ચાલો આપણે સહુ સંત તુલસીદાસજીની જેમ આનંદની અનુભૂતિ કરીએ.
ભયે પ્રગટ કૃપાલા. દીનદયાલા, કૌશલ્યા હિતકારી.
હરષિત મહતારી, મુનિમન હારી, અદ્ભુત રૂપ બિચારી.
બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ બેદ કહૈ,
મમ ઉરસો બાસી યહ ઉપહાસી સુનલ ધીર મતિ થિર ન રહે.
* શ્રી રામજી તો જીવને અપનાવવા તૈયાર છે પણ આ અભાગિયો જીવ તેમને મળવા ક્યાં આતુર છે ?
* બીજાઓને માન આપવાથી અને જીવનમાં સંયમ વધારવાથી જીવન મધુર બને છે.
* જ્ઞાાન-વિવેક રૂપી ધનુષ્યબાણ સતેજ રાખશો.... તો, રાક્ષસો વિઘ્ન કરી શકશે નહિ.
* લોકો રોજ રોજ રામાયણ વાંચે... સાંભળે, રોજ દેવદર્શન કરે છતાં, જીવનમાં જો સરળતા અને સંયમ ન આવે તો શા કામનું ?
* રામ નામ જપ કરવો, ધ્યાન ધરવું, કથા સાંભળવી-વાંચવી, ભજન ગાવા - એ બધું યજ્ઞાો છે.
* સર્વ પ્રકારે અનુકૂળતા હોવા છતાં જેનું મન કોઈ વિષય વાસનાઓમાં જતું નથી તો તે વૈરાગ્ય કહેવાય છે.
* તપશ્ચર્યા કર્યા વિના, જીવનમાં સુગંધ આવતી નથી.
* સુખ દુ:ખનું કારણ મનમાં (અંતરમાં) શોધે તે સંત.
* શ્રી રામજી આદર્શ બતાવે છે કે, હું ઇશ્વર છું, છતાં... શિવપૂજન કરું છું.
* ચિત્તમાં શ્રીરામ સદા રહેશે તો, ચિત્ત વિશુદ્ધ બનશે.
* મનુષ્યનું જીવન ભરત જેવું હોય તો શ્રીરામ મળે.
* પ્રભુ મિલનની તીવ્ર ઇચ્છા થશે ત્યારે સુખ મળશે.
* આજે પણ મોટો ભાઈ રામ બને અને નાનો ભાઈ ભરત બને તો આજે પણ જગત અયોધ્યા બની જાય.
* લોકો રામાયણ વાંચે છે પણ મિલ્કત માટે સગા ભાઈ ઉપર કોર્ટમાં દાવો કરે છે.
* ઘર બાધક થતું નથી પણ, ઘરની એક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રહેલી આસક્તિ જ બાધક થાય છે.
* શ્રી રામજી જેવાના જીવનમાં પણ દુ:ખના પ્રસંગો આવ્યા છે તો, આપણે તો શો હિસાબ ? તેથી દુ:ખથી ડરશો નહિ.
* રામ વગર આરામ કે આનંદ મળતો નથી.
* માનવ જ્યારે મર્યાદા ઓળંગે છે ત્યારે અશાંતિ આવે છે.
* રામજીની માફક વડીલોની આજ્ઞાાઓનું પાલન પ્રેમ, વિવેક, વિનયથી કરીએ તો રામજીની ઉત્તમ સેવા કરી ગણાય.
* રામાયણમાં દર્શાવેલ આદર્શ, જીવનમાં ઉતારવા પડે તો જ રામનવમી ઉજવી કહેવાય.
* મર્યાદાઓનું પાલન, માતાપિતાની સેવા, એકપત્નીવ્રત, ભાઈઓ ઉપર પ્રેમ, ધર્મનું પાલન, નમ્રતા અને સરળતા... આવું જીવન બને તો શ્રી રામજી રીઝે.
* રામાયણના સાત કાંડ મનુષ્યની ઉન્નતિનાં સાત પગથિયાં છે.
જય શ્રી રામ
- લાભુભાઈ ર. પંડયા


