ખંભાળિયામાં ફરજ પર જઈ રહેલા હર્ષદપુરના તલાટીને પોલીસ દ્વારા માર મરાયો
- તલાટી મંડળમાં ઘેરા પ્રત્યાઘાતો: આંદોલનની ચીમકી
જામ ખંભાળિયા, તા. 22 એપ્રીલ 2020, બુધવાર
ખંભાળિયા તાલુકાના રામનગર - હર્ષદપુર વિસ્તારના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રિન્સ મંડપીયા હાલ કોરોના વાયરસ સંદર્ભે જિલ્લા કલેક્ટરના જાહેરનામાની અમલવારી કરાવવા તથા આ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકોને દંડની કાયદાકીય કાર્યવાહી કરવા માટે ફરજ પર જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં હોટલ પાસે પહોંચતા આ સ્થળે રહેલા પોલીસ કર્મચારીએ તેમને "તમે કોણ છો? શું કરો છો?" વિગેરે બાબત કહેતાં તલાટી મંત્રી પ્રિન્સ મંડપિયાએ તેમની ઓળખ આપી હતી અને ઓળખપત્ર બતાવીને તેઓ ફરજ પર જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
પરંતુ જાહેર થયેલી વિગત મુજબ પોલીસ કર્મચારીઓએ તેમની સાથે ગેરવર્તન કરી, માર માર્યો હોવાનું પણ કહેવાય છે. આ સમગ્ર બનાવ અંગે તલાટી મંત્રી દ્વારા આ સ્થળેથી જ ઉચ્ચ અધિકારીઓને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી. એટલું જ નહીં આ સમગ્ર ઘટના નજીકમાં એક સ્થળે સી.સી.ટી.વી. કેમેરામાં પણ કેદ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.
આમ તલાટી મંત્રીને માર મારવાના પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેકટર વિગેરેને પણ લેખિત રજૂઆતો કરી, ફરજમાં રૂકાવટ સહિતના ગુન્હા સબબ તાકીદે જવાબદારો સામે પગલાં લેવા નહીંતર નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી છે.