વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું, મા નર્મદાના સંતાન સમાન કરનાળી યુગોથી ધર્મ અને સંસ્કારની સુગંધથી સુવાસિત છે. હવે ભૂમિરક્ષક હનુમાનજીના ધામ તરીકે તેની સુવાસ વધવા જઈ રહી છે. કુબેર ધામમાં હવે હનુમાન ધામનો અને સાધુ-સંતો પરિક્રમાવાસીઓ અને વડીલોના સેવા ધામનો મંગળમય સમન્વય થવા જઈ રહ્યો છે. આ ભૂરખિયા- સત્ય વિજય હનુમાન ધામ ૧૨ વિઘા જમીનમાં રેવા સાધના સેવા આશ્રમના રૂપમાં ખૂબ નીકટ ભવિષ્યમાં સાકાર થઈ જશે. હાલમાં પણ આશ્રમની આ ભૂમિ પર ધર્મ સાધના અને ઇશ્વર આરાધનાની ગંગા અવિરત વહી જ રહી છે. કરનાળી જનારા યાત્રાળુઓએ મા રેવા આશ્રમના ધર્મ સેવા ધામમાં જઈને પરમની અનુભૂતિ કરવા જેવી છે.
આ સેવા તીર્થ નિર્માણ જે દાદાની શક્તિ અને ઉર્જાથી સાકાર થશે અને ચેતનવંતુ બનશે. અહીં લાઠીના ભૂરખિયા દાદા જેવી જ આબેહૂબ મારુતિ નંદન પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન છે. નર્મદા કાંઠે પરિક્રમા કરનારાઓની સેવા સાક્ષાત મા નર્મદાની સેવા ગણાય છે. ગરુડેશ્વરથી ગંગનાથ સુધી આ પરિક્રમાવ્રતીઓ માટે માફકસરની સુવિધાઓ ખૂબ જ જૂજ છે. આ ધામમાં પરિક્રમા તીર્થ યાત્રીઓ માટે ભોજન, નિવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. તેની સાથે ચાતુર્માસ નિવાસની સગવડ એમને આપવામાં આવશે. એ રીતે મા રેવાની સેવાનો દાતા ભક્તોનો સંકલ્પ છે.
- રજનીભાઈ પંડયા


