Get The App

''જૈનધર્મના ગ્રંથની કેટલીક ગાથાઓનો ભાવાનુવાદ''

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
''જૈનધર્મના ગ્રંથની કેટલીક ગાથાઓનો ભાવાનુવાદ'' 1 - image

જૈનધર્મના સત્તાવારગ્રંથ ''સમણસુતં''ની બધી ગાથાઓનો ભાવાનુવાદ, જે ઉપાધ્યાય ભુવનચંદ્રજીએ કરેલો છે. જૈનધર્મના ચારેય ફિરકા, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંય અને દિગંબરના આચાર્યશ્રી તથા વિધ્વાનોએ ઘણી મહેનત, ચર્ચા, વિચાર-વિમર્શ કર્યાં પછી જૈન ધર્મનો સત્તાવાર ગ્રંથ ''સમણસુતં'' નવેમ્બર-૧૯૭૪માં બહાર પાડવામાં આવ્યો છે, તેમાં ૭૫૬ ગાથાઓ છે. આ ગાથાઓનો ગુજરાતીમાં ભાવાનુવાદ ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્જીએ કરેલો છે. આ ૭૫૬ ગાથાઓ પૈકી કેટલીક ગાથાઓનો ભાવાનુવાદ નીચે પ્રમાણે છે, જે રજૂ કરું છું.

ગાથા નંબર- (૫૭) જે-જે સમયે જીવમાં જેવાં જેવાં ભાવો જાગે છે, તે-તે સમયે જીવ તેવાં શુભ કે અશુભ કર્મો બાંધે છે.

(૫૯) કર્મ તેનાં કર્તાની પાછળ જ જાય છે.

(૯૮) સોનાના અને ચાંદીના હિમાલય જેવાં અસંખ્ય પર્વતો હોય તો પણ મનુષ્યને સંતોષ થશે નહીં, કેમ કે ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે.

(૧૧૮) જે રાત વીતી ગઈ છે તે પાછી આવવાની નથી, અધર્મ આચરનારાઓનો સમય વ્યર્થ વહી જાય છે.

(૧૨૩) આત્મા જ સુખ-દુખનો કર્તા છે અને તેને ભોક્તા છે. સન્માર્ગે ચાલનારો આત્મા પોત-પોતાનો મિત્ર છે, ઉન્માર્ગે ચાલનારો અત્મા પોત-પોતાનો શત્રુ છે.

(૧૩૪) થોડુંક કરજ, નાનો ઘા, નાનકડી આગ કે જરાક જેટલો કષાય - આ બધાંનો તમારે કદી વિશ્વાસ ન કરવો. એમને નાનામાંથી મોટું રૂપ લેતાં વાર લાગતી નથી.

(૧૩૫) ક્રોધ પ્રેમનો, અભિમાન વિનયનો, માયા મૈત્રી, અને લોભ સર્વનો નાશ કરે છે.

(૧૬૨) ભગવાન મહાવીરે વત્સ દેશના રાજા શતાનિકની બહેન જયંતિ ને કહ્યું હતું કે, ''ધર્મવાન આત્મા જાગતો સારો, અને અધર્મી આત્મા સૂતેલો સારો''

(૧૭૧) અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ આ પાંચ વસ્તુઓ એવી છે કે જે જ્ઞાાન પ્રાપ્તિમાં બાધક બને છે. (૧૭૨-૧૭૩) આ આઠ વસ્તુઓ એવી છે કે જેનાથી જ્ઞાાનાર્જનમાં સફળતા મળે છે. મજાક-મસ્તીથી દૂર રહેવુ, ઈન્દ્રીય મન ને કાબુમાં રાખવા, બીજાની ખાનગી વાતોમાં રસ ન લેવો, અસભ્ય ન બનવું, મોટાં અપરાધો ન આચરવા, સ્વાદલોલુપ ન થવું, ક્રોધી ન હોવું, સત્યના પ્રેમી રહેવું.

(૨૦૨) 'ખરાબ'ને ચાહો નહીં, તેનો સંસર્ગ પણ ન કરવો. 'ખરાબ' ના સંસર્ગ અને સ્નેહથી વિનાશ નિશ્ચિત છે.

(૨૫૨) જેનાથી તત્વબોધ થાય, જેનાથી મન વશ થાય, જેનાથી આભાશુધ્ધ થાય એને જ જિનશાસનમાં (જૈનધર્મમાં) જ્ઞાાન કહ્યું છે.

(૨૯૨) જે હિત, મિત અને અલ્પ આહાર કરે છે, તે વ્યક્તિને વૈદ્યોની જરૂર પડતી નથી, તે પોતે જ પોતાનો ચિકિત્સક છે.

(૨૯૫) જ્યાં સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યાં સુધી રોગો વધ્યાં નથી અને ઈન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નથી ત્યાં સુધીમાં ''ધર્મસાધના'' કરી લેવી જોઈએ.

(૩૩૫) મૃત્યુથી ભયભિત એવાં જીવોનું રક્ષણ કરવું એ સર્વ દાનોમાં શિરોમણી એવું 'અભય દાન' કહેવાય છે.

(૩૪૦) માથું મુંડાવવા માત્રથી શ્રવણ (સાધુ) થવાનું નથી. ઁ નો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી - જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભના વસ્ત્રો પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી.

(૩૫૩) મુનિમાં જો સમતા નથી, તો વનવાસ, ઉપવાસ, અધ્યયન, અને મૌન, એ બધાંથી શો લાભ ?

સંકલન - દિનેશ શાહ