Get The App

દ્વારકા જિલ્લામાં 'ઓપરેશન ડિમોલીશન'નાં ત્રીજા તબક્કા માટે સર્વેની ગતિવિધિ તેજ

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
દ્વારકા જિલ્લામાં 'ઓપરેશન ડિમોલીશન'નાં ત્રીજા તબક્કા માટે સર્વેની ગતિવિધિ તેજ 1 - image


રેવન્યુ અને પોલીસતંત્રના માઈક્રો પ્લાનિંગથી બીજો તબક્કો સફળ : હવે રૂપેણ બંદર સહિતના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર અનધિકૃત બાંધકામો હટાવાશે: ત્રણે'ક મહિના બાદ ફરી બુલડોઝર દોડાવાશે

ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ બેટ દ્વારકા બાદ હમણાં હર્ષદ, નાવદ્રા અને ભોગાત ગામે દરિયા કિનારા આસપાસ સરકારી જમીન પરથી અસંખ્ય દબાણો હટાવાયા હતા. હવે વહીવટી તંત્રએ રૂપેણ બંદર સહિતના સંવેદનશીલ દરિયાકિનારા વિસ્તારમાં નજર દોડાવીને ઓપરેશન ડિમોલીશનના ત્રીજા તબક્કા માટે સર્વેની ગતિવિધિ તેજ કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેટ દ્વારકા બાદ કલ્યાણરપુર પંથકમાં પણ રેવન્યુ અને પોલીસ તંત્રના સંકલન અને માઈક્રો પ્લાનિંગનાં કારણે ઓપરેશન ડિમોલીશનનાં બંને તબક્કા સફળ રહ્યા હતા. અનિચ્છનીય બનાવ અટકાવવા માટે બેટ દ્વારકામાં જે તે સમયે સંચારબંધી લાદી દેવાઈ હતી. તો કલ્યાણપુર પંથકમાં દબાણકારોને કાનૂની જંગમાં મહાત આપીને ડિમોલીશન પહેલા જ ખદેડી દેવાયા હતા. હવે રેવન્યુ વિભાગે ત્રીજા તબક્કા માટે સર્વે ચાલુ કર્યો છે. જેમાં દબાણકારોને પ્રથમ નોટિસ અપાશે અને બાદમાં ડિમોલીશન કરાશે. જેમાં ત્રણેક મહિના વિતી જશે એવું જાણવા મળે છે.

ભારતના પશ્ચિમના છેવાડાના વિસ્તાર એવા દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે આજથી આશરે છ માસ પૂર્વે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનના બ્રેક બાદ ગત તા. ૧૧ માર્ચથી કલ્યાણપુર તાલુકાના દરિયાઈ પટ્ટીના ગામોમાં મોટા પાસે થયેલા અનધિકૃત દબાણ હટાવવા માટે પોલીસ તંત્ર તથા રેવન્યુ તંત્રે કમર કસી હતી. જેમાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ, નાવદ્રા તથા ભોગાત ગામોમાં આવેલા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદે દબાણ અંગે રેવન્યુ તંત્રની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ બાદ ગેરકાયદે દબાણકર્તાઓને ફટકારવામાં આવેલી નોટિસ પછી માઇક્રો પ્લાનિંગ સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. દબાણકર્તાઓની કોર્ટ કાર્યવાહી નિષ્ફળ જતા આખરે લીલી ઝંડી મળ્યા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા કલેકટરના વડપણ હેઠળ દ્વારકાના પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

ગત શનિવાર તા. 11મી થી શુક્રવાર તા. 17મી સુધી સતત સાત દિવસ સુધી કરવામાં આવેલા આ મેગા ઓપરેશન ડિમોલિશનમાં તંત્રએ સધન કામગીરી કરી, 14.27 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા કુલ 520 દબાણો દૂર કર્યા હતા. રૂ. 6.19 કરોડની અંદાજિત બજાર કિંમત ધરાવતા રહેણાંક, કોમશયલ તથા ધર્મસ્થળોના સ્વરૂપે કરવામાં આવેલા અનધિકૃત બાંધકામ ધ્વસ્ત કરાયા છે.

સમગ્ર રાજ્યમાં સંભવિત રીતે પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે દબાણ હટાવની સફળ કામગીરી થઈ હોવાનું કહેવાય છે. વળી  આ સમગ્ર ઓપરેશન ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીજીવીસીએલ તથા મેડિકલ ટીમને પણ સતર્ક રાખવામાં આવી હતી. આમ, સંકલન તથા આયોજનબદ્ધ રીતે પોલીસ તથા રેવન્યુ ટીમની આ ડિમોલિશન કાર્યવાહીથી દરિયાઈ સુરક્ષાનો હેતુ સિદ્ધ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓપરેશન ડિમોલિશનનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.


Tags :