Get The App

પુરાણો 18 છે, ગીતાજીના અધ્યાયો પણ 18 છે મહાભારતનું યુદ્ધ એ પણ 18 દિવસ ચાલ્યું હતું

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
પુરાણો 18 છે, ગીતાજીના અધ્યાયો પણ 18 છે મહાભારતનું યુદ્ધ એ પણ 18 દિવસ ચાલ્યું હતું 1 - image

ગગનને ગગનની જ ઉપમા અપાય એવી રીતે ગીતાને ગીતાની જ ઉપમા આપી શકાય. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયેલી કોઈપણ વાતો એ સનાતન સત્ય છે. કારણ કે ગીતાના ગાનાર એ ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણ છે. કોઈપણ વ્યક્તિ એકજ વિષયમાં નિષ્ણાત હોય પણ ભગવાન શ્રીકૃષ્ણ તો બધા જ વિષયોમાં પૂર્ણ છે. માટે એમને 'સકલ કલા ગુરુ' કિધા છે. 

કોઈ પણ એવા પ્રશ્નનો જવાબ નથી જેનો ઉત્તર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને આપ્યો ન હોય. મહાભારતના ભિષ્મ પર્વના અધ્યાય ૨૫ થી ૪૨ કે જેને આપણે ગીતાજીના ૧ થી ૧૮ અધ્યાય માનીએ છીએ. આપણા પુરાણો ૧૮ છે, ગીતાજીના અધ્યાયો પણ ૧૮ છે. મહાભારતનું યુદ્ધ એ પણ ૧૮ દિવસ ચાલ્યું હતું.

ગૃહસ્થીને સાચો ગૃહસ્થી બનાવે છે એ ગીતા, સંતને સંતત્ત્વ પ્રદાન કરે છે એ ગીતા. આ એજ ગીતા કે જેના ૭૦૦ શ્લોકો છે. સમગ્ર ગીતામાં ધૃતરાષ્ટ્રનો એક જ શ્લોક છે. સંજ્યના ૪૧ શ્લોકો છે, ૮૪ શ્લોકો અર્જુનના છે અને ૫૭૪ શ્લોકો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યાં છે.

ગીતાજીના ચોથા અધ્યાયમાં છે. ભગવાને અર્જુનને કહ્યું કે, 'સૌથી પહેલામાં પહેલું જ્ઞાન મેં સૂર્યને આપ્યું. ભગવાન સૂર્યએ મનુને આપ્યું અને મનુએ બધા રાજાઓને આપ્યું.' ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે, 'જ્યારે સૂર્ય હતો ત્યારે તમે હતાં ?' ત્યારે ઉત્તર આપતાં ભગવાને કહ્યું કે, 'હે અર્જુન ! એ સમયે હું પણ હતો અને તું પણ હતો. મારા અને તારા તો કેટલાંય જન્મો થઈ ગયાં. એને હું જાણું છું પણ તું નથી જાણતો.' આ પ્રસંગ પરથી જ એક વાતનું સ્પષ્ટિકરણ થાય કે, સર્વજ્ઞા તો ભગવાન છે અને જીવ અલ્પજ્ઞય છે.

ત્યાર પછી ગીતાજીના અગિયારમાં અધ્યામાં અર્જુનજીને વિશ્વરૂપ દર્શન કરાવી ભગવાને પોતાનું બ્રહ્મત્ત્વ પ્રગટ કર્યું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુને ભગવાનને કહ્યું કે, 'હું તમને મિત્ર માનતો હતો, તમને સખા માનતો હતો પણ આજે મને ખ્યાલ આવ્યો કે તમે તો પરાત્પર બ્રહ્મ સ્વરૂપ છો.' 

અર્જુનને ભગવાને જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી તે પછી જ અર્જુનને ભગવાનના દર્શન થયાં. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે, ભગવાનના દર્શન ચર્મચક્ષુથી નહીં થાય. તેના માટે જોઈશે દિવ્ય દ્રષ્ટિ અને આ દિવ્ય દ્રષ્ટિ  એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા. માટે જ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અવતરણ દિવસ ઉજવાય છે. જેને આપણે 'ગીતા જ્યંતિ'ના નામથી ઓળખીએ છીએ. 

ગીતાજીના બીજા અધ્યામાં મહત્ત્વનો શ્લોક ભગવાન બોલ્યા છે કે, 'કર્મણ્યે વાધિકા રસ્તે...' આનો અર્થ આપણે સૌ એ જાણીએ છીએ કે, વ્યક્તિ કર્મ કરે પણ ફળની આશા છોડી દે. પણ ત્યાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ફળની આશા જ જો ત્યાગીએ તો પછી કર્મજ શા માટે કરવું? પણ ભગવાન શ્રીકૃષ્ણનો કહેવાનો ભાવ એ છે કે, જીવ કર્મ કરે ફળની આશા રાખે પણ આ ફળ મને જ મળશે એવી જીજીવિશા ન રાખે. એ ફળ આપવું કે ન આપવું એ પરમાત્માના હાથમાં છે. 'ઉપરવાળો સૌને જુવે છે.' કોઈપણ પરિસ્થિતિ આવે તો નિષ્ક્રિય થવાની જરૂર નથી. કદાચ વ્યક્તિને નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતા જ સફળતાની સીડી છે એ જ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાર છે. સૌથી મહત્ત્વનો પ્રસંગ એ સમજવાનો છે કે, ભગવાને અર્જુનને છેલ્લે કહ્યું કે, 'યથેચ્છસિ તથા કુરુ'  અર્થાત્ 'હે અર્જુન ! મેં બધા માર્ગો તને સમજાવ્યાં હવે તને જે ઉચિત લાગે તે તું કર.' ભગવાન પોતે એમ નથી કહેતાં કે હું કહું તેમ કર. ગીતા આપણને સૌને સમજાવે છે કે ઘરમાં, પરિવારમાં ક્યારેય પણ આપણે આપણું વર્ચસ્વ જમાવવું નહીં. જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં માર્ગો બતાવ્યાં બસ એવી જ રીતે આપણે માર્ગદર્શન આપી શકીએ. આમ, ગીતાજીમાં ઘણા બધા એવા વિષયો છે જે સામાજિક પારિવારિક ઘટનાઓને સ્પર્શ કરે છે. માટે જ ગીતા એ દિવ્ય દ્રષ્ટિ છે. ગીતા રૂપી દ્રષ્ટિથી યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણને નીરખી આપણે આપણાં જીવનને ભગવત પરાયણ બનાવીએ.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી