શ્રીમદ્ ભાગવતજીના સપ્તમ સ્કંધનું દર્શન
- આમ તો મુખ્યત્વે શ્રીમદ્ ભાગવતજીના શ્રોતા પરિક્ષિત મહારાજ અને વક્તા શુકદેવજી મહારાજ છે. પણ ભાગવતજીના સપ્તમ સ્કંધમાં પરિક્ષિત મહારાજ અને શુકદેવજી મહારાજ સાથે બીજા પણ બે શ્રોતા-વક્તાઓ જોડાયા છે અને એ છે દેવર્ષિ નારદજી અને ધર્મરાજ યુધિષ્ઠિરજી.
શ્રીમદ્ ભાગવતજીનો સપ્તમ સ્કંધ એ ઉતી લીલા છે. શ્રીધર સ્વામિએ કારીકા દ્વારા સપ્તમ સ્કંધનો પરિચય આપ્યો છે. 'ઉતીપંચદશાધ્યાયે વર્ણ્યતે સપ્તમે ધુના, ઉતીશ્ચ વાસનાપ્રોક્તા તત્ત્ત કર્માનુસારિણી.' આ કુલ ૧૫ અધ્યાયનો સપ્તમ સ્કંધ છે. જેમાં મુખ્ય ત્રણ પ્રકાની વાસનાઓનું નિરૂપણ કર્યું છે. જેવી રીતે વસ્ત્રમાં દોરો ઓત-પ્રોત છે તેવી જ રીતે વાસના સાથે કર્મ જોડાયેલું છે.
ત્રણ પ્રકારની વાસનાઓનું નિરૂપણ સપ્ત સ્કંધમાં છે. સદ્વાસના, અસદ્વાસના અને મિશ્ર વાસના. પાંચ અધ્યાય સદ્વાસનાના છે. પાંચ અધ્યાય અસદ્વાસનાના છે અને પાંચ અધ્યાય મિશ્ર વાસનાના છે. જેમાં સદ્વાસના એ પ્રહલાદજીની છે, અસદ્વાસના એ હિરણ્ય કશ્યપુની છે અને મિશ્ર વાસના આપણા જેવાં સાધારણ મનુષ્યોની છે.
હવે આનો સરળ ભાવાર્થ સમજીએ તો દિવાસળી એક જ છે પણ એનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એ સમજવાનું છે. જેમ કે કોઈ ગૃહિણીના હાથમાં દિવાસળી હોય તો તે તેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરે. કોઈ ભક્તના હાથમાં હોય તો તે મંદિરમાં દિવો પ્રગટાવવાનું કામ કરે અને કોઈ તોફાની વ્યક્તિના હાથમાં દિવાસળી હોય તો તે તેનો ઉપયોગ આગ લગાવવામાં કરે. વસ્તુ એક પણ કોણ કેવો ઉપયોગ કરે છે એના પરથી ચરિતાર્થ થાય કે વ્યક્તિનું જીવન કેવું છે અને એ સાર શ્રીમદ્ ભાગવતજીના સપ્તમ સ્કંધમાં વર્ણવ્યો છે.
આમ તો મુખ્યત્વે શ્રીમદ્ ભાગવતજીના શ્રોતા પરિક્ષિત મહારાજ અને વક્તા શુકદેવજી મહારાજ છે. પણ ભાગવતજીના સપ્તમ સ્કંધમાં પરિક્ષિત મહારાજ અને શુકદેવજી મહારાજ સાથે બીજા પણ બે શ્રોતા-વક્તાઓ જોડાયા છે અને એ છે દેવર્ષિ નારદજી અને ધર્મરાજ યુધિષ્ઠિરજી. જેમાં ધર્મરાજ યુધિષ્ઠિર શ્રોતા છે અને નારદજી વક્તા છે. એમના સંવાદમાં પ્રહલાદ ચરિત્રની કથા વર્ણવવામાં આવી છે.
ભગવાન નારાયણે બાલભક્તની રક્ષા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો એ પ્રસંગનું વર્ણન છે. ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો વરાહ સ્વરૂપે અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો નરસિંહ સ્વરૂપે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ સંગ્રહવૃત્તિ લોભનું સ્વરૂપ છે અને એટલા જ માટે આ બન્ને દૈત્યોને મારવા માટે ભગવાને બે-બે અવતારો લીધા. અન્ય દૈત્યોને મારવા માટે એક-એક અવતાર લીધો. ઉદાહરણ તરીકે રાવણને મારવો હતો તો રામ અવતારમાં કાર્ય પૂર્ણ થઈ ગયું. કંસને મારવો હતો તો કૃષ્ણાવતારમાં તે કાર્ય પૂર્ણ થઈ ગયું. પણ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપુને મારવા માટે ભગવાને વરાહ અને નરસિંહ આ બે અવતારો ધારણ કર્યાં. એનો આધ્યાત્મિક અર્થ એવો છે કે લોભને મારવો ખૂબ જ કઠીન છે અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ સંગ્રહવૃત્તિ લોભ છે. સાચો વૈષ્ણવ એ છે કે જે લોભને જીતે. આવાજ ભાવથી નરસિંહ મહેતા પણ કહે છે કે, 'વણ લોભીને કપટ રહિત જે કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોત્તર તાર્યાં રે..'
સપ્તમ સ્કંધમાં પ્રહલાદજીએ હિરણ્યકશ્યપુને ભક્તિના નવ પ્રકાર વર્ણવ્યાં છે. જેમાં પ્રથમ શ્રવણ ભક્તિ, બીજી કિર્તન ભક્તિ, ત્રીજી સ્મરણ ભક્તિ, ચોથી પાદ સેવન ભક્તિ, પાંચમી અર્ચન ભક્તિ, છઠ્ઠી વંદન ભક્તિ, સાતમી દાસ્ય ભક્તિ, આઠમી સખ્ય ભક્તિ અને નવમી આત્મ નિવેદન ભક્તિ. આત્મ નિવેદન એટલે સમર્પણ અને સમર્પણ જો કોઈએ કર્યું હોય તો તે બલી રાજાએ કર્યું. બલી રાજાએ સર્વ સમર્પણ કર્યું અને સ્વ-સમર્પણ કર્યું. એ બલી મહારાજ પ્રહલાદના વંશમાં જ થયાં.
સપ્તમ સ્કંધમાં પ્રહલાદજીએ ભગવાન નરસિંહની સ્તુતિ કરી. એમાં એમણે વર્ણવ્યું કે, ઈશ્વરની પ્રાપ્તિ ધન દ્વારા નથી થતી, તપ દ્વારા નથી થતી પણ ભગવાનની પ્રાપ્તિ ભક્તિ દ્વારા જ થાય છે. ભગવાન ભક્તિ પ્રિય છે. પણ ભક્તિ કેવી હોવી જોઈએ !? એનું સ્વરૂપ ગંગાસતિએ પોતાના પદમાં વર્ણવ્યું કે, 'ભક્તિરે કરવી એને રાંક થઈને રહેવું પાનબાઈ, પછી મુકું અંતરનું અભિમાન..' અને આ જ ભાવ શ્રીમદ્ ભાગવતજીના સપ્તમ સ્કંધમાં છે. તો આવો ભાગવતજીનો આશ્રય કરતાં-કરતાં ભગવદ પરાયણ બનીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ...!
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી