Get The App

સમૃધ્ધ અને સાર્થક જીવન .

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
સમૃધ્ધ અને સાર્થક જીવન                                     . 1 - image


- સમૃધ્ધ થવું કાંઈ ગુનો નથી. મહેનતના બળે સુખ-સગવડો ભોગવવી જોઈએ પણ તમે સગવડોના ગુલામ બની જાવ એમાં સાર્થક્તા વિશે તો એને વિચાર પણ ક્યાંથી આવે?

મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેને જીવનને નજીકથી પારખવાની ગતાગમ પડે છે. મારી આ અણમોલ જિંદગીનો શો મતલબ છે એ જાણવા માટે માણસમાં કોઠાસૂઝ ઉપરાંત સત્સંગ, સ્વાધ્યાય, એકાંત, ચિંતન અને ભાવભક્તિ જોઈએ. પોતાના આત્માને અને પરમાત્માને જાણવાની અદમ્ય ઈચ્છા, એ જ વ્યક્તિ સમૃધ્ધ અને સાર્થક વિશે મનન કરી શકે.

બહુધા લોકો ભૌતિક્તાની ભરમારને જ સમૃધ્ધિ સાથે સાંકળી લેતા હોય છે. શું છે, કેટલું છે અને ક્યાં છે. આજે એના કેટલા આવે... એની કથા માંડતા મૂઢમતિઓ જીવનની સાચી સાર્થક્તાથી વંચિત રહી જતા હોય છે. હા, સમૃધ્ધ થવું કાંઈ ગુનો નથી. શ્રધ્ધા અને મહેનતના બળે સુખ-સગવડો ભોગવવી જ જોઈએ. પણ તમે સગવડોના ગુલામ બની જાવ કે પછી બાહ્ય સમૃધ્ધિ જીવનનો આંતરિક આનંદ જ છીનવી લે અને માનવ માત્ર મશીન બનીને જ રહી જાય એમાં સાર્થક્તા વિશે તો એને વિચાર પણ ક્યાંથી આવે ?

વધુને વધુ સમૃધ્ધ થવાની લ્હાયમાં સ્વાર્થ, મોહ, દંભ અને અહં માણસને ભરડામાં લેતા હોય છે. માણસાઈ પ્રગટ કરવાની ભાવનાથી માણસ દૂર થતો જાય છે. જે ખરેખર સેવાભાવી છે. જેની રગરગમાં બીજાને ઉપયોગી થવાની તમન્ના છે એવા પરમાર્થી વ્યક્તિની સમૃધ્ધિની કૂખે જ સાર્થક્તા જન્મતી હોય છે.

વિચારોની સમૃધ્ધિના સહારે પોતાની સમૃધ્ધિને સાર્થક કરવા માટે મનના અમીર બનવું પડતું હોય છે. એકલા માત્ર સમૃધ્ધ થવાથી સાચી શાંતિ કે આનંદ નથી સાંપડતો. સમૃધ્ધિથી માણસ માત્ર ઓળખાતો હોય છે, બાકી લોકપ્રિયતા તો તમે જિંદગીને કેટલી સાર્થક કરી છે એનાથી જ આવે. 

કોકને હસાવવામાં, કોકને બેઠો કરવામાં, કોકની પીઠ થાબડવામાં, કોઈકને ઉપયોગી થવામાં, કોકનું દિલ જીતવામાં અને પરમકૃપાળુ પરમાત્માને કૃતજ્ઞાતા વ્યક્ત કરવામાં જ જીવનની સાચી સાર્થક્તા છૂપાયેલી છે. તમે કરેલા સદ્કર્મોની સુવાસ અને તમારા વિચારોનો વૈભવ તમે નહીં હો તો પણ જીવંત રહેશે. સમૃધ્ધિની સાચી સાર્થક્તા આત્મસંતોષમાં જ છે. કશાય ગીલવા-શિકવા કે ફરિયાદ વગર જીવતરને માણવું એ જ સાર્થક્તા અને એ જ સમૃધ્ધિ. બેફામનો શેર છે.

બેફામ તો ય કેટલું થાકી જવું પડયું.

નહિં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

- દિલીપ રાવલ

Tags :