દ્વારકાના પૌરાણિક ભડકેશ્વર મહાદેવના મંદિરની નોંધ કયારે લેવાશે?
- મંદિર અને એનું પરિસર દિવસે ને દિવસે જોખમી હાલતમાં ફેરવાતું જાય છે
દ્વારકા, તા. 16 જુલાઈ 2020, ગુરુવાર
યાત્રાધામ દ્વારકામાં સમુદ્રની વચ્ચે આવેલું પૌરાણિક શિવ મંદિર ભડકેશ્વર મહાદેવ મંદિર જર્જરીત હાલમાં છે. છેલ્લા બે વર્ષથી ઉપરાંત સમયથી દિવસે ને દિવસે મંદિર ઉપર જોખમ તોળાઇ રહ્યું છે.
મંદિર તેમ જ પરીસર દરિયાઇ મોજાની થપાટોથી કંપાન્ડની દીવાલ સહિત જમીનોમાંથી મસમોટા પથ્થરો ઉખડી ગયેલા હોવાથી મંદિરની પરિક્રમાં ભક્તો કરી શક્તા નથી. દર્શન કરવા આવતા ભાવિકો ઉપર પણ જોખમ તોળાઇ રહ્યું છે.
ભાવિકો દરિયાઇ મોજા સાથે જોખમી સેલ્ફી ફોટા લેતા હોય છે. ત્યારે ભાવિકો અજાણ હોવાથી ત્યાં સલામતી સુચનોના બોર્ડ જ નથી. અનેક વખત તંત્રનું ધ્યાન દોર્યું છે. શ્રાવણમાં દરરોજ સ્થાનિકો તેમ જ બહારથી આવતા ભક્તો શિવ મંદિરે દર્શન કરવા આવશે.
શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તંત્ર ઊંઘમાંથી જાગશે કે નહી સવાલ ઉઠ્યો છે. વિકાસના બણગાં ફૂંકતી સરકાર આ મંદિરની નોંધ કયારે લેશે? એવો પ્રશ્ન પણ દર્શનાર્થીઓ પૂછી રહ્યા છે.
દ્વારકાને હેરીટેજ સ્માર્ટ સિટીનો દરરોજો, પણ વાસ્તવિકતા જુદી!
સરકારે દ્વારકાને હેરીટેજ સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યો ત્યાર બાદ કરોડો રૂપિયાની ગ્રાંટો ફાળવામાં આવી. પાંચ હજાર વર્ષથી વધુ જૂના ભડકેશ્વર મહાદેવ મંદિરની છેલ્લા બે વર્ષની પરિસ્થિતિ જોઈને કહી શકાય કે હેરીટેજ સિટીની વાસ્તવિક્તા કંઈક અલગ જ છે.