- શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે લખાયેલો ગ્રંથ ''શિક્ષાપત્રી'ની 200મી જ્યંતી
વસંતપંચમીને શુભદિન માનવામાં આવે છે. તે દિવસે કોઈ મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસ એ પ્રકૃતિની અણમોલ ભેટ છે. વસંતના આગમનથી સૃષ્ટિ પ્રફુલ્લિત થઈ ઊઠે છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત કરે છે તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે વડતાલમાં લખાયેલો ગ્રંથ શિક્ષાપત્રી એ મનુષ્યજીવનને નવપલ્લવિત કરે છે. હતાશ થયેલા માનવીમાં એક નવું જોમ ભરે છે. માનવ મૂલ્યોને આ ગ્રંથ ઉજાગર કરે છે. માનવીને સાચા અર્થમાં માનવી બનાવી જીવન જીવવાની કળા શીખવે છે.
માનવીએ સવારથી ઊઠીને રાત્રી સુધી કેવી રીતે દિવસનું નિર્ગમન કરવું તેની રીતિ પણ આ શિક્ષાપત્રીમાં બતાવવામાં આવેલી છે. સવારે ઊઠી સ્નાનાદિક ક્રિયા કેવી રીતે કરવી. ક્યાં થૂંકવું ? ક્યાં ન થૂંકવું ? કેવી રીતે ઉદ્યમ કરવામાં સાવચેતી રાખવી. જીવનમાં હરહંમેશ સત્ય બોલવું. માણસોએ પોતાનો આવક-જાવકનો હિસાબ-કિતાબ નિત્ય રાખવો, કોઈનું દિલ ન દુભાય તેવી વાણી બોલવી. સૌમાંથી ગુણગ્રહણ કરવાનો સ્વભાવ કેળવવો. કોઈએ કરેલા ઉપકારનો બદલો અપકારથી વાળીને કૃતઘ્ની ન બનવું. વિધવા કે સધવા નારીઓએ શીલરક્ષણ માટે કેવી રીતે પુરુષો સાથે વ્યવહાર કરવો ? કેવાં વસ્ત્રો પહેરવાં ? કેવાં ન પહેરવાં ? વિદ્ધાનો, શિક્ષકો અને રાજાઓનું કર્તવ્ય શું છે ? તથા સાધુ-અસાધુનાં ક્યાં લક્ષણો છે. આ બધી બાબતોની સ્પષ્ટ સમજણ આ શિક્ષાપત્રી ગ્રંથમાં દર્શાવવામાં આવી છે. આ ગ્રંથ પ્રમાણે જે કોઈ વર્તે છે તે ખરેખર અર્થમાં ''માનવલ્લલ્લ બને છે. ''માનવલ્લલ્લ ને ખરા અર્થમાં જીવનપરિવર્તન કરવાનું કાર્ય આ શિક્ષાપત્રી ગ્રંથ કરે છે તેથી જ આ શિક્ષાપત્રીને ગ્રંથને માનવીના જીવનમાં પરિવર્તન લાવનાર ગ્રંથ કહેવામાં આવે છે.
શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર.
- શિક્ષાપત્રી એટલે કળિયુગમાં અલ્પબુદ્ધિ, અલ્પશક્તિ, અલ્પ આયુષ્યવાળા માનવી માટે ગાગરમાં સાગર સમો ઉપકારક ઉત્તમ ગ્રંથ.
આ શિક્ષાપત્રી વાંચવાથી આપણને અદ્દભૂત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શિક્ષાપત્રી ગ્રંથમાં માત્ર શું ન કરવું એવું જ નહિ, પરંતુ કેવી રીતે જીવવું તે પણ બતાવ્યું છે.
આપણા પરિવાર તરફથી જવાબદારી, સમાજ પ્રત્યે ફરજ અને ઈશ્વર પ્રત્યે ભક્તિ આ ત્રણેનું સંતુલન એ શિક્ષાપત્રીનું હ્ય્દય છે.
આ ત્રણેયનું સંતુલન ન હોય તો જીવન એકતરફી એટલે કે ડામાડોળ બની જાય છે.
આજના યુગમાં મોટાભાગના માણસો હંમેશા કહે છે કે,
''હું વ્યસ્ત છું, મારી પાસે સમય નથી.લ્લલ્લ આ વાત માની લો કે, થોડા અંશે સાચી કે સમય નથી. પરંતુ જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી હશે. તો આધ્યાત્મિક માર્ગે થોડો સમય કાઢવો પડશે. સવારથી રાત્રી સુધી આજનો માણસ દોડે છે. પછી હાંફે છે. થાકે છે. અને પછી રાત્રે પથારીમાં આળોટે છે. ઊંઘ પણ નથી આવતી... માનસિક તણાવનો શિકાર બને છે.
કહેવાય છે ને કે, માણસ શરીર બગાડીને પૈસા કમાય છે, પછી શરીર સુધારવા માટે પૈસા ખર્ચે છે.
શું આ ડહાપણ છે ? કે પછી ગાંડપણ ?
તેથી સાવધાન થવાની જરૂર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં જે લાઈફ સ્ટાઇલ શીખવી છે. તે પ્રમાણે જીવીશું તો સુખી થઈશું. માનસિક તણાવમાંથી મુક્ત થવા ભક્તિ અને સત્સંગ કરવો જોઈએ. ધ્યાન - ભજન - પ્રાર્થના માટે પણ સમય ફાળવવો જોઈએ.
યાદ રાખજો કે, અસ્ત વ્યસત જીવનને આપણા શિક્ષાપત્રી જેવા શાસ્ત્રો મસ્ત બનાવે છે. તેથી નિત્ય સદ્દગ્રંથોનું સેવન કરવું જોઈએ. જો આપણે શિક્ષાપત્રીને માત્ર ગ્રંથ ન સમજીએ પરંતુ ''જીવન સારથિલ્લલ્લ સમજીએ, તો જીવન સફળ થઈ જાય.
શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્ત લખેલ શિક્ષાપત્રીગ્રંથને તા. ૨૩-૧-૨૦૨૫ - વસંતપંચમીના રોજ ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશના મંદિરોમાં તેની ઉજવણી કરવામાં આવશે. સદ્દગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા પણ તા. ૨૩ થી ૨૫ જાન્યુઆરી ભવ્ય મહોત્સવ ઉજવાશે. આપણે સહુ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા જીવન સંદેશને જીવનમાં ચરિતાર્થ કરી ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિના માર્ગે આગળ વધી પરમ સુખ પામી શકીએ તે માટે પ્રયત્નશીલ બનીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


