- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
વિમાન-હેલિકોપ્ટર યા અન્ય કોઈ હવાઈયાનમાં બેસીને ઉત્તુંગ આસમાનને આંબી જવું હજી આસાન છે, પણ સજ્જનતાને આત્મસાત્ કરીને જીવનને જ આસમાન સમું ઉત્તુંગ બનાવી દેવું ખૂબ કઠિન છે. આ કઠિન વાત પણ આપણા માટે આસાન સાબિત થાય એથી આપણે ગત ત્રણ લેખથી ઉપક્રમ આરંભ્યો છે સ્વજનોના વિવિધ લક્ષણોની વિચારણાનો. આ ઉપક્રમમાં આજે આપણે સજ્જનના ચોથા લક્ષણની ઉપર ચિંતન કરીશું. ચોથું લક્ષણ દર્શાવતા ત્યાં સુંદૂરપ્રકરગ્રન્થમાં મસ્ત શબ્દો લખાયા છે કે 'પરાબાધાસુ ધત્તે શુચમ્.લ્લ મતલબ કે સજ્જન વ્યક્તિ અન્યોની પીડામાં શોકનો દુ:ખનો અનુભવ કરે.
આ રીતે અન્યોના દુ:ખમાં દુ:ખ અનુભવનાર વ્યક્તિ અન્ય બે ગુણોથી પણ સહજપણે વિભૂષિત બને છે : (૧) હૈયું કરુણાશીલ બને છે :- બીજાનું દુ:ખ જોઈને હૈયુ જ્યારે દ્રવી ઉઠે ત્યારે તેમાં કરુણાનો સંચાર અનાયાસે થાય છે. કરુણા આપણા આ ભવને જ નહિ, બલ્કે ભવોભવને સુખમય બનાવી દે એવો મહાન ગુણ છે. (૨) જીવન પરાર્થશીલ બને છે :- હ્ય્દયમાં અંકિત થઈ જાય તેવું વાક્ય હમણાં વાંચવામાં આવ્યું કે 'દરરોજ નિ:સ્વાર્થભાવે એક સારું કામ કરવું. ભલે જગત એની નોંધ લે કે ન લે. પણ જગતનો નાથ જરૂર એની નોંધ લે છે...' બીજાનું દુ:ખ જોઈને આદ્ર બની જનાર વ્યક્તિનાં અંત:કરણમાં પૂર્વોક્ત વાક્ય ચરિતાર્થ થાય તેવો પરમાર્થભાવ અવશ્ય પ્રગટે જ છે. આવી વ્યક્તિ શક્તિનો મહત્તમ સદુપયોગ કરીને પણ પરોપકારકાર્ય કરવા માટે તત્પર બને છે. યાદ આવે છે આના સંદર્ભમાં ભાયંદર-મહારાષ્ટ્રનો સત્યપ્રસંગ :
ત્યાંના એક ડોક્ટરની ક્લિનિક ઉપર એક દિવસ એક વૃદ્ધ વ્યક્તિ આવી. સાવ માયૂસ ચહેરો, માયકાંગલું શરીર-નિસ્તેજ આંખો. ડોક્ટરને લાગ્યું કે આ વૃદ્ધને રોગ સિવાયની જ કોઈ તકલીફ છે. તેમણે દિલાસો આપતા હોય તેમ વૃદ્ધના ખભે હાથ મૂકી કહ્યું : 'કાકા, જે તકલીફ હોય તે કહો. હું તમારું દુ:ખ દૂર કરીશ.લ્લ આટલું સાંભળતાં જ વૃદ્ધની આંખો વરસી પડી. એમણે કહ્યું :-
'ઘરે પુત્ર-પુત્રવધૂ છે પણ ઘણી વાર સરખું જમવાનું નથી આપતા. છેલ્લા ત્રણ દિવસથી પેટમાં એક પણ દાણો નથી ગયો.' સાંભળીને કરૂણાળુ ડોક્ટર પણ દુ:ખી થઈ ગયા. વૃદ્ધને ભોજન કરાવ્યું અને કહ્યું :- 'આજથી હું તમારો દીકરો. આજથી તમારા ત્રણેય ટાઈમના ભોજનની જવાબદારી મારી.' ઘરે આવી પત્નીને વાત કરી. પત્નીએ સહકાર આપતા ખુશીથી કહ્યું 'હજી આવા બીજા પાંચેક વૃદ્ધો હોય ત્યાં સુધી તો તમામની રસોઈ રોજ હું જ બનાવી દઈશ.' ધીરે ધીરે એકમાંથી બે, બેમાંથી પાંચ, પાંચમાંથી દશ વૃદ્ધો થયા અને આ રીતે ઈ.સ. ૨૦૦૭માં ચાલુ થયો એક ભવ્ય સેવાયજ્ઞા. લગભગ ઓગણીશ વર્ષથી નિરંતર ચાલતા આ સેવાકાર્યનો આજે અંદાજિત ચારસો વૃદ્ધજનો નિયમિત લાભ લે છે. ડોક્ટરનો અગિયાર માણસોનો સ્ટાફ, ત્રણ વાહનો તથા ત્રણ રસોડા સતત આ સેવાકાર્યમાં રોકાયેલા રહે છે. સહુને ઘરે ઘરે ભોજન પહોંચે છે. અનેક સિરિયલ તેમજ ફિલ્મોમાં પણ કાર્ય કરનાર એ ડોક્ટર ત્યાંની પોતાની તમામ કમાઈ તથા ક્લિનિકની દશ ટકા રકમ આ કાર્ય માટે વાપરે છે. તો હાલમાં કરોડોના ખર્ચે વૃદ્ધોના આવાસની વ્યવસ્થા માટે પણ તેઓ પ્રયત્નશીલ છે. એ સેવાપ્રેમી ડોક્ટરનું નામ છે ઉદય મોદી. આવો, આપણે આ સેવાયજ્ઞાને બિરદાવવા સાથે આ વાત યાદ રાખીએ :
'સિર્ફ અપના હી ખ્યાલ કરકે જીએ તો હમ ક્યા જીએ ?
જિંદાદિલી કા તકાજા હૈ કિ કુછ ઔરોં કે લિયે ભી જીએ....'


