દુકાનદાર બનાવતો હતો ડુપ્લીકેટ લાયસન્સ તથા જન્મના દાખલા
- ભોગાત ગામે મોબાઇલની દુકાનમાં પોલીસ તંત્રનો દરોડો
જામ ખંભાળિયા, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૦, સોમવાર
ભોગાત ગામના એક શખ્સે મોબાઈલ રીપેરીંગની દુકાનના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી. આ અંગે જિલ્લા એલ.સી.બી. પોલીસે હાથ ધરેલા ઓપરેશનમાં ભોગાત ગામના શખ્સને વિવિધ પ્રકારના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
૭ ડુપ્લીકેટ ડ્રાઈવીંગ લાયસન્સ, ૨ નકલી જન્મના પ્રમાણપત્ર, વિવિધ આધારકાર્ડની ઝેરોક્ષ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના કોસ્ટલ હાઈવે રોડ પર વિધિ મોબાઈલ નામની એક મોબાઈલ રીપેરીંગની દુકાનમાં ડુપ્લીકેટ લાયસન્સ તથા જન્મના દાખલા બનાવવામાં આવતા હોવા અંગેની ચોક્કસ બાતમીના આધારે એલ. સી. બી. પી. આઈ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ભોગાત ગામની સીમમાં દ્વારકા- પોરબંદર રોડ પરની ઉપરોક્ત દુકાનમાં દરોડો પાડયો હતો.
આ સ્થળે રહેલો વિજય સાંજાભાઈ રૂડાચ નામનો ૨૬ વર્ષનો શખ્સ ભાડાની આ દુકાનમાં લોકો પાસેથી વિવિધ પ્રકારના આધાર પુરાવાઓ લઈ, બનાવટી પ્રમાણપત્રો તથા ડુપ્લીકેટ લાયસન્સ બનાવવાની પ્રવૃત્તિ કરતો હોવાનો હોવાનું જાહેર થયું છે. આથી પોલીસે આરોપીની અટકાયત કરી હતી.
આટલું જ નહીં, ઉપરોક્ત આરોપી પાસેથી પોલીસે સાત ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, બે નંગ ડુપ્લીકેટ જન્મના પ્રમાણપત્ર તથા તેને સંલગ્ન ત્રણ ફોટાઓ, લેમિનેશન પેપરનો એક બંચ, તથા કોરા કાગળ, સ્ટેપ્લર, પર જુદા જુદા વ્યક્તિઓના આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, બિલ બુક, સ્ટેમ્પ પેડ, કેમેરા, પેન ડ્રાઈવ, ઉપરાંત કોમ્પ્યુટર સિસ્ટમ અને હાર્ડ ડિસ્ક તથા સ્કેનર કમ કલર પ્રિન્ટર અને એક મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.
પોલીસની પૂછપરછમાં આરોપી દ્વારા મોબાઈલ રીપેરીંગના કામ સાથે કોમ્પ્યુટર ઓનલાઈન ફોર્મ, સરકારની વિવિધ યોજના ફોર્મ, તેમજ ઝેરોક્ષ નકલના ધંધા મારફતે લોકોને વિશ્વાસમાં લઈને તેઓના લાયસન્સ કઢાવવા માટે પરીક્ષા વિના અને સરકારી ધક્કા ખાધા વગર જન્મના પ્રમાણપત્રો કઢાવી આપવા સાથે લોકો પાસેથી આ માટે મોટી રકમ પડાવીને જાતે જ સહી સિક્કા કરી, ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ અને જન્મના પ્રમાણપત્ર બનાવવામાં આવતા હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં એલ. સી. બી. પોલીસ હેડ કોસ્ટેબલ અરજણભાઈ મારૂએ કલ્યાણપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી, રૂપિયા ૨૯,૩૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિજય રૂડાચની અટકાયત હતી. આ શખ્સને આગળની તપાસ માટે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જેની તપાસ પી. એસ. આઈ. કે. એન. ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.