- ખિસકોલીએ ખૂબ વિચાર કર્યો. પછી કામે વળગી. તે સમુદ્રમાં જતી, પલળતી, પછી કિનારાની સૂકી રેતી પર આળોટતી અને બની રહેલા રસ્તા પર આવી શરીર પર ચોંટેલી રેતી ખંખેરતી આમ વારંવાર અવિરત પણે તે સેવા કરતી રહી.
સીતાજીની ભાળ મળતાં લંકા વિજય માટે નલ નીલે સમુદ્ર પર સેતુ બનાવવાનું કામ શરૂ કર્યું ત્યારનો એક પ્રસંગ છે. વાનર અને રીંછના સમુહો આજુબાજુની ટેકરીઓ પરથી પથ્થરો અને વૃક્ષના ડાળખાંઓ સમુદ્રકિનારે લાવી રહ્યા હતા. એક ખિસકોલી આ બધું જોઈ રહી હતી. તેને પણ રામ કાર્યમાં સેવા કરવાની ભાવના જાગી. તેણે જોયું કે જે રસ્તો બનતો હતો તે ખાડાખૈયા વાળો હતો. એક સરખી સપાટીવાળો નહોતો. ખિસકોલીએ ખૂબ વિચાર કર્યો. પછી કામે વળગી. તે સમુદ્રમાં જતી, પલળતી, પછી કિનારાની સૂકી રેતી પર આળોટતી અને બની રહેલા રસ્તા પર આવી શરીર પર ચોંટેલી રેતી ખંખેરતી આમ વારંવાર અવિરત પણે તે સેવા કરતી રહી. જીવ જ્યારે જાગૃત થઈ, નિ:સ્વાર્થ ભાવે શ્રધ્ધા અને ભક્તિથી કોઈ શુભ કાર્ય કરે છે ત્યારે ભગવાન જરૂર તેની પર પ્રસન્ન થાય છે.
શ્રીરામ ખિસકોલીનો આ જુસ્સો દૂર બેઠા બેઠા જોઈ રહ્યા હતા. તેમણે શ્રી હનુમાનજીને એ ખિસકોલી પોતાની પાસે લાવવા ઈશારો કર્યો. શ્રી હનુમાનજીને હળવેથી ખિસકોલી હાથમાં લીધી, રેતી ખંખેરી અને શ્રીરામની હથેળી પર મૂકી દીધી. શ્રીરામે પૂછયું ''તુ સેતુ પર શું કરી રહી છે ? અહીં યુધ્ધના ધોરણે અવર-જવર થઈ રહી છે. તને બીક નથી લાગતી ? કોઈ વાનર કે રીંછનો પગ પડે, પથ્થર કે મોટી ડાળી તાર પર પડે તો કચડાઈ જવાય અને મૃત્યુ પણ થઈ શકે !'' ખિસકોલીના રૃંવાંટાં આનંદથી ઊભા થઈ ગયાં. તેણે કહ્યું. 'પ્રભુ તમારૃં કામ કરતાં કોઈના ચરણ નીચે ચગદાઈને મોત મળે એ તો મારૃં સૌભાગ્ય ગણાશે ! મેં જોયું, પથ્થરો અને ડાળખાંઓને લીધે રસ્તો સમથળ નહોતો બનતો. એવા રસ્તા પર આપના ચરણકમળ પડે તો આપને કેટલું કષ્ટ પહોંચે ! હું એ ખાબડખૂબડ વાળા રસ્તા પર રેતી નાખી રસ્તો સરખો કરી રહી છું. જેથી તમારા સેવકો આરામથી સામે પાર જઈ શકે.' શ્રીરામ તેની ભાવના જોઈ પ્રસન્ન થઈ ગયા. શ્રીરામે ડાબી હથેળી પર બેઠેલી ખિસકોલીની પીઠને જમણી આંગળીઓથી પ્રેમથી પંપાળી વહાલ કર્યું. કહેવાય છે કે ત્યારથી ખિસકોલીની પીઠ પર શ્રીરામની આંગળીઓના ચિન્હરૂપ સફેદ રેખાઓની પટ્ટી બની ગઈ જે આજે પણ દરેક ખિસકોલીની પીઠ પર જોવા મળે છે. કબીરજી કહે છે. 'ચીંટી કે પગ ઘૂંઘરૃં બાજે વો ભી સાહિબ સુનતાં હૈ' કીડીના પગમાં પહેરેલા ઝાંઝરની ઘૂઘરીનો અવાજ પણ ભગવાન સાંભળી લે છે. રામસેતુ બનતી વખતે નાનકડી ખિસકોલીના નજીવા સેવાકાર્યની પણ પ્રભુ શ્રીરામ નોંધ લે છે.
The happiest people on earth are those who are emotionally inrolred in what they are doing - આ ધરતી પર સૌથી વધારે સુખી એવા માણસો હોય છે, જે દરેક નાનામાં નાના કામમાં પણ પોતાની જાતને ભાવનાત્મક રૂપે મગ્ન કરી દે છે. જીવનમાં ઘણીવાર આપણે નાના લાગતાં કામોને અવગણીએ છીએ. એવું ધારી લઈએ છીએ કે એવાં કામ આપણાથી ના થાય. આબરૂ ઘટે. માન ઘટે. પ્રતિષ્ઠા ઓછી અંકાય. લોકો હલકી કક્ષાનું વ્યક્તિત્વ ધારી લે. જોકે નાનું લાગતું કોઈ કામ નજીવું (trifling - of no importance) નથી હોતું. ખરેખર તો શરૂઆતથી ચીવટપૂર્વક નાનું કામ કરનાર જ આગળ જતાં મોટા કામમાં પારંગત થઈ શકે છે. શ્રીકૃષ્ણનું જીવન ચરિત્ર વાંચનારને સમજાશે કે ધર્મરાજ યુધિષ્ઠિરે જ્યારે રાજસૂય યજ્ઞા કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ અતિથિઓના પગ પખાળ્યા હતા. (પખાળવું એટલે દરેકના પગ પાણીથી ધોઈને સાફ કરવા) જમણવાર પત્યા પછી એંઠી પતરાળી ઊઠાવી હતી. સંધિદૂત બનીને હસ્તિનાપુર ગયા ત્યારે સ્વાદિષ્ટ ભોજન છોડીને વિદુરજીને ત્યાં સાદી ભાજીનું ભોજન આરોગ્યું હતું. દુર્વાસાના અતિક્રોધથી ઘોડાની જગ્યાએ જાતે જોતરાઈને ચાબૂકનો માર સહન કરતાં રથ હંકાર્યો હતો.
નાનું કામ ક્ષુદ્ર નથી હોતું એ સફળ જીવન જીવવા માટેની રસ નિષ્પતિની પ્રક્રિયા તપાસવાની ક્ષણ હોય છે. એવું કામ હાથમાં લેતાં પહેલાં મનમાં ઊભા થતા અહમની આલોચના કરી તેનું કદ તપાસવાની તક હોય છે. જીવન મૂલ્યને સમજવામાં ડહોળાઈ ગયેલા વિવેકને શાંત પાડી સ્વનું પ્રતિબિંબ જોવાની ઘડી હોય છે.
મહાત્મા ગાંધી પરદેશ ગયા ત્યારે જાતે કપડાં ધોતા, રસોઈ કરતા, વાળ કાપતા આશ્રમમાં રેંટિયો ચલાવતા. રસોઈ ઘરની સામગ્રીનું ધ્યાન રાખતા પાળેલી બકરીની તબિયત સાચવતા. એકવાર ૧૯૦૧માં કોંગ્રેસ અધિવેશન માટે કલકત્તા ગયા હતા. ત્યાં મિ.ઘોષાલ સાહેબના શર્ટ કોટના બટન તેમનો સેવક લગાવી આપતો. એ સેવકની ગેરહાજરી વખતે ગાંધીજીએ સહેજ પણ ખચકાટ વગર બટન લગાવી આપ્યા હતા. ૧૯૪૭માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ શપથવિધિ માટે સંસદભવન તરફ જઈ રહ્યા હતા. સાથે માઉન્ટબેટન પણ બગીમાં બેઠા હતા. લોકો સૂત્રો પોકારી રહ્યા હતા. ભીડ ખૂબ જ હતી. પ્રિન્સેસ પાર્ક પહોંચીને બન્ને બગીમાંથી ઊતરી ગયા. તેમણે ભીડના ધક્કામાં પડી ગયેલી બે બહેનોને બેઠી કરી સંભાળી. ત્યાં માતા-પિતાથી છૂટા પડી ગયેલા ચાર બાળકોને બચાવી તેમના સગાંને સોંપ્યા. ત્યાર પછી સંસદભવનમાં જઈ શપથ લીધા. આવી નજીવી વાત ક્યારેક ઈતિહાસમાં નોંધાવી નથી પણ તેનું મૂલ્ય પીડિત વ્યક્તિના હ્ય્દય અંકાઈ જાય છે.
નાની ગલીકૂંચી કે સાંકડી પગદંડી પસાર કર્યા પછી જ હાઈવે પર પહોંચાય છે. સાવ નાના લાગતા બીજમાંથી જ મોટું વૃક્ષ આકાર ધારણ કરે છે. આંબાનું ઝાડ રાતોરાત તૈયાર નથી થતું ફળ આવતાં વાર લાગે છે. પણ એકવાર ડાળીઓ ફેલાઈ જાય પછી વરસોવરસ મીઠી કેરીઓ આવે છે. ઉત્તેજનાપૂર્વક મોટાં કામ કરવાથી કે છલાંગો લગાવવાથી મહાન વ્યક્તિત્વ પેદા નથી થતું. હેન્રી ફોર્ડ હોય કે ધીરૂભાઈ અંબાણી. ઠેઠ નીચેના પગથિયે થતી ઝીણી ઝીણી પ્રવૃત્તિઓનું ધ્યાન રાખતા હોય છે. આપણે થાકેલા કે કંટાળેલા હોઈએ ત્યારે ઘર, ઓફિસ કે ગાડીની ચાવીઓ, અગત્યના ડોક્યુમેન્ટસ કે કિંમતી જવેલરી આડેહાથે ગમે ત્યાં મૂકી દઈએ છીએ. પછી તેને શોધવામાં સમય અને મગજ બન્ને બગડે છે. જે નાની વસ્તુને માણસ અવગણે કે જતી કરે તે આગળ જતાં મોટી ભૂલ બની ડરાવે છે. માટે નાના કામને કદી નજીવું ના ગણાવું.
- સુરેન્દ્ર શાહ


