Get The App

'આત્મતત્ત્વ' પામવા કહેતું પર્વ : પતંગોત્સવ

Updated: Jan 14th, 2021

GS TEAM

Google News
Google News
'આત્મતત્ત્વ' પામવા કહેતું પર્વ : પતંગોત્સવ 1 - image


સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પર્વોનું વિશિષ્ટ સ્થાન છે. અદ્યાત્મ અને માનવજીવનમાં આ પર્વો ઉત્સાહ, શ્રદ્ધા, જ્ઞાાન, સંસ્કાર સંવેદના અને ઉત્કર્ષના અમીકુંભ બનીને અમૃતપાન કરાવે છે. આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ । અમને ચારેબાજુથી સુવિચાર પ્રાપ્ત થાઓ એવી જ્ઞાાનપિપાસા પણ જગાડે છે.

જીવતા જીવનમાં નવા પ્રાણ પૂરે છે. જિંદગી માટે સદ્પ્રેરણા, સદ્કર્મરતિ. અને સન્માર્ગદર્શનનો ત્રિવેણી સંગમ બની જાય છે. પર્વો જાગૃતિપ્રેરક અને હૃદયસંસ્કાર છે. 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' બની રહે છે. વયં દેવાનાં સુમતૌ સ્યામઃ। અમે દેવોની શુભમતિને પામીએ એવી ઝંખનાને જાગૃત કરે છે.

'પતંગોત્સવ' લોકહૃદયમાં સ્ફૂર્તિ, ઉત્સાહ અને ચૈતન્યનના ત્રિવેણી સંગમ સમું છે. આ અનોખું પર્વ દેશ વિદેશમાં પણ સુખ્યાત છે.

આકાશમાં ઊડતા વિવિધ કનકવા - પતંગો, લોક હૃદયના આનંદના હોંકાર દેકારા, આબાલયુવા વૃધ્ધ સૌ કોઇનો ઉલ્લાસ થનગનાટ શેરીઓમાં ચૌરે ચૌટે પશુ-પંખી દરિદ્રનારાયણ માટે થતાં સત્કાર્યો... આ બધામાંથી ઉભો થતો સમગ્ર માહોલ, સંસ્કાર...સંસ્કૃતિ અને સદ્ભાવનાનો ત્રિવેણી સંગમ બની જાય છે.

આપણી ધર્મસંસ્કૃતિને ગૌરવાંકિત કરનાર પર્વો આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલાં છે. આનંદ, પ્રેમથી, સહજતા અને સરળતાથી... લોકહૃદયમાં ધર્મ, જ્ઞાાન અને સંસ્કાર પ્રગટાવે છે. ધર્મમર્મ સમજાવે છે. માનવજીવન ઉર્ધ્વગામી બની અધ્યાત્મનાં ઊંચા સોપાને ચઢે તે પણ 'પર્વો' પાછળનો હેતુ છે.

પર્વોને જોમ-જોસ-ઉલ્લાસથી માણતાં માણતાં તેની સાથે જોડાયેલ આધ્યાત્મિક મર્મને પણ સમજવો જોઇએ. 'પતંગોત્સવ' અધ્યાત્મના ઊંચામાં ઊંચા સોપાને ચઢાણ કરવાનો મર્મ સમજાવે છે ને પ્રેરે છે.

ઉર્ધ્વગામી બની પરમતત્ત્વને પામવાની ઝંખના જીવમાત્રમાં રહેલી છે. આકાશમાં ચગી, સ્થિર થવાની પતંગની ઝંખનામાં માનવીના ઉર્ધ્વગમનની ઝંખનાનાં દર્શન થાય છે.

જૈન ફીલોસોફી પ્રમાણે બે પ્રકારના જીવો છે. (૧) અભવ્ય (૨) ભવ્ય. અભવ્ય જીવો સંસારમાં જ રચ્યાપચ્યા રહે, તૃષ્ણા વાસનાના ભોગ બની મરી જવામાં જ ઇતિશ્રી માને છે. ઉર્ધ્વગામી થવાની તેમની ઝંખના જ મરી પરવારી હોય છે. 'ભવ્ય જીવો' જાગૃતિ, સંકલ્પ, પુરુષાર્થ સાથે ઉર્ધ્વગમન કરે છે. પતંગની માફક ઉર્ધ્વગમન કરતા 'ભવ્યજીવ' આત્મસાક્ષાત્કારમાં સ્થિર બને છે. ઊંચે ઊડવું જે સ્થિર થવું એટલે કે હૃદયાકાશમાં સ્થિર બની આત્માનુભૂતિ કરવી.

ઊંચે ચગતા પતંગની દોરી ચગાવનાર માનવીના હાથમાં હોય છે. ઉર્ધ્વગમન કરતા 'ભવ્ય' જીવોની દોરી ઇશ્વરના હાથમાં સોંપાયેલી હોય જેનો અર્થ છે ભવ્યજીવો ઇશ્વરને પૂર્ણ સમર્પિત થયેલા હોય છે. આવા આત્મજ્ઞાાનીને પૂર્ણ શાન્તિપ્રાપ્ત થાય છે. માયામાંથી મુક્ત થઇ મોક્ષ પામે છે. જીવપણાનો મોક્ષ કરવા જ માનવપણું મળ્યું હોય છે.

માનવજીવન 'ડૂબવા' માટે નથી, 'તરવા' માટે છે. ' નીચે પડવા' માટે નથી... ઉડ્ડયન કરી... ઉર્ધ્વગમન કરી 'સ્થિર બની' 'આત્મસ્વરૃપ' બનવા માટે છે. એવું...'સ્થિર' બનેલા પતંગને જોઈ લાગે છે.

યોગીની કુંડલિની જાગૃત થાય, ઊર્ધ્વગતિ કરે, 'યોગચક્રો' વીંધતી હૃદયાકાશે કે બ્રહ્મરંધ્રમાં પરમતત્ત્વ સાથે એકરૃપ બને તેવો અનુભવ કરવા પણ આ પતંગપર્વ પ્રેરે છે.

પતંગને ઊંચે આકાશે ચઢવા પુરુષાર્થ કરવો પડે છે. પ્રતિકૂળતાઓ સહન કરવી પડે છે. છતાંય તે વીરની માફક આગળ વધે છે. અધ્યાત્મમાર્ગે 'આત્મપ્રકાશ' માટે પ્રતિકૂળતાઓનો વીરત્વથી સામનો કરવો પડે છે. આ માર્ગ વીરોનો છે.

આકાશમાં ચગતા પતંગને હવા-પવન મદદરૃપ બને છે. તેમ ઉર્ધ્વગમન કરનાર મુમુક્ષુને ગુરુકૃપા-મહાપુરુષોના આશિર્વાદ સહાય કરે છે. પરમતત્ત્વ પરમાનંદ કે આત્મ સાક્ષાત્કાર એ 'ક્ષણભંગૂર' સ્થિતિ નથી. પણ, 'નિત્યસ્થિતિ' છે. તેનો અનુભવ કરાવી'જીવનમુક્તિ'ના અધિકારી બનાવે છે.

- લાભુભાઈ ર. પંડયા

Tags :