ખંભાળિયા નજીક એસ્સાર કંપનીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
- રૂપિયા અઢી કરોડની માલમત્તા બળીને રાખ
- ફેન્સિંગ તોડીને અંદર ઘૂસી આવેલા બાઇક સવારોનું કારસ્તાન
ખંભાળિયા, તા. 17 માર્ચ 2020, મંગળવાર
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થિત એસ્સાર કંપનીમાં કોઈ શખ્સોએ અંદર ઘૂસીને આગ ચાંપી હતી. એસ્સાર પાવર હેઠળના એસ્સાર બલ્ક ટર્મીનલ ખાતે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કન્વેયર બેલ્ટમાં આગ લાગતાં કંપનીના ફાયર સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
એસ્સાર બલ્ક ટર્મિનલના ગેટ નંબર 11 તથા 12 વચ્ચે આવેલા કન્વેયર બેલ્ટમાં આશરે 220 મીટરના એરિયામાં આગ લાગી હોવાનું કંપની સ્ટાફના ધ્યાનમાં આવ્યું હતું. સ્થળ પરથી શણનો કોથળો, છાણા તથા બળેલા લાકડાના અવશેષો જોવા મળ્યા હતા. એ વિસ્તારમાં બે બાઇકના આવવા તથા જવાના નિશાન પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત કંપનીની ફેન્સીંગના બે ગાળા વચ્ચેનો ભાગ તૂટેલો હોવાનું પણ માલુમ પડ્યું હતું. આથી કોઈ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કંપનીના 250 મીટર ઉપરના તથા 250 મીટર નીચેના મળી આશરે 500 મીટર કન્વેયર બેલ્ટ ઉપરાંત આઈડલર ફ્રેમ, 585 નંગ રોલર, ઇલેક્ટ્રિક કેબલ, સ્પેરપાર્ટ વગેરે જાણી જોઈને સળગાવી નાખ્યા હોવાનું જાહેર થયું હતું.
ગત રવિવારે મોડી રાતે બનેલી આ દુર્ઘટનામાં કંપનીને આશરે રૂપિયા અઢી કરોડનું નુકસાન થયાની ફરિયાદ એસ્સાર બલ્ક ટર્મિનલ કંપનીના સિક્યુરિટી મેનેજર ઇદ્રીસભાઈ અબદુલભાઇ સૈયદ (રહે. જામનગર)એ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવી હતી.