હરિને ઝુલાવવાનો ઉત્સવ- હિંડોળા ઉત્સવ
સુંદર રીતે જુદી- જુદી વિવિધ વસ્તુઓ વડે શણગારેલાં હિંડોળામાં મહાપ્રભુજીને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે
અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ. દર વર્ષે અષાઢ- શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ સુઅવસર. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા. હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઉર્મિઓ ઠાલવે છે. કળા અને કસબ, ધન અને શ્રમ એમાં સીચે છે.
અષાઢ- શ્રાવણમાસમાં આકાશમાં ક્યાંક ઘટાટોપ વાદળો હોય, તો ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક અનરાધાર વરસાદ વરસતો હોય. ચારે બાજુ ધરતી ઉપર લીલીછમ હરિયાળી છવાયેલી હોય ત્યારે સુંદર રીતે જુદી- જુદી વિવિધ વસ્તુઓ વડે શણગારેલાં હિંડોળામાં મહાપ્રભુજીને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે. હૃદય આનંદથી વિભોર બની જાય છે.
આ દિવસો દરમિયાન મંદિરોમાં વિધવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે. ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી, મીણબત્તી, પેન, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, આદિ થી શણગારવામાં આવે છે. હિંડોળા દરમ્યાન મંદિરોમાં ઝાંઝ, પખાજ, મંજીરા, ઢોલક, તબલાંથી ઔચ્છવ કરવામાં આવે છે. ત્યારે બાળકો, યુવાનો, ભાઈઓ- બહેનો સૌ ભગવાન્મય બની નાચતા હોય છે.
એક વખત સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ વડતાલમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવા માટે એક હિંડોળો તૈયાર કર્યો હતો. જે લાકડાના હિંડોળામાં ૧૨ બારણાં હતાં. તેમાં એક એવી અદ્ભૂત કલા તેમણે ગોઠવી હતી કે, દરેક જગ્યાથી શ્રી હરિના દર્શન થાય. હિંડોળાને આંબાની ડાળી વચ્ચે. રેશમી દોરી વડે બાંધ્યો હતો અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને હરિભક્તોને એકી સાથે બાર સ્વરૃપે દર્શન આપ્યાં હતાં.
આમ, શ્રીજીમહારાજને સંતો- ભક્તો હિંડોળામાં આવી રીતે ઝુલાવતા અને આનંદવિભોર બનતા. આ ઉત્સવની સ્મૃતિ માટે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. આપણે પણ પૂર્ણ પુરુષોત્તમશ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ સ્વામીબાપાને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન, મન અને ધનથી સેવા કરીને પ્રસન્ન કરીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ