Get The App

શિવનો સંદેશ .

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
શિવનો સંદેશ                                         . 1 - image


આધ્યાત્મીક જીવનમાં આદર્શનું પાલન કરવું તે મહત્વની બાબત છે. પોતાની રુચિ, પ્રકૃતિ તથા સ્વભાવને અનુરૂપ જીવનમાં કોઇ પણ આદર્શને અપનાવવો જોઇએ. સનાતન ધર્મમાં જીવનને પૂર્ણ બનાવવા માટે અનેક આધ્યાત્મીક આદર્શો નક્કી કરવામાં આવ્યા છે.

આદર્શોની બાબતમાં ભગવાન શિવ સર્વોત્તમ અને અજોડ છે. સદ્ગૃહસ્થો માટે પ્રેરણાનો પુંજ છે. શિવને યોગના જનક માનવામાં આવે છે. તેઓ આદિગુરુ તથા આદિયોગી છે. જેમને કોઇ ગુરુ ન હોય તે ભગવાન શિવને પોતાના ગુરુ માની શકે છે એવું આપણાં શાસ્ત્રો કહે છે. ભગવાન શિવને હિમાચ્છાદિત ક્ષેત્રમાં ધ્યાનમગ્ન સ્વરૂપમાં બતાવવામાં આવે છે. તેમના શરીર ઉપર શોભતા શણગાર વિચિત્ર અને વિશિષ્ટ છે. તે ભક્તો તથા સાધકોના ધ્યાનને પોતાના તરફ આકર્ષે છે. આ બધી બાબતોની પાછળ ગૂઢ આધ્યાત્મિક રહસ્ય રહેલું છે.

શિવજીના માથા પર ચંદ્રમા બિરાજમાન છે તે આપણને ગમે તેવી વિપરીત કે વિકટ પરિસ્થિતિમાં મગજને શાંત રાખવાના સંદેશ આપતું શીતળતાનું પ્રતિક છે.

શિવ ગંગાજીને પોતાની જટામાં ધારણ કરે છે. ભગીરથના તપથી ગંગાજી ધરતી પર આવવા તૈયાર થયા ત્યારે તેના તીવ્ર વેગને ભગવાન શિવે પોતાની જટામાં ધારણ કર્યો હતો. આ બાબત ભગવાન શિવની સમર્થતા તથા લોકકલ્યાણ માટે ઉદારતાપૂર્વક સહયોગ આપવાનું પ્રતીક છે. જેનામાં પાત્રતા હોય એ જ જ્ઞાનરૂપી ગંગાને પોતાના મસ્તકમાં ધારણ કરી શકે છે. એ પાત્રતાના વિકાસ માટે ભગવાન શિવ હિમાલયમાં કૈલાસ પર્વત પર એકાંતમાં હંમેશા તપમાં લીન રહે છે. ભગવાન શિવના ભક્ત સાંસારિક આકર્ષણોથી દૂર રહીને આત્મીક પ્રગતિ માટે એકાંત સેવન કરી સાધના કરવાનો આ સંદેશ છે.

ભગવાન શિવના શરીર પર ભષ્મ લગાડેલી હોય છે, તે જીવનની ક્ષણભંગુરતા તથા નશ્વર સ્વરૂપનો બોધ કરાવે છે. પોતાના કૌટુમ્બિક તથા સામાજિક કર્તવ્યો નિભાવવાની સાથે આત્માનું કલ્યાણ કરવામાં મગ્ન રહેવાનો આ બોધ છે.

ભગવાન શિવ સ્મશાનમાં નિવાસ કરે છે. આ એ સંદેશ છે કે જીવનની નશ્વરતાને ધ્યાનમાં રાખીને જીવન જીવવામાં આવે તો માણસ કુકર્મોથી બચી શકશે.

ભોળાનાથને નીલકંઠ પણ કહેવામાં આવે છે. સમુદ્ર મંથન વખતે નીકળેલું કાલકૂટ વિષ શિવે પોતાના કંઠમાં ધારણ કરેલું. આથી તેમના કંઠનો રંગ નીલો-ભૂરો થઇ ગયેલો. આ બાબત લોકહિત માટે મહાન ત્યાગ અને આત્મબલીદાન કરવાનું પ્રતીક છે. સાથે સાથે વાણી પર સંયમ રાખવાની પણ પ્રેરણા આપે છે.

ભગવાન શિવના કપાળમાં ત્રીજું નેત્ર છે તે ખોલી તેમણે કામને ભષ્મ કરી નાખ્યો હતો. આ ત્રીજુનેત્ર દૂરદર્શિતા તથા વિવેકબુધ્ધિનું પ્રતીક છે તે ઉચિત કે અનુચિતનો ભેદ સમજાવે છે.

ભગવાન શિવના ગળામાં તથા ભૂજાઓ પર સાંપ વીંટળાયેલા હોય છે. સાપ અહંકાર તથા ક્રોધનું પ્રતીક છે. આવો ભયંકર જીવ પણ ભગવાન શિવના ગાળાનો શણગાર બની શકે છે.

ભગવાન શિવ વ્યાઘ્રચર્મના આસન પર બેઠેલા હોય છે. ભગવાન શિવના ભક્ત પણ પશુતાનો તથા હિંસકવૃત્તિઓને દબાણમાં રાખવી જોઇએ આ શિવનો સંદેશ છે.

ભગવાન શિવના હાથમાં ત્રિશૂળ તથા ડમરૂ રહે છે. ડમરૂ સંગીત, નૃત્ય તથા ઉલ્લાસનું પ્રતીક છે. મનુષ્યે સદ્ચિંતન અને સત્કર્મો કરવાની સાથે સાથે જીવનને સંગીતમય તથા ઉલ્લાસમય બનાવવાનો સંદેશ છે. ત્રિશૂળ ભગવાન શિવની સંહારક શક્તિનું પ્રતીક છે. એજ ત્રિશૂળથી તેમણે લોભ, મોહ તથા અહંકારરૂપી ત્રણ દૈત્યોનો વધ કર્યો હતો. શિવના ભક્તોએ પણ આ ત્રણેય દોષથી દૂર રહેવું જોઇએ. જીવનમાં કામૈષણા, લોભૈષણા તથા લોકૈષણા જ ત્રિપુરાસુર છે.

શિવનું વાહન નંદી સૌમ્યતા તથા કર્મઠતાનું શૌર્ય અને પરાક્રમનું તેમજ સાત્વીકતાનું પ્રતીક છે. શિવ ગૃહસ્થ છે. ગૃહસ્થમાં રહીને પણ માણસ આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. ભગવાન શિવની તેમની આ વિશેષતાને કારણે જ દેવોના દેવ મહાદેવ કહેવાયા છે. શિવજીનું એક પ્રચલીત સ્વરૂપ શિવલિંગ છે તે આપણને બોધ કરાવે છે કે સંસારનું સ્વરૂપ સાકાર હોવા છતા પણ તેનો આધાર નિરાકાર આત્મા છે. આવા દેવાધિદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ. શિવજી સમગ્ર જીવ તથા જગતનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે ઁ નમઃ શિવાય...અસ્તુ...

- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ

Tags :