Get The App

જૈનધર્મનો પવિત્ર અને ધન્ય પ્રસંગ

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
જૈનધર્મનો પવિત્ર અને ધન્ય પ્રસંગ 1 - image


- આ દિવસે ચોવીસમા તિર્થંકર શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું,શ્રી મહાવીરે આ દિવસે 'ચતુર્વિધ સંઘે  (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા)ની સ્થાપના કરી

- વૈશાખ સુદ-10 (દસમ)

શ્રી મહાવીર અપાપા નગરીમાંથી જાંભિક ગામે આવ્યા. તે નગરની બહાર, ઋજવાલુકા નદીના ઉત્તર કિનારા ઉપર શ્યામક નામના ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં વૈયાક્ત નામના ચૈતાના (બગીચાના) ઇશાન ખૂણામાં આવેલ એક શાલવૃક્ષની નીચે મહાવીર ગોદોહાસને- ઢીંચણ ઉંચા અને માથુ નીચે એમ ઉભડ્ંક બેસી. કઠોર તડકામાં જ ધ્યાનસ્થ થયા. તે વખતે તેમને છ ટંકના નિર્જળા ઉપવાસ થયા હતાં. તે દિવસ વૈશાખ સુદ-૧૦ નો હતો, અને ચંદ્રનો ઉત્તર-ફાલ્ગુની નક્ષત્ર સાથે યોગ થયો હતો. અને તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન પણ તદ્દન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈ, તે નિત્યકંપ બની જાય છે. અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણો વિલય પામી સર્વજ્ઞાપણું- કેવળજ્ઞાન પ્રગટે છે. મહાવીર સાધક મટી અર્હંત, જિન કેવળ, સર્વજ્ઞા, તથા સર્વભાવ દર્શી થયા. ત્રિભુવનની પૂજાને યોગ્ય બનેલા છે. અર્હંતૂમાં નીચેના અઢાર દોષો પૂરેપૂરા નાશ પામ્યા હોય છે. અજ્ઞાન, ક્રોધ, ભય, માન, લોભ, માયા, રતિ, સરતિ, નિંદ્રા, શોક, અસત્ય, ચૌર્ય, મત્સર, ભય, હિંસા, પ્રેમાશક્તિ,  ક્રીડાશક્તિ અને હાસ્ય.

ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ તેમના દર્શન-પૂજનાર્થે આવેલાં દેવ-દેવીઓની અંતરિક્ષમાં ધમાલ મચી ગઈ. ભગવાને પણ તેમની ઉત્સુકતા દેખી ધર્મો પદેશ આપ્યો, પણ તેમાંથી કોઈના હૃદય ઉપર કશી ચોટ બેઠી નહીં. તિર્થકર જેવાં પુરુષે આપેલો ઉપદેશ, આમ નિરર્થક જ જાય. એ ભારે 'આશ્ચર્યજનક' બનાવ ગણાય. અને તેથી જૈનધર્મના સાહિત્યમાં દશ આશ્ચર્યોમાં એક આશ્ચર્ય તરીકે તેની ગણના કરવામાં આવી છે.

ભગવાન મહાવીર અપાપા નગરીમાં આવીને ઉતર્યા ત્યારે સોમિલ નામના બ્રાહ્મણે જ્ઞાનમાં- યજ્ઞાકર્મમાં કુશળ એવાં અગિયાર બ્રહ્મણોને નોતર્યા હતા. આ બધાં મહાવીરનું તેજ જોઈ, શાંત અને ગંભીર મુખમુદ્રા જોઈ સૌ અચંબિત થયા અને તેમનાં શિષ્યો થયાં, જે પ્રથમ અગિયાર શિષ્યો 'ગણધર' કહેવાયા.

આ સાથે જ ભગવાન મહાવીરે 'ચર્તુવિધ જૈનસંઘની સ્થાપના કરી, જેમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમાવેશ થાય છે. સાધુ સાધ્વી કઠિન પંચમહાવ્રતનું પાલન કરે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા બાર અણુવ્રતોનું પાલન કરે છે. ચઠુવિધ જૈનસંઘ જૈન ધર્મનું મુખ્ય ચાલકબળ છે. આજે જૈનધર્મના ચારેય ફિરકામાં 'ચતુર્વિધસંઘનું અત્યંત મહત્વ અને પ્રદાન છે. સાધુ- સાધ્વી જ્યાં તેમનો મુકામ હોય ત્યાં ધર્મોપદેશ આપે છે.

તેમની માલિકીનું કોઈ દેરાસર કે ઉપાશ્રય હોતો નથી. જ્યારે શ્રાવક-શ્રાવિકા સાધુ-સાધ્વીઓની સાર-સંભાળ રાખે છે. તેમની વ્યાજબી જરૂરિયાતો પૂરી પાડે છે. અને સુયોગ્ય રીતે વહીવટ કરે છે. જૈનધર્મમાં અત્યારે 'ભગવાન મહાવીરની પરંપરા' ચાલે છે. તે અગાઉ 'શ્રી પાર્શ્વનાથની પરંપરા હતી. અહિંસા એ જૈનધર્મનો મુખ્ય આદેશ છે. (આધાર- સન ૧૯૪૧મા પ્રસિધ્ધ થયેલ ગ્રંથ 'શ્રી મહાવીરકથા')

- સંકલન : દિનેશ શાહ

Tags :