દ્વારકાધીશજી મંદિરે શ્રીજીના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી કરાવાશે પરિક્રમા
- દ્વારકામાં આજે અષાઢીબીજે રથયાત્રા ઉત્સવ પરંતુ ભાવિકોને પ્રવેશ નહીં
- સારો વરસાદ વરસે તે માટે ચોથી પરિક્રમા પૂર્ણ થયા બાદ દેવકીજીના મંદિર પાસે આવેલા સ્થંભ સાથે રથને અથડાવવાની પરંપરા
દ્વારકા, તા. 22 જૂન, 2020, સોમવાર
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે તા.૨૩ના અષાઢી બીજનો ઉત્સવ ઉજવાશે. કોરોના મહામારીને લઇ રથયાત્રા ઉત્સવ દરમિયાન ભાવિકોને મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. અષાઢી બીજ નિમીતે રથયાત્રા ઉત્સવ પ્રસંગે કાળિયાઠાકોરના બાળ સ્વરૂપ ગોપાલજીને ચાંદીના રથમાં બેસાડી નિજ મંદિર પટાગણમાં ચાર પરિક્રમાં કરવામાં આવશે.
દ્વારકાધીશ મંદિરના પુજારી નેતાજીએ જણાવ્યું કે શોક્ત પરંપરા મુજબ વર્ષમાં એક જ વખત શ્રીજીના બાલસ્વરૂપને ગર્ભ ગૃહમાંથી બહાર કાઢીને ભક્તોને દર્શન આપવા માટે આવે છે. પણ આ વર્ષે કોરોના મહામારીને લીધે સાવચેતીના પગલારૂપે ભાવિકોને રથયાત્રા દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ છે. શ્રીજીના બાલસ્વરૂપને જગતમંદિર પરીસરમાં ચાંદીના રથમાં બેસાડી મંદિરની ચાર પરીક્રમાં કરાવામાં આવશે. શ્રીજીની દરેક પરિક્રમાં પૂર્ણ થયા બાદ ભોગ સામગ્રી તથા આરતી કરવામાં આવે છે.
શ્રીજીની ચોથી પરિક્રમા પૂર્ણ થયા બાદ શ્રીજીના રથને જગતમંદિર પરીસરમાં આવેલ દેવકીજીના મંદિર પાસે આવેલ સ્થંભ સાથે રથને અથડવામાં આવે છે. લોક વાયકા મુંજબ શ્રીજીના રથને સ્થંભ સાથે અથડાવાથી વાદળો બંધાય છે અને સારો વરસાદ થાય તેવી લોક માન્યતા છે. શ્રીજીને ચાંદીના દિવ્ય રથપર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ હોય છે. રથયાત્રામાં જે ભક્ત ભગવાનના રથનું દોરડુ ખેચે છે ભગવાન તેના જીવનું દોરડુ ખેચે છે તેવી વાયકા છે. આ પ્રસંગે આ વર્ષે માત્ર પુજારી પરીવાર દ્વારા અષાઢી બીજની ઉજવણી કરાશે. રથયાત્રા ઉત્સવ મંગળવારના સાંજે ૪ થી ૫:૩૦ સુંધી દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં ઉજવાશે ત્યારે જનતાને પ્રવેશ નહીં અપાય. આ પછી સાંજે ૫:૩૫ થી રાત્રે ૮:૩૦ સુધી દર્શનનો લાભ ભાવિકો લઈ શકશે.