- 'મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખનહારા રે. નહિં પૂજારી નહિં કોઈ સેવા નહિં મંદિરને તાળાં રે, નિલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે.'
શ્રીમદ્ ભગવદ ગીતાના સાતમાં અધ્યાયનું નામ જ્ઞાન-વિજ્ઞાન યોગ છે. ભગવાનનું જ્ઞાન અને ભગવાનનું વિજ્ઞાન જો વ્યક્તિ સમજી જાય તો વ્યક્તિ ખરા અર્થમાં જીવન જીવ્યો ગણાય. ભગવાનનું જ્ઞાન એટલે આ સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે એ ભગવાનનું જ્ઞાન છે. જેવી રીતે સોયના દોરામાં એક મણકો પરોવાયેલો હોય એવીજ રીતે આ સમગ્ર જગત ભગવાનમાં પરોવાયેલું છે. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન જ પાલન કરે છે અને ભગવાન જ સૃષ્ટિનો લય કરે છે. પણ ભગવાન જે કરે છે એ લીલા એટલા માટે છે કે ભગવાનને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં કે લયમાં ભગવાનને શોક નથી, માટે ભગવાન જે કરે છે એ લીલા છે. મનુષ્યને કામના હોય છે પણ ભગવાન નિરપેક્ષ ભાવથી બધું કરવાવાળા છે. એટલે આપણે કહીએ છીએ કે 'કૃષ્ણમ્ વંદે જગત્ ગુરુમ્..!'
ગીતાજીનાં આઠમાં અધ્યાયમાં ભગવાને કહ્યું કે, 'મૃત્યુ સમયે ખાલી ઓમ મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે તો એ જીવને મંગલ ગતિ પ્રાપ્ત થાય છે. માટે ગીતાજીના સાતમા અધ્યાયમાં ભગવાને કહ્યું કે, ઓમકાર એ મારું સ્વરૂપ છે.'
ભગવાન કહે છે કે, જળમાં રસ સ્વરૂપે હું છું. આપણે જે તીખો, ખાટો, ખારો, ગળ્યો, મોળો રસ ગ્રહણ કરીએ છીએ એ રસ પરમાત્માનું સ્વરૂપ છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, મન, બુદ્ધિ, અહંકાર આ પ્રકૃતિ એ જ ભગવાનનું વિજ્ઞાન છે. આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વીથી શરીરનું નિર્માણ થાય છે. શરીરની પંચ તન માત્રાઓ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એમાં આકાશનો ગુણ એ શબ્દ છે. વાયુનો ગુણ એ સ્પર્શ છે. અગ્નિનો ગુણ એ તેજ છે. જળનો ગુણ રસ છે અને પૃથ્વીનો ગુણ ગંધ છે. હવે પુણ્યશાળી ગંધ એટલે જે વ્યક્તિ મૃત્યુલોકમાં આવી સતકર્મ કરે એ સતકર્મની સુવાસ ચારે બાજુ પ્રસરાય એ સુવાસ એ ભગવાનનું સ્વરૂપ છે. ચંદ્ર, સુર્યમાં તેજ સ્વરૂપે ભગવાન બીરાજમાન છે. ભગવાનની સર્વ વ્યાપક્તા શ્રીમદ્ ભગવદ્ ગીતના સાતમાં અધ્યાયમાં દર્શાવી છે. બાલમંદિરમાં જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે એક કવિતાનું ગાન થતું હતું. એ કવિતા ગીતાજીના સાતમા અધ્યાય સાથે જોડાયેલી છે. એ પંક્તિઓને જોઈએ - 'મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખનહારા રે. નહિં પૂજારી નહિં કોઈ સેવા નહિં મંદિરને તાળાં રે, નિલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે.' તુલસીદાસજી મહારાજે પણ આ જગતને સિતારામ મય જાણી પ્રણામ કર્યાં અને વર્ણવ્યું - 'સિયારામમય સબ જગજાની કરહું પ્રણામ જોરી જુગપાની.'
ગીતાજીના સાતમા અધ્યાયનું નામ જ્ઞાન-વિજ્ઞાન યોગ છે. યોગ એટલે જોડાવું. જીવ કોઈપણ રીતે ભગવાન સાથે જોડાઈ શકે. જ્ઞાન સાથે જોડાય કે વિજ્ઞાન સાથે જોડાય પણ એકવાર જીવ જોડાય તો તેને પરમ્ તત્ત્વની અનુભુતિ થાય. એટલે જ હું હંમેશાં કહું છું કે, મેનેજમેન્ટથી મોક્ષ સુધીની યાત્રા એ શ્રીમદ્ ભગવદ્ ગીતા, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ શ્રીમદ્ ભગવદ્ ગીતા. અર્જુનના જીવનમાં શ્રીકૃષ્ણ હતાં એટલે એના દરેક પ્રશ્નોનું સમાધાન થયું. આપણા જીવનમાં પણ જો શ્રીકૃષ્ણ હોય તો પ્રશ્નો સમાપ્ત થઈ જાય. તો આવો ભગવાન શ્રીકૃષ્ણની સર્વવ્યાપકતાનો અનુભવ કરીએ એ જ અભ્યર્થના.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી


