app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

શ્રીજી ભકત ગૌસેવકે પોતાની ગાયો સાથે 450 કિ.મી.ની પદયાત્રા કરી દ્વારિકામાં કાળિયા ઠાકોરના દર્શન કરાવ્યા

Updated: Nov 23rd, 2022


લમ્પીમાં ગાયોનો બચાવ થતા રાખેલી ટેક મુજબ શ્રીજીના દર્શન કરાવાયા  : કચ્છથી 25 ગાયોને પગપાળા દ્વારકા લાવી  તંત્રની ખાસ મંજૂરી લઇ ગાયોને જગત મંદિરની પરિક્રમા કરાવી

  દ્વારકા, : કચ્છમાં રહેતા શ્રીજી ભકત ગૌસેવકે પોતાની ગાયોનો લમ્પી રોગચાળામાં બચાવ થતા દ્વારકામાં શ્રીજીના દર્શન ગાયોને કરાવવાની ટેક રાખી હતી. તેથી કચ્છથી 450 કિ.મી.ની પદયાત્રા 25 ગાયો સાથે કરી દ્વારકા લાવી જગત મંદિરમાં ખાસ મંજૂરી મેળવી ગાયોને શ્રીજીના દર્શન કરાવી મંદિરની પરિક્રમા કરાવી હતી. 

કચ્છના મેડક બેટમાં આવેલ વરણેશ્વર દાદાની જગ્યામાં રહેતા કાળિયા ઠાકરના પરમ ભકત અને ગૌસેવક મહાદેવભાઇ દેસાઇની 25  ગાયોને લમ્પી રોગ થયો હતો. ત્યારે આ ગૌસેવકે કાળિયા ઠાકરની  માનતા માની હતી કે મારી એક પણ ગાયનું મૃત્યુ નહીં થાય તો તેઓ 25 ગાયોને દ્વારકા ખાતે લાવી કાળિયા ઠાકરના દર્શન કરાવશે. 

લમ્પીથી તેમની તમામ ગાયોનો બચાવ થતા પાંચ ગૌસેવકો સહિત તેઓ પોતાની 25  ગાયોને પગપાળા દ્વારકા લાવ્યા હતા. 450 કિ.મી.ની પદયાત્રા કરી 25  ગાયોને લઇ 17  દિવસે દ્વારકા આવી પહોંચ્યા હતા. અને ગત રાત્રિના તંત્રની ખાસ મંજૂરી મેળવી ભગવાન શ્રી કૃષ્ણને વહાલી ગણાતી ગાયોને મંદિર સંકુલમાં લઇ જઇ 25 ગાયોને શ્રીજીના દર્શન કરાવી જગત મંદિરની પરિક્રમા કરાવી હતી. 

Gujarat