને મોક્ષના અધિકારી થાય. જૈન ધર્મે માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી મોક્ષ માન્યો નથી, પરંતુ ઉભયના યોગથી મોક્ષ માનેલો છે, તેથી અભ્યુદયની ઇચ્છા રાખનાર સ્ત્રી-પુરુષોએ જ્ઞાનસંપાદન પછી ક્રિયાકુશલતા તરફ દ્રષ્ટિ દોડાવવી જોઈએ અને તેમાં જ્યારે સફળતા મળે ત્યારે જ સંતોષ માનવો જોઈએ.

ટૂંકમાં'સાધના વિના સિદ્ધિ નહિ' એ એક સિદ્ધ હકીકત છે. તેથી નમસ્કારમંત્રની સિદ્ધિ કરવા માટે તેની સાધના અવશ્ય કરવી જોઈએ.

સ્થાનનો પ્રભાવ

મંત્રસાધનામાં સ્થાન પણ એક મહત્વની વસ્તુ છે. જો સ્થાન અનુકૂળ હોય તો સાધનામાં સહાય મળે છે અને સિદ્ધિ સત્વર થાય છે, અન્યથા સાધનામાં વિક્ષેપ પડે છે અને સિદ્ધિ દૂર ઠેલાય છે. તેથી મંત્રસાધના ક્યાં કરવી ? તે બરાબર જાણી લેવું જોઈએ.

મંત્રવિશારદોના અભિપ્રાયથી જ્યાં તીર્થકર ભગવાનનાંચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ- એ પાંચ કલ્યાણકોમાંથી એક કે વધુ કલ્યાણકો થયા હોય અથવા જ્યાં તેમણે વધારે સ્થિરતા કરેલી હોય કે જ્યાં તેમના જીવનની કોઈ મોટી ઘટના બનેલી હોય, તે સ્થાન ખાસ પસંદ કરવા યોગ્ય છે, કારણકે ત્યાંના વાતાવરણ પર એ પરમ પુરુષોનો વિશિષ્ટ પ્રભાવ પડેલો હોય છે અને તેમની સ્મૃતિ મંત્રસાધના માટે પ્રેરણાનો અવિરત સ્ત્રોત બની રહે છે.

આજે તીર્થકરોની કલ્યાણક ભૂમિઓમાં મોટાભાગે મંદિર તથા ધર્મશાળા બંધાયેલા છે તથા ત્યાં પ્રાયઃ ભોજનશાળાની વ્યવસ્થા પણ છે, એટલે ત્યાં મંત્રસાધના માટે 45 થી 9૦ દિવસ કે આવશ્યક્તા અનુસાર થોડા વધારે દિવસો સુધી રહેવું હોય તો રહી શકાય છે. સાથે પોતાના ખાસ માણસો કે ઉધારસાધક હોય તો ભોજનાદિની સ્વતંત્ર વ્યવસ્થા પણ કરી શકાય છે.

જ્યાં કોઈ સિદ્ધ પુરુષે અમુક સમય સ્થિરતા કરીને મંત્રસિદ્ધિ કરેલી હોય, તે સ્થાન પણ પસંદ કરવા યોગ્ય છે, તથા તીર્થની ખ્યાતિ પામેલા સ્થાનો કે ત્યાંનું વાતાવરણ પવિત્ર અને પ્રેરણાત્મક હોય છે, તે પણ પસંદ કરવા યોગ્ય છે.

સઘળી મંત્રસાધના અધૂરી

મનન કરવાનો યોગ્ય હોય તે મંત્ર. એમાંય શ્રી નમસ્કાર મહામંત્રનું તો સતત મનન કરવું જોઈએ. મંત્ર સિદ્ધિ માટે સામાન્યપણે ત્રણ માર્ગ છે. એક તો મંત્રનું સ્મરણ, બીજો છે મંત્રનો જાપ અને ત્રીજો માર્ગ છે મંત્રનું ધ્યાન. આમાં મંત્રનું ધ્યાન વિશેષ મહત્વનું છે. એક અર્થમાં કહીએ તો નમસ્કાર મંત્રનું સ્મરણ કરીએ, તેનો જપ કરીએ પરંતુ એનું ધ્યાન ન કરીએ તો એ મંત્ર અધૂરો રહે છે અને એ અધૂરો રહેલો મંત્ર અપૂર્ણ સાધના ગણાય. જ્યારે સાધના જ અપૂર્ણ હોય ત્યારે સિદ્ધિની વાત કઈ રીતે થઈ શકે. આથી જ નવકારમંત્રના મનનો ઘણો મહિમા છે.

આ મનન બે પ્રકારે થઈ શકે. એક તો મૂલપાઠ અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચારશુદ્ધિપૂર્વક બોલ્યા કરવો અને બીજું તેનું ચિંતન કરવું. તેમાં અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચારશુદ્ધિપુર્વક પાઠ બોલ્યા કરવો, તે સ્મરણ કે જપ કહેવાય છે તેનું ચિંતન કરવું તે ધ્યાન કહેવાય છે. હવે પાઠ કરતાં પણ ચિંતનનું મહત્વ ઘણું વધારે છે, તેથી જાપ કરતાં ધ્યાનની ક્રિયા ઉત્તમ ગણાય છે અને તે સિદ્ધિને સમીપે લાવવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે, તેથી ધ્યાન વિના કોઈ પણ મંત્ર સાધના પૂર્ણતાને પામી શકે નહિ, એ દેખીતું છે.

મહર્ષિ પતંજલિએ મંત્રસિદ્ધિ માટે જપ કરવો અને તેની અર્થભાવના એટલે ચિંતન પણ કરવાનું કહ્યું છે. જૈન મહર્ષિઓ કે જૈન શાસ્ત્રોનો મત આથી ભિન્ન નથી, એટલું જ નહિ પણ તેમણે પરમપદની પ્રાપ્તિ માટે, પરમતત્વની પ્રાપ્તિ માટે, તેમજ ધ્યાનસિદ્ધ માટે નમસ્કાર મંત્રનું ધ્યાન ધરવાનો ખાસ ઉપદેશ આપેલો છે.

'પંચ નમુક્કાર ફલ' માં કહ્યું છે કે- જે કંઈ પરમતત્વ છે અને જે કોઈ પરમપદનું કારણ છે, તેમાં પણ પરમ યોગીઓ વડે આ નમસ્કાર મંત્ર જ ચિંતવાય છે, અર્થાત તેનું ધ્યાન ધરાય છે.'

શ્રી હેમચંદ્રાચાર્યે 'યોગશાસ્ત્ર' માં કહ્યું છે કે- 'ત્રણ જગતને પાવન કરનાર અને મહાપવિત્ર એવા પંચપરમેષ્ઠિ- નમસ્કાર- મંત્રને યોગીએ- યોગસાધકે વિશેષ પ્રકારે ચિંતવવો જોઈએ, અર્થાત્ તેનું ધ્યાન ધરવું જોઈએ.'

શ્રી સિદ્ધસેનસૂરિએ' નમસ્કાર- માહાત્મ્ય'માં કહ્યું છે કે- 'પુણ્યાનુબંધી પુણ્યને ધારણ કરનારો જે આત્મા વિધિપૂર્વક પંચપરમેષ્ઠિ- નમસ્કારમંત્રનું ધ્યાન કરે છે, તે તિર્યંચ અથવા નારક થતો નથી.'

તાત્પર્ય કે તે મૃત્યુ બાદ મનુષ્ય અથવા દેવગતિને પ્રાપ્ત કરે છે અને તેમાં પ્રાપ્ત થઈ શક્તાં સુખોનો ઉપભોગ કરે છે. આ પરથી સાધકોને નમસ્કાર મંત્રના ધ્યાનનું મહત્વ સમજાશે. જપનો સમાવેશ અભ્યંતર તપમાં થાય છે, તેમ ધ્યાનનો સમાવેશ પણ અભ્યંતર તપમાં જ થાય છે, વળી તેનો નિર્દેશ જપ પછી તરત જ કરવામાં આવે છે, તે જપની સાથે તેનું સહચારિત્વ સૂચવે છે. આ રહ્યાં તે અંગેના શાસ્ત્રકાર મહર્ષિના વચનો : 'પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય (જપ), ધ્યાન અને ઉત્સર્ગ, એ અભ્યંતર તપ છે.'

શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે કર્મો અતિ ચીકણાં હોય અને દીર્ઘકાલથી સંચિત થયેલાં હોય, તે ધ્યાનરૂપી અગ્નિથી ક્ષણમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે. ધ્યાનની આ બલિહારી છે અને તેથી જ તીર્થકર ભગવંતો તથા મહામુનિઓ તેનો આશ્રય અવશ્ય લે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સાધનાકાળમાં એકાંત, મૌન અને ઉપવાસનો આશ્રય લઈ મોટા ભાગે ધ્યાનમાં જ રહેતા અને એ રીતે પોતાનાં કર્મો ખપાવતા. અન્ય રીતે કહીએ તો શ્રમણ ભગવાન મહાવીર જેમ દીર્ઘ તપસ્વી હતા. તેમ દીર્ઘધ્યાની પણ હતા અને તેથી જ તેઓ ટૂંકા સમયમાં ભારે કર્મોની નિર્જશ કરી શક્યા હતા. ધર્મધ્યાનની ધારાએ ચડયા વિના આધ્યાત્મિક પ્રગતિ થતી નથી અને શુક્લ ધ્યાનના બીજા પાયે પહોંચ્યા વિના કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, આમ છતાં આજે ધ્યાનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે અને તેના પર જોઈએ તેવો ભાર અપાતો નથી. એ ઘણી જ અફસોસની વાત છે.


Tags :