શ્રીમદ્ દેવી ભાગવતના ચતુર્થ સ્કંધનું દર્શન .
- માતાજીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે, 'હે દ્વારિકાધીશ! તમારા અવતારનું પ્રયોજન એ સિદ્ધ થશે. તમારા દ્વારા ધર્મની સ્થાપના થશે. ૧૨૫ વર્ષ આ ભૂતલ ઉપર નિવાસ કર્યાં પછી આપ ગોલોક ધામમાં પધારશો.'
શ્રીમદ્ દેવી ભાગવત એ ભૌતિક જગતનું સુખ અને મોક્ષ પ્રદાન કરવાવાળું પુરાણ છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં આદિ થી અંત સુધી જગદંબાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. શક્તિ નિર્ગુણ છે પણ ભક્તજનો માટે થઈને માતાજી સગુણ થયાં છે. માતા જગદંબાની ઉપાસના દેવોએ પણ કરી છે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ ભગવતીની ઉપાસના કરી છે. શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં રામકથા વર્ણવી જેમાં ભગવતીનો મહિમા વર્ણવ્યો. શ્રીમદ્ દેવી ભાગવતના ચતુર્થ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ દ્વારિકામાં જગદંબાની આરાધના કરી. શ્રીમદ્ દેવી ભાગવત - ચતુર્થ સ્કંધના પચ્ચીસ અધ્યાય છે. ભગવાન વેદવ્યાસજીએ જન્મેજયને કહ્યું કે, 'ભગવાન નર-નારાયણ દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ અને અર્જુન બનીને પ્રગટયાં છે.' ચતુર્થ સ્કંધના ચોવીસમાં અધ્યાયમાં કથા છે કે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા પધાર્યાં. ભગવાનના વિવાહ રુકમણિજી સાથે થયાં. સ્વયં કામદેવ પ્રદ્યુમ્ન બની પ્રગટયાં. જ્યારે પ્રદ્યુમ્નજીનું પ્રાગટય થયું ત્યારે 'સંબરાસુર' નામના દૈત્યએ પ્રદ્યુમ્નજીનું સુતિકાગૃહમાંથી અપહરણ કર્યું. તે સમયે દ્વારિકાના પ્રજાજનો શોકમગ્ન બન્યાં. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ માતા ભગવતીની આરાધના કરી.
ભગવાન શ્રીકૃષ્ણએ ભગવતીની સ્તુતિ કરતાં વર્ણવ્યું કે, 'આપની જ શક્તિથી બ્રહ્માજી શ્રૃષ્ટિનું સર્જન કરે છે. સમગ્ર જગતમાં આપ વ્યાપેલાં છો. વિદ્યા અને અવિદ્યા બન્ને આપનાં જ સ્વરૂપો છે. વિદ્યારૂપે આપ જ બધાને મુક્ત કરવાવાળા છો. અવિદ્યારૂપે આપ જ જીવને માયામાં બાંધવાવાળા છો. હે જગત જનની ! મારા ઉપર કૃપા કરો. પૂર્વ અવતારમાં હું નારાયણ હતો અને અર્જુન નર હતાં; અને તે સમયે મેં તમારી ખૂબ આરાધના કરી.' ભગવાનની સ્તુતિ સાંભળી જગદંબા ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ પ્રગટ થયાં. કહ્યું કે, 'હે દ્વારિકાધીશ! તમને તમારો પુત્ર જરૂર પ્રાપ્ત થશે પણ, અત્યારે નહિં. જ્યારે એની ઉંમર ૧૬ વર્ષની થશે ત્યારે 'સંબરાસુર'નો વધ કરી તે દ્વારિકામાં પાછો આવશે એમાં જરાય સંશય રાખશો નહિ.' આટલું કહી માતા જગદંબા અંતરધ્યાન થયાં. માતાજીની વાણી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની મહારાણી અને દ્વારિકાના પ્રજાજનોને સંભળાવી અને માતાજીના વરદાન પ્રમાણે ૧૬ વર્ષની ઉંમરમાં 'સંબરાસુર'નો વધ કરી પ્રદ્યુમ્નજી દ્વારિકામાં પાછા આવ્યા. તે સમયે પ્રદ્યુમ્નજીનું સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ જેવું જ હતું. આ પ્રસંગને ભક્ત કવિ વલ્લભે પણ આનંદના ગરબામાં વર્ણવ્યો છે - 'બાંધ્યો તન પ્રદ્યુમ્ન કોઈથી નહિં છુટે મા, સમરપુરી કનખલ ગયો કારાગૃહથી મા.'
શ્રીમદ્ દેવી ભાગવત ચતુર્થ સ્કંધના પચ્ચીસમાં અધ્યાયમાં એક કથા જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણના બીજા વિવાહ જાંબુવંતીજી સાથે થયાં. જાંબુવંતીજીને કોઈ સંતાન હતું નહિં. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ઉપમન્યુ ઋષિને ગુરૂ બનાવ્યા. ઉપમન્યુ ઋષિ પાસેથી એમણે મંત્ર દિક્ષા લીધી. ભગવાન શ્રીકૃષ્ણએ હિમાલયમાં ભગવાન સદાશિવનું આરાધન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણનું તપ જોઈ મહાદેવજી અને જગદંબા સ્વયં પ્રગટ થયાં. મહાદેવજીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે, 'મારો જ અંશ તમારે ત્યાં પુત્ર તરીકે અવતરિત થશે.'
માતાજીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે, 'હે દ્વારિકાધીશ ! તમારા અવતારનું પ્રયોજન એ સિદ્ધ થશે. તમારા દ્વારા ધર્મની સ્થાપના થશે. ૧૨૫ વર્ષ આ ભૂતલ ઉપર નિવાસ કર્યાં પછી આપ ગોલોક ધામમાં પધારશો.' મહાદેવજી અને માતાજી વરદાન આપી અંતરધ્યાન થયાં. સ્વયં મહાદેવજી જ જાંબુવંતીજીને ત્યાં પુત્ર બનીને અવતરિત થયાં. જેમનું નામ 'સાંભ' હતું. આમ, દેવી ભાગવતનો ચતુર્થ સ્કંધ સમજાવે છે કે, હરિ અને હર એકબીજાના ઉપાસક છે. એટલે જ મને એક પંક્તિ સ્મરણ થાય કે - 'હરિ હર એક સ્વરૂપ, અંતર નવ ધરશો ભોળા ભૂદરને ભજતાં ભવસાગર તરસો.' આપણા અવતારોએ પણ શિવ-શક્તિની ઉપાસના કરી છે. આ આખું જગત શિવ અને શક્તિ મય છે એવો અનુભવ કરી આપણે આપણા જીવનને કૃતાર્થ કરીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ...!
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી