For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શોર્ટ કટથી થતી અથડામણના અવાજોમાં માણસની લાગણી બહેરી થઈ ગઈ છે.

Updated: Jan 25th, 2023

Article Content Image

સુરેન્દ્ર શાહ

મહાભારતના ઉદ્યોગપર્વમાં એક કથા આવે છે. પ્રાચીન કાળમાં વિદુલા નામની એક તેજસ્વી અને બુધ્ધિશાળી ક્ષત્રિયાણી રહેતી હતી. એકવાર તેનો પુત્ર સંજ્ય શત્રુથી પરાજય થવાની બીકે મેદાન છોડી ઘેર પાછો આવ્યો. માતા-પિતા સંતાન પ્રત્યે કોમળ હોય જ છે, પણ (કાલે કાલે તુ સંપ્રાપ્તે મૃદુસ્તીક્ષણો પિ ભવેત - ૩-૨૮-૨૪) સમયે સમયે મૃદુની સાથે કઠોર પણ બનવું પડે. માતાએ તેને આકરાં વેણ કહ્યાં. ''પુત્ર, તુ જાણે છે કે કાયરોનું કદી સન્માન થતું નથી, કદી સત્કાર થતો નથી. લોકોના અનાદરનું પાત્ર થઈ, હીનતાપૂર્વક જીવવું એ જીવન નથી. યુધ્ધમાં હાર-જીત તો થાય પણ ઉત્તમ પુરૂષ કદી નાસીપાસ થતો નથી. તે જીવ ખોવાની બીક રાખ્યા વગર યુધ્ધ મેદાનમાં લડતો રહે છે.'' માતાએ પુત્રમાં ઉત્સાહ અને શૌર્યનો સંચાર કર્યો. તેને બેઠો કર્યો. સંજ્ય ફરી સેના લઈ મેદાનમાં ઉતર્યો અને શત્રુ સામે લડીને જીતીને પાછો ફર્યો.

જ્યારે ગુસ્સાને પડકારે એવી અધાર્મિક, અન્યાયી, કાયર વૃત્તિ નજર સામે ઉછરતી હોય ત્યારે ભયના માર્યા શાંત બેસીને જોયા કરવું એ તીવ્ર દુર્ગંધને નાકમાં જતી રોકવા શ્વાસ બંધ કરવા જેવું મરણતોલ કાર્ય છે. જો વિદુલાએ પુત્રને યોગ્ય સમયે યોગ્ય ગુસ્સો કરીને ક્ષત્રિય ધર્મનો સાચો માર્ગ ના ચીંધ્યો હોય તો તેની કાયરતાની માત્રા વધતી જાત. અને ભવિષ્યમાં એ બીકણ અને કાયર સાબિત થાત.

પણ દરેક માણસ ગુસ્સામાં કહેલી સાચી વાત સમજવા તૈયાર હોતો નથી. તે જિદ્દી હોય છે. જક્કી અને હઠીલો હોય છે. તેના મનમાં કોઈ વાત પકડાઈ જાય તો ગમે તેની સાચી સલાહથી પણ તેની હઠ છૂટતી નથી. ત્યારે તે માણસને દ્રષ્ટાંત આપી કુનેહપૂર્વક સમજાવવો પડે છે. ગુસ્સો તો ત્યારે પણ હોય છે પણ એ ગુસ્સા પર સમજદારીનું વરખ ચઢાવીને તેની સાથે વાત કરવી પડે છે. ત્યારે માંડ તેને સમજાય છે.

ગંગા કિનારે કનખલ પાસે થોડે થોડે અંતરે મહર્ષિ ભરદ્વાજ અને મહર્ષિ રૈભ્ય ઋષિના આશ્રમ આવેલા હતા. બન્ને ઋષિ એકબીજાના ગાઢ મિત્ર હતા. ભરદ્વાજ તપસ્વી હતા જ્યારે રૈભ્ય વેદ. પુરાણોના જ્ઞાાતા હતા. ઋષિ રૈભ્યના અવાસુર અને પરાવસુ નામના બે પુત્ર હતા. એ બન્ને પિતાની માફક શાસ્ત્રોનું અધ્યયન કરી વિદ્વાન થઈ ગયા હતા. ભરદ્વાજને શાસ્ત્રના અધ્યયન કરતાં ભક્તિ અને તપમાં વધારે રૂચિ હતી. તપસ્વી હોવાના કારણે તેમની ખ્યાતિ શાસ્ત્રજ્ઞા રૈભ્યની સરખામણી એ ઓછી હતી. ભરદ્વાજનો યવક્રીત નામે એક પુત્ર હતો. પિતાની માફક યવક્રીતને પણ જ્ઞાાન મેળવવામાં અરૂચિ હતી. તેને અંગત રીતે શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા પણ નોતી પણ... યવક્રીતને પોતાના પિતાની સમાજ દ્વારા થતી ઉપેક્ષા અને રૈભ્ય તથા તેમના બન્ને પુત્રોનું થતું સન્માન જોઈને ઈર્ષા થતી. મનોમન દુઃખ થતું. શાસ્ત્ર જ્ઞાની થવાની તેનામાં ધીરજ નોતી. એટલે તેણે સહેલો માર્ગ અપનાવ્યો. તપ દ્વારા વરદાન મેળવીને જ્ઞાની બનવા ઉગ્ર તપ આદર્યું. યવક્રીતનું ઉગ્ર તપ જોઈને દેવરાજ ઈન્દ્ર તેની પાસે આવ્યા. આવું કઠોર તપ કરવાનું કારણ પૂછયું. ત્યારે તેણે કહ્યું ''દેવ, ગુરૂના આશ્રમમાં રહી શાસ્ત્રજ્ઞાન મેળવી શકું એટલો સમય હવે મારી પાસે નથી. હું ઝડપથી તત્વજ્ઞાની બનવા માંગુ છું. મને એવું વરદાન આપો કે હું તરત શાસ્ત્ર-જ્ઞાની થઈ જઉં !!'' ત્યારે ઈન્દ્રએ કહ્યું - ''યવક્રીત ચિત્તને શાંત કર્યા વગર, એકાગ્ર થયા વગર કે બુધ્ધિને કસ્યા વગર કોઈપણ જ્ઞાાન મળતું નથી. આ તારૂં તપ મૂકી દે અને ગુરૂ પાસે જઈ જ્ઞાન મેળવ.''

ઈન્દ્ર તો સલાહ આપી વિદાય થયા. પણ યવક્રીત પલાંઠી વાળીને બેસી જ રહ્યો. સમય પસાર થવા લાગ્યો. ઈન્દ્ર ફરી આવ્યા. ગુસ્સે થયા. ''યવક્રીત. સાંભળ. આવી રીતે શરીરને કષ્ટ આપીને તપ કરવાનો કશો અર્થ નથી. તારી ઈચ્છા ખોટી છે, ઈરાદો ખોટો છે, માર્ગ ખોટો છે, તને તારા તપનું માંગ્યા પ્રમાણે ફળ કોઈ દેવતા નહિ આપી શકે. માટે અધ્યયન કર.'' ઈન્દ્રની આવી વાત સાંભળી યવક્રીત ઓર જિદ્દી થઈ ગયો. તેણે યજ્ઞાકુંડમાં શરીરના એક એક અંગને હોમવાનો નિર્ણય કર્યો. આવો હઠીલો નિર્ણય જાણી ઈન્દ્રએ તેને સબક શીખવાડવાનો નિશ્ચય કર્યો. ઈન્દ્ર એ એક રોગી વૃધ્ધનું રૂપ ધારણ કર્યું. યવક્રીત જ્યાં યજ્ઞા કરી રહ્યો હતો ત્યાં આવ્યા. તેની નજર પડે એમ કિનારા પરની રેતી ખોબે-ખોબો ભરીને ગંગાનદીમાં પધરાવવા લાગ્યા. યવક્રીતનું ધ્યાન ગયું. ''વિપ્રવર, આપ આ શું કરી રહ્યા છે ?'' ત્યારે વૃધ્ધે કહ્યું - ''તપસ્વી, હું ગંગા નદીમાં રેતી નાખીને એક પુલ બનાવી રહ્યો છું. જ્યારે નદી તોફાને ચઢે છે ત્યારે પેલે પાર જવામાં મને મુશ્કેલી પડે છે !'' યવક્રીતે હસતાં હસતાં કહ્યું - ''વિપ્રવર, તમે આ ગંગાજીના ધસમસતા મહાપ્રવાહ પર પુલ કેવી રીતે બાંધી શકો ? આ અસંભવ છે. જાવ પાછા. તમારાથી જે થઈ શકે એવું કોઈ કામ કરો.'' એટલે વૃધ્ધે યવક્રીતને કહ્યું - ''તપસ્વી. જો તમે ફક્ત તપ કરીને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આશા રાખતા હોવ તો હું કેમ આશા ના રાખી શકું ? જો તમે અસાધ્યને સાધ્ય કરી શકો તો હું કેમ ના કરી શકું ?'' યવક્રીત સમજી ગયો કે આ વૃધ્ધ દેવરાજ ઈન્દ્ર જ છે. તેણે પગે પડી ક્ષમા માગી. ''ભગવન, ખરેખર હું મારી હઠને કારણે સાચો માર્ગ ભૂલી ગયો હતો. તમારી વાત સાચી છે. સખત મહેનત, એકાગ્ર ચિત્ત અને અધ્યયન કર્યા વગર કદી જ્ઞાાન મળતું નથી. મને માફ કરો.''

હજારો વર્ષ પછી આજે પણ માણસના મનમાં શોર્ટ કટથી ડીગ્રી-પૈસા-પદ-કે પારકું ઝુંટવી લેવાની વૃત્તિ ડોકિયાં કરતી રહે છે. એનું કારણ એટલું જ છે કે શોર્ટ કટથી થતી અથડામણના અવાજોમાં માણસની લાગણી બહેરી થઈ ગઈ છે. જ્યારે માણસે ખોટા માર્ગે પહેલું પગલું ભર્યું ત્યારે તેના હિતેચ્છુએ તેને ટોક્યો નહિ. સદાચારની ઉજળી બાજુ કદી બતાવી નહિ. તેને યોગ્ય સમયે ઊંચા અવાજે સમજાયું નહિ કે પાપની નદી પાર કરવા શોર્ટકટ જેવા તણખલાનો તરાપો કામ નથી લાગતો. સંસ્કારોનું અંકુરણ સદાચારની ધરતી પર થાય છે.

હંસના બચ્ચાંઓ ઉડવા જેટલાં થાય એટલે એની માતા તેમના આરામ માટે તૈયાર કરેલી ઘાસ અને પીંછાની મુલાયમ પથારી અસ્તવ્યસ્ત કરી નાખે છે. પોતાનાથી દૂર કરવા તેમને માળાની બહાર ધકેલી મૂકે છે, આવું બને ત્યારે બાળહંસો સામે પડકાર ઊભો થાય છે. અને નીચે પટકાઈ ના જવાય એટલે ઉડવા માટે તરત પાંખો ફેલાવી દે છે અને આમ પોતાની રીતે ઉડવાનું શીખી જાય છે. સમયસરનો કોમળ ગુસ્સો એટલે એક બીજાના પ્રેમની કાળજીપૂર્વક કરાતી હૂંફાળી સુરક્ષા.

Gujarat