મ હા સુદ પાંચમીના દિનથી વસંતનું આગમન થાય છે. ઋતુરાજ વસંતના પ્રેમાળ સ્પર્ષથી નિર્સગ ખીલી ઉઠે છે. છ ઋતુઓમાં વસંતને 'ઋુતુરાજ'ની ઉપમા આપવામાં આવી છે. વસંત પંચમીના શુભ દિને જ માનવ જીવનનાં મૂલ્યોની ખીલવણી કરતો અદ્ભૂત ગ્રંથ શિક્ષાપત્રીનો પ્રાદુર્ભાવ થયો હતો. તેથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંતપંચમીનું આગવો મહિમા છે.
શિક્ષાપત્રી એટલે 'શિક્ષા' એટલે હિતનો ઉપદેશ અને 'પત્રી' એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ. 'મનુષ્યોને પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપતી માર્ગદર્શિકા.'
- શિક્ષાપત્રી એટલે માનવીના જીવનમાં આવતી દરેક સમસ્યાનો ઉકેલ આપતો ગ્રંથ.
- શિક્ષાપત્રી એટલે અનેક શાસ્ત્રોનો સાર.
આ શિક્ષાપત્રીમાં કુલ ૨૧૨ શ્લોક છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દરેક શ્લોકમાં માનવે જીવનમાં ઉતારવા જેવા અણમોલ મૂલ્યોની વાત કરી છે. પરંતુ આપણે અત્રે અહીયાં શિક્ષાપત્રી ગ્રંથના ૧૩૯મા શ્લોકની જ વાત કરીશું. અરે- જગ્યાના અભાવે આખો એક શ્લોક પણ નહીં લઈ શકીએ. પરંતુ એક શ્લોકના માત્રને માત્ર એક યાદની જ વાત કરીશું.
અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (૧૩૯)
શિક્ષાપત્રીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા આ સંદેશને આપણે એક પ્રેરણાદાયી પ્રસંગથી સમજવા પ્રયત્ન કરીશું.
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક પ્રશાંતભાઈનો પરિવાર રહે. એમને ધંધો ખૂબ સારો હતો. તેથી બંગલો પણ સારો બનાવેલો. આ બંગલામાં આ ભાઈ તેમના પત્ની, તેમના પિતાશ્રી ચિમનભાઈ અને તેમનો પૌત્ર વિવેક રહેતા હતા.
વિવેકને પોતાના દાદાની સાથે સારું બનતું. દાદાની દરેક પ્રકારની સંભાળ તે રાખતો હતો. પરંતુ વિવેકની માતાને સસરાની હાજરી ખૂંચતી હતી. સ્વતંત્રા છીનવાઈ હોય તેવો અહેસાસ થયા કરતો હતો. તેથી તે પોતાના પતિને વારંવાર ફરીયાદો કર્યા કરતી હતી. અંતે તેણે જીદ પકડી એટલે પ્રશાંતભાઈ અને તે બંને વિવેકના દાદાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા.
વિવેક શાળાએ છૂટીને ઘરે આવ્યો. દાદાને જોયા નહિ. નોકર પાસેથી બધી વાત સાંભળીને તે આખો દિવસ ખૂબ રડયો.
બીજા દિવસે તે શાળાએ ન ગયો અને કલર અને પીંછી લઈને પોતાના ધોળા વાળને કાળા કરવા માટે બેસી ગયો. માતા પિતાએ આ પોતાના પુત્રને પૂછયું કે, આ શું કરે છે તું ? માણસો પોતાના ધોળા વાળને કાળા કરતા હોય છે, જ્યારે તું આ ઉલટું કામ કેમ કરે છે ?
ત્યારે વિવેકે કહ્યું કે,' આપણા એક દિવસ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે કથા ચાલતી હતી. તેમાં આવ્યું હતું કે, ઘરમાં એક વડીલ તો અવશ્ય જોઈએ. વડીલની પાસે અનુભવ હોય છે. એ અનુભવ આપણને તારે છે. તમો દાદાને ગઇ કાલે વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા. હવે આપણાં ઘર તો વડીલ વગરનું થઈ ગયું. તેથી હું મારા વાળ ધોળા કરી રહ્યો છું. આપણા ઘરમાં એક વડીલ તો જોઈશે ને ?'
વિવેકના આ શબ્દોએ તેના માતાપિતાની આંખો ખોલી દીધી. વિવેકની આ યુક્તિથી તેના દાદા ઘરે પાછા આવી ગયા. આ કુટુંબ પાછું આનંદમાં ગરકાવ થઈ ગયું.
ઇંટ, પથ્થર, આરસ, સીમેન્ટ, ગ્રેનાઈટથી મકાન બને છે. તેને ઘર બનાવવા માટે ઘરને મંદિર બનાવવા માટે વડીલની જરુર પડે છે. વડીલો આપણને હૂંફ આપે છે. વડીલો આપણને એમના અનુભવો આપે છે. વડીલોના અનુભવોથી આપણી ઘણી મુશ્કેલીઓના સમાધાન મળી જાય છે. આપણે ત્યાં કહેવત પણ છે ને કે, 'ઘરડાં ગાડાં વાળે.' વડીલો ઘરમાં હોય તો બાળકોના સંસ્કારોનું જતન થાય છે. આપણી સંસ્કૃતિ આપણો વારસો ટકી રહે છે.
આજના સમયમાં માતાપિતાની સેવા કરવાનું વિસરાતું જાય છે, વડીલોને વૃધ્ધાશ્રમમાં મૂકી આવવાના પ્રસંગો વધતા જાય છે, વૃધ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે, આ આપણી સંસ્કૃતિ નથી, આપણી સંસ્કૃતિનો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની સંસ્કૃતિ છે, આપણે સહુ વિચારીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ, એ આપણી સહુ કોઈની ફરજ છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી ૧૯૫ વર્ષ પૂર્વે આપેલી શિક્ષાપત્રીનો આ ૧૩૯મો શ્લોક આપણે જીવનમાં સૌ કોઈએ ઉતારવા જેવો છે. આ શિક્ષાપત્રીમાં આવા તો કુલ ૨૧૨ શ્લોકો છે.
આ શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહાસુદ પંચમીના રોજ ૧૮૮૨માં વરતાલમાં કરી છે. શિક્ષાપત્રી રૂપી આ અજોડ ગ્રંથ લખાઈને તૈયાર થયો ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જંયતીનું મહત્વ સુવર્ણાક્ષરે અંકિત થયું છે ને આજ દિન સુધી સંપ્રદાયના તમામે તમામ નાનાં-મોટાં હરિમંદિરો અને શિખરબંધ મંદિરોમાં વસંત પંચમીના દિવસે સૌ સંતો-ભક્તો શિક્ષાપત્રીના દિવસે તેની ષોડ્શોપચારથી પૂજન કરી સમગ્ર શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકનું પઠન પાઠન કરીને શિક્ષાપત્રીમાંથી માર્ગદર્શન મેળવી પોતાનું જીવન કેમ વધુ ને વધુ ઉત્પન્ન બને તેની પ્રેરણા મેળવે છે. આ પરંપરા અનુસાર શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં વસંતપંચમીએ તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ વાગ્યાથી શિક્ષાપત્રીનું પઠન કરવામાં આવશે. તો આપણે પણ આ શિક્ષાપત્રી વાંચીએ, વિચારીએ અને આપણી જીવન કેડીને કંડારીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


