દેવભૂમિ દ્વારકા: 13 સ્થળોએ ચોરી કરનારા 3 લવરમૂછીયાં ઝડપાયા
- ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
- LCB પોલીસે ચોખંડા ગામેથી દબોચી લીધા, ત્રણ પૈકી એક તસ્કર કાયદાથી સંઘર્ષિત કિશોર
ખંભાળિયા,તા. 2 ડિસેમ્બર 2019, સોમવાર
ખંભાળિયા તાલુકા સાથે ભાણવડ ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ચોરીના નોંધાયેલા બનાવોમાં અહિંની એલ.સી.બી. ટીમે એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ત્રણ લવરમૂછીયા શખ્સોને દબોચી લીધા હતાં.
ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સાથે પખવાડીયા પૂર્વે ભાણવડ તાલુકાના ચોખંડા ગામે જુદી જુદી દૂકાનોના તાળા તોડી રૂા ૧૯ હજારના મુદ્દામાલની ચોરીના બનાવો સ્થાનિક પોલીસમાં નોંધાયા હતાં.
રવિવારે રાત્રે એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ તથા હેડ કોન્સ. જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોખંડા ગામ નજીકથી પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના સંધી મહેબુબ દોસ્તમામદ ભટ્ટી (ઉ.વ.૧૯) તથા મનુ નુરમામદ ઉમર ભટ્ટી (ઉ.વ.૧૯) ને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જયારે કાયદાથી સંઘર્ષીત કિશોર પણ પકડાયો હોવાનું જાણવા મળેલ છે.
પકડાયેલા આ શખ્સો પાસેથી ભાણવડની ચોરીના રૂા ૧૯ હજાર, ખંભાળિયામાં રૂા ૩૦ હજારની કિંમતની ચોરી કરેલી સ્પ્લેન્ડર બાઈક, જામજોધપુરમાંથી ચોરી કરેલી રૂા ૩૦ હજારની હોન્ડા સાઈન મોટર સાયકલ તથા મોબાઈલ ફોન મળી, કુલ રૂા ૮૫,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા આ શખ્સોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બબરજર, કંડોરણા, બજાણા, ચોખંડા, જે.પી. દેવળીયા, હાપા લાખાસર ઉપરાંત જામનગર જિલ્લાના ગોપ અને મોટા વડીયા મળી, કુલ તેર સ્થળોએ ચોરી કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.
ઝડપાયેલા બન્ને શખ્સોને વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યા છે.