ખંભાળિયામાં છૂટછાટ બાદ જાહેર જીવનમાં આવ્યો નવો ધબકાર: શહેરની બજારો પુનઃ ધમધમી
જામ ખંભાળિયા, તા. 4 મે 2020, સોમવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે તાજેતરના લોક ડાઉન-1 તથા લોક ડાઉન- 2 ના જાહેરનામામાં મોટાભાગની દુકાનો બંધ રાખવા અંગેના જિલ્લા કલેક્ટરના જાહેરનામાના બાદ ગઈકાલે રવિવારે રાત્રે જિલ્લા કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડી, આ જિલ્લામાં કામ - ધંધા તથા વ્યવસાય અંગે થોડી છૂટછાટ આપવામાં આવી છે.
આ જાહેરનામામાં જણાવાયા મુજબ, જિલ્લામાં કેટલાક ધંધા વ્યવસાય પર પ્રતિબંધ જારી રાખી, અન્ય દુકાનો, ઓફિસો નિયત સમમર્યાદામાં તથા જાહેરનામાનું પાલન કરીને ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવી છે.
આ અંતર્ગત આજરોજ સોમવારે સવારે ખંભાળિયાની મુખ્ય બજારો તથા જાહેરમાર્ગો પરની દુકાનો, ઑફિસો પૂર્વવત્ રીતે ખુલતાં મૂર્છિત જનજીવનમાં જાણે નવો પ્રાણ પુરાયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
અહીંના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, મેઈન બજાર, નવાપરા, ચાર રસ્તા, વિગેરે વિસ્તારોમાં વિવિધ પ્રકારની દુકાનો ખુલતાં લોકો જરૂરી ખરીદી કરવા માટે નીકળ્યા હતા.